વોટ્સએપ લાવી રહ્યું છે નવું eSIM ફીચર:ઇન્ટરનેશનલ ટ્રિપમાં એરપોર્ટ પર સિમ ખરીદવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, જાણો 5 મહત્ત્વની બાબતો
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવા eSIM ફીચર પર કામ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં યુઝર્સ વોટ્સએપ દ્વારા જ વિદેશ પ્રવાસ માટે eSIM ખરીદી અને ઇન્સ્ટોલ કરી શકશે.
કંપનીનો હેતુ એ છે કે, દુનિયામાં ક્યાંય પણ મુસાફરી કરતી વખતે યુઝર્સને કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો ન કરવો પડે.
ચાલો, વોટ્સએપના નવા eSIM ફીચર વિશે જાણીએ…
પ્રશ્ન 1: વોટ્સએપની બ્લોગ પોસ્ટમાં આ ફીચર વિશે શું જણાવવામાં આવ્યું છે?
જવાબ: વોટ્સએપે જણાવ્યું કે, વિદેશ જતી વખતે એરપોર્ટની બહાર નીકળતાં જ ઇન્ટરનેશનલ SIM લેવું સામાન્ય જરૂરિયાત હોય છે, પરંતુ સ્થાનિક કિયોસ્ક પર જવું અથવા અલગ એપનો ઉપયોગ કરવો ઘણી વખત મુશ્કેલીભર્યું બની શકે છે.
કંપનીના જણાવ્યા અનુસાર, હવે આ કામ વોટ્સએપ પર થોડા ટૅપમાં થઈ શકશે. બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે આ મેસેજ મોકલવા જેટલું જ સરળ હશે. આ ફીચર ટૂંક સમયમાં પસંદગીના દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે.
પ્રશ્ન 2: વોટ્સએપ કઈ કંપનીઓ સાથે મળીને આના પર કામ કરી રહ્યું છે?
જવાબ: વોટ્સએપે જણાવ્યું છે કે, તે eSIM પ્રોવાઇડર્સ અને ટેલિકોમ ઓપરેટર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે. આ યાદીમાં જિયો, સ્માર્ટ એક્સિયાટા, સ્માર્ટ કમ્યુનિકેશન્સ અને વેરિઝોનનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 3: રિપોર્ટ્સમાં આ ફીચરના ઇન્ટરફેસ અને પ્લાન્સને લઈને શું સંકેતો મળ્યા છે?
જવાબ: કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં વોટ્સએપ વર્ઝન 2.26.47.10ના કોડમાં ટ્રાવેલ eSIM સપોર્ટના સંકેતો મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, યુઝર્સ પોતાનું ડેસ્ટિનેશન દાખલ કરીને વોટ્સએપ પરથી યોગ્ય eSIM પ્લાન શોધી શકશે. તેમાં ફિક્સ્ડ-ડેટા અને અનલિમિટેડ પ્લાનનો વિકલ્પ મળી શકે છે.
પ્રશ્ન 4: આવનારા સમયમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ પર તેની શું અસર થઈ શકે છે?
જવાબ: હાલ કુણાલ શાહ અને વૉટ્સઍપે લૉન્ચની ચોક્કસ તારીખ અથવા કિંમતો વિશે વિગતવાર માહિતી આપી નથી. પસંદગીના દેશોમાં રોલઆઉટ બાદ આ એવા પ્રવાસીઓ માટે સુવિધાજનક સાબિત થઈ શકે છે, જેઓ અલગથી ટ્રાવેલ એપ અથવા એરપોર્ટ કિયોસ્કનો ઉપયોગ કરવા માંગતા નથી. જોકે, તેની વ્યવહારિક ઉપયોગિતા પ્લાનની કિંમતો અને દેશવાર ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.
પ્રશ્ન 5: તાજેતરમાં વૉટ્સઍપે બીજું કયું ફીચર ઉમેર્યું છે?
જવાબ: eSIMની જાહેરાત પહેલાં વૉટ્સઍપે શેડ્યૂલ્ડ મેસેજનું ફીચર રજૂ કર્યું છે, જેના હેઠળ વ્યક્તિગત અને ગ્રુપ ચેટમાં 10 મિનિટથી લઈને 14 દિવસ પહેલાં સુધી મેસેજ શેડ્યૂલ કરી શકાય છે.
હવે યુઝર પોતાનો મેસેજ લખીને અગાઉથી નક્કી કરી શકશે કે તે કયા દિવસે અને કયા સમયે મોકલવો.
આ સુવિધા પ્રાઇવેટ અને ગ્રુપ ચેટ બંનેમાં કામ કરશે. તેની મદદથી 10 મિનિટથી લઈને 14 દિવસ સુધીની આગળની તારીખ માટે કોઈપણ મેસેજ શેડ્યૂલ કરી શકાશે.
આ ફીચર મેસેજમાં ટેક્સ્ટ, ફોટો અથવા વીડિયો માટે કામ કરશે. કંપનીએ આ સુવિધા હાલમાં પસંદગીના યુઝર્સને આપી છે.
કુણાલ શાહ અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે એપની પ્રાથમિકતાઓમાં વધુ અભિવ્યક્તિસભર કમ્યુનિકેશન, રોજિંદી સેવાઓને સરળ બનાવવી અને AIનું વધુ એકીકરણ સામેલ છે.
