'ગરબામાં વિધર્મીઓએ પ્રવેશ કરવો નહીં':ગુજરાત બજરંગદળની સોશિયલ મીડિયા પોસ્ટ, કહ્યું- આયોજક દ્વારા જાહેરાત કરવી આવકારદાયક બાબત
નવરાત્રીના તહેવારમાં અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આદિત્ય ગઢવીના રંગ મોરલા ગરબામાં સ્ટેજ પરથી જે વિધર્મીઓ હોય તેઓને બહાર નીકળી જવાની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ વિવાદ સર્જાયો હતો ત્યારે બજરંગ દળ, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે, ગરબા હિન્દુઓના પવિત્ર ઉત્સવ છે. જેમને માતાજીમાં શ્રદ્ધા ન હોય તેમનું ગરબામાં કોઈ કામ નથી. આ વાસ્તવિકતા સમજી અને વિધર્મીઓએ ગરબામાં આવવું જોઈએ નહીં. આયોજક દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે આવકારદાયક છે.
વિધર્મીઓ ગરબામાં ન આવે- વિહિપ બજરંગ દળ ગુજરાતના સોશિયલ મીડિયા પેજ ઉપર વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના નામથી પોસ્ટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગરબામાં વિધર્મીઓના પ્રવેશ અંગે વિશ્વ હિન્દુ પરિષદનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. ગરબો એ પવિત્ર હિન્દુ ઉત્સવ છે. માં જગદંબાની આરાધના કરવાનું એક માધ્યમ છે. જેને માતાજીમાં શ્રદ્ધા ન હોય તેનું ગરબામાં કોઈ કામ નથી. આ વાસ્તવિકતાને સમજીને જ વિધર્મીઓએ ગરબામાં ન આવવું જોઈએ.
આમ છતાં કેટલાક તત્વો હિંદુ નામ ધારણ કરી કે પહેરવેશ બદલી ગરબામાં ઘૂસે છે. આયોજક દ્વારા જાહેરાત કરવી એ તો આવકારદાયક બાબત છે બાકી પ્રસાદ આપીને પણ કાઢવા પડે. જેને 'વંદે માતરમ' માં પણ દેવી સ્વરૂપે ભારતમાતાની આરાધના નથી કરવી તે ગરબામાં શું ધરવાપસી કરવા આવતો હશે?
