ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ, 10% વરસાદની ઘટ:સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, ભાવનગર 35.2°C સાથે સૌથી ગરમ
હાલમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ડીસા અને નલિયામાંથી ચોમાસાની વાપસીની લાઇન પસાર પણ થઈ ચૂકી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી પણ ટૂંક સમયમાં વાપસીની રેખા પસાર થશે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફમાં ફેરવાવાને કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
ચોમાસાની વિદાયની હાલની સ્થિતિ
વરસાદની આગાહી ધરાવતા વિસ્તારો હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના સેવાઈ રહી છે.
રાજ્યનું તાપમાન અને ગરમીની સ્થિતિ રાજ્યમાં ચોમાસાની વાપસી વચ્ચે વિવિધ શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે, જેના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તાજેતરના આંકડા મુજબ 35.2°C સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી અને સુરેન્દ્રનગરમાં 34.3°C, રાજકોટમાં 34.2°C અને અમદાવાદ-વડોદરામાં 33.6°C મહત્તમ તાપમાન નોંધાયું છે.
