યુનિવર્સિટી-કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા GSETની પરીક્ષા:અમદાવાદ સહિત 13 સેન્ટર પર 49 હજારથી વધુ ઉમેદવારની કસોટી, નવા 3 વિષય ઉમેરાયા
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા આજે રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર ભરતી માટેની લાયકાત નક્કી કરવા GSET ( ગુજરાત સ્ટેટ એલિજિબિકીરી ટેસ્ટ )ની પરીક્ષા લેવામાં આવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 13 સેન્ટર પર પીજી લેવલની ડિગ્રી મેળવનારા 49 હજારથી વધુ ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. ત્રણ નવા ઇન્ડિયન કલ્ચર, યોગા, સ્ટેટેટિક્સ જેવા વિષયો સાથે 36 અલગ અલગ વિષયમાં ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે.
વર્ષ 2025 કરતા આ વર્ષે 7 હજાર ઉમેદવાર વધુ અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત કોમર્સ કોલેજ, સોમ લલિત સ્કૂલ, ઉમિયા આર્ટસ અને કોમર્સ કોલેજ સહિતના સેન્ટર પર 9 હજાર ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી રહી છે. અત્યાર સુધી 33 વિષયની પરીક્ષા યોજવામાં આવતી હતી, જ્યારે આ વખતે તેમાં 3 વિષય ઉમેરી 36 વિષયની પરીક્ષા લેવામાં આવી રહી છે. વર્ષ 2025માં GSETની પરીક્ષા માટે 42,800 ઉમેદવારો નોંધાયા હતા.
પ્રથમ 100 અને બીજું 200 માર્કનું પેપર રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની લાયકાત નક્કી કરવા પરીક્ષા લેવામાં આવી. સવારે 9.30થી બપોરે 12.30 સુધી પરીક્ષા છે. ત્રણ કલાકમાં પહેલું જનરલનું પેપર 100 માર્ક્સનું અને બીજું મુખ્ય વિષયનું પેપર 200 માર્ક્સનું છે. દરેક સાચા જવાબના 2 માર્ક્સ છે, ખોટા જવાબના કોઈ નેગેટિવ માર્કિંગ નથી. દરેક પરીક્ષા સેન્ટર પર કોઈ ગેરરીતિ ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી. વહેલી સવારથી ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા હતા.
ઉમેદવારોને તપાસ બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો ગુજરાત કોલેજ ખાતે GSETની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પૂરતી ચકાસણી બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મુખ્ય પ્રવેશદ્વાર પર ઉમેદવારોનું ફ્રિસ્કિંગ કરવામાં આવ્યું હતું અને મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, કેલ્ક્યુલેટર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ સાથે ન હોય તેની ખાતરી કરવામાં આવી હતી.
'આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લાગી શકું તેવી આશા' પાલનપુરથી આવેલા ઉમેદવાર નિશા પરમારે જણાવ્યું હતું કે, મારી GSETની અંગ્રેજી વિષયની પરીક્ષા છે. હું છેલ્લા બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહી છું. જો કે આ પરીક્ષા પહેલી વખત આપી રહી છું, પરંતુ અગાઉ UGC NETની પરીક્ષા આપી હતી. GSET અને UGC NET બંનેના સિલેબસ સરખા હોય છે. UGC NETમાં ક્રોનોલોજી વધારે હોય છે. જેથી આ GSETનો સિલેબસ જોયો ત્યારે આ સરળ લાગી રહ્યો છે. NETમાં અમેરિકન લિટરેચરનું વધારે પૂછવામાં આવતું હોય છે. ગયા વર્ષે પેપર સરળ પૂછાયું હતું જેથી આશા છે કે આ વખતે પણ પેપર સરળ પુછાય. GSET અને UGC NET બંને પરીક્ષા પાસ અને Phdમાં એડમિશન મળે અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લાગી શકું તેવી આશા છે.
'એક જ વારમાં પરીક્ષા પાસ થઈ જાવ તો સારું' અમદાવાદના ઉમેદવાર વ્રજ પટેલે જણાવ્યું હતું કે, હું છેલ્લા દોઢ વર્ષથી તૈયારી કરી રહ્યો છું, આજે મારી કોમર્સ વિષયની પરીક્ષા છે. GSET અને UGC NET બંને માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. GSETની પરીક્ષાને લઈને પણ ખૂબ મહેનત કરી છે. પહેલી વખત પરીક્ષા છે તો આશા છે કે એક જ વારમાં પરીક્ષા પાસ થઈ જાવ. હું એકાઉન્ટમાં પ્રોફેસર બનવા માંગુ છું જેથી એકાઉન્ટ વિષય પર વધારે ફોકસ આપ્યું છે.
