મેગા એમ્પાયરઃ 64,000 કરોડની ઝીરોધા કંપની:બે ભાઈ દિવસે ટ્રેડિંગ કરતા અને રાત્રે કોલ સેન્ટરમાં જોબ કરતા; 1.6 કરોડ યુઝર્સની કંપની બનાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ લેનાર નિખિલ કામત હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ પોડકાસ્ટ 15 દિવસ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું હતું. નિખિલ ન તો પત્રકાર છે કે ન તો ફેમસ યુટ્યૂબર. તે તો સ્ટોક ટ્રેડિંગની દુનિયામાં જાણીતો ખેલાડી છે.
નિખિલ કામત ઝીરોધાના કો-ફાઉન્ડર છે. ઝીરોધા એક સ્ટોક બ્રોકરેજ ફર્મ છે. આ કંપની નિખિલ અને તેના ભાઈ નીતિન દ્વારા વર્ષ 2010માં શરૂ કરવામાં આવી હતી. ઝીરોધા દેશની સૌથી મોટી સ્ટોક બ્રોકરેજ કંપનીઓમાંની એક છે.
આજે ઝીરોધા લગભગ 64,000 કરોડની કંપની છે. હાલમાં જ નીતિન કામતે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ઝીરોધાના યુઝર્સ વધીને 1.6 કરોડથી વધુ થઈ ગયા છે.
આજે મેગા એમ્પાયરમાં કહાની બ્રોકરેજ ફર્મ ઝીરોધાની....
નિખિલનો જન્મ 5 સપ્ટેમ્બર 1986ના રોજ કર્ણાટકના શિમોગામાં થયો હતો. પિતા રઘુરામ બેંકમાં નોકરી કરતા હતા. બાળપણથી જ નિખિલને અભ્યાસમાં રસ નહોતો. તેણે 10મા પછી સ્કૂલ છોડી દીધી. 14 વર્ષની ઉંમરે મોબાઈલ ફોન વેચવાનું શરૂ કર્યું. નિખિલના મોટા ભાઈએ એન્જિનિયરિંગ કર્યું હતું. જો કે, તેમના મારવાડી મિત્રોનો બિઝનેસ જોઈને બંનેને લાગ્યું કે બિઝનેસ જ કરવો જોઈએ. આ વિચાર તેમને શેર ટ્રેડિંગની દુનિયામાં લઈ આવ્યો.
માતાના નામે પહેલું ટ્રેડિંગ એકાઉન્ટ શરૂ કર્યું
17 વર્ષની ઉંમરે, નીતિને તેમના માતાના નામે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવીને શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તેમણે થોડીક કમાણી પણ કરી, પરંતુ 2001-02ના માર્કેટ ક્રેશથી તેની બધી બચત ડુબી ગઈ. આ પછી પણ તેણે મિત્રો પાસેથી ઉધાર લઈને ટ્રેડિંગ ચાલુ રાખ્યું, પરંતુ પરિણામ એ જ રહ્યું.
આ સમયગાળાએ તેને બજારની બારીકાઈ શીખવી. જો કે, પરિવારનો ટેકો હંમેશાં તેમની સાથે હતો.
બંને ભાઈઓ દિવસે ટ્રેડિંગ કરતા અને રાત્રે જોબ કરતા
આર્થિક સમસ્યાના કારણે બંને ભાઈઓ કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. નિખિલે તેના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે દિવસ દરમિયાન ટ્રેડિંગ કરતા હતા અને રાત્રે કોલ સેન્ટરમાં જોબ કરતા હતા.
પહેલીવાર કોઈ અમેરિકન રોકાણકારે તક આપી
નિખિલનું કહેવું છે કે તેની રુચિ જોઈને તેના પિતાએ તેને પોતાની બચત શેર માર્કેટમાં રોકાણ કરવા માટે આપી દીધી. 2004માં, ભાઈઓને અમેરિકન રોકાણકારના પોર્ટફોલિયોને મેનેજ કરવાની તક મળી, જેનાથી તેમને 25 લાખની કમાણી થઈ. અહીંથી તેમણે પોતાનો પહેલો ફંડ મેનેજમેન્ટ બિઝનેસ 'કામત એસોસિયેટ્સ'ની શરૂઆત કરી.
પોતાની બચતથી જ કંપની શરૂ કરી
2009માં, નીતિને નિયમિત ટ્રેડિંગમાંથી બ્રેક લીધો અને ટ્રેડર્સની સમસ્યાઓ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે ભારતીય બ્રોકરેજ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને ઓછા ખર્ચનો અભાવ છે. આ તે સમય હતો જ્યારે તેણે 'ઝીરોધા' શરૂ કરવાનું નક્કી કર્યું હતું.
15 ઓગસ્ટ 2010ના રોજ, કામત બ્રધર્સે ઝીરોધાનો પાયો નાખ્યો. તેનું નામ ઝીરો+ રોધા પરથી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે 'શૂન્ય અવરોધ'. તે ભારતની પ્રથમ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ હતી. બંને ભાઈઓએ તેમની બચતથી તેની શરૂઆત કરી, કારણ કે 2008ના માર્કેટ ક્રેશ પછી કોઈ વેંચર કેપિટલિસ્ટ રોકાણ કરવા તૈયાર ન હતા.
શરૂઆતમાં ઘણી સમસ્યાઓ હતી. માર્કેટિંગનું કોઈ બજેટ ન હતું. સ્ટાફ પણ ઓછો હતો. તેમ છતાં, તેમણે યાહૂ મેસેન્જર અને ડોર-ટુ-ડોર માર્કેટિંગ દ્વારા કસ્ટમર જોડ્યા.
ઝીરોધાનું ડિસ્કાઉન્ટ બ્રોકિંગ મોડલ
ઝીરોધાએ એક અનોખું ડિસ્કાઉન્ટ બ્રોકિંગ મોડલ રજૂ કર્યું. 20 પ્રતિ ટ્રેડની ફ્લેટ બ્રોકરેજ ફીની શરૂઆત કરી, જે મોટી સંખ્યામાં ટ્રેડર્સને તેમના પ્લેટફોર્મ પર લાવ્યા. આ મોડલ ભારતીય બજારમાં સંપૂર્ણપણે નવું હતું, પરંતુ વિદેશમાં તે પહેલાંથી જ જાણીતું હતું.
વર્ષ 2015માં તેઓએ 0 બ્રોકરેજ પોલિસી લાગુ કરી, જેના કારણે તેમના ગ્રાહકો 30,000થી વધીને 14 લાખ થઈ ગયા. આ દરમિયાન ઝીરોધાએ ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના 'NOW' પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો.
લોકડાઉન દરમિયાન, જ્યારે લોકો તેમનાં ઘરોમાં કેદ હતા, ત્યારે ઝીરોધાનો યુઝર બેઝ 1 કરોડને વટાવી ગયો હતો. તેમનું પ્લેટફોર્મ 'કાઈટ' ખૂબ લોકપ્રિય બન્યું હતું.
2014માં તેનું પોતાનું ટ્રેડિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું
2013 સુધીમાં, ઝીરોધા પાસે 7000 ગ્રાહકો હતા અને દૈનિક ટર્નઓવર 1000-1500 કરોડ હતું. આ તેમની ટીમના સમર્પણ અને નવીન વિચારસરણીનું પરિણામ હતું.
વર્ષ 2014માં ઝીરોધાએ તેનું પોતાનું ટ્રેડિંગ પ્લેટફોર્મ Zerodha Trader (ZT) શરૂ કર્યું. ગ્રાહકોની સુવિધા માટે મોબાઈલ અને વેબ પ્લેટફોર્મ (Z5 અને ZM) પણ લોન્ચ કર્યા.
7 લોકોની ટીમ સાથે શરૂઆત કરી
શરૂઆતના દિવસોમાં ફંડના અભાવે માત્ર સાત લોકોની ટીમ હતી. આ ટીમમાં કામત બ્રધર્સ પણ સામેલ હતા. 2015 સુધીમાં આ ટીમ 85 લોકોની થઈ ગઈ હતી. 2020 સુધીમાં, લાખો ગ્રાહકો અને 20,000 કરોડના દૈનિક ટર્નઓવર સાથે ઝીરોધા ભારતની સૌથી મોટી રિટેલ બ્રોકરેજ ફર્મ બની.
સ્ટોરી રિસર્ચ- શ્રેયાંશ ગૌર
