ભાજપના ‘લોકતંત્ર બચાવો’ અભિયાન સામે કોંગ્રેસની ‘સંવિધાન રક્ષા માર્ચ’:25મીએ રાજીવ ગાંધી ભવનથી માર્ચ યોજશે, જનતાના હક-અધિકારીઓ માટે સંવિધાનનું રક્ષણ કરવા કાર્યકરો પ્રતિજ્ઞા લેશે
ગુજરાત કોંગ્રેસ સંવિધાન દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજશે. SIR પ્રક્રિયામાં કરોડો લોકોના નામ ખોટી રીતે કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગને લઈ અગાઉ વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવી હતી. જો કે તેની સામે ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન શરૂ કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી સહિત કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. જો કે હવે ભાજપ સામે કોંગ્રેસ દ્વારા સંવિધાન દિવસ નિમિતે લોકશાહી અને સંવિધાનના રક્ષણ માટે સંવિધાન રક્ષા માર્ચનું આયોજન છે.
25 નવેમ્બરે રાજીવ ગાંધી ભવનથી સંવિધાન રક્ષા માર્ચ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં 26 નવેમ્બરના સંવિધાન દિવસ પર દરેક રાજ્યમાં મોટા કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે બાદ મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા દરેક રાજ્યના પ્રદેશ પ્રમુખોને સંવિધાન દિવસ મોટા કાર્યક્રમ કરવા અને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા માટે સૂચના આપી હતી. તેને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા 25 નવેમ્બરે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનથી સંવિધાન રક્ષા માર્ચનું આયોજન છે. લોકશાહીને ખતમ કરવાના અને જનતાના અધિકારો છીનવવાના ષડયંત્રોના આક્ષેપ સાથે ગુજરાતની જનતાનો હક અને અધિકારીના રક્ષણ માટે આ માર્ચ યોજવામાં આવશે.
બંધારણના પ્રસ્તાવનાનો પાઠ કરવા પ્રતિજ્ઞા લેવડાવાશે પાલડીમાં રાજીવ ગાંધી ભવન પર સંવિધાન માર્ચમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની સાથે સાથે દરેક જિલ્લાઓમાંથી મોટી પણ સંખ્યામાં લોકો જોડાશે. જેમાં બંધારણના સ્થાપકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામુહિક રીતે બંધારણના પ્રસ્તાવનાનો પાઠ કરવા અને તેના મૂળ મૂલ્યો પર ભાર મૂકી તેનું રક્ષણ કરવા કાર્યકર્તાઓને પ્રતિજ્ઞા લેવડાવવાની પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે.
