TAT HSના ઉમેદવારોના આંદોલનને કોંગ્રેસનું સમર્થન:સરકારને ઝુકાવી ઉમેદવારોની માંગણી સ્વીકારવા મજબૂર કરીશું: નૌશાદ સોલંકી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી TAT HS ની પરીક્ષાના બંને પેપરના માર્ક્સ અલગ અલગ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જો કે પોલીસ દ્વારા તેમના સામે અટકાયત કરવાની કાર્યવાહી કરવામાં આવતા અને તેમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હવે કોંગ્રેસ મેદાને આવી રહ્યું છે.
TAT HSના આંદોલનને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરી સરકારને ઝુકાવી ઉમેદવારોની માંગણીઓ સ્વીકારવા મજબૂર કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.
47 હજાર લાયક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી TAT HSની રાજ્યભરમાંથી અંદાજે 47 હજાર લાયક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં માત્ર 16 હજાર જ ઉમેદવારો પાસ થયા હતા. જ્યારે બાકીના 30 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી પરીક્ષા બાદ પેપર ચકાસણી કરવામાં આવી, તેમાં ઉમેદવારોને વિશ્વાસ નથી. જેના કારણે ન્યાય અપાવવાની માંગ સાથે પેપરનું ચકાસણી ફરી કરવામાં આવે તેવી માંગ ઉઠી. જેને લઈ છેલ્લા ઘણા દિવસથી ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા.
નૌશાદ સોલંકીએ ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો માંગણીઓને લઈને ઉમટી પડ્યા હતા. જેથી પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલન કરી રહેલા TAT HS ઉમેદવારોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ઉમેદવારોની માંગણીઓ સ્વીકારવાના બદલે અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ મેદાને આવી ગયું છે. કોંગ્રેસ નેતા અને AICC અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય સંયોજક નૌશાદ સોલંકીએ ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ નથી તો પરીક્ષાઓને પોતાની ઉત્તરવહી બતાવવામાં વાંધો શું છે તેને લઈને કોંગ્રેસે સવાલ કર્યાં. તેમજ ઉમેદવારોના આંદોલનને સમર્થન આપવાની અને તેમની સાથે જોડાઈને સરકારને ઝુકાવી માંગણીઓ સ્વીકારવા મજબૂર કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી.
'અન્યાય થયો એટલે આંદોલન કરી રહ્યા છે' AICC અનુસૂચિત જાતિ વિભાગના રાષ્ટ્રીય સંયોજક નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી TAT HSના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. તો તેમની માંગણી એવી છે કે, જે પરીક્ષા આપી છે તેના પ્રશ્નપત્રના જવાબો તેમને ચકાસવા છે. તેમને શંકા છે કે કોઈ કૌભાંડ થયું છે અને પસંદગીના લોકોને પાસ કરી દેવામાં આવ્યા છે. ત્રણ ત્રણ વર્ષથી જે લોકો મહેનત કરતા હતા પોતાનું ઘર છોડીને ગાંધીનગરમાં હોસ્ટેલમાં રહીને તૈયારી કરતા હતા તેમના સાથે અન્યાય થયો હોવાનું સામે આવતા તે લોકો આંદોલન કરી રહ્યા છે.
'કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ઉમેદવારોના આંદોલનમાં જોડાશે' વધુમાં નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે આંદોલન કરતા ઉમેદવારોને પોલીસ દ્વારા ડિટેન કરીને પોલીસ સ્ટેશન કે અન્ય જગ્યાએ લઈ જવામાં આવે છે. તેમજ આજે પણ આ લોકોને ડિટેન કરીને લાવવામાં આવ્યા છે. સરકારની અમારે સ્પષ્ટ વિનંતી છે કે, ઉમેદવારોની માંગણી સ્વીકારવામાં આવે. કોંગ્રેસ પક્ષ ઉમેદવારોના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ઉમેદવારોના આંદોલન સાથે જોડાઈ સરકારને ઝુકાવશે અને ઉમેદવારોની માંગણી સ્વીકારવા માટે સરકારને મજબૂર થવું પડશે. ઉમદેવારો જે લડાઈ લડી રહ્યા છે તેના જોતા લાગે છે કે આગામી સમયમાં ક્રાંતિના બીજ અચૂક રોપાશે.
