સર્કલ બનાવવા પોલીસે પહેલા હા અને પછી ના પાડતા વિવાદ:14 એપ્રિલે સર્કલનું અનાવરણ થાય તે પહેલા જ પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો, લોકોએ ડો. આંબેડકરની મૂર્તિનું સ્થાપન કર્યું
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસના પોઝિટિવ અભિપ્રાય બાદ વિપક્ષના ત્રણ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સર્કલનું નિર્માણ કરાયું હતું. સર્કલ પર ડો. આંબેડકરની પ્રતિમાનું સ્થાપન કરી 14મી એપ્રિલે અનાવરણ થવાનું હતું. પરંતુ, તે પહેલા જ આ વિસ્તારમાં ટ્રાફિક થતો હોવાના કારણે હવે પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. જેના કારણે શનિવારે લોકો એકત્ર થઈ ગયા હતા અને સર્કલ પર ડો. આંબેડકરની પ્રતિમાનું વહેલું સ્થાપન કરી દીધું હતું.
મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પર સર્કલનું નિર્માણ કરાયું મળતી માહિતી મુજબ મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પાસે નવું ટ્રાફિક સર્કલ બનાવવા માટે કુબેરનગર વોર્ડના કોંગ્રેસ- NCPના ત્રણ કોર્પોરેટર નિકુલસિંહ તોમર, ઉર્મિલાબેન પરમાર અને કામિનીબેન ઝા દ્વારા પાંચ પાંચ લાખ એમ કુલ 15 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સર્કલ બનાવવા ટ્રાફિક ડીસીપીનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. જેમાં પોઝિટિવ અભિપ્રાય આપવામાં આવતાની સાથે સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રામેશ્વર સર્કલની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ પોલીસે ટ્રાફિકના કારણે નેગેટિવ અભિપ્રાય આપ્યો હોવાની કોર્પોરેટરોને જાણે થઈ હતી.કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આ બાબતે તપાસ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસમાં રામેશ્વર ચાર રસ્તા પાસે મોટા ભારે કાર્ગો વાહનો અને અન્ય વાહનો પસાર થતા હોવાના કારણે ટ્રાફિક થાય તેમ છે જેના કારણે નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
14 એપ્રિલે સર્કલનું લોકાર્પણ થવાનું હતું રામેશ્વર ચાર રસ્તા પાસે કોંગ્રેસ- NCP કોર્પોરેટરોના બજેટમાંથી બનાવવામાં આવેલા સર્કલમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી અને આગામી 14 એપ્રિલના રોજ ઉદ્ઘાટન પણ કરવાનું હતું. સ્થાનિક ત્રણ કોંગ્રેસના કોર્પોરેટરો અને અગ્રણીઓના નામ સાથેનું પોસ્ટર પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ, ટ્રાફિકના કારણે પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો હોવાની જાણ થતા લોકો એકત્ર થઈ ગયા હતા અને ડો. આંબેડકરની પ્રતિમાનું વહેલા સ્થાપન કરી દીધું હતું.
પોલીસે ત્રણ વખત પોઝિટિવ અભિપ્રાય આપ્યા બાદ અમે સર્કલ બનાવ્યું- નિકુલસિંહ તોમર NCPના કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્વારા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે કુબેરનગર વોર્ડના NCP - કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા 15 લાખ રૂપિયા નું બજેટ ફાળવવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ વખત પોઝિટિવ અભિપ્રાય આપવા આવ્યા બાદ સર્કલ બનાવવામાં આવ્યું હતું. સર્કલ બનાવ્યા બાદ રાજકીય વિવાદ ઉભો કરાયો હતો. બીજા ધારાસભ્યો અને કોર્પોરેટરોના નામ ન લખાયા તેને લઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. અસારવા અને નરોડા વિધાનસભા બંને લાગુ પડે છે ત્યારે તેઓના બજેટ લઈ અને સાથે સર્કલ બનાવવામાં આવે તે બાબતને લઈ અને વિવાદ ઊભો થયો અને ત્યારબાદ બધુ અટકી ગયું હતું. જોકે ત્યારબાદ સ્થાનિક લોકોએ સાથે રહીને ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ત્યાં મૂકી દીધી છે.
શું કહી રહ્યા છે નરોડાના ધારાસભ્ય? નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, રામેશ્વર ચાર રસ્તા પાસે જે સર્કલ બનાવવાની વાત હતી. તેમાં સાથે મળીને બજેટ ફાળવીને બનાવવામાં આવે તેને લઈને જે વાત થઈ હતી તેનો કોઈ હવે પ્રશ્ન નથી. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને તેના કારણે સર્કલને દૂર કરવાની વાત હતી. આટલી બાબત મારા ધ્યાન ઉપર અત્યારે આવી છે.
અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્યના બજેટ ફાળવવા અંગેની વાત ઉપજાવી કાઢેલી છે. ટ્રાફિક પોલીસ દ્વારા નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે. લોકો દ્વારા પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી હતી કે આ જગ્યા ઉપર ખૂબ ભારે વાહનો હોવાના કારણે ટ્રાફિક થાય છે જે બાદ ટ્રાફિક ના કમિશનર દ્વારા કમિટી બનાવવામાં આવી હતી અને તેમના નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યા હતા. આ બાબતે કોઈ ભાજપના ધારાસભ્યના બજેટ ફાળવવા બાબતની કોઈ વાત નથી.
પોઝિટિવ અભિપ્રાય બાદ સર્કલ બનાવ્યું હતું, બન્યા બાદ ટ્રાફિક થતા નેગેટિવ અભિપ્રાય આવ્યો- ડેપ્યુટી કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખાનામાંએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રામેશ્વર ચાર રસ્તા પાસે સર્કલ બનાવવા માટેની રજૂઆત આવી ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો જે અભિપ્રાય પોઝિટિવ આવ્યા બાદ કોર્પોરેશન તરફથી ટ્રાફિક સર્કલ બનાવવામાં આવ્યું હતું. જોકે ટ્રાફિક સર્કલ બન્યું ત્યારે વધારે ટ્રાફિક થઈ રહ્યો છે તેવું સામે આવ્યું હતું કારણ કે સવારે કડિયા નાકું ભરાય છે. લક્ઝરી બસો આવે છે અને સાંજે ભારે કાર્ગો વાહનો ત્યાંથી પસાર થાય છે જેથી વધારે ટ્રાફિક થયો હોવાનું સામે આવતાં ફરી એકવાર ટ્રાફિક ડીસીપીની મુલાકાત કરાવી હતી જે મુલાકાત બાદ ટ્રાફિક જેસીપી દ્વારા એક કમિટી બનાવી અને આ સમગ્ર મામલે તપાસ કરી અને તેમના વિવિધ મુદ્દાઓ સાથે નેગેટીવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
આ બાબતે ટ્રાફિક ડીસીપી (વહીવટ) બળદેવસિંહ વાઘેલાનો ટેલિફોનીક સંપર્ક કરતાં તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.
