Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

ખુદ્દાર કહાની
પિતા સાથે રેંકડી લગાવતો હતો:પપ્પા હલિમ વેચતા, હું લોકોનાં એઠાં વાસણો ધોતો; પહેલા એડવોકેટ, હવે જજ

3 વર્ષ પેહલાલેખક: નીરજ ઝા
Loading advertisement...

અત્યારે હું દિલ્હીથી લગભગ 180 કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશના સંભલમાં છું. તાજેતરમાં મેં એક સમાચાર વાંચ્યા કે હલીમ વેચનારનો પુત્ર આ વિસ્તારમાં જજ બન્યો છે. છોકરાની ઉંમર 29 વર્ષ છે.

Loading advertisement...

બપોરના લગભગ 2 વાગ્યાનો સમય છે. હું મારા એક સ્થાનિક પત્રકાર મિત્ર સાથે સંભલ જિલ્લા મુખ્યાલયથી 7-8 કિલોમીટર દૂર રુકદ્દીન સરાયની સાંકડી શેરીઓમાંથી બાઇક ચલાવું છું.

આ વિસ્તારની વસતિ ગીચ છે, પરંતુ અહીં ગરીબી અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહીં ઈંટોથી બનેલો સાંકડો રસ્તો છે, જેની બંને બાજુએ ખુલ્લી ગટર વહે છે. થોડાક કિલોમીટર અંદર ગયા પછી એક ઘર દેખાય છે, જે મોહમ્મદ કાસિમનું છે.

સામે બોર્ડમાં એડવોકેટ મો.કાસિમ લખેલું છે, જે થોડા મહિના પછી 'જજ મો.કાસિમ'માં પરિવર્તિત થઈ જશે.

Loading advertisement...

ઘરની અંદરથી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી રહી છે. અંદરનો નજારો સાવ જુદો લાગે છે. મો.કાસિમના પિતા ચૂલા પર વાસણ ચઢાવી રહ્યા છે. કાસિમ તેમને મદદ કરી રહ્યો છે. તેઓ મરચાં અને ડુંગળીને કાપી રહ્યા છે.

આ મોહમ્મદ કાસિમનું ઘર છે.

ઔપચારિક મુલાકાત પછી, હું કાસિમને અભિનંદન આપું છું - 'મુબારક, હવે તમે જજ બની ગયા છો.'

જવાબ મળે છે, 'હા, પોલીસ વેરિફિકેશન અને ટ્રેનિંગ હજુ બાકી છે. સખત મહેનત અને સમાજના ટોણાએ આખરે મને જજ બનાવી જ દીધો.’

હું ઝડપથી પૂછું છું - શું બની રહ્યું છે?

કાસિમ કહે છે, 'હલીમ'.

તેનું નામ હું પહેલીવાર સાંભળી રહ્યો છું. મને થોડું આશ્ચર્ય પામતા જોઈને કાસિમ કહે છે, 'હલીમ વેજ અને નોન-વેજ બંને છે. તે તમામ પ્રકારના કઠોળ, જવ, ઘઉં, ચોખા અને ચણાનું બનેલું છે. તેમાં અનેક પ્રકારના મસાલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તે લગભગ 7-8 કલાક રાંધ્યા પછી તૈયાર થાય છે.’

મોહમ્મદ કાસિમના અબ્બુ હલીમ બનાવી રહ્યા છે.

હું કાસિમ સાથે તેના આંગણામાં વાત કરવા બેસું છું. સામે એક તરફ તેના અબ્બુ (પિતા) મોહમ્મદ હલીમ બનાવી રહ્યા છે, બીજી બાજુ તેની અમ્મી (માતા) અનીસા બેગમ ખાટલા પર બેઠાં છે. આંગણામાં 20થી વધુ લોકો છે.

કાસિમ કહે છે, 'તમે જુઓ છો તે આ જૂના પડી ગયેલા મકાનમાં અમે 8 ભાઈ-બહેનો મોટાં થયાં છીએ. અમે 3 ભાઈઓ અને 5 બહેનો છીએ. નવું ઘર થોડાં વર્ષો પહેલાં જ બાંધવામાં આવ્યું છે.

તમને જૂના ઘરની વાત કરું- એકવાર એવું બન્યું કે રાત્રે જ્યારે છત પડી ત્યારે અમે બધાં સૂઈ રહ્યાં હતાં. અમે લાંબા સમય સુધી તેમાં દટાયેલાં રહ્યાં.

અલ્લાહની મહેરબાની કે જીવ બચી ગયો, નહીંતર કોણ વકીલ, કોણ જજ….’

જ્યારથી કાસિમના જજ બનવાના સમાચાર આવ્યા છે ત્યારથી તેના ઘરની બહાર લોકોનો જમાવડો થતો રહે છે.

દૂર-દૂરથી યુવાનો તેમને મળવા આવી રહ્યા છે. કાસિમની માતાના હાથમાં તેમને બતાવવા માટે કેટલાક ફોટોગ્રાફ્સ છે.

કાસિમ એ તસવીર માતાના હાથમાંથી લઈને મને બતાવે છે. કહે છે, ‘આ તસવીરો જુઓ. મારી છે. હું લગ્ન અને મેળામાં હલીમ વેચતો હતો. અબ્બુને મદદ કરતો હતો.

જ્યારે આખા ઘરનો ખર્ચ આના પર નિર્ભર હતો, તો કામ તો કરવું જ પડેને? ક્યારેક પિતાજીની ઉંમર જોઈને મને થતું કે આટલા વૃદ્ધ હોવા છતાં પપ્પા સવારે 3 વાગ્યાથી જ હલીમ બનાવવાનું શરૂ કરી દે છે. આ કામમાં આખો પરિવાર તેમની સાથે કામ કરે છે, ત્યારે અમારું ગુજરાન ચાલતું હતું.

કાસિમનો પરિવાર.

હું કાસિમને કહું છું- તમે શરૂઆતમાં કહ્યું હતું કે સમાજે જજ બનાવ્યો છે…. મતલબ?

તે કહે છે, 'હા, આની પાછળ ક્યાંક સમાજ છે. મારા વિસ્તારની વસ્તી 10 હજારથી વધુ છે, જે ચોક્કસ સમુદાયની છે. મોટાભાગના લોકો રોજિંદી મજૂરી કરતા હોય છે. અહીં બહુ ઓછા ભણેલા લોકો જોવા મળશે. ઘણી વખત એવું બન્યું છે કે વિસ્તારના લોકોને જાણીજોઈને બનાવટી કેસમાં ફસાવવામાં આવ્યા હતા.

આ બધું જોઈને મને લાગ્યું કે કોર્ટ જ આ લાચાર લોકો માટે છેલ્લો ઉપાય હોય છે.

એકવાર પોલીસને મારી પરિચિત વ્યક્તિ સાથે ઝપાઝપી થઈ. તેને બે દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

જ્યારે મેં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મને ખબર પડી કે પોલીસ કોઈને 24 કલાકથી વધુ કસ્ટડીમાં રાખી શકતી નથી. તેને કોર્ટમાં રજૂ કરવો પડે છે, પરંતુ અહીં તો અલગ કાયદો ચાલે છે.’

કાસિમ પોતાની વાત કહી રહ્યા છે, સામે હલીમ બનાવી રહેલા તેમના પિતા અમારી તરફ એકીટસે જોઈ રહ્યા છે. તેઓ પણ નજીકમાં આવીને બેસે છે.

જ્યારે હું તેને તેના શરૂઆતના દિવસો વિશે પૂછું છું, તો કાસિમના પિતા કહે છે, 'હું ખૂબ નાની ઉંમરે દિલ્હી ગયો હતો. ત્યાં મારા મોટા ભાઈની હોટલ હતી.

તે સમયે મને રસોઈ કેવી રીતે બનાવવી તે આવડતું ન હતું. હું કપ અને પ્લેટો ધોતો, ગ્રાહકોને હલીમ પીરસતો. જ્યારે થોડો મોટો થયો, ત્યારે પોતાની રેંકડી લગાવવાનું શરૂ કર્યું. દિલ્હીમાં રહેવાની જગ્યા ન હોવાથી કબ્રસ્તાનની નજીક ઝૂંપડીમાં રહેતો હતો. ઘણીવાર એવું બનતું કે પોલીસ રેંકડી ઉઠાવી લે અને ફેંકી દે અથવા તોડી નાખતી.’

મોહમ્મદ કાસિમની જૂની તસવીરો.

પિતાને રોકતા, કાસિમ કહે છે, 'હવે તમે મને કહો, ચલણ જેટલી કિંમતની રેંકડી નથી તેનાથી વધુ હોય છે. એક ગરીબ દૈનિક વેતન કમાનાર આ રકમ કેવી રીતે ચૂકવે?

1994ની વાત છે. પપ્પા દિલ્હીથી સંભલ પાછા આવ્યા. અહીં હલીમનું વેચાણ શરૂ કર્યું. જ્યારે હું થોડો મોટો થયો ત્યારે મેં પણ મારા પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ હલીમ વેચતા, હું ગ્રાહકોને પીરસતો. તેમના એઠાં કપ-પ્લેટ ધોઈ નાખતો. તમે કહી શકો કે મારા અને મારા પિતાના શરૂઆતના જીવનમાં બહુ ફરક નહોતો.

ઘણી વખત એવું બનતું કે લોકો ગાળો આપતા. અપશબ્દોનો ઉપયોગ કરતા. હું ચૂપચાપ સાંભળતો રહેતો. એકવાર હું પેટ્રોલ પંપ પર પાણી ભરવા ગયો. તેના માલિકે મને માર્યો. ઘણું ખરાબ સંભળાવ્યું.’

આટલું કહેતાં કાસિમ અટકી જાય છે.

કાસિમના કાયદાનાં કેટલાંક પુસ્તકો આંગણાની સામેના રૂમમાં રાખવામાં આવ્યાં છે. અચાનક મારી નજર એ પુસ્તકો પર જાય છે.

તેઓ કહે છે, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જજ કે વકીલ બનીશ. જે વિસ્તારમાં પાણી અને વીજળી નથી. ત્યાં કોઈ રસ્તા નથી. વાંચન-લેખન માટે વાતાવરણ ન હોય. દરરોજ ઝઘડા. પોલીસની લાઠી... ત્યાંથી અહીં પહોંચવું ખૂબ મુશ્કેલ છે.

આમ છતાં, હું હંમેશાં વાંચવા-લખવા માટે સમય કાઢી લેતો. સવારે રેંકડી પર હલીમ વેચતો અને પછી શાળાએ જતો. શાળા પણ કઈ, સરકારી શાળા. ઝાડ નીચે અભ્યાસ કરતો હતો. કોથળા પર બેસતો. 10મા ધોરણમાં નાપાસ પણ થયો હતો.

તે પછી, મને થયું કે મારો અભ્યાસ છોડીને મારા પિતા અથવા મારા બે ભાઈઓની જેમ હલીમ વેચવાનું નક્કી કર્યું. ત્યારે મને મારી માતાની એક પંક્તિ યાદ આવી. તે છે - 'શું તમે આખી જિંદગી હલીમ વેચતા રહેશો? ક્યાં સુધી આપણે આમ જીવવા મજબૂર રહીશું?

આ પંક્તિ હંમેશાં મને હચમચાવી દેતી હતી. હું તેમનાં આંસુ જોઈ શકતો નહોતો. એ આંસુએ જ મને પરિવારથી અલગ કંઈક કરવાની હિંમત આપી. આ પછી મેં ફરીથી મારું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કર્યું.’

મોહમ્મદ કાસિમ તેમની રેંકડી બતાવે છે. આના પર જ તેઓ હલીમ વેચતા હતા

કાસિમ થોડીવાર ચૂપ થઈ જાય છે. મેં તેમને પૂછ્યું, બધું બરાબર છે ને? જવાબમાં તે કહે છે, '5 બહેનો છે. દરેક બહેનનાં લગ્ન દરમિયાન લાખ રૂપિયાથી વધુનું દેવું થતું હતું. અબ્બુ એક દેવું ચૂકવે ત્યાં સુધીમાં બીજું દેવું તેમના પર આવી જતું.

મોટી મૂંઝવણ હતી. 12મા પછી હું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) ગયો. જો ન ગયો હોત, તો કદાચ હજી પણ હલીમ વેચતો હોત. વકીલ બનવાનો વિચાર મેં મારા વિસ્તારમાં ન્યાય માટે આજીજી કરતા લોકોને જોયા તેના પરથી આવ્યો.

સખત મહેનતને કારણે મને બીએ એલએલબીમાં પ્રવેશ મળ્યો. હવે બધાં પુસ્તકો અંગ્રેજીમાં અને હું હિન્દી માધ્યમનો વિદ્યાર્થી શું સમજાય? મને ચિંતા થવા લાગી. એક દિવસ મારા એક પ્રોફેસરે સમજાવ્યું કે જો મારે ખરેખર કંઈક કરવું હોય તો મારે અંગ્રેજી ભણવું પડશે. મેં બે વર્ષમાં મારું અંગ્રેજી સુધાર્યું.

બેચલર પૂર્ણ કર્યા પછી, મને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. પ્રવેશ પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો. માસ્ટર્સ દરમિયાન મને ખબર પડી કે જે લોકો કાયદાનો અભ્યાસ કરે છે તેઓ જજ પણ બને છે. હું જે કહું છું તે તમે માનશો નહીં, પણ મને આ વાત બહુ મોડેથી ખબર પડી.

આ પછી મેં જજ બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું, પરંતુ સાચું કહું તો હું 2012થી આવું સપનું જોઈ રહ્યો હતો.

હું ગામમાં આવ્યો ત્યારે અહીંના લોકો પણ મને ટોણા મારતા હતા. જજ સાહેબ આવી રહ્યા છે, એમ કહીને મને ચીડવતા હતા.’

કાસિમ હવે મને તેમની રેંકડી બતાવવા લઈ જાય છે. તે કહે છે- ચાલો હું તમને તે જગ્યા બતાવીશ જ્યાં પાપા અને હું અલગ-અલગ રેંકડી લગાવતા હતા. થોડા સમય પછી, કાસિમ અને હું તે જગ્યાએ પહોંચીએ છીએ.

સ્થળ બતાવ્યા પછી, કાસિમ ફરીથી તેના કોલેજના દિવસોની વાત કહે છે. કહેવાય છે કે, 'જ્યારે હું અલીગઢ યુનિવર્સિટી ગયો ત્યારે મારી પાસે વધારે કપડાં નહોતાં. અન્ય બાળકોની જેમ હું બ્રાન્ડેડ કપડાં પહેરી શકતો ન હતો. સારું થયું કે કોલેજમાં યુનિફોર્મ હતો, નહીં તો ખબર નહીં શું થાત.

જ્યારે પણ હું મારી માતા સાથે ફોન પર વાત કરતો ત્યારે તે હંમેશાં કહેતી - તું ક્યારે જજ બનીશ? આ કદાચ મારી છેલ્લી તક હતી, જો કે તે મારો પ્રથમ પ્રયાસ હતો, પરંતુ જો હું આ વખતે યુપી પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં સફળ ન થયો હોત, તો કદાચ મેં મારી માતાને ગુમાવી દીધી હોત.’

મોહમ્મદ કાસિમનો તેના કોલેજકાળનો ફોટો.

કાસિમ તેના પરિણામના દિવસની વાત કહે છે.

કાસિમ કહે છે, ‘રિઝલ્ટના દિવસે હું અલીગઢમાં જ હતો. જ્યારે પરિણામ આવ્યું ત્યારે મેં નામ ન સર્ચ કરીને પરિણામ જોવાનું નક્કી કર્યું. મેં એક પછી એક બધાં નામ વાંચવાનું શરૂ કર્યું. 135 નંબર પર નામ જોતાં જ હું ધ્રૂજવા લાગ્યો.

તમે વિશ્વાસ નહીં કરો, મારા હાથ અને પગ ધ્રૂજતા હતા. મેં પહેલા મારા કેટલાક મિત્રોને પૂછ્યું કે હું આ યાદીમાં છું કે નહીં. કન્ફર્મ થયા પછી મેં સૌથી પહેલા મારા નાના ભાઈ કાદિરને ફોન કર્યો.

તરત જ મેં કહ્યું કે હું સિવિલ જજ બની ગયો છું, ફોન પર જોરથી બૂમો પાડતો ભાઈ ઘરની બહાર આવ્યો અને પછી આખા વિસ્તારને આ વાતની જાણ થઈ. પછી વાત વિસ્તારની બહાર ફેલાઈ ગઈ અને આ રીતે તમારા સુધી પણ પહોંચી ગઈ….

કાસિમ અને હું બંને હસી પડ્યા. હવે રાત થઈ ગઈ છે, મારે દિલ્હી જવાનું છે. કાસિમના પિતા તેમના પુત્રના ખભા પર હાથ મૂકે છે અને કહે છે - 'હું તો ઇચ્છતો હતો કે તે ક્યાંક સ્થાયી થાય, જેથી વૃદ્ધ પિતાને સહારો મળી શકે.

આટલા લાંબા સમય સુધી આગની જ્વાળાઓ વચ્ચે રહેવાને કારણે આ ચામડી પર કરચલીઓ પડી ગઈ છે. હવે અલ્લાહે છત ફાડી નાખી છે અને દયા વરસાવી છે.’

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો