માંડલના ખંભલાય માતાજી મંદિરે સુવર્ણ યંત્રમનાં દર્શન:વર્ષમાં એક જ દિવસ મળતા દર્શન માટે ઉમટ્યા ભક્તો, જયઘોષથી ગુંજ્યું મંદિર
માંડલના પ્રસિદ્ધ શ્રી ખંભલાય માતાજીના મંદિરે નવરાત્રિના ત્રીજા નોરતે આસો સુદ ત્રીજના દિવસે સુવર્ણ યંત્રમનાં દર્શન અને ખાસ પૂજાવિધિ થઈ.
વર્ષમાં માત્ર એક જ દિવસ દર્શનનો મોકો મળતો હોવાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. ‘જય ખંભલાય’ના નાદથી મંદિર ભક્તિમય બની ગયું.
વર્ષ 2007માં મંદિરના ટ્રસ્ટી મંડળે શુદ્ધ સોનાનું યંત્રમ માતાજીના ચરણોમાં મૂક્યું હતું. આ યંત્રમનાં દર્શન દર વર્ષે આસો સુદ ત્રીજના દિવસે જ થાય છે, તેથી ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે.
માતાજી સાથે જોડાયેલા સગોત્રી ભાઈ-બહેનો સહિત લગભગ સાત હજાર પરિવારો માટે આ દિવસનું ખાસ ધાર્મિક મહત્વ છે. પરંપરાગત કપડાં પહેરીને આવેલા ભક્તોએ માતાજીનાં દર્શન કરી પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી.
દર્શન કરવા આવનારા લોકોની ભીડને જોઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી. દર્શન અને પૂજા પછી ભક્તોએ ભોજનપ્રસાદ લીધો.
