30 ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા કોંગ્રેસનું અલ્ટીમેટમ:જો જાહેર ન કરે તો 31મીએ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું મહાસંમેલન યોજશે, પાલ આંબલિયાએ કહ્યું-સરકારને પેટમાં શું દુખે છે
મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરતા ગુજરાતમાં પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા કોંગ્રેસ લડી લેવાના મૂડમાં આવી ગયું છે. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા 30 ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ જાહેર કરવાનું સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો તે જાહેર નહીં કરવામાં આવે તો 31 ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને ‘ખેડૂત મહાસંમેલન’ યોજવામાં આવશે અને આંદોલન કરવાની તૈયારી દર્શાવામાં આવી છે.
ટ્રેક્ટર રેલીની જેમ મોટી રેલી નીકાળવાનું પણ આયોજન અનેક જિલ્લાઓ અને તાલુકાઓ એવા છે કે જ્યાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જેથી જે જિલ્લાઓમાં અને તાલુકાઓમાં ઓછો વરસાદ થયો છે તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેમજ કોંગ્રેસે સરકારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને વીજ લાઇનમાં માર્કેટ ભાવના 4 ગણા આપવા બાબતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા માગણી નહીં સ્વીકારવામાં આવે તો 31 ઓક્ટોબર બાદ કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલીની જેમ મોટી રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
'દ્વારકામાં 16 અને કલ્યાણપુરમાં 7 ટકા વરસાદ નોંધાયો છે' કિસાન નેતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહિ, ખેડૂતભક્ષી સરકાર છે. કુદરત નારાજ થયો છે જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ ઉત્તર ગુજરાતમાં દુષ્કાળગ્રસ્તના ડાકલા વાગી રહ્યા છે અને સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા જ્યારે આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ જિલ્લા પ્રમાણે જોઈએ તો દ્વારકા જિલ્લામાં માત્ર 16 ટકા છે અને કલ્યાણપુર તાલુકામાં માત્ર 7 ટકા વરસાદ નોંધાયો છે એવા સમયે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાને બદલે NPK ખાતરમાં થેલીએ 500 રૂપિયા વધારી ખેડૂતોના ખિસ્સામાં ખાતર પાડી રહી છે આ એટલું ઓછું હોય તેમ સરકારે કાલે ખેડૂતોને અપાતી વિજળીમાં 4 થી 6 કલાક કાપ આપવાની જાહેરાત કરી છે.
'દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો ગુજરાત સરકારને પેટમાં શું દુખે છે?' વધુમાં પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, આખા ભારતમાં સૌથી ઓછો વરસાદ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં નોંધાયો છે. જ્યારે કર્ણાટક, મહારાષ્ટ્ર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તો ગુજરાત સરકારને શું પેટમાં દુઃખે ? વીજ લાઈનોમાં સરકાર શા માટે બિન ખેતીના વેલ્યુઅર પાસે ખેતીની જમીનનું મુલ્યાંકન કરાવે છે ? 30 ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 31 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લાના ખેડૂતોને સાથે રાખી મહા સંમેલન યોજવામાં આવશે.
