ખોટમાં જતી બસોથી આવક ઊભી કરવા પ્રયાસ:AMTSની બસો લગ્ન પ્રસંગ માટે સસ્તા ભાવે ભાડે આપવા માટે ભાડું ઘટાડશે
લગ્ન પ્રસંગમાં મહેમાનોને લાવવા લઈ જવા માટે અમદાવાદમાં AMTSની બસ ભાડે આપવામાં આવે છે જોકે બસનું ભાડુ ખૂબ વધારે હોવાના કારણે નાગરિકો આ સેવાનો ઉપયોગ કરીના રહ્યા હોવાનું ધ્યાને આવતા હવે લગ્ન પ્રસંગમાં બસ ભાડે લેવા માટેના ચાર્જમાં ઘટાડો કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જેથી આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે બસ ભાડે આપવા માટે ચાર્જમાં ઘટાડો કરવામાં આવી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે મોંઘું ભાડું, ઓછી મુસાફર ક્ષમતા અને બુકિંગની જટિલ પ્રક્રિયાના કારણે લગ્ન પ્રસંગની AMTS બસ સેવાનો ખૂબ ઓછા લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ ભાડા અને બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સામાન્ય ભાડું રાખવા માટે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે. હાલમાં લગ્ન પ્રસંગ માટે AMTS બસ ભાડે લેવા માટે જવા માટે 4 હજાર રૂપિયા અને પરત આવવા માટે 4 હજાર રૂપિયા, એટલે કે કુલ 8 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. આટલું ભાડું ચૂકવ્યા બાદ બસમાં આશરે 30 મુસાફરો જ બેસી શકે છે. જ્યારે ખાનગી લક્ઝરી બસમાં આશરે 5 હજાર રૂપિયાના ભાડામાં 50 જેટલા મુસાફરોને લાવવા-લઈ જવાની સુવિધા મળતી હોવાનું સામે આવ્યું છે. પરિણામે ઓછા ભાડામાં વધુ મુસાફરોની સુવિધા મળતી હોવાથી લગ્ન પ્રસંગે AMTS કરતાં ખાનગી લક્ઝરી બસ પસંદ કરવાનું લોકો માટે વધુ અનુકૂળ બની રહ્યું છે. આખા વર્ષ દરમિયાન AMTS બસને લગ્ન પ્રસંગ માટે ભાડે લેવા માટે માંડ 70 જેટલા બુકિંગ થયા હોવાનું સામે આવ્યું છે. મોંઘા ભાડા ઉપરાંત બસનું બુકિંગ કરાવવાની પ્રક્રિયા પણ જટિલ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે લોકો આ સેવાનો લાભ લેવાનું ટાળી રહ્યા છે. જેથી નાગરિકો AMTSની બસ તરફ ફરી વળે અને કોર્પોરેશનની આ સેવાનો ઉપયોગ વધે તે માટે હવે ભાડાના માળખામાં ધરખમ ફેરફાર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, હાલના ભાડામાં નોંધપાત્ર ઘટાડો કરવાની સાથે બુકિંગની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવશે
