મેગા એમ્પાયર: પુત્રના સ્કિન પ્રોબ્લેમથી શરૂ કરી મામાઅર્થ:8 વર્ષમાં બનાવી 25 લાખથી 24 હજાર કરોડ રૂપિયાની કંપની; માત્ર 6 વર્ષમાં જ યુનિકોર્ન બની
આજથી બરાબર 6 દિવસ પહેલા, તારીખ- 17 સપ્ટેમ્બર, 2024
બેબી કેર, હેર કેર, ફેસ કેર સહિત વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપની મામાઅર્થ (Mamaearth)ના 8 વર્ષ પૂરાં થયાં.
વર્ષ હતું 2016, 25 લાખ રૂપિયાના ખર્ચે 7 ઉત્પાદનો સાથે મામાઅર્થની શરૂઆત કરવામાં આવી હતી. 6 વર્ષ પછી 2022માં જ આ કંપની યુનિકોર્ન બની ગઈ એટલે કે, એક હજાર કરોડનો બિઝનેસ કરતી કંપની બની ગઈ.
આજે મામાઅર્થ 300થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીનું વેલ્યુએશન 24,000 કરોડ રૂપિયા છે. 2023-24માં વાર્ષિક ટર્નઓવર 2 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું.
તો આજે મેગા એમ્પાયરમાં વાત છે મામાઅર્થ બનવાની…
ચંદીગઢની રહેવાસી ગઝલનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. 12મું પાસ કર્યા બાદ ગઝલે પંજાબ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એપ્લિકેશનમાં એડમિશન લીધું. દરેક વિદ્યાર્થીની જેમ ગઝલનું પણ સપનું હતું કે, તે યોગ્ય નોકરી મેળવે. પરિવારમાં કોઈ ધંધાકીય માનસિકતા ધરાવનાર વ્યક્તિ ન હતી.
કોલેજમાં પ્લેસમેન્ટ માટે એક કંપની આવી ત્યારે ગઝલ પણ તેમાં બેઠી. તેણીને NIITમાં કોર્પોરેટ ટ્રેનર તરીકે નોકરી મળી અને તે દિલ્હી આવી. અહીં તેમનું કામ IT કંપનીઓના મેનેજર અને એન્જિનિયરોને કોડિંગ ભાષા અને સોફ્ટવેરની તાલીમ આપવાનું હતું.
2006-07 સુધી ભારતમાં કોમ્પ્યુટર-સોફ્ટવેરનો વ્યાપ વધતો જતો હતો. લગભગ 4 વર્ષ સુધી ગઝલે આ કામ કર્યું. ગઝલને ચિત્રકળાનો પણ શોખ હતો. આ સમય દરમિયાન તેણે બાળપણની કળાને વધુ બહેતર બનાવવા માટે ડિઝાઇન અને એપ્લાઇડ આર્ટ્સમાં ઉનાળામાં સઘન અભ્યાસક્રમ પણ કર્યો.
અહીં ગુરુગ્રામનો રહેવાસી વરુણ અલગ દિલ્હી કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. બાદમાં તેણે XLRI જમશેદપુરમાંથી ફાઇનાન્સ અને માર્કેટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ (PGDBM) કર્યું.
વરુણે પોતાની કારકિર્દીની શરૂઆત હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં દિલ્હી NCRના એરિયા સેલ્સ મેનેજર તરીકે કરી હતી. અહીં તેમણે લગભગ 4 વર્ષ સુધી અલગ-અલગ હોદ્દા પર કામ કર્યું. ત્યાર બાદ તે ભારતની સૌથી મોટી વોડકા બ્રાન્ડ પૈકીની એક સ્મિર્નોફ અને બાદમાં કોકા-કોલા સાથે જોડાયો.
ગઝલ અને વરુણે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યાં હતાં
ગઝલ અને વરુણ પહેલીવાર ગુરુગ્રામમાં મળ્યાં હતાં. ખરેખર, ગઝલના એક સંબંધીનું ઘર વરુણના ઘરની બાજુમાં હતું. વરુણ તેની બાલ્કનીમાંથી ગઝલને જોતો હતો. ધીમે ધીમે તેને ગઝલ ગમવા લાગી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો.
બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યાં હતાં. લગ્ન સમયે વરુણ કોકા-કોલા કંપનીમાં બ્રાન્ડ મેનેજર તરીકે કામ કરતો હતો. જ્યારે ગઝલ દિલ્હીમાં કોર્પોરેટ ટ્રેનર હતી. લગ્ન પછી ગઝલ નોકરી છોડીને વરુણ સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ.
અહીંથી જ તેમની ઉદ્યોગસાહસિક બનવાની સફર શરૂ થઈ હતી. ગઝલ માટે DietExpert.in નામનું સાહસ શરૂ કર્યું. તેના દ્વારા તે લોકોને કસ્ટમાઈઝ્ડ ડાયટ પ્લાન આપતી હતી, પરંતુ લગભગ દોઢ વર્ષ સુધી આ સાહસ ચલાવ્યા બાદ તેણે તેને બંધ કરી દીધું.
ખરેખર, ગઝલે ફરીથી ચિત્રકામ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ ગઝલનું પેઈન્ટિંગ જોઈને વરુણે તેને પ્રોફેશનલ પેઈન્ટિંગ આર્ટિસ્ટ બનવાની સલાહ આપી. આ પછી ગઝલ તેનાં તમામ ચિત્રો ન્યુયોર્ક એકેડેમી ઓફ આર્ટને મોકલ્યાં. ગઝલનાં ચિત્રો જોઈને તેમને સ્કોલરશિપ પર અભ્યાસ માટે આમંત્રણ આપ્યું.
ગઝલે આ ઓફર સ્વીકારી અને આધુનિક કલાનો અભ્યાસ કરવા ન્યુયોર્ક ગઈ. ન્યુયોર્કથી બે વર્ષ ભણ્યા પછી તે પાછી આવી. ભારત આવ્યાં પછી તેણે વ્યવસાયિક રીતે પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું. તેમની એક પેઇન્ટિંગ 80 હજાર રૂપિયા સુધી વેચાવા લાગી.
પોતાના બાળકની સમસ્યાઓ જોઈને મામાઅર્થનો ખ્યાલ આવ્યો
ત્યાં સુધીમાં વર્ષ 2014 આવી ગયું હતું. ગઝલે પોતાના પ્રથમ સંતાનને જન્મ આપ્યો. પહેલા બાળકના જન્મને લઈને ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતુ બાળકના જન્મના થોડા મહિનાઓ બાદ ખબર પડી કે તે ચામડીની બીમારીથી પીડિત છે.
બેબી કેર પ્રોડક્ટ્સમાંથી કોઈ પણ બાળકને અનુકૂળ ન હતું. દુકાનમાંથી શેમ્પૂથી લઈને બોડી ઓઈલ સુધી… બાળકને કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરતાની સાથે જ બળતરા, ચકામાં અને લાલાશ આવવા લાગે. ડોક્ટરોએ તેને સલાહ આપી હતી કે તે તેના બાળકને સ્કિન કેર પ્રોડક્ટ ન લગાવે.
ગઝલ અને વરુણે વિદેશથી બેબી કેર પ્રોડક્ટ્સ મંગાવવાનું શરૂ કર્યું. હવે તેમણે જોયું કે બાળકને ભારતીય પ્રોડક્ટ લગાવા પર પ્રોબ્લેમ થાય છે. જ્યારે વિદેશી ઉત્પાદનોના ઉપયોગને કારણે કોઈ સમસ્યા નથી.
ગઝલને અહીં ભારતીય બજારમાં ગેપનો અહેસાસ થયો. તેના બાળક માટે ગઝલ જે પણ પ્રોડક્ટ ખરીદતી, તે તેના ઘટકો વાંચતી. અહીંથી બંનેને ભારતીય બજાર અનુસાર કેમિકલ ફ્રી બેબી કેર પ્રોડક્ટ્સ બનાવવાનો વિચાર આવ્યો. તેણે વિવિધ ઉત્પાદકોનો સંપર્ક શરૂ કર્યો.
મામાઅર્થે સાત બેબી કેર પ્રોડક્ટ્સ સાથે શરૂઆત કરી હતી
2016 સુધીમાં, બંનેએ તેમની નોકરી છોડીને આ વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. ગઝલ અને વરુણના પરિવારને ચિંતા હતી કે તે બંને તેમની સેટલ નોકરી છોડીને પડકારજનક બિઝનેસ શરૂ કરી રહ્યાં છે.
બજારમાં ઘણા મોટા ખેલાડીઓ છે. પ્રોડક્ટ વેચાશે કે નહીં. હકીકતમાં, બંને પરિવારોમાંથી કોઈની પાસે વ્યવસાયિક બેકગ્રાઉન્ડ ન હતું. ગઝલ અને વરુણે હોનાસા નામની કંપની બનાવી.
હોનાસા (હોનાસા એટલે કે પ્રામાણિક, કુદરતી અને સલામત) કન્ઝ્યુમર લિમિટેડ હેઠળ મામાઅર્થ બ્રાન્ડ લોન્ચ કરી. બંનેએ આમાં 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપની 7 પ્રોડક્ટ્સ સાથે માર્કેટમાં આવી હતી. પહેલા વર્ષનો બિઝનેસ 22 લાખ રૂપિયા હતો.
શરૂઆતમાં કંપનીએ બેબી કેર પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પછી જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં લોકપ્રિય થઈ, ત્યારે મામાઅર્થે બાળકો તેમજ માતાઓ માટે પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું.
પાછળથી, આ બ્રાન્ડ સમગ્ર પરિવાર માટે પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવવાળી કંપની બની ગઈ. અહીંથી મામાઅર્થની વાર્ષિક આવક વધવા લાગી. ઓનલાઈન માગ વધવા લાગી. વરુણ એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપનીઓના રિસેપ્શનમાં કલાકો સુધી બેસી રહેતો હતો, જેથી તેની કંપની ઈ-કોમર્સમાં લિસ્ટ થાય.
થોડી જ વારમાં કંપની દરેક ઘરે પહોંચી ગઈ. આજે મામાઅર્થના 1.5 કરોડથી વધુ ગ્રાહકો છે. આજે કંપની 300થી વધુ કેટેગરીઓમાં પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
આજે મામાઅર્થ દેશના તમામ મોટાં શહેરોમાં ઉપલબ્ધ છે. લગભગ બે લાખ સ્ટોર્સ છે. શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરા જેવી હસ્તીઓ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. કંપનીએ અત્યાર સુધીમાં ફંડિંગના 8 રાઉન્ડમાં કુલ રૂ. 933 કરોડ એકત્ર કર્યા છે.
Mamaearthની બ્રાન્ડ બનવા પાછળની મહત્ત્વની વાતો
- કંપની શરૂ કરતા પહેલાં, મામાઅર્થે 700 માતાઓ સાથે એક પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેમાંથી મળેલા પ્રતિસાદના આધારે પ્રોડક્ટ અપડેટ કરવામાં આવી હતી.
- મામાઅર્થે અવલોકન કર્યું કે, જો તે ગ્રાહકોને કહે કે અમે કુદરતી અને રસાયણ મુક્ત છીએ, તો કોઈ તેના પર વિશ્વાસ કરશે નહીં. તેથી જ કંપનીએ પહેલા 'મેડસેફ'નું પ્રમાણપત્ર લીધું.
- આ રીતે, મામાઅર્થ કુદરતી ઘટકો પર ભાર મૂક્યો અને 'મેડસેફ' પ્રમાણિત ઉત્પાદનો વેચનાર એશિયામાં પ્રથમ બ્રાન્ડ બની.
- કંપનીએ સૌપ્રથમ વાંસ આધારિત બેબી વાઇપ્સ અને 100% કુદરતી છોડ આધારિત ટૂથપેસ્ટ, શૂન્યથી 10 વર્ષ સુધીનાં બાળકો માટે બેબી કેર જેવાં ઉત્પાદનો લોન્ચ કર્યા.
- પછી કંપની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને ઉપયોગ માટે તૈયાર સ્વરૂપમાં ઉબટાનથી લઈને ડુંગળીના તેલ સુધીનાં ઉત્પાદનો લાવી.
- જ્યારે સમગ્ર ભારતમાં મામાઅર્થની માગ વધવા લાગી, ત્યારે કંપનીએ કોસ્મેટિક અને પર્સનલ કેર સેગમેન્ટમાં ઉત્પાદન પણ શરૂ કર્યું.
- દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનું બાળક સ્વસ્થ રહે. ડિજિટલ માર્કેટિંગ દ્વારા મામાઅર્થે દરેક માતા-પિતાને સંદેશ આપ્યો કે જો તેઓ તેમની પ્રોડક્ટનો ઉપયોગ કરશે, તો તેમનું બાળક સુરક્ષિત રહેશે.
હોનાસાની મામાઅર્થ ઉપરાંત પણ 6 વધુ કંપનીઓ…
હોનાસા ધીરે ધીરે દરેક સેગમેન્ટમાં પ્રવેશવા લાગી. કંપનીએ 2020માં સ્કિન કેર બ્રાન્ડ ધ ડર્મા લોન્ચ કરી હતી. કંપનીએ સીરમ અને ત્વચા સંબંધિત પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કર્યું.
અનુમાન છે કે, આગામી 5 વર્ષમાં આ બ્રાન્ડ એક હજાર કરોડનો બિઝનેસ કરશે. આ સિવાય કંપનીએ 2022માં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની બીબ્લન્ટને 134 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ બ્રાન્ડની શરૂઆત ગોદરેજ દ્વારા 1998માં કરવામાં આવી હતી. બીબ્લન્ટ વાળના રંગથી લઈને સલૂન ઉત્પાદનો અને શેમ્પૂ સુધીના પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
હોનાસાએ જ્યારથી આ બ્રાન્ડ ખરીદી છે ત્યારથી માર્કેટ એક્સપર્ટ માને છે કે આ વર્ષે આ બ્રાન્ડનો બિઝનેસ 250 કરોડ રૂપિયાની આસપાસ થઈ શકે છે. બીજી બ્રાન્ડ ડૉ. શેઠની છે. તે હેર કેર સેગમેન્ટમાં પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. તેનો વાર્ષિક બિઝનેસ 500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જ્યારે સ્કિન કેર બ્રાન્ડ એક્વાલોજિકાની વાર્ષિક આવક લગભગ 150 કરોડ રૂપિયા છે.
