12,993 પોલીસકર્મીઓની ભરતીની વિગતો જાહેર:ઓબીસી પુરુષ કેટેગરીમા 3431 જગ્યા, જનરલ ઉમેદવારો માટે 100 પરીક્ષા ફી, અરજીથી લઈને માર્ક સુધી તમે જાણવા માગો તે બધુ જ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી માટે જાહેરાત બાદ હવે ઉમેદવારો માટે વિગતવાર સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, નેગેટિવ માર્કિંગ, અનામતના પ્રમાણપત્રો, પરીક્ષા ફી, વધારાના ગુણ અને દસ્તાવેજ ચકાસણી સહિતના નિયમો સ્પષ્ટ કરાયા છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં આ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી પડશે. ખાસ કરીને શારીરિક કસોટીમાં દોડના માપદંડ અને લેખિત પરીક્ષામાં બંને વિભાગમાં અલગથી પાસ થવાની જોગવાઈ ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ છે.
જનરલ કેટેગરી માટે રૂ.100 ફી, અન્ય કેટેગરીને મુક્તિ જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.100 પરીક્ષા ફી ઉપરાંત લાગુ પડતા બેન્ક સર્વિસ ચાર્જ ચૂકવવાના રહેશે. જ્યારે EWS, SC, ST, SEBC અને માજી સૈનિક ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફી માત્ર ઓનલાઇન ભરવાની રહેશે. ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર 2026 રાત્રે 11:59 વાગ્યા સુધીની છે.
અહીંથી અરજી કરી શકાશે ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી અંગેની વિગતવાર માહિતી અને સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
આટલી હાઈટ હશે તો સિલેક્ટ થઈ શકો દોડમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. પુરુષ ઉમેદવારો માટે સામાન્ય રીતે 165 સેમી ઊંચાઈ અને 79થી 84 સેમી છાતીનું માપ જરૂરી છે. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી રાખવામાં આવી છે. મહિલાઓ માટે સામાન્ય રીતે 155 સેમી અને મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 150 સેમી ઊંચાઈ જરૂરી છે.
લેખિત પરીક્ષામાં 200 પ્રશ્નો, 3 કલાકનો સમય શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોને બીજા તબક્કાની ઓબ્જેક્ટિવ MCQ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પરીક્ષા કુલ 200 ગુણની રહેશે, જેમાં 200 પ્રશ્નો પૂછાશે અને સમય 3 કલાકનો રહેશે. પાર્ટ-A: 80 ગુણ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન – 30 ગુણ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ – 30 ગુણ ગુજરાતી ભાષાનું કોમ્પ્રિહેન્શન – 20 ગુણ આ વિભાગમાં ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવા પડશે.
પાર્ટ-B: 120 ગુણ ભારતનું બંધારણ – 30 ગુણ વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાન્ય જ્ઞાન – 40 ગુણ ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ – 50 ગુણ આ વિભાગમાં પણ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. એટલે કે બંને વિભાગમાં અલગ-અલગ પાસ થવું જરૂરી રહેશે. માત્ર કુલ ગુણના આધારે પાસ ગણવામાં આવશે નહીં. ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે, E વિકલ્પ પસંદ કરવાથી નેગેટિવ માર્કિંગ નહીં.
લેખિત પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. દરેક પ્રશ્નમાં 'E' એટલે કે 'Not Attempted'નો વિકલ્પ આપવામાં આવશે. જે પ્રશ્નનો જવાબ ખબર ન હોય તેવા કિસ્સામાં ઉમેદવાર E વિકલ્પ પસંદ કરી શકશે. આ વિકલ્પ પસંદ કરવાથી કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં.
જોકે, કોઈ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે અથવા એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરવામાં આવે તો 0.25 ગુણ કપાશે. OMR શીટમાં સફેદ શાહીનો ઉપયોગ કરવા પર પણ જવાબ ખોટો ગણાશે અને 0.25 ગુણ કપાશે.
આ લોકોને વધારાના ગુણ મળી શકે
- NCC, RRU અને રમતવીરોને વધારાના ગુણનો લાભ
- ભરતી બોર્ડે વિશેષ ગુણભાર અંગે પણ સ્પષ્ટતા કરી છે.
- NCC 'C' સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને 2 વધારાના ગુણ મળશે.
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી એક વર્ષ કે તેથી વધુ સમયનો માન્ય કોર્સ કરનારને કોર્સના સમયગાળા મુજબ 3થી 10 ગુણ મળશે.
- એક વર્ષના કોર્સ માટે 3, બે વર્ષ માટે 5, ત્રણ વર્ષ માટે 8 અને ચાર વર્ષ કે તેથી વધુ સમયના કોર્સ માટે 10 વધારાના ગુણ મળશે.
- નિર્ધારિત શરતો પૂર્ણ કરતા રમતવીરોને લેખિત પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના 5 ટકા વધારાના ગુણ મળશે.
- પુનઃલગ્ન ન કરનાર વિધવા મહિલા ઉમેદવારોને પણ લેખિત પરીક્ષાના કુલ ગુણના 5 ટકા વધારાના ગુણ મળશે.
- આ માટે નિમણૂક સમયે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ખાલી જગ્યાના આશરે બમણા ઉમેદવારો બોલાવાશે લેખિત પરીક્ષાના ગુણ અને નિયમ મુજબ મળવાપાત્ર વધારાના ગુણના આધારે મેરિટ તૈયાર કરાશે. ત્યારબાદ ખાલી જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી વખતે ઉમેદવારોએ કેડરની પસંદગીનો ક્રમ આપવાનો રહેશે. એક વખત પસંદગીનો ક્રમ આપ્યા બાદ તેમાં ફેરફાર કરી શકાશે નહીં.
એકથી વધુ અરજી કરી તો છેલ્લી કન્ફર્મ અરજી જ માન્ય બોર્ડે ઉમેદવારોને એક જ અરજી કરવા સૂચના આપી છે. જો કોઈ ઉમેદવાર એકથી વધુ અરજી કરશે તો છેલ્લે કન્ફર્મ કરેલી અરજી માન્ય ગણાશે અને અગાઉની અરજીઓ રદ થશે. અગાઉની અરજી સાથે ભરેલી ફી છેલ્લી અરજી સામે ગણવામાં આવશે નહીં. એકથી વધુ અરજી સાથે ભરેલી ફી પણ પરત મળશે નહીં.
અરજીમાં આપેલો મોબાઇલ નંબર બદલવો નહીં બોર્ડે ઉમેદવારોને અરજીમાં પોતાનો ચાલુ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી આપવા સલાહ આપી છે. ભરતી સંબંધિત સૂચનાઓ SMS મારફતે મોકલાશે. તેથી અરજી વખતે આપેલો મોબાઇલ નંબર ચાલુ રાખવો જરૂરી છે. અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવી રાખવાની રહેશે.
પાંચ વર્ષનો કરાર અને માસિક રૂ.26 હજાર ફિક્સ પગાર બિનહથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ તરીકે પસંદ થયેલા ઉમેદવારો માટે પાંચ વર્ષનો કરાર આધારિત સમયગાળો રહેશે. આ દરમિયાન હથિયારી કોન્સ્ટેબલ (SRPF) સહિત માસિક રૂ.26,000નું ફિક્સ વેતન મળશે. કરારનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ નિયમ મુજબ નિયમિત પગારધોરણમાં નિમણૂક આપવામાં આવશે. આ ઉમેદવારોએ નિમણૂક બાદ બે વર્ષમાં લાઇટ મોટર વ્હીકલ અથવા હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ મેળવી લેવાનું રહેશે. અન્ય લોકરક્ષક કેડરના ઉમેદવારોએ પણ કરારના સમયગાળા દરમિયાન આ લાઇસન્સ મેળવવાનું રહેશે.
ભરતી અંગે પૂછપરછ માટે ટોલ ફ્રી નંબર ભરતી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે બોર્ડે ટોલ ફ્રી નંબર 1800 233 5500 જાહેર કર્યો છે. આ નંબર પર 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર 2026 દરમિયાન સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધી (રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય) પૂછપરછ કરી શકાશે.
