Sat, Nov 28, 2026Updated 02:35 AM IST
Google Preferred Source CTA

સેન્ટ ઝેવિયર્સ કોલેજના એક નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત:NSUIની કુલપતિ સમક્ષ રજૂઆત, 50 ટકા હાજરી હોય તે વિદ્યાર્થીઓને બેસવા દેવા માગ

અમદાવાદ9 દિવસ પેહલા
Loading advertisement...

નવરંગપુરાની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા 75 ટકા કરતાં ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ના દેવાનો નિર્ણય કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું હોવાથી NSUIએ જે પણ વિદ્યાર્થીઓની હાજરી 50 ટકા પણ હોય તેમને પરીક્ષા આપવા દેવામાં આવે તેવી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસે માંગ કરી છે. તેમજ દિવાળી વેકેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અત્યારે પરીક્ષા રદ કરી 10 દિવસ બાદ પરીક્ષા યોજવામાં આવે તેવી રજૂઆત કરી છે. 24 કલાક પહેલા હોલ ટિકિટ જાહેર કરી કોલેજ મનમાની ચલાવતી હોવાનો પણ NSUIએ આક્ષેપ કર્યો છે.

Loading advertisement...

પરીક્ષાના 24 કલાક પહેલા જ હોલ ટિકિટ જાહેર કરતા વિવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજથી અલગ અલગ અભ્યાસક્રમોની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જો કે તેના 24 કલાક પહેલા એટલે કે ગઈકાલે હોલ ટિકિટ જાહેર કરવામાં આવતા વિવાદ થયો હતો. કારણ કે તેમાં 75 ટકા કરતાં ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી નહતી. અગાઉ 65 ટકા સુધી પણ હાજરી હોય તો પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ ખાતે રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. જો કે અચાનક જ 75 ટકા હાજરીનો નિર્ણય લીધા બાદ ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને આજથી શરૂ થતી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓ પરિક્ષાથી વંચિત રહેતા હવે NSUIએ પણ દિવાળીમાં વેકેશનમાં યોજવામાં આવેલી પરીક્ષા રદ કરવા કુલપતિ પાસે માંગ કરી છે.

સેન્ટ ઝેવિયર્સ કોલેજ વિદ્યાર્થીઓ સાથે મજાક કરતી હોય એવું લાગે છે- NSUI ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સેન્ટ ઝેવિયર્સ દ્વારા વિદ્યાર્થીઓ સાથે મજાક કરવામાં આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 75 ટકા હાજરી તો ખરી પરંતુ 50 ટકા પણ હાજરી હોય તો 500 કે 1000 રૂપિયા ભરીને વિદ્યાર્થીઓને પરીક્ષા બેસવા દેવામાં આવતા હતા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે છેલ્લા વર્ષમાં તેમને ઓછી હાજરીના કારણે પરીક્ષામાં નહીં બેસવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ કરીને વિદેશ જવું હોય છે ત્યારે કોલેજના આ મનમાની નિર્ણયના કારણે આ વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડવાનું છે.

દિવાળીમાં યોજેલી પરીક્ષા મોકૂફ રાખવા માગ દિવાળી વેકેશનમાં પરીક્ષા યોજી તે રદ કરવાની માંગ સાથે વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, એક તરફ અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ દિવાળી વેકેશનમાં પરીક્ષાનું આયોજન જ કરવાનું ન હોય, દિવાળી પૂર્ણ થયા બાદ 25 તારીખ પછી પરીક્ષા યોજવાની હોય છે. પરંતુ સેન્ટ ઝેવિયર્સ દ્વારા દિવાળી વેકેશનમાં પરીક્ષાના 24 કલાક પહેલા જ હોલ ટિકિટ જાહેર કરી તાત્કાલિક પરીક્ષાનું આયોજન કર્યું છે. અમે કુલપતિ પાસે માંગ કરીશું કે તાત્કાલિક સેન્ટ ઝેવિયર્સ કોલેજની પરીક્ષાઓ રદ કરવામાં આવે, તેમજ વિદ્યાર્થી લક્ષી નિર્ણય લેવામાં આવવો જોઈએ. હજારો વિદ્યાર્થીઓ અત્યારે હેરાન થઈ રહ્યા છે, તેમજ ઘણા વિદ્યાર્થીઓ દિવાળી વેકેશન કરવા માટે બહાર ગયા હોવાથી પરીક્ષા આપવા માટે પરત આવવું પડ્યું હતું. જેથી આ પરીક્ષા 10 દિવસ પછી ઠેલવી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો