સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-2‘અદાણીને પણ હું સાયબર સિક્યોરિટી પૂરી પાડું છું’:એથિકલ હેકર સન્ની વાઘેલા આજે ₹600 કરોડની ટેક ડિફેન્સ કંપનીના માલિક, ‘26/11ના આતંકીઓનાં લોકેશન મેં શોધ્યાં હતાં’
જો તમારું ID હેક થાય તો તમે શું કરો? પોલીસ ફરિયાદ કરો? પણ આજથી વર્ષો પહેલાં 14 વર્ષના એક છોકરાનું ઈમેલ આઈડી હેક થયું અને એ છોકરાએ ઇતિહાસ રચી દીધો. નામ સન્ની વાઘેલા! 9મા ધોરણમાં ID હેક થયું એટલે પોતે હેકિંગ શીખવાની શરૂઆત કરી. થોડા સમયમાં તો પોલીસે પણ સન્નીની મદદ લીધી અને 26/11ના અને અમદાવાદી બોમ્બ બ્લાસ્ટમાં આરોપી પકડવામાં મદદ લીધી. સન્નીએ આગળ વધતાં સાઇબર સિક્યોરિટીની કંપની ખોલી. અમદાવાદના છોકરાએ શરૂ કરેલી ‘ટેક ડિફેન્સ’ અત્યારે ₹600 કરોડની સાયબર સિક્યોરિટી કંપની બની ચૂકી છે. જે અદાણીથી લઈ મોટી-મોટી 600 કંપનીઓને સાયબર સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. એટલું જ નહીં, સન્ની આજે પણ હજારો ઉત્સાહી યુવાનોને હેકિંગ શીખવાડે પણ છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝના બીજા એપિસોડમાં આજે આપણે વાત કરીશું ટેક ડિફેન્સના ફાઉન્ડર સન્ની વાઘેલા સાથે.
‘9મા ધોરણમાં હતો ત્યારેથી હેકિંગ કરું છું’
‘હું 9મા ધોરણમાં હતો ત્યારથી જ મને હેકિંગમાં રસ.’ સન્નીભાઈએ વાત ચાલુ કરી, ‘1999 બાજુની વાત છે, એ ટાઈમે કોઈએ મને ફેક લિન્ક મોકલી હતી ને એનાથી હેક થઈ ગયું હતું, એટલે હું ઓપન જ ન કરી શકું. મને થોડી ક્યુરિયોસિટી થઈ કે, આ કેવું? હું મારું જ ID કેમ ન ખોલી શકું? મને ખબર પડી કે હેક થયું છે, એટલે મેં ઈન્ટરનેટ પર બધું સર્ચ કરવાનું શરૂ કર્યું. વધારે ને વધારે રસ પડવા માંડ્યો ને રોજની 14-14 કલાક હું ઈન્ટરનેટ પર શીખવા માંડ્યો, થોડા ટાઈમમાં જ ઘણું હેકિંગ શીખી ગયો. પણ હું કોઈને કહેતો નહીં, મારી રીતે મજા લેતો. થોડા ટાઈમમાં 12 સાયન્સ પૂરું થયું ને EC એન્જિનિયરિંગ માટે નિરમા યુનિવર્સિટીમાં એડમિશન લીધું.’
કોલેજમાં જ હેકિંગ પર સેમિનાર લઈ લીધો!
પણ તમને તો હેકિંગમાં રસ હતો ને? સન્નીભાઈ કહે, ‘હા મારે તો એ જ કરવું હતું પણ મારા ફેમિલીમાં મોટા ભાગના બધા EC (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સ)માં એટલે મને પણ પરાણે EC લેવડાવ્યું. પણ મેં મનમાં નક્કી કે મારે હેકિંગ જ કરવું છે. એમાં થોડા ટાઈમમાં કોલેજમાં સેમિનાર આવ્યો, એટલે મેં ટૉપિક પસંદ કર્યો ‘હેકિંગ’. નામ લખાવ્યું એટલે બધાએ ટોક્યો પણ ખરો કે, ‘અલ્યા, તું ECનો સ્ટુડન્ટ ને હેકિંગ પર સેમિનાર કઇ રીતે લઇશ?’ હું મનમાં હસતો કે, બધાને બતાવી દઇશ. હેકિંગનો સેમિનાર સક્સેસ કેવી રીતે થાય? જો તમને સામે બેઠેલાઓનું કોઈ ID હેક કરી બતાવો, રાઇટ? બસ, મેં એ જ રસ્તો સિલેક્ટ કર્યો.’
સન્નીભાઈએ વાત ચાલુ રાખી, ‘હેક કરવા માટે પહેલા મારી પાસે એ દરેકનાં ID પણ હોવા જોઈએ, જો ID મળી જાય તો મારી સાથે જે ફિશિંગ (સાયબર ફ્રોડનો જૂનો ને જાણીતો પ્રકાર) થયું હતું, એ હું બધા સાથે કરી શકું. એટલે મેં એક ગ્રુપ બનાવ્યું ને એમાં બધાને એડ કરી થોડા ટાઈમમાં ગ્રુપ એક્ટિવ થઈ ગયું ને બધા એકબીજા સાથે વાતો કરતાં થઈ ગયા. ગ્રુપ ધમધમતું થયું એટલે મેં એક ઈમેલ મોકલ્યો કે, યાહૂમાં જો તમારે કોઈનો પાસવર્ડ જાણવો હોય તો આ લિન્ક પર ક્લિક કરી તમે જાણી શકો છો. હોંશિયાર મિત્રોએ લિન્ક પર ક્લિક કરી પહેલાં જ પોતાનો પાસવર્ડ આપી લૉગિન કર્યું ને પછી અંદર જઈ બધાનાં નામ લખવાનું શરૂ કર્યું. 140ના ગ્રુપમાંથી 40 લોકોએ પોતાના ઈમેલ આઈડી મને આપી દીધા, કેમ કે દરેકને બીજાનું જાણવું હતું. કોઈને કોઈ છોકરીનું તો કોઈને કોઈ મિત્રનું. પણ આ બધા વચ્ચે મારું કામ થઈ ગયું. હવે આવ્યો સેમિનારનો દિવસ…’
‘બોલો, કોનું એકાઉન્ટ હેક કરવું છે?’
‘મેં બધાના પાસવર્ડને એક કાગળમાં પ્રિન્ટ કરી મારા લેપટોપની સાથે સ્ટેજ પર લઈ ગયો. 15 મિનિટ સુધી સેમિનારમાં હેકિંગની વાતો કરી, એટલે પછી મારો એક ફ્રેન્ડ બોલ્યો કે, આને હેકિંગ શિખવાડ્યું થોડું કહેવાય? આ તો તે ખાલી હેકિંગની વાતો કરી. મેં કહ્યું, ‘હજી તો હું શરૂઆત કરું છું.’ લેપટોપને સ્ક્રીન સાથે કનેક્ટ કર્યું ને, બ્લેક સ્ક્રીનમાં ગ્રીન ફૉન્ટ કરી નાખ્યા. કેમ કે ફિલ્મો જોઈ જોઈને બધાના મનમાં ઘૂસી ગયું છે કે, હેકિંગમાં બ્લેક સ્ક્રીનમાં ગ્રીન ફૉન્ટ જ હોય. એટલે મારી સ્ક્રીન ઑન થઈ એટલે એક બોક્સ આવ્યું, જેમાં મારે ID-પાસવર્ડ નાખવાના હતા. મેં ઓડિયન્સમાં જ કહ્યું કે, બોલો આમાં કોનું ID ને પાસવર્ડ નાખું. ત્યાં એમાંથી જ એક છોકરો ઊભો થયો કે, મારું લખો. લકીલી એ વ્યક્તિનો પાસવર્ડ મારી પાસે હતો. પણ તરત નાખી દઉં તો શક જાય એટલે મેં થોડી વાર ખોટા પાસવર્ડ નાખ્યા ને પછી પેલા છોકરાનો સાચો પાસવર્ડ નાખી દીધો. ID ખૂલી ગયું એટલે આખો હૉલ અચંબિત કે આ થયું કેમ? સન્નીને તો હેકિંગ આવડે છે!’
સન્ની હેકરનું નવું પરાક્રમઃ ગમે તેના ફોનમાંથી SMS કરી શકું!
ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ સન્ની વાઘેલા હવે નિરમાનો ‘સન્ની હેકર’ બની ગયો હતો. લોકોએ હેકરની ઉપમા આપી દીધી. સન્નીભાઈએ વાત ચાલુ રાખી, ‘અમને પહેલી વાર હેકરની પદવી મળે એટલે એ PM જેવી લાગે. કોલેજમાં મારો જલવો થઈ ગયો. રોજે કેટલાય મારી પાસે આવે કે, મારે આ છોકરી, આ છોકરાનું ID ચેક કરવું છે. કોઈ કોઈ તો રિઝલ્ટ સુધારવા આવવા માંડ્યા. પણ એક વર્ષ થયું એટલે દબદબો ઓછો થયો, મને થયું કે હવે પાછું કંઈક છમકલું કરવું પડશે, હમણાંથી લોકો તરફથી એટલું માન નથી મળતું કે કોઈ સારી છોકરી પણ સામે નથી જોતી. થયું કે હવે કશુંક નવું કરવું પડશે. એમાં મને SMSમાં એક બગ મળી ગયો. મતલબ કે, મારે તમારા નામથી મેસેજ કરવા માટે તમારો ફોન ન જોઈએ. હું મારા ફોનમાંથી જ તમારા નંબરથી કોઈને પણ મેસેજ કરી શકું.’
શરૂઆતમાં મેં આનાથી મસ્તી ચાલુ કરી, રોજે કોઈ છોકરા-છોકરીને મેસેજ કરી દઉં અથવા તો સ્ટુડન્ટ્સને ફેકલ્ટીના નામથી મેસેજ નાખી દઉં કે, કાલે ક્લાસ બંધ છે, કોઈએ આવવાનું નથી. આ બધામાં એક દિવસ હું મિત્રો સાથે સાયબર કેફેમાં બેસીને મેસેજ કરતો હતો ને મસ્તી ચાલતી હતી એટલે અવાજ પણ થતો હતો. ત્યાં એક ભાઈ આવ્યા ને આવી મને કહે કે, ‘અવાજ ઓછો કરો, અમે ડિસ્ટર્બ થઈએ છીએ. શું કરો છો તમે?’ એટલે મેં જવાબ આપવા કરતાં એમના જ નંબરથી એમને જ મેસેજ કરી દીધો કે, ‘તમે કોને ચૂપ થવાનું કહો છો?’ અને કહ્યું કે, આ કરું છું. થયું એવું કે, એ ભાઈ મીડિયામાં હતા. મને તરત જ પૂછી લીધું કે, આજે સાંજે તું શું કરે છે? હવે હું તો નવરો જ હતો. એ ભાઈએ મારો નંબર લીધો ને સાંજે લાઈવ પ્રોગ્રામ કરી નેશનલ ન્યૂઝ ચેનલ પર એક પ્રોગ્રામ કર્યો. મને એ ટાઈમે TV પર આવ્યા કરતાં એ વધારે ખુશી હતી કે, કાલે કોલેજ જઈશ ત્યારે બધાનું શું રિએક્શન હશે!’
પોલીસે સામેથી કહ્યું, અમારા માટે સાયબર સેલ ઊભું કરી આપો
તમે પોલીસ સાથે પણ ઘણું કામ કર્યું છે, એ ચાન્સ કેવી રીતે મળ્યો? સન્નીભાઈએ ખોંખારો ખાઈને વાત માંડી, ‘2006ના અરસામાં ‘ઓરકુટ’ કરીને એક નવી સોશિયલ સાઇટ આવી હતી, ને જબ્બર પોપ્યુલર થઇ હતી. મેં એમાં બગ શોધ્યો ને એમની સિક્યોરિટીને ચેલેન્જ કરી. એવામાં એક દિવસ મને આચનકથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી ફોન આવ્યો, પહેલાં તો હું ગભરાઈ ગયો કે, પોલીસ મને કેમ ફોન કરે છે? પણ પછી ખબર પડી કે, એ લોકોને મારી હેલ્પ જોઈતી હતી. હજુ નવું નવું સોશિયલ મીડિયા શરૂ થઈ રહ્યું હતું ને સાયબરના કેસ દિવસે ને દિવસે વધતા હતા, પણ પોલીસ પાસે એ કેસ સોલ્વ કરવા માટે એક્સપર્ટીઝ નહોતી. એમ કરતાં હું પોલીસની સાથે કામ કરતો થયો. મને છૂટ આપી કે તમે અમદાવાદનું સાયબર સેલ ઊભું કરો. અમે સારી રીતે કર્યું ને અત્યારે આપણાં અમદાવાદનો સાયબર સેલ ઈન્ડિયાના સૌથી સારા સાયબર સેલમાંનો એક છે.’
અમદાવાદમાં બ્લાસ્ટ થયા, ને ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકી શોધી કાઢ્યો
કેવા કેવા કેસ આવતા? સન્નીભાઈ કહે, ‘બહુ બધા કેસ સોલ્વ કર્યા, બે વર્ષમાં તો 100થી વધુ કેસનો નિવેડો આવી ગયો. ઘણા આરોપીઓ પકડાઈ ગયા. મારી કોલેજનું ત્રીજું અને ચોથું વર્ષ મેં ક્રાઇમ બ્રાન્ચ સાથે કામ કર્યું. 2008માં હજુ મારી કોલેજ પૂરી થઈ જ હતી ત્યાં એક મહિનામાં બોમ્બ બ્લાસ્ટ થયા. એ આતંકવાદીઓ બોમ્બ ફોડતા પહેલાં કોઈનું પણ વાઇફાઈ હેક કરી મેસેજ કરી દેતા કે, અમે અહીં બ્લાસ્ટ કરવાના છીએ, જે થાય એ કરી લેજો. એવું જ થયું અમદાવાદ બ્લાસ્ટ પહેલાં.’
રૂમમાં એકદમ શાંત માહોલ થઈ ગયો ને બધા સન્નીભાઈને શાંતિથી સાંભળતા હતા, ‘અમદાવાદ બ્લાસ્ટ પહેલાં પણ એવો જ એક ઈમેલ આવ્યો. અમે ટ્રેસ કરી ઠેકાણું શોધ્યું, થોડી વારમાં બીજો ઈમેલ, ત્રીજો ઈમેલ, પણ દર વખતે લોકેશન પર પહોંચીએ ત્યાં કોઈ સામાન્ય માણસનું જ ઘર મળે. જેના વાઇફાઈનો પાસવર્ડ મોબાઈલ નંબર કે 1થી 9 આંકડા જેવો સાધારણ હતો. ઇન શોર્ટ આતંકીઓ આમના ID હેક કરી મેસેજ કરતા હતા. હવે મેં એ 10-10, 15-15 પેજના બધા મેઈલને ફંફોસવાનું શરૂ કર્યું. એમાં મને એક ક્લૂ મળ્યો.’
શું મળ્યું? સન્નીભાઈએ વાત ચાલુ રાખી, ‘એ 13 પેજમાં મોટે ભાગે તો આતંકીઓએ જગ્યા ભરવા બીજું બધું લખ્યું હતું. એમાં વચ્ચે એક પેરેગ્રાફ મને મળ્યો જે ન્યૂઝ જેવો લાગ્યો, મેં એ આખો પેરેગ્રાફ સર્ચ કર્યો તો ખબર પડી કે, આ પેરેગ્રાફ આ ન્યૂઝ સાઇટ પર લખાયેલો છે. બસ, મારું અડધું કામ થઈ ગયું. એ ન્યૂઝ સાઇટ પરના છેલ્લા એક-બે દિવસના વિઝિટર્સ તપાસવાનું શરૂ કર્યું ને, એમાથી એક શંકાસ્પદ વ્યક્તિ મળ્યો. પોલીસ એને શોધવા નીકળી ને એ વખતે તો હું પણ સાથે ગયો. આરોપી જ્યાંથી પકડાયો એ ઘરમાં હોવાની કોઈ શંકા જ નહોતી. ત્રણ માળનું ઘર, છોકરો યાહૂમાં એન્જિનિયર ને ભાઈ પોતે ‘ઇન્ડિયન મુજાહીદ્દીન’નું મીડિયા સેલ મેનેજ કરતો. એ ટાઈમે મને મારા પોતાના પર જે ગર્વ થયો હતો એ વર્ણવવો અઘરો છે. થોડા ટાઈમમાં 26/11માં પણ મેં ઘણું કામ કર્યું હતું.’
26/11ના મુંબઈ હુમલામાં પણ હેલ્પ કરી
પણ એ તો મુંબઈ એટેક હતો ને? સન્નીભાઈ કહે, ‘એ આતંકીઓ પાસે ઇન્ડિયન સીમકાર્ડ હતાં, જે બોટમાંથી ઊતર્યા ત્યારે એમને આપ્યા હતા. પણ એમાં જે કોલ આવતા એ VOIP (એક પ્રકારની ઈન્ટરનેટ કોલિંગ સિસ્ટમ)થી આવતા. સરકારમાં કોઈને મારું બે વર્ષ પહેલાંનું કામ યાદ આવ્યું કે એક છોકરો કહેતો હતો, કોઈના નંબરથી કોઈને મેસેજ થઈ શકે, VOIP હેક થઈ શકે. મને ફોન આવ્યો ને હું લાગી પડ્યો, મેં શોધી લીધું કે ક્યાંથી કોલ આવે છે, કયા નામથી એ સર્વર રજિસ્ટર્ડ છે. જેનાથી પોલીસને ઘણી હેલ્પ મળી ને આતંકીઓની નેક્સ્ટ હલચલ મળી ગઈ. પણ એ પછી મેં નક્કી કરી લીધું કે, સાયબર વર્લ્ડ જ હવે મારી લાઈફ છે. મેં નક્કી કરી લીધું, પણ પપ્પાને કેમ મનાવવા?’
પેલું ‘3 ઇડિયટ્સ’નું ‘અબ્બા નહીં માનેંગે’ જેવુ થયું? સન્નીભાઈ હસતાં હસતાં કહે, ‘કંઇક એવું જ! પણ આપણે હાર ન માની, પપ્પાને મનાવી લીધા. એક્ચ્યુલી પપ્પાને કેબલ TVનો બિઝનેસ. એ જમાનામાં પપ્પાનો આખો કંટ્રોલ રૂમ હતો. એટલે પપ્પા એવું જ કહેતા કે તારે આ બિઝનેસ સંભાળવાનો છે. મેં પપ્પાને કહી દીધું કે, ‘હું આ તો નહીં જ કરું, તમારે બિઝનેસ વેચવો હોય તો વેચી કાઢો, પણ હું અહીં બેસીને કેબલ ટીવી તો હેન્ડલ નહીં જ કરું. મારે સાયબર સિક્યોરીટીનું જ કરવું છે. મારા પપ્પાએ મને ત્યારે સરસ વસ્તુ કહી કે, ‘મેં જ્યારે નવો ધંધો શરૂ કર્યો ને ત્યારે મને મારા પપ્પાએ એક રૂપિયો નહોતો આપ્યો. કેમ કે એમની પાસે પૈસા હતા જ નહિ, તારા પપ્પા પાસે પૈસા છે, પણ એનો મતલબ એ નથી કે હું આપીશ. તારે પણ બધું જાતે જ કરવાનું છે. હું એક રૂપિયો પણ નહિ આપું. પપ્પા આટલેથી અટક્યા નહીં. એમણે હજુ બીજી એક કન્ડિશન પણ મૂકી.’
‘હું લાઇવ હેકિંગ શિખવાડીશ’
સન્નીભાઈને પૈસા તો ન મળ્યા પણ સામે અલ્ટિમેટમ મળી ગયું, ‘મારા પપ્પાની ઈચ્છા હતી કે, હું US જઉં. મમ્મીની ઈચ્છા હતી કે, હું કોઈ નોકરી કરું અથવા પપ્પાનો બિઝનેસ સંભાળું. એટલે પપ્પાએ મને કહી દીધું કે, ‘તને હું ત્રણ મહિના આપું છું. આવતા ત્રણ મહિનામાં જો તું તારા પેશનથી પૈસા કમાઈ શકે તો તારે જે કરવું હોય એ કરજે, નહિતર હું કહું એ કરવું પડશે.’ આપણે ટાસ્ક પર ડનની મહોર મારી દીધી. અને વિચારવાનું શરૂ કર્યું.’
તમે આ બધા કેસ સોલ્વ કરતા એમાંથી પોલીસ પાસેથી પૈસા નહોતા મળતા? સન્નીભાઈ કહે, ‘ના ના, એ બધું તો મદદની રીતે કરતો હતો. પણ આટલા બધા કેસ સોલ્વ કર્યા હતા એટલે મને કોલેજોમાંથી ઇન્વિટેશન આવતાં ને હું ત્યાં બોલવા જતો એના મને એક-બે હજાર રૂપિયા મળતા. પણ એટલે ટીપે ટીપે તો મહિને ગ્લાસ પણ ન ભરાય. મને કોલેજોવાળા કહેતા કે, તમે સ્પીકર સારા છો. મને થયું કે ચલ ને તો પછી એકાદી વર્કશોપ જ કરીએ. તૈયારીઓ ચાલુ કરી ને મારી જ યુનિવર્સિટી નિરમામાં જ હૉલ બુક કર્યો ને બે દિવસની જાહેરાત કરી કે, ‘હું લાઈવ હેકિંગ શિખવાડીશ.’ વર્કશોપ રાખ્યો અને ફી નક્કી કરી ₹1000/પર્સન! સાહેબે મને પહેલાં જ કહી દીધું કે, બે દિવસની આટલી ફી આપી કોઈ નહીં આવે.’
‘15 દિવસમાં તો મેં કાર ખરીદી લીધી!’
કેટલા લોકો આવ્યા? સન્નીભાઈ કહે, ‘80 જણા બેસી શકે એટલો હૉલ મને આપ્યો હતો, પણ વર્કશોપને હજુ 15 દિવસની વાર હતી. રજિસ્ટ્રેશન ચાલુ થયું ને 15 દિવસમાં 4 હૉલ ચેન્જ કરવા પડ્યા. વર્કશોપના દિવસે 600 લોકોની સામે મેં પહેલો વર્કશોપ કર્યો. મેં એમાં મારા કેસ સ્ટડી કહ્યા ને થોડું ઘણું હેકિંગ શિખવાડ્યું. બોસ, પહેલાં જ ઘાએ ₹6 લાખની ઇન્કમ થઈ ગઈ! પપ્પાને મેં કહ્યું નહિ, સીધું જ બતાવ્યું, એ પણ અલગ રીતે. એ ટાઈમે હું મારા પપ્પાની ગાડી ફેરવતો, એટલે પપ્પા ઘણીવાર ખિજાતા પણ ખરા. મેં મારું સેવિંગ અને આ પૈસા મેળવી ટાટા ઇન્ડિગો કાર લીધી ને સીધી જ એ ગાડી લઈ ઘરે પહોંચ્યો, પપ્પાના હાથમાં ચાવી આપી. પપ્પા પહેલાં તો અચંબિત થઈ ગયા. મેં પપ્પાને કહી દીધું કે, ‘જોઈ લો, હું ગમે એવી નોકરી કરીશ તો પણ એક વર્ષમાં હું કાર નહીં લઈ શકું, એ મેં 15 દિવસમાં લઈ લીધી છે. એટલે મને જે કરવું છે એ કરવા દ્યો.’ પપ્પાએ હાથ મૂક્યો ને કીધું કે, જે કરવું હોય એ કરો.’
‘અમે જ મોટી મોટી કંપનીઓની વેબસાઇટ હેક કરી લેતા!’
બિઝનેસની શરૂઆત કેવી રીતે થઈ? સન્નીભાઈએ નેક્સ્ટ ચેપ્ટર ખોલ્યું, ‘કંપની ખોલી શરૂઆતમાં અમે મોટી મોટી કંપનીની વેબસાઇટ હેક કરવાનું શરૂ કર્યું. વેબસાઇટ હેક કરી એમને કહીએ કે, તમે અમારી સર્વિસ લો, અમે હેક નહિ થવા દઈએ. પણ એ ટાઈમે લોકો સાયબર સિક્યોરિટીમાં એટલા માનતા જ નહોતા. ચોખ્ખું કહી દે કે, ‘મારી સાઇટ હેક થઈ તો મારી પાસે બેકઅપ ડેટા છે, હું એ અપલોડ કરી દઇશ. પણ પૈસા નહીં આપીએ. મેં બાજુમાં મારા વર્કશોપનું કામ ચાલુ રાખ્યું. 2010થી લઈ 2017 સુધીમાં 793 વર્કશોપ કર્યાં. કંપની તરીકે 900 વર્કશોપ કર્યાં. પણ પછી ઘણા બધા લોકો વર્કશોપ કરવા માંડ્યા એટલે મેં છોડી દીધું કે, બધા કરતા હોય તો મારે નથી કરવું. મેં નક્કી કર્યું કે, હવે હું ફરી કંપની શરૂ કરીશ અને મોટી કંપનીઓને સિક્યોરિટી પ્રોવાઈડ કરીશ.’
‘કંપની શરૂ કરી, ને ત્રણ મહિનામાં અદાણી અમારા ક્લાયન્ટ બન્યા’
ઇન શોર્ટ, 2017માં કંપનીની શરૂઆત થઈ ને? સન્નીભાઈ કહે, ‘હા, 2017માં મેં ‘ટેક ડિફેન્સ લેબ સોલ્યુશન’ નામે કંપનીની શરૂઆત કરી. આમાં પણ મારું ફિક્સ હતું કે, મારો પહેલો ક્લાઈન્ટ બધું જ મોટો હોવો જોઈએ. મેં સીધો જ અપ્રોચ કર્યો ‘અદાણી’ કંપનીને. ત્રણ મહિના થયા પણ અદાણી જેવી મારી ક્લાઈન્ટ બની, અપની ગડી નિકલ પડી. એ પછી તો બેન્ક ને સ્ટાર્ટઅપ્સને બહુ બધાં આવવા લાગ્યાં. પહેલા જ વર્ષે 100 કંપની અમારી કસ્ટમર બની ગઈ. બીજા વર્ષે 200 કંપની ને 7 વર્ષે અત્યારે 600થી વધારે કંપનીઓ અમારી કસ્ટમર છે.’
‘અમે દેશનું સૌથી મોટું સાયબર સિક્યોરિટી કેમ્પસ બનાવી રહ્યા છીએ’
2017થી દર વર્ષે બિઝનેસ ડબલ થતો ગયો, સન્નીભાઈ કહે, ‘7 વર્ષ સુધી દર વર્ષે અમારી રેવન્યુમાં 100%નો વધારો થતો ગયો. પણ ગયા વર્ષે અમે જે લેવલે પહોંચ્યા ત્યાંથી ડબલ કરવું થોડું અઘરું હતું. એટલે મેં નક્કી કર્યું કે હવે ઇન્ટરનેશનલ માર્કેટ પણ કવર કરીએ. કેમ કે કોઈ સાયબરની ગ્લોબલ કંપની નથી. ફાઇનલી સપ્ટેમ્બર 2025માં અમે NSEમાં અમારી કંપની રજિસ્ટર કરી. પૂરા ઈન્ડિયામાં બે જ સાયબર સિક્યોરિટી કંપની પબ્લિક લિમિટેડ છે, એમાં એક મારી ટેક ડિફેન્સ. 720 ગણો IPO ભરાયો ને 18,632 કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું અને IPO 90% પ્રીમિયમે ખૂલ્યો. એક જ મહિનામાં અમારો સ્ટોક અત્યારે 150%થી વધુ ઉપર ગયો છે. અત્યારે અમે 1 લાખ ચો.મી. એરિયામાં ઈન્ડિયાનું લાર્જેસ્ટ સાયબર સિક્યોરિટી કેમ્પસ ઊભું કરવા જઈ રહ્યા છીએ. જેમાં સિક્યોરિટી ટીમ્સ હશે, ટ્રેનિંગ સેન્ટર હશે, એક્ટિવિટીઝ હશે. અને એ 24X7 અને 365 દિવસ ચાલશે. મારું સપનું છે કે આપણું અમદાવાદ સાયબર સિક્યોરિટીનું હબ હશે.’
‘જીવનમાં કંઇક મેળવવું છે? તો પરિવારથી થોડા દૂર થઈ જાઓ’
વેલ, થોડું રિવર્સ જઈ સન્ની હેકરની લાઈફ હેક કરીએ. સન્નીભાઈએ પોતાની વાત ચાલુ કરી, ‘હું 21 વર્ષનો હતો ત્યારે જ મારાં મમ્મીએ આ દુનિયા છોડી દીધી. અત્યારે હું મારી વાઈફ અને મારા પપ્પા સાથે અહીં અમદાવાદમાં જ રહું છું. ગ્રેજ્યુએશન પછી મારા પરિવારથી પણ અલગ છું. હું હંમેશાં માનું છું કે જો તમારે લાઈફમાં કશું કરવું હોય તો કોલેજ પછીના ટાઈમમાં ફેમિલીથી દૂર થઈ જવું. મતલબ કે સામાજિક કાર્યોથી થોડા દૂર થઈ જાઓ. કેમ કે એ સમય તમારા ગોલનો છે, તમારાં સપનાંઓનો છે, એ ટાઈમે જો પારિવારિક બાબતોમાં અટવાઈ જશો તો અટવાયેલા જ રહેશો. અને મેં હંમેશાં એવા લોકો પાસેથી જ એડવાઇસ લીધી છે, જેઓ જીવનમાં કંઇક ઉખેડીને બેઠા છે. બાકી સલાહ આપવાવાળા ઘણા છે, કોની પાસેથી લેવી એ ઘણું મહત્ત્વનું છે.’
250નો સ્ટાફ, કરોડોનું ટર્ન ઓવર, 600 કંપનીઓ કસ્ટમર
‘ટેક ડિફેન્સ’ની શરૂઆત કેવી રીતે થઈ ને નામ કેવી રીતે પડ્યું? ફાઉન્ડર સન્નીએ વાતની શરૂઆત કરી, ‘કોલેજ પૂરી થઈ એટલે પપ્પાએ કહ્યું કે, મારો બિઝનેસ જોઇન કર. મારે કરવો નહોતો; જોબ કર, મારે કરવી નહોતી; US જા, મારે જવું નહોતું. આ બધામાં પપ્પાએ મને પ્રોબેશન પિરિયડ આપ્યો ને મારે એમાં ખરું ઊતરવાનું હતું. આ બધામાં મારો ટાર્ગેટ સાયબર જ હતો. મેં બહુ વિચાર્યું હતું કે, કંપની ખોલવી છે પણ નામ શું રાખવું? ઘણાં બધાં નામ મગજમાં આવ્યાં હતાં, પણ ટેક ડિફેન્સ એટલે સિલેક્ટ કર્યું, કેમ કે ‘ટેક’ એટલે ટેકનોલોજી અને હું ટેકનોલોજીને ‘ડિફેન્ડ’ કરું છું. એટલે બંનેને મિક્સ કરી ‘ટેક ડિફેન્સ’ નામકરણ કર્યું. ડોમેન સર્ચ કર્યું તો અવેલેબલ હતું, તો કંપની ખોલ્યા પહેલાં ડોમેન લઈ લીધું હતું ને 2010માં કંપનીની સ્થાપના કરી. અત્યારે મારી કંપની કંપની સ્ટોક માર્કેટમાં પબ્લિક લિસ્ટેડ છે, 250થી વધુ એમ્પ્લોયીનો સ્ટાફ છે, અમદાવાદ, પુણે અને બેંગલોરમાં અમારી ઓફિસ છે. વર્ષે ટર્નઓવરની વાત કરું તો આખી ગ્રુપ ઓફ કંપનીનું લાસ્ટ યરનું ટર્નઓવર ₹56 કરોડ આસપાસ હતું.’
બોલો, તમારે હેકિંગ શીખવું છે?
તમારી કંપની ‘ટેક ડિફેન્સ’ કરે છે શું? જેમ કોઈ માને એના બાળક વિશે પૂછો અને ખુશ થઈ જાય એમ ફાઉન્ડર સન્ની કહે, ‘અમારી કંપની ટોટલ ચાર ભાગમાં કામ કરે છે. પહેલામાં અમે અમારી ક્લાયન્ટ કંપનીના સાયબર નેટવર્કમાં પ્રોબ્લેમ શોધીએ અને એમને આસિસ્ટ કરી એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરીએ. મતલબ કે તમારી વેબસાઇટ, મોબાઈલ એપ, નેટવર્ક, પ્લાન્ટ્સ, દરેકમાં જો કોઈ બગ કે કોઈ છીંડાં રહી ગયાં હોય તો એ શોધીએ. જો એ ઓપન ડોર બંધ ન થાય તો કોઈ હેકર તમારી વેબસાઇટ કે એપ હેક કરી શકે છે. બીજું છે, સિક્યોરિટી ઓપરેશન સેન્ટર, જેમાં અમે કોઈ પણ કંપનીનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાન્ટ, બેન્ક એ બધાની 24X7 રખેવાળી કરીએ, જેથી કોઈ પણ હેકર ક્યારેય પણ હેક ન કરી શકે. અને ત્રીજું કમ્પ્લાયન્સ, જેમાં અમે સાયબર લીગલી હેલ્પ કરીએ, જેથી તમારે પોલિસી કેવી બનાવવી? કઈ રીતે બનાવવી? શું શું ધ્યાન રાખવું? એ બધું જ ગાઈડ કરીએ. ચોથો અને ફાઇનલ પાર્ટ ટ્રેનિંગ, જે હું વર્ષોથી કરું છું. જેને હેકિંગનો શોખ હોય, એમને હેકર બનાવીએ અને એમાંથી કોઈ કોઈ માઇન્ડને અમારી કંપનીમાં કામ પણ આપીએ છીએ. આ બધું મળી ભારતનાં 7 રાજ્યોમાં અમારા ટોટલ 670 ક્લાયન્ટ્સ છે. અને થોડા ટાઈમમાં ગ્લોબલ પણ પહોંચી જઈશું.’
‘અમે મસમોટી કંપનીઓની સિસ્ટમ સિક્યોર રાખીએ છીએ’
તમને કામ કેવી રીતે મળે અને પછી તમે કેવી રીતે કામ કરો? સન્નીભાઈએ ટેક ડિફેન્સની સર્વિસનું પાનું ખોલ્યું, ‘સૌથી પહેલાં તો તમે જ્યારે કોઈ ડૉક્ટર પાસે જાઓ ત્યારે એ તમારું ફુલ બોડી ચેકઅપ કરે એમ અમારી પાસે આવો એટલે અમે તમારી આખી કંપનીનું મેચ્યોરિટી ઍસેસમેન્ટ કરીએ, જેમાં એમના એમ્પ્લોયી, પ્રોસેસ બધું જ ચેક કરી એક રિપોર્ટ આપીએ. અમે તેમને બતાવીએ કે તમારી સિક્યોરિટીમાં કેટલો પ્રોબ્લેમ છે. એ પછી રોડમેપ આપીએ કે, પહેલા વર્ષમાં આટલું કરવું પડશે, બીજા વર્ષે આટલું અને આ રીતે બધું સિક્યોર થશે. પણ જો આ રીતે સિક્યોર નહીં કરો જે દિવસે તમારી કંપની હેક થઈ તો આટલા કરોડનું નુકસાન જઈ શકે છે. બસ, એ રીતે એમને સિક્યોર રાખવાનું અમારું કામ.’
આ ‘એથિકલ હેકર’ વળી શું છે?
એથિકલ હેકર અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટ વચ્ચે શું ફરક? સન્નીભાઈ ફરક સમજાવતાં કહે, ‘સાયબર સિક્યોરિટી એક્સપર્ટ એ એથિકલ હેકિંગનું અપર વર્ઝન છે. એથિકલ હેકિંગ મતલબ તમે કોઈ તમને પરમિશન આપે કે, તમે એમની વેબસાઇટ હેક કરો અને બગ શોધો, જ્યારે સાયબર સિક્યોરિટીમાં પર્સનલ સિક્યોરિટીથી લઈ ફોરેન્સિક, બેન્ક, કંપની બધું જ આવી જાય. ઇન શોર્ટ, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ એથિકલ હેકર છે અને એથિકલ હેકર સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું કામ પણ કરી શકે છે. મેં મારું કરિયર એથિકલ હેકર તરીકે શરૂ કર્યું હતું, તેમાંથી સાયબર સિક્યોરિટી એક્સપર્ટ બન્યો અને હવે અત્યારે સાયબર સિક્યોરિટી આંત્રપ્રેન્યોર છું.’
‘ભારતમાં પ્રાઈવસી એ મોટો ભ્રમ છે’ AI અને આટઆટલી ટેકનોલોજીના જમાનામાં તમને લાગે છે કે, પ્રાઈવસી જેવું કશું બચ્યું છે? પ્રાઈવસી ફક્ત ભ્રમ હોય એવું નથી લાગતું? સન્નીભાઈ કહે, ‘100%! ભારતમાં તો પ્રાઈવસી એ મોટો ભ્રમ જ છે. જો તમે એવું માનતા હોય કે, તમારો ડેટા કે તમે જે ઇન્ફોર્મેશન જ્યાં જ્યાં આપો છો, એ બધું સિક્યોર છે, એ જરા પણ સિક્યોર નથી. સાયબર ફ્રોડથી બચવા લાઈફમાં એક વસ્તુ હંમેશાં યાદ રાખજો કે લાઈફમાં કશું ફ્રી નથી. ઈન્ટરનેટ પર જો કશુંક ફ્રી દેખાય તો ક્યારેય ભરોસો ન કરો. કોઈ પણ સોર્સથી બધુ ડાઉનલોડ ન કરવા માંડો. ઈન્ટરનેટ પર તમે બધી વસ્તુઓનો ભરોસો નથી કરી શકતા. બીજું કે, જો તમે કંપની ચલાવો છો, તો હંમેશાં યાદ રાખો કે, 70% અટેક તમારી કંપની સાથે જોડાયેલા કોઈ ઇનસાઇડરના જ હશે. યાને કે કોઈ જાણભેદુ જ તમારી લંકામાં આગ લગાડતો હશે. 30% અટેક્સ જ કોઈ બહારથી આવશે. 70%માં પણ જે તમારો સૌથી વધુ ભરોસાપાત્ર માણસ હશે એ જ ક્યારેક ને ક્યારેક દગો આપશે. સાયબર બાબતે તમે કોઈના પર 0% ભરોસો કરી શકો છો. ક્યારેય કોઈને બધી જ એક્સેસ ન આપો અને ગમે તેટલો જૂનો કે સિનિયર વ્યક્તિ હોય કે જુનિયર હોય, એની પણ સિસ્ટમ ચેક કરતા રહો.’
ગ્રાહકે જ કંપનીના નેટવર્કમાં છીંડું પાડ્યું પોતાની પાસે આવેલો એક કેસ યાદ કરતાં સન્નીભાઈ કહે, ‘આપણાં અમદાવાદમાં જ એક IT કંપનીનો ઑનર હતો. એને USનો એક પ્રોજેક્ટ મળ્યો હતો. જેમ આપણે અહીં આધાર છે, એમ ત્યાં USમાં આ રીતના સોશિયલ ડેટાનો એને પ્રોજેક્ટ મળ્યો. US સરકારે એ પ્રોજેક્ટ એક કંપનીને કોન્ટ્રાક્ટ પર આપ્યો હતો અને એનું વેબસાઇટનું કામ આ વ્યક્તિને મળ્યું. પણ પ્રોજેક્ટ મળ્યા પછી આને લાગ્યું કે, આ તો બહુ મોટો પ્રોજેક્ટ છે, આની કિંમત આટલી ઓછી ન હોય. એટલે એ માણસે પ્રોજેક્ટ તો લઈ લીધો. પણ એ પ્રોજેક્ટમાં એક નાનકડો લૂપહોલ રાખી દીધો કે જ્યારે ડેટા બધો આવી જશે તો હું આને હેક કરીશ. અને એવું કર્યું પણ ખરું. જેવો બધો જ ડેટા અપલોડ થઈ ગયો એટલે ડેટા ચોરવાનું શરૂ કર્યું અને વેચવા માંડ્યો. સામે જેવી એ કંપનીને ખબર પડી કે આ રીતે ડેટા જાય છે, એટલે મારી પાસે એ કેસ આવ્યો. અમે એને શોધ્યો, પકડ્યો, કેસ કર્યો અને જેલમાં પણ મોકલ્યો.’
તમારો ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે? જાતે જ ચેક કરી લો
‘અને આટલું કરતાં પણ તમે હજુ પણ સિક્યોર તો નથી જ! તમે તમારો ડેટા યાહૂને આપ્યો હતો, લિન્ક્ડ ઇનને આપ્યો હતો; યાહૂ ચાર વાર હેક થઈ ગયું, લિન્ક્ડ ઇન બે વાર હેક થઈ ગયું, સ્વિગી હેક થયું, ઝૉમેટો હેક થયું, ડોમીનોઝ હેક થયું, એ બધી જ સાઇટ પરથી તમારો ડેટા ચોરાયો છે અને એ ડાર્ક વેબ અને ડીપ વેબ પર પડ્યો જ છે. હું તમને બે-ત્રણ વેબસાઇટ કહું, એના પર જઈને થોડા થોડા ટાઈમે ચેક કરતાં રહો કે તમારો ડેટા ક્યાંય ઈન્ટરનેટ પર પડ્યો તો નથી ને. એ માટે તમે ‘haveibeenpwned.com’ જેવી વેબસાઇટ પર જઈ તમે તમારું મેઈલ આઈડી નાખશો એટલે તરત બતાવશે કે ઈન્ટરનેટ પર કઈ કઈ જગ્યાએ તમારો ડેટા અવેલેબલ છે. એમાં તમારો કોઈ વાંક નથી, પણ તમે યાહૂ જેવી જે તે વેબસાઇટ પર લૉગિન કર્યું હતું અને એ વેબસાઇટ હેક થઈ એમાં તમારો ડેટા ગયો છે.’
‘વેઇટ હું ચેક કરી લઉં’, અમે ચાલુ વાતે જ વેબસાઇટ ઓપન કરી અને ડેટા ચેક કર્યો.
ઓહ ગોડ…! 3 વેબસાઈટ દ્વારા અમારો ડેટા પર હેક થયો હતો. અમે તરત જ ‘Opt-Out’ કરી ડેટા રિમૂવ કર્યો. પણ સન્નીભાઈ, આ બધાથી બચવાનો ઉપાય શું? ‘હંમેશાં 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઑન જ રાખો. અને દર થોડા સમયે તમારો પાસવર્ડ બદલતા રહો. બીજું કે લોકોને ખબર જ નથી હોતી કે એમના ફોનમાં કેટલી એપ્લિકેશન છે. દર થોડા ટાઈમે ચકાસતા રહો કે તમારા ફોનમાં કેટલું છે, અને જે એપનો ક્યારેક ક્યારેક જ યુઝ થતો હોય એ એપ રાખો જ નહીં. જે કોઈ પણ એપ ડાઉનલોડ કરો એ પ્લે સ્ટોર પરથી જ કરો.’
ઇન્ટરનેટનો 95% હિસ્સો ડાર્ક વેબનો છે! ડાર્ક વેબ પર બધું જ મળી રહે? સન્નીભાઈ મૂછમાં હસી કહે, ‘આપણે જે યુઝ કરીએ છીએ એ 4-5% જ ઈન્ટરનેટ છે. બાકીનું 95% ઈન્ટરનેટ તો ડાર્ક વેબ પર જ છે. કરોડો અબજો લોકોનો બધો જ ડેટા ત્યાં પડ્યો છે. અને એ ફક્ત ડેટા માટે નથી, કોઈને કોઇની સુપારી આપવી હોય, કિડનેપરને હાયર કરવા હોય, ખંડણી માગવી હોય, ડ્રગ્સનો બિઝનેસ કરવો હોય, એ બધું જ ત્યાં થાય છે. ક્રિપ્ટોના હવાલા થાય છે. તમે પણ ડાર્ક વેબ-ડીપ વેબ એક્સેસ કરી શકો છો, પણ એ માટે થોડી ટેકનિક શીખવી પડે અને થોડા ડૉલર પણ ખર્ચવા પડે.’
સન્ની વાઘેલા સાથે કામ કરવું છે? કોઈએ તમારા જેવું કામ કરવું હોય તો શું કરવું પડે? સન્નીભાઈ કહે, ‘તમે મારી સાથે કામ કરી શકો છો, પણ એ માટે ત્રણ વસ્તુ જોઈએ. તમારી પાસે સાયબરની કે કોઈ પણ ડિગ્રી છે કે કેમ, એનાથી કોઈ મતલબ નથી. પણ જો તમને ક્યુરિયોસિટી-કુતૂહલ હોય તો તમે ચોક્કસથી મારી સાથે કામ કરી શકો છો. એ માટે તમારી પાસે ધીરજ હોવી જોઈએ, કેમ કે વેબસાઇટ હેક કરવી એ કોઈ અલીબાબાની ગુફા નથી કે તમે ‘ખુલ જા સિમ સિમ’ બોલશો અને ખૂલી જશે. એ માટે તમારે મહેનત કરવી પડશે. અને બીજું, ક્યારેય હાર નહીં માનવાની. કશું શોધો અને ન મળે તો હાર નહીં માનવાની, શોધે રાખવાનું. બસ, આટલું હોય કોઈનામાં, એટલે હું એમને કામ કરવા બોલાવી લઉં છું.’
હવેના હેકર્સ AIને હાથો બનાવી રહ્યા છે!
AI, હેકિંગ કરે છે? સન્નીભાઈ એનું પણ સિક્રેટ ખોલતા કહે, ‘હા, થઈ રહ્યું છે. AI પોતે હેક નથી કરતું. પણ હેકરો AIને ટ્રેન કરે છે કે, હું આ રીતે હેકિંગ કરતો હતો, હવે તું મારા બદલે આ રીતે બધું કર. એમ કરી AI પાસે જ પોતાના સેકન્ડ હેન્ડ તરીકે હેકિંગ કરાવે છે. પણ એવું નથી કે આનો મિસયુઝ જ છે, સામે બીજી બાજુ ડિફેન્સમાં પણ આપણે AIનો યુઝ કરીએ છીએ. ઇનશોર્ટ AIના ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે.’
તમારો ફ્યુચર પ્લાન શું છે? સન્નીભાઈ પ્રાઉડલી કહે, ‘અમદાવાદને તો હું સાયબર સિક્યોરિટી હબ બનાવીશ જ, પણ સાથે બીજું પણ વિઝન છે. આપણે હંમેશાં કહેતા હોઈએ છીએ કે, આ અબજો રૂપિયાની મલ્ટિનેશનલ કંપની છે, આ કંપની દુનિયાની આટલી મોટી છે. શું ભારતની કોઈ એવી કંપની ન હોઈ શકે? હું એ બનાવીશ. મારું વિઝન છે કે, આપણી મેક ઇન ઈન્ડિયા કંપની ગ્લોબલી બેસ્ટ બને. ટેક ડિફેન્સ એ દુનિયાની સૌથી મોટી કંપની બનશે.’
