કોર્ટમાં હાજર ન રહેવું પડે તે માટે બોમ્બની ધમકી આપી:હાઈકોર્ટ અને સુરત કોર્ટને ઉડાવી દેવાનો ચેન્નઈથી મેઈલ કર્યો, NDPS કેસના બે આરોપી ઝડપાયા
પાંચમી સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા હાઈકોર્ટ રજિસ્ટ્રારને જે ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો તે ચેન્નઈથી કરાયાનું ખૂલ્યું. ટીમે ચેન્નઈ જઈ બે શખસોને દબોચી લીધા.
અમદાવાદ લાવી બંનેની પૂછપરછ કરાતા બંને NDPSના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હતા અને હાલ પેરોલ પર બહાર છે. 5મી સપ્ટેમ્બરે કોર્ટની તારીખ હોય તેમાં હાજર ન રહેવું પડે તે માટે ધમકીભર્યો મેઈલ કર્યાનું ખૂલ્યું.
ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો શનિવારે ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રારના ઇમેઇલ આવ્યો હતો. જેમાં ‘bomb rdx ahmedabad and surat court’. આ ઇમેઇલ મળ્યા બાદ તાત્કાલિક બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા કોર્ટમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો નહતો જેથી સાયબર ક્રાઈમે ખોટો ઇમેલ કરનાર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
સાયબર ક્રાઈમ બે આરોપીઓને ચેન્નઈથી દબોચીને લાવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે,કોર્ટને ધમકી ભરેલા ઇમેલ બાબતે સાયબર ક્રાઈમે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ કરતા આ ઇમેઇલ ચેન્નાઈથી થયા હોવાનું જાણવા મળ્યું .સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમ ચેન્નાઈ પહોંચી હતી. ચેન્નઈ ATSની મદદથી ગીચ વિસ્તારમાં સર્ચ કર્યું ત્યારે હોટલમાંથી અશફાક અન્સારી અને રાજેશ મુનિયા મળી આવ્યા.
કોર્ટ મુદતમાં હાજર ન રહેવું પડે તે માટે ધમકીભર્યો મેઈલ કર્યો પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બંને આરોપીઓ NDPSના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હતા. અશફાકે જામીન માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ જામીન મળ્યા નહોતા. જેથી અશફાકને નવેમ્બર 25માં પેરોલ મળતા પેરોલ જંપ કરીને નાસી ગયો'તો. 5 સપ્ટેમ્બર કોર્ટ મુદત હતી પરંતુ કોર્ટમાં હાજર ન રહેવું ન પડે તે માટે અશફાકે સુરત અને હાઈકોર્ટને બોમ્બની ધમકીનો ઇમેલ કર્યો હતો .ધમકીનો ઇમેઇલ મળતા કોર્ટ બંધ રહે તો બીજી મુદત પડે અને કોર્ટમાં હાજર ન રહેવું પડે તે ઉદ્દેશ સાથે ઇમેલ કરવામાં આવ્યો હતો.
ઈમેઈલ કરવા માટે ફેક મેઈલ આઈડી બનાવ્યું આરોપીઓએ થોડા દિવસ અગાઉ મુંબઈથી ચેન્નાઈ જતા સમયે ફેક ઇમેલ આઇડી બનાવ્યું હતું. ફેક આઇડી બનાવી 5 સપ્ટેમ્બરે મુદત હતી તે જ દિવસે ધમકીનો ઇમેઇલ કર્યો હતો.બંને આરોપીઓ NDPS સહિત કેટલાક ગુનામાં સંડોવાયેલા છે.
