ઈ-બાઈકનો ધંધો કરી મહિને લાખો કમાવો!:રોકાણ અને કમાણી કેટલી? સરકાર સબસિડી પણ આપે, ગુજરાતના 2 શહેરમાં વધુ ફાયદો
શું 10 ઇલેક્ટ્રિક બાઇકથી મહિને લાખ રૂપિયા કમાઈ શકાય છે? જવાબ છે, હા આ શક્ય છે...
ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઈ-બાઈક બિઝનેસ કરવો એ અત્યારે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, ખાસ કરીને જો તમે સરકારની પોલિસીનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો. આ બિઝનેસમાં સૌથી સ્માર્ટ રસ્તો B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મોડલ છે. આ મોડલમાં તમે Zomato, Swiggy જેવી ડિલિવરી કંપનીઓને તમારી ઈ બાઈક ફ્લીટ ભાડે આપીને મહિને ચોક્ક્સ કમાણી કરી શકો છો.
બિઝનેસનું ગણિત અને રોકાણ
આ B2B મોડલ શરૂ કરવા માટે, તમારે આશરે 8 લાખ રૂપિયાની 10 ઈ બાઈક, 12 લાખ રૂપિયાનું 'બેટરી સ્વેપિંગ સ્ટેશન' અને 4 લાખ રૂપિયાના વ્હાઈટ-લેબલ સોફ્ટવેરની જરૂર પડશે. એટલે કે કુલ રોકાણ આશરે 24 લાખ રૂપિયા થાય છે.
સરકાર કેવી રીતે મદદ કરશે?
24 લાખની રકમ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ ખર્ચ પર સરકારી મદદ મેળવવા માટે ગુજરાત સરકાર પાસે જ બે જોરદાર રસ્તા છે:
- રસ્તો 1: સ્ટાર્ટઅપ ગુજરાત ગ્રાન્ટ જો તમારો પ્રોજેક્ટ ઇનોવેટિવ (નવીન) છે, તો તમે 'સ્ટાર્ટઅપ ગુજરાત'માં રજિસ્ટર થઈને 30 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મેળવવા માટે અરજી કરી શકો છો.
- રસ્તો 2: EV પોલિસી સબસિડી (આ બધા માટે છે) જો તમારો પ્રોજેક્ટ ઇનોવેટિવ ન હોય તો પણ ચિંતા નથી. બીજો રસ્તો બધા માટે ખુલ્લો છે. ગુજરાતની EV પોલિસી હેઠળ, સરકાર તમને બેટરી સ્વેપિંગ સ્ટેશનના ખર્ચ પર 25% સબસિડી આપશે. આ ઉપરાંત, દરેક બાઈકની ખરીદી પર 20 હજાર રૂપિયાની સહાય અલગથી મળશે. એટલે કે 10 બાઇક પર સીધા 2 લાખ રૂપિયા બચી ગયા.
સ્થાનિક પાલિકાનો વધારાનો લાભ
જો તમે અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ની હદમાં આ બિઝનેસ શરૂ કરો છો, તો તમને વધારાની સબસિડી પણ મળી શકે છે. જ્યારે, જો તમે સુરત મહાનગર પાલિકા (SMC)ની હદમાં ધંધો શરૂ કરો છો, તો તમને બેટરી સ્વેપિંગ સ્ટેશન બનાવવા માટે 10 ટકા પાર્કિંગની જગ્યા મફત મળશે.
ખર્ચ ઘટાડવા અને ધંધો વધારવા માટે 2 સ્માર્ટ ટિપ્સ
- એપ પાછળ લાખો ન ખર્ચો: પોતાની મોબાઈલ એપ બનાવવા લાખો રૂપિયા ખર્ચવાને બદલે, 'વ્હાઈટ લેબલ સોફ્ટવેર' ભાડે લઈ શકાય છે. આનાથી તમારો શરૂઆતનો ખર્ચ ઘણો ઓછો થઈ જશે.
- હાઈ-સ્પીડ સ્કૂટર જ લેવા: B2B ડિલિવરી માટે હંમેશા હાઈ-સ્પીડ સ્કૂટર જ પસંદ કરવા, કારણ કે ડિલિવરી પાર્ટનર્સને સ્પીડની જરૂર હોય છે. એ વાતનું ધ્યાન રાખવું કે આના માટે RTO રજિસ્ટ્રેશન અને લાયસન્સ જરૂરી છે.
આટલું ખાસ યાદ રાખો
જોખમ સામે સુરક્ષા આ ધંધામાં ચોરી અને અકસ્માતનું જોખમ હંમેશા રહે છે. આનાથી બચવા માટે સૌથી સ્માર્ટ ઉપાય છે કે તમામ બાઈકનો કોમ્પ્રિહેન્સિવ વીમો (Comprehensive Insurance) લેવો. આનાથી જો બાઈક ચોરી થાય કે અકસ્માત થાય, તો પણ ટેન્શન તમારે નહીં પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીને રહેશે. ટૂંકમાં, ઈ-બાઈક બિઝનેસમાં તક મોટી છે અને સરકારની મદદ તમારું જોખમ ઘટાડી દે છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ.
ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર માહિતીપ્રદ હેતુ માટે છે, તેને નાણાકીય સલાહ ન ગણવી. કોઈ પણ બિઝનેસમાં જોખમ રહેલું છે. લેખમાં દર્શાવેલ ખર્ચ, કમાણી અને સરકારી સબસિડીના આંકડા અંદાજિત છે અને સમય તથા સંજોગો મુજબ બદલાઈ શકે છે. રોકાણ કરતા પહેલા વાચકે પોતાની રીતે સંપૂર્ણ તપાસ કરવી અને નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
