મેગા એમ્પાયરઃ હલ્દીરામના 8 પાસ પૌત્રની કંપની 'બીકાજી':પહેલીવાર મશીનથી ભુજિયાં બનાવવાનું શરૂ કર્યું; આજે 21,000 કરોડની બ્રાન્ડ
હાલમાં બીકાજી ફૂડ્સના શેરમાં તેજી આવી છે. એનું કારણ GSTમાં કાપ છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર મનોજ વર્માએ જણાવ્યું હતું કે તહેવારોની સિઝનમાં કંપનીની પ્રોડક્ટની માગમાં વધારો થવાની ધારણા છે.
દિવાળી પર બીકાજીનાં ભુજિયાં અને સોનપાપડીની ખૂબ માગ રહે છે. આજે મેગા એમ્પાયરમાં ઈન્ડિયન સ્નેક્સ બનાવતી કંપની બીકાજીની કહાની...
1986માં હલ્દીરામના પૌત્ર શિવરતન અગ્રવાલે બિકાનેરથી બીકાજીની શરૂઆત કરી હતી. આજે બીકાજી સ્નેક્સ બનાવતી દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. હાલમાં બીકાજીની વેલ્યુએશન 21 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
મારવાડી પરિવારમાંથી આવતા ભીખારામ અગ્રવાલે 1937માં બિકાનેરમાં ચા-નાસ્તાની નાની દુકાન ખોલી હતી. ભીખારામની સાથે તેમના પૌત્ર ગંગા બિસનજી અગ્રવાલ પણ દુકાને જતા હતા.
ઘરમાં બધા ગંગા બિસનજીને હલ્દીરામ કહેતા. તેમના નામ પરથી દુકાનનું નામ પણ હલ્દીરામ રાખવામાં આવ્યું હતું. દુકાન પર મળતાં ભુજિયાંનો સ્વાદ ધીમે ધીમે લોકોમાં લોકપ્રિય થવા લાગ્યો. થોડાં જ વર્ષોમાં હલ્દીરામ ભુજિયાં પોતાની ઓળખ બની ગયાં.
એવું કહેવાય છે કે જ્યારે હલ્દીરામ માત્ર 11 વર્ષના હતા ત્યારે તેઓ એક કંપની ખોલવા માગતા હતા. આ આશામાં તેમણે દાદાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ આ કામમાં સફળ રહ્યા અને હલ્દીરામને બ્રાન્ડ બનાવી દીધી.
હલ્દીરામ કોલકાતા પહોંચ્યા હલ્દીરામ કોલકાતા ગયા. આ પછી 1960ના દાયકામાં હલ્દીરામનો કારોબાર પરિવારમાં વિભાજિત થવા લાગ્યો. તેમના પુત્ર મૂળચંદ અગ્રવાલ આ બિઝનેસનો એક હિસ્સો સંભાળવા લાગ્યો.
મૂળચંદ અગ્રવાલને ચાર પુત્ર હતા - શિવ કિશન અગ્રવાલ, મનોહર લાલ અગ્રવાલ, મધુ અગ્રવાલ અને શિવ રતન અગ્રવાલ. બધા ભાઈઓ તેમની બહેન સરસ્વતી સાથે હલ્દીરામના બિઝનેસને આગળ ધપાવવા લાગ્યા.
બીકાજીની શરૂઆત વર્ષ 1986 અને સ્થળ બિકાનેર.
બિઝનેસના વિભાજન પછી શિવ રતન અગ્રવાલે તેમના પારિવારિક બિઝનેસ 'હલ્દીરામ'થી અલગ થઈને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. પોતાની અલગ ઓળખ બનાવવાના સંકલ્પ સાથે શિવ રતન અગ્રવાલ બિકાનેર પહોંચ્યા.
અહીં તેમણે ‘શિવદીપ ફૂડ પ્રોડક્ટ્સ’ના નામથી ભુજિયાં બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો. આ સાથે ભારતીય નાસ્તા બજારની સૌથી મોટી કંપનીઓમાંની એક બીકાજી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી હતી.
8મું પાસ શિવ રતને ક્રિએટિવ વિઝન સાથે એક બ્રાન્ડ બનાવી
શિવ રતન અગ્રવાલે માત્ર 8 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની ક્રિએટિવ વિઝનથી બીકાજીને એક બ્રાન્ડ બનાવી. જ્યારે તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી રહ્યા હતા ત્યારે તેમણે ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો.
ખરેખર એ સમય સુધી ભુજિયાં હાથથી જ બનાવવામાં આવતાં હતાં. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ ભારતીય સ્નેક મશીનથી પણ બનાવી શકાય છે, પરંતુ શિવ રતને મશીન વડે ભુજિયાં બનાવવાનો સેટ અપ બનાવ્યો હતો.
મશીન દ્વારા ભુજિયાં બનાવનારી બીકાજી ભારતની પ્રથમ બ્રાન્ડ બની હતી. આનાથી બીકાજીની ઉત્પાદકતા અને ગુણવત્તા બંનેમાં વધારો થયો. બીકાજી પ્રોડક્ટ બનાવવાથી લઈને પેકિંગ સુધીનું દરેક કામ મશીન દ્વારા થવા લાગ્યું.
આજે બીકાજી એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે, તેથી પ્રોડક્ટમાં તમામ પેરામીટર્સનું ધ્યાન રાખવામાં આવે છે.
એક અનોખી ઓળખ ઊભી કરવા બીકાજી નામ આપ્યું
બીકાજીની શરૂઆત શિવદીપ ફૂડ્સ પ્રોડક્ટ્સ નામથી કરવામાં આવી હતી. શિવ રતને તેનું અને તેના પુત્ર દીપકના નામ પરથી એનું નામ રાખ્યું છે. શિવ રતન ઇચ્છતા હતા કે સાચો ભારતીય ટેસ્ટ આખી દુનિયામાં ઓળખાય.
તેને લાગ્યું કે બ્રાન્ડનું નામ એવું હોવું જોઈએ કે દરેક એને સરળતાથી યાદ રાખી શકે અને એક આગવી ઓળખ પણ આપે. 1993માં કંપનીનું બ્રાન્ડ નામ બદલીને બીકાજી કરવામાં આવ્યું હતું. તેનું નામ બિકાનેર શહેરના સ્થાપક રાવ બીકાના નામ પરથી રાખવામાં આવ્યું છે. બિકાનેર શહેરનું નામ પણ રાવ બીકાના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
મઠની દાળ બીકાજી ભુજિયાંની વિશેષતા છે
બીકાજીના બિકાનેરી ભુજિયાંની ખાસિયત એ છે કે એમાં વપરાતી મઠની દાળ છે. એક ઈન્ટરવ્યૂમાં કંપનીના એમડી દીપક અગ્રવાલ જણાવે છે કે મઠની દાળનો ઉપયોગ બિકાનેરી ભુજિયાંમાં થાય છે.
આ દાળ રાજસ્થાનના બિકાનેર અને એની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. ભુજિયાં આખા દેશમાં બને છે, પણ એમાં મઠની દાળ હોતી નથી. આ દાળનો ઉપયોગ કરવાથી ભુજિયાં ક્રિસ્પી બને છે અને એનો સ્વાદ અલગ જ હોય છે.
એકલાં ભુજિયાંની ડઝનબંધ બ્રાન્ડ
બીકાજીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એનાં ઉત્પાદનોની સંખ્યામાં વધારો કર્યો છે. બીકાજી આઉટલેટ ગ્રાહકોને માત્ર બે-પાંચ પ્રકારનાં નહીં, પરંતુ 24 પ્રકારનાં ભુજિયાં ઓફર કરે છે, જેમાં 'ઠેઠ બિકાનેર' નામનાં ભુજિયાંનો પણ સમાવેશ થાય છે. બિકાનેરી ભુજિયાં, ત્રણ નંબર ભુજિયાં, ડંકોલી, ઘોઘા ભુજિયાંનો સમાવેશ થાય છે.
કંપની બિઝનેસ મોડલ
બીકાજી B2C બિઝનેસ મોડલ પર કામ કરે છે. ભારતમાં કંપનીના કુલ 6 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. એમાંથી ત્રણ બિકાનેર (રાજસ્થાન), એક ગુવાહાટી (આસામ)માં અને એક તુમકુરુ (કર્ણાટક)માં છે.
30 દેશમાં બીકાજી માર્કેટ
બીકાજી ફૂડ્સની 250થી વધુ પ્રોડક્ટ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના 30થી વધુ દેશોમાં વેચાય છે. બીકાજી ભુજિયાંની નિકાસ સૌપ્રથમ 1994માં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શરૂ થઈ હતી.
1996માં બીકાજીએ ઓસ્ટ્રેલિયામાં પણ નિકાસ કરવાનું શરૂ કર્યું. બિકાનેરી ભુજિયાં ગલ્ફ દેશોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત કંપનીના સ્નેક્સની અમેરિકા, જર્મની, સ્પેન, ફ્રાન્સ, રશિયા, નેપાળ, ન્યુઝીલેન્ડ, કેનેડા, કતાર, બહેરીન, નોર્વેમાં પણ નિકાસ કરવામાં આવે છે.
અમિતજી લવ્સ બીકાજી
2019માં બીકાજીએ અમિતાભ બચ્ચનને એનો બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યા હતા. કંપનીએ તેની જાહેરાત અમિતજી લવ્સ બીકાજીની ટેગ લાઇન સાથે કરી હતી, જેમાં અમિતાભ બચ્ચન ભુજિયાં ખાતા જોવા મળે છે. અમિતાભ બચ્ચનને બ્રાન્ડ-એમ્બેસેડર બનાવીને બીકાજીને ઘણો ફાયદો થયો.
