મેગા એમ્પાયર: હેવેલ્સની રેવન્યુ 18,000 કરોડ:10,000 રૂપિયાથી શરૂઆત કરી, ડૂબતી કંપનીઓ ખરીદી; આજે 50 દેશમાં બિઝનેસ
રાહુલની ઊંઘ ઊડી અને પથારીમાં સૂતાં-સૂતાં રિમોટ વડે પંખો બંધ કર્યો. વોઈસ કમાન્ડ આપીને બાથરૂમમાં ઇન્સ્ટોલ કરેલું ગીઝર ઓન કર્યું. જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે સ્માર્ટ એર પ્યુરિફાયર મીટરે જણાવ્યું કે હવાની ગુણવત્તા ખરાબ છે. રાહુલે તરત જ સ્માર્ટ પ્યુરિફાયર ચાલુ કર્યું. રાહુલના જીવનમાં આ નવીનતા લાવનાર કંપનીનું નામ હેવેલ્સ છે. હેવેલ્સ એ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) કંપની છે.
હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડે સ્માર્ટ સ્વિચ, ગીઝર અને ઓટોમેટિક એર પ્યુરિફાયર જેવી નવીનતાઓને કારણે સ્માર્ટ હોમ કેટેગરીમાં ભારતીય બજારનો 20% હિસ્સો કબજે કર્યો છે. આ કંપની 50થી વધુ દેશોમાં ફેલાયેલી છે.
ટાઇમ મેગેઝિન અનુસાર, હેવેલ્સ સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સની શ્રેણીમાં વિશ્વની બીજી સૌથી પ્રિય બ્રાન્ડ છે. 1.04 લાખ કરોડ રૂપિયાની હેવેલ્સ કંપની દિલ્હીની એક નાની ગલીમાંથી શરૂ કરવામાં આવી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં હેવેલ્સની આવક 9 હજાર કરોડ રૂપિયાથી વધીને 18 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.
19 નવેમ્બર, 2024ના રોજ હેવેલ્સે રાજસ્થાનના ઘીલોથમાં રેફ્રિજરેટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. એનાથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ ઊભી થશે. પ્લાન્ટ 2027 સુધીમાં શરૂ થઈ શકે છે. આ માટે 480 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરવામાં આવ્યું છે.
આજે મેગા એમ્પાયરમાં આપણે જાણીશું એવી બિઝનેસ વ્યૂહરચના, જેણે હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડને મેગા એમ્પાયર બનાવ્યું અને એની રસપ્રદ કહાની...
હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડની શરૂઆત QRG તરીકે ઓળખાતી કંપનીના પૂર્વ ચેરમેન કિમત રાય ગુપ્તાએ કરી હતી. પંજાબના માલેરકોટલાના વતની, રાય ગુપ્તાએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ચિત્ર-શિક્ષક તરીકે કામ કર્યું હતું. તેઓ શરૂઆતથી જ બિઝનેસ કરવા માગતા હતા. જ્યારે 21 વર્ષીય કિમત રાય 1958માં દિલ્હી ફરવા આવ્યા ત્યારે તેઓ તેમના કાકાના ઘરે રોકાયા હતા. તેના કાકાની ભગીરથ પેલેસ માર્કેટમાં ઈલેક્ટ્રિકલ વસ્તુઓની દુકાન હતી. કિમત પણ તેમના કાકા સાથે દુકાન પર કામ કરવા લાગ્યા.
એકવાર તેમના કાકા કોઈ અગત્યના કામ માટે શહેરની બહાર ગયા હતા. પછી કિમતે એકલા હાથે દુકાન સંભાળી લીધી. તેમના માર્કેટિંગ કૌશલ્યને કારણે વેચાણમાં અનેક ગણો વધારો થયો. જ્યારે કાકા પાછા આવ્યા ત્યારે તેમણે કિમતને પોતાના પાર્ટનર બનાવવાની ઓફર કરી. કીમત આ ઓફર માટે સંમત થયા. એ સમયે ગુપ્તા જી એન્ડ કંપની માત્ર 10,000 રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી હતી.
મિડલ મેનથી મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય
કાકા-ભત્રીજાનો ધંધો ઈલેક્ટ્રોનિક ઉત્પાદકો પાસેથી સામાન ખરીદવાનો હતો અને રિટેલર્સ એટલે કે મિડલ મેનને વેચવાનો હતો. ધંધો સારો ચાલી રહ્યો હતો, પરંતુ કિમત રાયને ડર હતો કે રિટેલર સીધા ઉત્પાદક પાસે જશે.
હવેલી રામની ડૂબતી કંપની પાસેથી હેવેલ્સ નામ ખરીદ્યું
કિમત રાય હવેલી રામ ગાંધીની કંપની હેવેલ્સના વિતરક હતા. 1971માં કિમત રાયને ખબર પડી કે હવેલી રામ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને કંપની વેચવા માગે છે. તેમણે તરત જ કંપની ખરીદવાનું નક્કી કર્યું, પરંતુ આટલી મોટી કંપની ખરીદવા માટે ઘણા પૈસાની જરૂર હતી, તેથી તેમણે કંપનીનું નામ માત્ર રૂ.7 લાખમાં ખરીદ્યું.
શરૂઆતમાં લોકો રાયનું આ પગલું મૂર્ખ માનતા હતા, પરંતુ આ તેમની એક સ્માર્ટ બિઝનેસ વ્યૂહરચના હતી. ભલે એ સમયે હેવેલ્સને નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ તે બજારમાં એક પ્રખ્યાત બ્રાન્ડ હતી. આનાથી રાયને તેમની કંપની સ્થાપવા માટે જરૂરી સમય અને નાણાં બંનેની બચત થઈ.
પ્રોડક્ટ ખરીદી અને હેવેલ્સ ટેગ સાથે વેચ્યું
કિમત રાયે શરૂઆતમાં ઉત્પાદન ખર્ચ બચાવવા અને બજારમાં પકડ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે પહેલા બહારથી ઉત્પાદનો ખરીદ્યાં અને એના પર હેવેલ્સ ટેગ લગાવીને વેચ્યાં. બાદમાં નફો કમાયા બાદ દિલ્હીના કીર્તિનગરમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો. ત્યાર બાદ 1979માં બદલીમાં અને 1980માં તિલકનગરમાં એનર્જી મીટર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા હતા.
કોમ્પિટિશન વધી તો ભાવ ન વધારીને પ્રોડક્ટની ક્વોલિટી વધારી 1991માં ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં આવી હતી. ખાસ કરીને ચીની કંપનીઓએ સસ્તા ભાવે ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યું. આ કારણે હેવેલ્સને માર્કેટમાં વધુ સ્પર્ધા મળવા લાગી. આવી સ્થિતિમાં કંપનીએ ઉત્પાદનની કિંમત ઘટાડવાને બદલે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉદાહરણ તરીકે, જ્યારે અન્ય કંપનીઓના રૂ. 10ની સ્વિચ એક વર્ષમાં બગડી જતી હતી, ત્યારે હેવેલ્સની રૂ. 10થી રૂ. 12ની સ્વિચ 5-5 વર્ષ સુધી ચાલતી હતી.
ઇનોવેશન માટે રિસર્ચ વિંગ બનાવી જ્યારે ચીને તેનાં ઉત્પાદનોએ વિશ્વબજારમાં ઝડપથી સ્થાન મેળવવાનું શરૂ કર્યું, ત્યારે હેવેલ્સને પણ એની અસર થઈ. હવે હેવેલ્સને વિદેશમાંથી નવી ટેક્નોલોજી મળતી ન હતી, તેથી 1998માં હેવેલ્સે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિંગ શરૂ કરી. આ વિંગનું કામ ઓછા પૈસામાં વધુ સુવિધાજનક અને સુરક્ષિત ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવાનું છે. આ વિંગના આગમન પછી કંપનીએ બજારમાં ઘણી સસ્તી કિંમતવાળી ઓટોમેટિક પ્રોડક્ટ્સ લોન્ચ કરી.
1992 સુધીમાં હેવેલ્સની માર્કેટ વેલ્યુ રૂ. 25 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ પછી હેવેલ્સે 1993માં શેરબજારમાં પ્રવેશ કર્યો. હેવેલ્સે વર્ષ 2001માં એનો IPO લોન્ચ કર્યો હતો.
1992માં કિમત રાય ગુપ્તાના નાના પુત્ર અનિલ ગુપ્તા, નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (NED) તરીકે હેવેલ્સમાં જોડાયા. તેણે માર્કેટિંગ વ્યૂહરચના, નવીનતા, ટેક્નોલોજી ક્ષેત્રોમાં કામ કર્યું અને કંપનીને વૈશ્વિક બ્રાન્ડ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી.

મેં અંગત અને વ્યાવસાયિક જીવનમાં ત્રણ બાબત પર ભાર મૂક્યો છે. પારદર્શિતા, પ્રામાણિકતા અને નીતિશાસ્ત્ર. જે વ્યવસાયનો પાયો આ બાબતો પર આધારિત છે, એ વ્યવસાયને લાંબા ગાળા સુધી ટકાવી રાખે છે. મારા પિતા કહેતા હતા કે હેવેલ્સ ફેમિલી કંપની નથી. એ પોતાનામાં એક સંસ્થા છે. તેનાં પોતાનાં મૂળ મૂલ્યો છે. -અનિલ રાય

જ્યારે વેચાણમાં ઘટાડો થયો ત્યારે જાહેરાત ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું વર્ષ 2004-05માં હેવેલ્સે વેચાણ વધારવા માટે બજાર સંશોધન હાથ ધર્યું હતું. કંપનીની પ્રોડક્ટ્સ વર્લ્ડ ક્લાસ છે, પરંતુ ગ્રાહકો ઓછી ગુણવત્તાની પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેઓ મોટે ભાગે રિટેલર્સ અને ઈલેક્ટ્રિશિયનોથી પ્રભાવિત હતા, તેથી જાહેરાત ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન "હવા બદલેગી", સ્વિચ ટુ હેવલ્સ, જિંદગી કી શેરિંગ જેવાં ઘણાં હેશટેગ અને ટેગલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે લોકોની જીભ પર ચોંટી ગયા હતા.
વર્ષ 2012માં બોલિવૂડ સ્ટાર રાજેશ ખન્નાએ હેવેલ્સ માટે તેની પહેલી ટીવી એડ કરી હતી. આ સિવાય અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, સૌરભ ગાંગુલી, વિજય સેતુપતિ, આલિયા ભટ્ટ પણ હેવેલ્સની જાહેરાતોમાં જોવા મળ્યાં છે. હાલમાં જાહ્નવી કપૂર હેવેલ્સ સ્ટુડિયોની બ્રાન્ડ-એમ્બેસેડર છે.
ડૂબતી કંપનીઓ ખરીદીને બિઝનેસનો વિસ્તાર કર્યો હેવેલ્સે બજારમાં નવાં ઉત્પાદનો લાવવા માટે સમય સમય પર તેની પ્રખ્યાત બ્રાન્ડ્સ ખરીદી હતી, જેમ કે- ઇલેક્ટ્રિક મીટર સેક્ટરમાં પ્રવેશવા માટે ટાવર્સ અને ટ્રાન્સફોર્મર્સ લિમિટેડ ખરીદ્યાં. એસી અને રેફ્રિજરેટર પ્રોડક્ટ માર્કેટ બનાવવા માટે અમેરિકન કંપની લોઇડને ખરીદી. સ્વિચ સેગમેન્ટ માટે ક્રેબટ્રી ખરીદ્યું.
સિલ્વેનિયા ખરીદવાથી હેવેલ્સ ડૂબી શકે એમ હતી યુરોપ પણ 2007માં વૈશ્વિક આર્થિક મંદી સામે ઝઝૂમી રહ્યું હતું. પછી જર્મન લાઇટિંગ સિસ્ટમ કંપની સિલ્વેનિયા ખોટમાં ગઈ. પછી કિમત રાય અને તેમના પુત્ર અનિલ રાય ગુપ્તાએ આ કંપની ખરીદવાનું નક્કી કર્યું. હેવેલ્સ કરતાં સિલ્વેનિયા દોઢ ગણી મોટી કંપની હતી. એના કારણે આ સોદો ઘણો મોંઘો બન્યો હતો. હેવેલ્સે સિલ્વેનિયાને $300 મિલિયન એટલે કે અંદાજે રૂ. 2,520 કરોડમાં ખરીદી હતી.
ડીલથી એક રાત અગાઉ અનિલ રાય સૂઈ પણ ન શક્યા, કારણ કે તેમના નિર્ણયથી હેવેલ્સ ડૂબી શકે એમ હતી

સોદાની આગલી રાત્રે હું સૂઈ શક્યો નહીં. બીજા દિવસે સવારે મેં મારા પિતાને ફોન કર્યો. મેં તેમને કહ્યું કે અમે 13 મિલિયનથી વધુ ચૂકવ્યા છે. - અનિલ રાય

કિમત રાયે 50 દેશમાં ફેલાયેલા સિલ્વેનિયાના 100 વર્ષ જૂના ડિસ્ટ્રિબ્યુટર્સ નેટવર્ક પર દાવ લગાવ્યો હતો, તેથી સોદાના એક વર્ષમાં સિલ્વેનિયા સૌથી ઝડપથી વિકસતી કંપની બની ગઈ. જેના કારણે હેવેલ્સને વિદેશી બજારમાં પણ સારી પકડ મળી છે.
અનિલ ગુપ્તાની માતા ભારતની ત્રીજી સૌથી ધનિક મહિલા કિમત રાય ગુપ્તાના લગ્ન વિનોદ સાથે થયા હતા. ફોર્બ્સ મેગેઝિને વિનોદ રાય ગુપ્તાને 2024માં 41660 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ભારતની ત્રીજી સૌથી ધનિક મહિલા જાહેર કરી છે. અહેવાલો અનુસાર, તેમને બે પુત્ર અને એક પુત્રી છે. 7 નવેમ્બર 2014ના રોજ અનિલ રાય ગુપ્તાનું 77 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું, ત્યાર બાદ અનિલ રાય ગુપ્તા હેવેલ્સના ચેરમેન બન્યા.
અનિલ રાય ગુપ્તા તેમની પત્ની સંગીતા અને બે બાળકો અભિનવ અને આરાધના સાથે દિલ્હીમાં રહે છે. અનિલ અશોકા યુનિવર્સિટી, પ્રાઈવેટ લિબરલ આર્ટસ કોલેજ, હરિયાણાના સહસ્થાપક પણ છે. તેમણે 2016માં તેમના પિતા કિમત રાય ગુપ્તા પર હેવેલ્સઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ કિમત રાય ગુપ્તાની બાયોગ્રાફી લખી છે.
અનિલનો જન્મ 20 એપ્રિલ 1969ના રોજ દિલ્હીમાં થયો હતો. તેણે રામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને વેક ફોરેસ્ટ યુનિવર્સિટી નોર્થ કેરોલિનામાંથી MBA કર્યું છે. તેને 2022માં બિઝનેસ ટુડે બેસ્ટ સીઇઓ એવોર્ડ પણ મળ્યો હતો.
રિસર્ચ-અનમોલ શર્મા
