સેવા:કોરોનામાં મૃત્યુ પામેલા વાલીનાં સંતાનોને ફ્રી એજ્યુકેશન અપાશે
- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય 8 હજાર સ્કૂલમાં લાગુ થશે
કોરોનાને કારણે મૃત્યુ પામેલાં લોકોનાં સંતાનોનું શિક્ષણ યોગ્ય રીતે થાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે તેમને ફ્રીમાં ભણાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની અસર મહામંડળ સાથે જોડાયેલી રાજ્યની 8 હજાર જેટલી સ્વનિર્ભર સ્કૂલોને થશે. કુટુંબના લોકો સ્કૂલમાં કોરોનાને કારણે મૃત્યુ થયું હોવાના દસ્તાવેજો જમા કરાવીને ફી માફીનો લાભ લઈ શકશે.
કોરોનામાં મૃત્યુ પામેલાં લોકોનાં બાળકો સ્કૂલનું શિક્ષણ યોગ્ય રીતે મેળવી શકે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પોતાના સભ્યોને જણાવ્યું છે કે, સ્કૂલો એવા બાળકોની ફી માફ કરે કે જેઓના વાલી કોરોનામાં મૃત્યુ પામ્યા હોય. સમાજના ઘડતરમાં અને બાળકોના ભવિષ્ય માટે સ્કૂલ સંચાલકોએ આ નિર્ણય લઈને બાળકોના અભ્યાસમાં મદદ કરવી.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા ડો. દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે અમારા સંગઠન સાથે જોડાયેલી રાજ્યની 8 હજાર જેટલી સ્કૂલોમાં આ યોજનાનો અમલ કરાશે.