કેન્દ્રના સ્વચ્છ સર્વેક્ષણના એવોર્ડમાં કોંગ્રેસને વિશ્વાસ નહીં:વાસ્તવિક સ્થિતિ ન દર્શાવી અવાસ્તવિક રીતે સ્વચ્છતામાં નંબર આપ્યાનો આક્ષેપ, સ્વચ્છતાનો સર્વે કરવા QR કોડ પણ જાહેર કર્યો
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26 જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ કેટેગરીમાં ગુજરાતના ત્રણ શહેરોએ બાજી મારી હતી. જેમાં સ્વચ્છ જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદને દેશના પ્રથમ સ્થાન મળ્યું હતું. જ્યારે સુપર સ્વચ્છ લીગમાં સુરત બીજા બીજા નંબર રહ્યું અને રાજ્યમાં સૌથી સ્વચ્છ કેટેગરીમાં વડોદરાને એવોર્ડ મળ્યો હતો. જો કે તેની જાહેરાત બાદ હવે કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત કોંગ્રેસને વિશ્વાસ નથી. જેથી ગુજરાત કોંગ્રેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કોંગ્રેસ અલગથી સ્વચ્છતા સર્વે કરશે. જે માટે નાગરિકોના અભિપ્રાય લેવા માટે QR કોડ જાહેર કરવામાં આવ્યો છે.
16 ડિસેમ્બર સુધી QR કોડમાં અભિપ્રાય મોકલી શકાશે સ્વચ્છ સર્વેક્ષણમાં આવેલા લોકોને શહેરની વાસ્તવિક સ્થિતિ ન બતાવી હોવાનો આક્ષેપ કરાયો છે. અવાસ્તવિક રીતે સ્વચ્છતામાં નંબર મેળવી વાહવાહી લૂંટવામાં આવતી હોવાનો દાવો કરી ગુજરાત કોંગ્રેસે પોતાની રીતે શહેરો કેટલો સ્વચ્છ છે તેનો સર્વે કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રના સર્વેમાં કરાયેલ પ્રશ્નો કોંગ્રેસ QR કોડ મારફતે જનતા સર્વેમાં કરશે. આગામી 16 ડિસેમ્બર સુધી QR કોડ મારફતે જનતાના અભિપ્રાય મેળવીને એવોર્ડ મળ્યા છે તે શહેરો વાસ્તવિકમાં કેટલા સ્વચ્છ છે તેનું પરિણામ પણ કોંગ્રેસ જાહેર કરશે.
'સર્વેનો ઓનલાઇન કોઈ ડેટા જાહેર કરાયો નથી' ગુજરાત કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત અને વડોદરા અલગ અલગ કેટેગરીમાં સ્વચ્છ શહેર તરીકે આવ્યું હોવાનું કહી ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે. પરંતુ શહેર સ્વચ્છતામાં વાસ્તવિક રીતે નંબર વન બનવું જોઈએ, અવાસ્તવિક રીતે નહીં. આ નંબર આપતા પહેલા સર્વે કરવામાં આવ્યો હતો તેમાં કોને ભાગ લીધો તેનો કોઈ ડેટા નથી. એક જ વ્યક્તિ અનેક વખત સર્વે કરે તો આ તો ભાજપના મિસકોલથી બનેલા મેમ્બરશીપ જેવો સર્વે છે. માત્ર 3000 સર્વેયર મુકાયા હતા, અને એને પણ જે તે શહેરમાં આવે એટલે સરસ મજાની હોટેલોમાં કે પછી સર્કિટ હાઉસમાં રાખવાના અને મનગમતી સિંધુભગત જેવી જગ્યા ઉપર બતાવીને એને એ ટાઈપ સર્વે કરાવી દેવાનું એટલે સાઇટ સર્વેની અંદર પણ ગોટાળા છે. સર્વે જે ઓનલાઇન કરવામાં આવે તેનો પણ કોઈ ડેટા જાહેર કરાયો નથી.
'શહેરોને કાગળ પર જ સ્વચ્છ બનાવાયા, હકીકતમાં નથી' 'રિસાયકલિંગની થાય છે તે જગ્યા પણ સર્વે દરમિયાન બતાવવામાં આવી નથી. અમદાવાદ શહેરમાં કોઈપણ જગ્યાએ સૂકો કે ભીનો કચરો અલગ અલગ રીતે લેવામાં આવતો નથી. કચરાની ગાડીમાં બે ભાગ છે જેમાં અંદર કોઈ કમ્પાર્ટમેન્ટ જ નથી કે કચરો અલગ અલગ રહે. શહેરોને સ્વચ્છ બનાવવાની વાત છે તે કાગળ પર જ બનાવવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં શહેરો સ્વચ્છ નથી.સ્વછતા બાબતે કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તેમાં એક એજન્ડાની નકલ અમને મળી છે. અમદાવાદના જાહેર શૌચાલયની ફિઝિબિલીટી સર્વે ચેક કરવા માટે રૂ. 15 હજાર ટેન્ડર વગર એક કંપનીને આપવામાં આવે છે. શૌચાલયનું મીનીએચર બનાવવા માટે 40 હજાર રૂપિયા આપવામાં આવે છે. તેમજ ડિઝાઇનના એક લાખ રૂપિયા ટેન્ડર વગર આપવામાં આવ્યા છે.'
'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટરની ઓફિસનું શૌચાલય જ સ્વચ્છ નથી' 'જનતાના રૂપિયા જનતા માટે વાપરવા જોઈએ. સર્વેના ચસકા ભ્રષ્ટાચાર અને ધન કમાવવા માટે બની ગયા છે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરાના લોકોને સર્વેમાં જે સવાલ પૂછવામાં આવ્યા હતા તે પ્રશ્ન અમે નાગરિકોને પૂછીને સર્વે કરીશું. જે માટે એક QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના આધારે તમારું શહેર કેટલું સ્વચ્છ છે તે માટે લોકોના જવાબ માંગીને સર્વે કરીશું. એક મહિના માટે એટલે 16 ડિસેમ્બર સુધી નાગરિકોના QR કોડ મારફતે જવાબ માગી તે બાદ શહેર કેટલું સ્વચ્છ છે તેનું પરિણામ જાહેર કરીશું. મેયર જઈને એવોર્ડ લઈ આવ્યા પરંતુ હજુ મેલ મળ્યો નથી કે કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. શહેર સંપૂર્ણ રીતે અસ્વચ્છ છે અને સત્તાધીશો વાહવાહીમાં લાગ્યા છે. અમદાવાદ શહેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે સમગ્ર કામગીરીની દેખરેખ રાખે છે તેના ડાયરેક્ટરની ઓફિસનું શૌચાલય જ સ્વચ્છ નથી.'
'શહેરમાં 24 ટકા લોકોને શુધ્ધ પાણી મળતું જ નથી' ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મહાનગરમાં સ્વછતા સર્વેક્ષણમાં રાષ્ટ્રીય કક્ષાએ કોઈપણ શહેરને એવોર્ડ મળે તો ગુજરાતી તરીકે ગૌરવ થાય. પરંતુ કામગીરીનું વાસ્તવિક મૂલ્યાંકન થવું જોઈએ. ચાર મહાનગરપાલિકાનું હજારો કરોડનું બજેટ હોય છે. તેમજ શહેરમાં રહેતા નાગરિકો પાસેથી ટેક્સ પણ વધુ વસૂલવામાં આવે છે. પરંતુ સ્વછતાના માપદંડ સાથે ગોઠવણ થાય અને આખી વ્યવસ્થામાં મૂલ્યાંકન પધ્ધતિ પર સવાલ ઊભા થાય છે.
'અમદાવાદ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા ભાજપનું વ્યવસ્થાનું મોડલ રોડ પર દેખાય જ છે. સામાન્ય માણસ અહેસાસ કરે કે શહેર સાચી રીતે સ્વચ્છ થઈ રહ્યું છે તેવું કામ કરવું ખૂબ જરૂરી છે. જજીસ બંગલો, સિંધુ ભવન રોડ પર ખૂબ સ્વછતા જોવા મળે છે પરંતુ અન્ય વિસ્તારમાં સ્વછતા જોવા મળતી નથી. જનતાનો અભિપ્રાય લેવા માટે અમે જાહેરાત કરીશું અને સ્વરછતા પાછળ કરોડો રૂપિયા ક્યાં ખર્ચ થઈ રહ્યા છે, તેનો કોર્પોરેશને જવાબ આપવો જોઈએ. દેશમાં 50 શહેરનું હવાનું પ્રદૂષણ ખૂબ ખરાબ છે તેમાંથી અમદાવાદ શહેર 44માં નંબર પર છે. અમદાવાદ શહેરમાં 24 ટકા લોકોને શુધ્ધ પાણી મળતું જ નથી. લોકોને સ્વચ્છ શહેર વાસ્તવિક રીતે મળે તેવી કામગીરી થવી ખૂબ જરૂરી છે.'
પ્રગતિ અને સફળતા સામે વિરોધનો આક્ષેપ ગુજરાતને સ્વચ્છતા સંદર્ભે મળેલા એવોર્ડ્સ અંગે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર ગુજરાત ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને હંમેશાં અમદાવાદ, ગુજરાત કે દેશની કોઈ પણ પ્રગતિની વાત હોય કે સફળતા હોય, તે આંખના કણાની જેમ ખૂંચે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીની જેમ જ કોંગ્રેસના અન્ય નેતાઓમાં પણ દરેક મુદ્દે વાંધો લેવો અને વિરોધ કરવો એ કામ કરવાની પદ્ધતિ બની ગઈ છે અને અમદાવાદ કે ગુજરાતના કોઈ પણ શહેરની સફળતામાં અદેખાઈ કરવી એ તેમનો સ્વભાવ બની ગયો છે.
સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડો અને પ્રક્રિયા સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા સમજાવતાં ડૉ. પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ જાણવું અને સમજવું જોઈએ કે સ્વચ્છતા સર્વેક્ષણ કેવી રીતે થાય છે અને તેના કયા માપદંડો છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશની અલગ-અલગ શ્રેણીની અર્બન બોડીઝનો સમાવેશ થાય છે, જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરો, 40થી 50 લાખની વસ્તી ધરાવતાં શહેરો, 10 લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરો તથા નગરપાલિકાઓ સામેલ હોય છે, અને આ જુદા જુદા માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.
તંદુરસ્ત સ્પર્ધા અને જનજાગૃતિનો હેતુ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણનો મુખ્ય હેતુ આંતરિક રીતે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી નગરપાલિકાઓથી લઈને મહાનગરો સુધીની તમામ અર્બન બોડીઝ સ્વચ્છતા માટે વધુ પ્રયત્નશીલ બને, સ્થાનિક જનતા તેમાં જોડાય અને લોકોમાં જાગૃતિ વધે. ભૂતકાળમાં ઇન્દોરને પણ પ્રથમ સ્થાન મળ્યું હતું અને દેશનાં જુદાં જુદાં રાજ્યોની વિવિધ અર્બન બોડીઝને પણ આ પ્રકારના ક્રમાંક મળતા હોય છે. અંતે તેમણે કોંગ્રેસને વિનંતી કરી હતી કે તેઓ પૂર્વગ્રહ દૂર કરીને ખુલ્લી આંખે સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડોનો અભ્યાસ કરે, ઈર્ષ્યાભરી દૃષ્ટિ છોડીને જાહેર હિતમાં વિચાર કરે અને બિનજરૂરી રીતે લોકોને ઉશ્કેરવાનું બંધ કરે.
