‘કરણ-અર્જુન’ જેવી પાક્કી ભાઈબંધી 'હમ આપકે હૈ કોન'માં ફેરવાઈ!:સલમાને શાહરુખને ધક્કો માર્યો ને બોડીગાર્ડ્સે ગન તાણી; ઐશ્વર્યાના ઘરે જઈ ભવાડો કર્યો
દિવ્ય ભાસ્કર લાવ્યું છે નવી સિરીઝ- ‘લાઈટ, કેમેરા, કોન્ટ્રોવર્સી.’
પહેલા એપિસોડમાં કહાની શાહરુખ અને સલમાન ખાનની. એક સમયે બંને વચ્ચે 'કરણ-અર્જુન' જેવી પાક્કી મિત્રતા હતી, પરંતુ સમયનું પૈડું ફર્યું ને વાત ‘હમ આપકે હૈં કૌન’ સુધી પહોંચી ગઈ. ધક્કામુક્કી અને હાથાપાઈથી લઈને, એકબીજાને ગળે લગાવીને રડવા સુધી, બંનેની કહાનીમાં લવ, રોમાન્સ, સસ્પેન્સ અને હાઈ-વોલ્ટેજ થ્રિલર... બધું જ છે.
તો ચાલો, શરૂ કરીએ…
વર્ષ 1995
ફિલ્મ 'કરણ-અર્જુન'નું શૂટિંગ ચાલી રહ્યું હતું.
બ્રેક દરમિયાન ક્રૂ માટે નાની એવી પાર્ટી રાખવામાં આવી. સંગીતની હળવી-હળવી ધૂન. મસ્તી-મજાક ગુંજી રહ્યા હતા. ત્યારે જ સલમાન હસતાં-હસતાં શાહરુખ પાસે પહોંચ્યા અને તેમના ખભા પર હાથ મૂકી દીધો.
'ચાલ શાહરુખ, થોડો ડાન્સ થઈ જાય.' સલમાને હસતાં-હસતાં કહ્યું.
શાહરુખે માથું ધૂણાવ્યું- 'ના ભાઈ, બિલકુલ મૂડ નથી.'
સલમાનના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમની આંખોમાં ગુસ્સો તરી આવ્યો. તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો અને એક ગન બહાર કાઢી લીધી. આખા ક્રૂનો શ્વાસ થંભી ગયો. આ પહેલા કોઈ કંઈ સમજી શકે, સલમાને શાહરુખ પર નિશાન તાકીને ટ્રિગર દબાવી દીધું.
ધાયં…।
શાહરુખે છાતી પર હાથ મૂક્યો અને જમીન પર ઢળી પડ્યા. ફિલ્મના ડિરેક્ટર રાકેશ રોશનનો ચહેરો ફિક્કો પડી ગયો. સંગીત થંભી ગયું. બધા ડરેલા હતા- એક હીરોએ બીજા હીરોને ગોળી મારી દીધી.
ત્યારે જ સલમાન હસવા લાગ્યા. 'અરે ડરો નહીં ભાઈ, આ પ્રેન્ક હતો, ગન નકલી છે.’
પરંતુ શાહરુખ જમીન પર બેભાન પડ્યા રહ્યા. તેમના શરીરમાં કોઈ હલચલ ન થઈ. સલમાનનું હાસ્ય ધીરે-ધીરે ગાયબ થવા લાગ્યું. તેમણે ગભરાઈને બૂમ પાડી, 'શાહરુખ? ઊઠી જા ભાઈ, થઈ ગયો પ્રેન્ક!'
પરંતુ શાહરુખ ટસના મસ ન થયા.
હવે સલમાનનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. કપાળ પર પરસેવો છલકાઈ આવ્યો. તેમણે ગનને ઊંધી-ચતી કરીને જોઈ અને વિચારવા લાગ્યા, 'ક્યાંક કોઈએ અસલી ગન તો નથી પકડાવી દીધી ને?'
સલમાન દોડીને જમીન પર પડેલા શાહરુખ પાસે પહોંચ્યા. જોયું તો શાહરુખ નસકોરાં બોલાવી રહ્યા હતા. તેઓ ગાઢ ઊંઘમાં હતા.
અસલમાં શાહરુખ ગોળી વાગવાનું નાટક કરતા પડ્યા તો હતા, પરંતુ શૂટિંગના થાકના કારણે જમીન પર પડતાં જ સૂઈ ગયા. ‘કરણ અર્જુન’ હિટ રહી.
આ પછી બંનેએ 1998માં ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કર્યું. ફિલ્મમાં સલમાનનો રોલ નાનો હતો, પરંતુ બંનેની દોસ્તી પાક્કી થતી ચાલી ગઈ.
આની એક ઝલક એ જ વર્ષે 'લક્સ ઝી સિને એવોર્ડ્સ'ના મંચ પર જોવા મળી.
શાહરુખ અને સલમાન દર્શક ગેલેરીમાં એક સાથે બેઠા હતા. ત્યારે જ મંચ પરથી કાજોલનો અવાજ ગુંજ્યો, ‘બેસ્ટ એક્ટર એવોર્ડ ગોઝ ટુ મિસ્ટર શાહરુખ ખાન.’
શાહરુખ મંચ પર પહોંચ્યા અને ટ્રોફી લીધા પછી કહ્યું, ‘મારો એક નજીકનો મિત્ર છે, જે અવારનવાર કહે છે કે શાહરુખ તને જ હંમેશા એવોર્ડ મળે છે, મને નથી મળતો. હું ઈચ્છું છું કે મારો એ જ દોસ્ત મંચ પર આવે અને મારા તરફથી આપ સૌનો આભાર માને... સલમાન ખાન, સલ્લુ.’
સલમાન મંચ પર પહોંચ્યા. શાહરુખે 'સલામ વાલેકુમ ભાઈ' કહેતા તેમને ગળે લગાવી લીધા અને કહ્યું, 'કંઈક બોલો ને, બે શબ્દ…'
માઈક હવે સલમાનના હાથમાં હતું. તેઓ હસ્યા અને બોલ્યા, 'ઓહ માય ગોડ, મને વિશ્વાસ નથી થઈ રહ્યો... હું શાહરુખના કૂક અને શાહરુખના ડ્રાઈવરનો આભાર માનવા માગું છું. આ એવોર્ડ માટે ખૂબ-ખૂબ આભાર શાહરુખ, એન્ડ આઈ લવ યુ.'
શાહરુખે તરત જ એ એવોર્ડ સલમાનના હાથમાં થમાવતા કહ્યું, 'ધીસ એવોર્ડ ગોઝ ટુ સલમાન ખાન.'
સમય વીતતો રહ્યો. બોલિવૂડની ગલીઓમાં બંનેની દોસ્તી સુર્ખીઓ બટોરતી રહી. આ દોસ્તી એટલી ઊંડી હતી કે એક એવોર્ડ શોમાં શાહરુખે સલમાનને મંચ પરથી જ ‘ઉલ્લુ કા પઠ્ઠા’ કહી દીધું.
પરંતુ જલ્દી જ આ દોસ્તીને નજર લાગી ગઈ… કારણ બની એક હીરોઈન.
1999માં એક ફિલ્મ આવી- 'હમ દિલ દે ચૂકે સનમ'. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતા. સેટ પર બંને નજીક આવ્યા અને વાત અફેર સુધી પહોંચી ગઈ.
આ જ દરમિયાન ફિલ્મ 'હમ તુમ્હારે હૈં સનમ' આવી, જેમાં શાહરુખ અને સલમાન સાથે ઐશ્વર્યાએ એક નાનકડો કેમિયો કર્યો હતો. ફિલ્મમાં તે સલમાનની ગર્લફ્રેન્ડના રોલમાં હતી.
આ પછી શાહરુખે ઐશ્વર્યા સાથે 'મોહબ્બતેં' અને 'જોશ' જેવી ફિલ્મો કરી.
આ રીતે, શાહરુખ-સલમાન સાથે ઐશ્વર્યા પણ એક કડીના રૂપમાં જોડાઈ ગઈ હતી… ત્યારે જ ફિલ્મ ‘દેવદાસ’ની એન્ટ્રી થઈ. શાહરુખની ફિલ્મ 'દેવદાસ'માં ઐશ્વર્યા 'પારો'નું પાત્ર ભજવી રહી હતી.
શૂટિંગ દરમિયાન સલમાન અવારનવાર સેટ પર પહોંચી જતા અને ઐશ્વર્યાને સાથે લઈને નીકળી જતા. બંને કલાકો સુધી ગાયબ રહેતા, જેના કારણે શૂટિંગ છ-છ કલાક સુધી ઠપ પડી જતું.
ઘણી વાર આખો સેટ તૈયાર રહેતો, લાઈટિંગ અને બધા કલાકારો પોતાની જગ્યાએ હોય, પરંતુ ઐશ્વર્યા ગાયબ મળતી. શાહરુખ ખૂબ જ નારાજ હતા, પણ એ વખતે તેમણે મિત્ર સલમાનને કંઈ ન કહ્યું.
શાહરુખનો એક ડાયલોગ છે-
‘વક્ત ભી બદલતાં હૈ, ઇન્સાન ભી બદલતાં હૈ.’ (ફિલ્મ- દેવદાસ)
અને બન્યું પણ એવું જ…
આ એ સમય હતો, જ્યારે શાહરુખે જૂહી ચાવલા સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ 'ડ્રીમ્સ અનલિમિટેડ' શરૂ કર્યું હતું. શરૂઆતની બે ફિલ્મો, 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' અને 'અશોકા', ફ્લોપ સાબિત થઈ.
શાહરુખ સતત થઈ રહેલા નુકસાનથી પરેશાન હતા. ખોટની ભરપાઈ માટે તેમણે એક નવી ફિલ્મ 'ચલતે-ચલતે' પર કામ શરૂ કર્યું. એક વાર ફરીથી ઐશ્વર્યા તેમની હીરોઈન હતી.
વર્ષ 2002,
મહારાષ્ટ્રમાં માલશેજની પહાડીઓ પર ફિલ્મ ‘ચલતે-ચલતે’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે જ અચાનક એક કાર ધૂળ ઉડાડતી સેટની સામે આવીને ઊભી રહી. દરવાજો ખૂલ્યો. સલમાન ખાન બહાર નીકળ્યા. તેઓ નશામાં ધૂત હતા.
સેટ પર પગ મૂકતા જ તેમણે હંગામો શરૂ કરી દીધો. ઐશ્વર્યા સાથે ઝઘડી પડ્યા. દલીલ એટલી વધી કે સલમાને ઐશ્વર્યાને થપ્પડ ચોડી દીધી.
હવે શાહરુખની ધીરજ ખૂટી ગઈ. તેઓ આગળ વધ્યા, 'સલમાન, આ શું રીત છે, અહીં તમાશો ન કર.'
'તું વચ્ચે ન બોલ, શાહરુખ.' સલમાને ચીસ પાડતા શાહરુખને પાછળ ધકેલી દીધા.
આ જોતા જ બંનેના બોડીગાર્ડ્સે પોતપોતાની ગન બહાર કાઢી લીધી. ત્યાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ અટકી ગયા. માહોલ બગડતો જોઈ કોરિયોગ્રાફર ફરાહ ખાન વચ્ચે-બચાવ માટે આગળ આવી, 'સલમાન, શાંત થઈ જા.' પરંતુ સલમાને તેને પણ ધક્કો મારી દીધો.
આ બધું જોઈ ડિરેક્ટર અઝીઝ મિર્ઝા ત્યાંથી ભાગી નીકળ્યા.
થોડા દિવસો પછી… શાહરુખ પોતાની ઓફિસમાં બેસીને ઐશ્વર્યાને ફિલ્મમાંથી બહાર કરવાનો લેટર ટાઈપ કરી રહ્યા હતા. ત્યારે જ સલમાન ત્યાં આવી ધમક્યા. 'શાહરુખ ક્યાં છે?' ઓફિસમાં તેમનો અવાજ ગુંજ્યો.
તેઓ સીધા કેબિનની અંદર ગયા, શાહરુખનો હાથ પકડ્યો અને તેમને ચોથા માળની છત પર લઈ ગયા. સલમાને એકદમ કડવા અવાજમાં કહ્યું, 'ઐશ્વર્યાને ફિલ્મમાંથી ન કાઢ, શાહરુખ. જો તેં તેને કાઢી, તો બધું બિલ મારા જ માથે ફૂટશે.'
સલમાન ત્યાંથી ચાલ્યા ગયા. શાહરુખ પોતાની કેબિનમાં પાછા ફર્યા. તેમણે ખુરશી સંભાળી, ચશ્માં ઉતાર્યા અને પાસે બેઠેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર વિવેક શર્મા તરફ જોઈને બોલ્યા, 'ખૂબ છીછોરો માણસ છે આ...'
આ પછી શાહરુખે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી બહાર કરી દીધી.
ફિલ્મ 'ચલતે-ચલતે'માં ઐશ્વર્યાની જગ્યાએ રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી. ઐશ્વર્યા આ વાતથી ઘણી નારાજ થઈ. 2003માં જ્યારે ફિલ્મ 'ચલતે-ચલતે' સિનેમાઘરોમાં લાગી, તો તે હિટ સાબિત થઈ.
સલમાનના વલણના કારણે ઐશ્વર્યા પણ તેમનાથી કિનારો કરવા લાગી. સલમાને દોસ્ત સાથે પણ ઝઘડો વહોરી લીધો અને બીજી તરફ ઐશ્વર્યા પણ દૂર થઈ રહી હતી. તેઓ બધું ઠીક કરવા માગતા હતા. આ જ વિચાર સાથે એક દિવસ તેઓ ‘મન્નત’ પહોંચી ગયા. ઘરમાં શાહરુખ હતા, પરંતુ સલમાનનો પહેલો સામનો ગૌરી ખાન સાથે થયો. ગૌરી કોઈ નવો બખેડો નહોતી ઈચ્છતી. તેણે સલમાનને ગુસ્સામાં ત્યાંથી રવાના કરી દીધા.
સલમાને હાર ન માની. મોકો મળતાં જ તેઓ શાહરુખને મળ્યા અને સાફ કહ્યું- હું ઐશ્વર્યાને પ્રેમ કરું છું, લગ્ન કરવા માગું છું.
શાહરુખ નારાજ હતા, પરંતુ જિગરી દોસ્તને આમ જોઈ પીગળી ગયા. તેમણે સલમાન સાથે ઐશ્વર્યાના ઘરે જઈને લગ્નનું માગુ નાખવાનું વચન આપ્યું.
ઝડપથી એ તારીખ આવી, જ્યારે શાહરુખ, સલમાન, ઐશ્વર્યાના દરવાજા સુધી આવી ગયા. તેઓ જેવા દરવાજામાંથી દાખલ થવા ગયા, સામનો ઐશ્વર્યાના નાના ભાઈ આદિત્ય રાય સાથે થયો. સલમાનના બગડતા વલણથી ઐશ્વર્યાના કરિયર અને ઈમેજના નુકસાનથી તેમનો પરિવાર પણ વાકેફ હતો.
આદિત્ય સલમાનને જોતા જ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને હાથ લંબાવ્યો. સલમાન રોકાવા રાજી નહોતા, તેમણે આદિત્યનો હાથ હટાવ્યો અને આમાં જ તે પાછળ થતા લથડિયા ખાઈને પડી ગયો. હવે ઐશ્વર્યાના પિતા પણ પહોંચી ચૂક્યા હતા. પહેલા તો દીકરીની માનહાનિ અને હવે દીકરાને જમીન પર જોઈ તેમનો પારો ચડી ગયો. આ તરફ સલમાન પણ ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા. શાહરુખ, પાસે જ ખામોશ ઊભા રહ્યા.
શાહરુખ, ઝઘડા પછી પણ સલમાનની સાથે હતા, પરંતુ પછી કંઈક એવું બન્યું કે શાહરુખે મિત્રતાની જગ્યાએ સ્વાભિમાન પસંદ કર્યું. બંનેમાં વાત ફરી બંધ થઈ ગઈ. અસલી કારણ શું હતું અને મિત્રતા ફરી થઈ અને કેટરિનાના બર્થ-ડેની હાથાપાઈની ઈનસાઈડ સ્ટોરી શું હતી, જાણો આવતીકાલે પાર્ટ- 2માં.
………………………………………
પાર્ટ-2: સલમાને ઐશ્વર્યાના ઘરે કરી ઉદ્ધતાઈ, ગુસ્સે થયા શાહરુખ, ફરાહના લગ્નમાં ગળે લાગીને રડ્યા; જાણો કઈ મજાક પર કેટરિનાના બર્થ-ડેમાં લડી પડ્યા
શાહરુખ, સલમાનના કહેવા પર તેમનો સંબંધ લઈને ઐશ્વર્યાના ઘરે પહોંચ્યા, પરંતુ સલમાને ત્યાં એક્ટ્રેસના ભાઈ અને પિતા સાથે ઉદ્ધતાઈ કરી. શાહરુખ, પાસે જ મૌન ઊભા રહ્યા અને પછી સલમાનને ખેંચીને ત્યાંથી લઈ ગયા. શાહરુખે મિત્રતા તોડી નાખી. શાહરુખે ઐશ્વર્યાને ફિલ્મ 'ચલતે-ચલતે'માંથી હટાવીને રાની મુખર્જીને કાસ્ટ કરી લીધી. સલમાન અને ઐશ્વર્યાનો સંબંધ તૂટી ચૂક્યો હતો.
પછી આવ્યું વર્ષ 2004…
મુંબઈની હોટલ 'તાજ લેન્ડ્સ એન્ડ'નો હોલ રોશનીથી ઝગમગી રહ્યો હતો. પ્રસંગ હતો- ફરાહ ખાન અને શિરીષ કુંદરની રિસેપ્શન પાર્ટીનો. શાહરુખ અને સલમાન, બંને આ મહેફિલમાં પહોંચ્યા, પરંતુ અલગ-અલગ જગ્યાઓ પર બેઠા હતા. પરંતુ પછી કંઈક એવું બન્યું કે બંને એકબીજાને ગળે લગાવીને ખૂબ રડ્યા. આખી કહાની વાંચો પાર્ટ-2માં આવતીકાલે…..
નોંધ- આ કહાની આર્ટિકલ્સ, રિસર્ચ, 'ચલતે-ચલતે'ના સેટ પર ઝઘડા સમયે હાજર રહેલા ફિલ્મ ડિરેક્ટર વિવેક શર્મા અને સિનિયર જર્નાલિસ્ટ હનીફ ઝવેરી સાથેની વાતચીતના આધારે લખવામાં આવી છે. કહાનીના કેટલાક હિસ્સાઓને રસપ્રદ બનાવવા માટે ક્રિએટિવ લિબર્ટી લેવામાં આવી છે.
રિપોર્ટર- વીરેન્દ્ર મિશ્ર
રિસર્ચ/લેખક- ઈફત કુરૈશી
બુક રેફરન્સ:-
Hall of Fame, Aishwarya Rai by Biswadeep Ghosh
King of Bollywood by Anupama Chopra
ઈન્ટરવ્યુ રેફરન્સ:-
