આજનું એક્સપ્લેનર:3 દિવસમાં 'રામાયણ'એ કમાયા ₹375 કરોડ, નફા માટે ₹5000 કરોડનું કલેક્શન જરૂરી; ₹2000 કરોડ ક્યાં ખર્ચી નાખ્યા?
5 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ રામાયણ પાર્ટ-1 એ 3 દિવસમાં 375.5 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. મોટા બજેટવાળી ભારતીય ફિલ્મો માટે 1000 કરોડ રૂપિયાની કમાણીનો બેન્ચમાર્ક મોટો માનવામાં આવે છે. જ્યારે ‘રામાયણ’ના બંને ભાગોના નિર્માણમાં જ કથિત રીતે 4000 કરોડ રૂપિયા
નફામાં આવવા માટે ફિલ્મને કેટલી કમાણી કરવાની જરૂર છે, શું તે આટલી કમાણી કરી શકશે અને તેમાં એવું શું છે, જેના પર આટલો ખર્ચ થયો; જાણીશું આજના એક્સપ્લેનરમાં…
સવાલ-1: અત્યાર સુધી બોક્સ ઑફિસ પર ‘રામાયણ’ની કમાણી કેવી રહી છે?
જવાબ: ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્ક અને અન્ય અનેક અહેવાલો અનુસાર, નિતેશ તિવારીની રામાયણે પ્રથમ 3 દિવસમાં સમગ્ર વિશ્વમાં 375.5 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. પ્રથમ 3 દિવસનું બ્રેકડાઉન જુઓ...
- 5 નવેમ્બર: ભારતમાં ₹77.5 કરોડ અને વિદેશોમાં ₹51.25 કરોડની કમાણી કરી. કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹128.75 કરોડ છે.
- 6 નવેમ્બર: ભારતમાં ₹57.30 કરોડ અને વિદેશોમાં ₹44 કરોડની કમાણી કરી. કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹101.30 કરોડ થયું. આ દિવસે ભારતમાં 26.1%નો ઘટાડો અને સમગ્ર વિશ્વમાં 21.3%નો ઘટાડો થયો.
- 7 નવેમ્બર: ભારતમાં ₹83.45 કરોડ અને વિદેશોમાં ₹62 કરોડની કમાણી કરી. કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹143.45 કરોડ થયું. આ દિવસે ભારતમાં 45.6%નો વધારો અને સમગ્ર વિશ્વમાં 41%નો વધારો થયો.
ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, 'દિવાળીના પહેલાના સમયગાળાને કારણે શુક્રવારે ફિલ્મના બિઝનેસ પર અસર પડી. ફિલ્મ બિઝનેસની જમીની હકીકત સમજનારાઓ માટે 2 દિવસની કમાણી બિલકુલ અપેક્ષા મુજબ છે.’
સવાલ-2: 'રામાયણ'ને નફામાં આવવા માટે ઓછામાં ઓછી કેટલી કમાણી જરૂરી છે?
જવાબ: ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, બોક્સ ઑફિસનું એક સામાન્ય સૂત્ર એ છે કે ફિલ્મને બ્રેક-ઈવન માટે પોતાના બજેટના 2.5 ગણા કમાવા પડે છે. બ્રેક-ઈવનનો અર્થ છે- કમાણીનો એ તબક્કો જ્યારે ફિલ્મ પોતાની કિંમત વસૂલ કરી લે. ન તો નુકસાન થાય અને ન તો નફો.
રામાયણના બંને ભાગના નિર્માણમાં 4 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હિસાબે પહેલા ભાગની કિંમત 2 હજાર કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે. તેથી રામાયણ પાર્ટ-1ને બ્રેક-ઈવન માટે 5 હજાર કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે.
2.5 ગણો આંકડો કોઈ નિશ્ચિત ગણિત નથી, પરંતુ જૂન 2026માં ફિલ્મમેકર રાજકુમાર હિરાણીએ પણ એક પોડકાસ્ટમાં આ જ આંકડો આપ્યો હતો. તેમણે કહ્યું હતું, 'તમે ફિલ્મની કમાણી 100 કરોડ…200 કરોડનો આંકડો વાંચો છો, તો પહેલા તેનું બ્રેકડાઉન સમજો. કોઈ ફિલ્મ 100 કરોડ કમાય, તો તેના નિર્માતાને તેમાંથી માત્ર 40% અથવા 35% જ મળે છે. ટિકિટની કમાણીનો 50% તો ફિલ્મ બતાવનારા મલ્ટિપ્લેક્સ (સિનેમા હોલ) જ લઈ જાય છે.'
હિરાણી આગળ કહે છે, 'પહેલા અઠવાડિયામાં થિયેટરવાળા કહે છે- 50% લઈ લો, પછી બીજા અઠવાડિયામાં 60% આપે છે. થિયેટરની બચેલી કમાણીનો મોટો હિસ્સો ડિસ્ટ્રિબ્યુટર અને ફિલ્મના પ્રચારમાં જતો રહે છે. હંમેશાં આવું જ થતું આવ્યું છે.’
હકીકતમાં, ફિલ્મની ટિકિટોથી થતી કમાણીને ગ્રોસ કલેક્શન કહેવામાં આવે છે. તેમાંથી ટેક્સ કાઢ્યા પછી નેટ કલેક્શન બચે છે. ત્યારબાદ બાકીની રકમ ડિસ્ટ્રિબ્યુટરને મળે છે. પછી કોન્ટ્રાક્ટ મુજબ તેનો હિસ્સો પ્રોડ્યુસર સુધી પહોંચે છે. આ ઉપરાંત ફિલ્મનો માર્કેટિંગ ખર્ચ પણ હોય છે.
જોકે ટિકિટના વેચાણ ઉપરાંત પણ ફિલ્મ અનેક રીતે કમાણી કરે છે. તેથી એવું કહી શકાય નહીં કે રામાયણ પાર્ટ-1ને બ્રેક-ઈવન માટે સંપૂર્ણ 5000 કરોડ રૂપિયા ટિકિટના વેચાણમાંથી કમાવવા પડશે.
હિરાણીના જણાવ્યા મુજબ, ટિકિટ ઉપરાંત કમાણીના 3 સ્રોત છે. ફિલ્મ સેટેલાઇટ ટીવી ચેનલોને વેચવામાં આવે છે. તેને OTT પર પણ રિલીઝ કરવામાં આવે છે અને સંગીતમાંથી પણ કમાણી થાય છે. પ્રોડ્યુસરે આ તમામ સ્રોતોમાંથી પોતાની પડતર કિંમત વસૂલ કરવાની હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે થિયેટર રન બાદ રામાયણને જિયો હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.
હિરાણી કહે છે, ‘પહેલાં માર્કેટિંગ બજેટ ઓછું રહેતું હતું. હવે કોઈપણ ફિલ્મનું માર્કેટિંગ બજેટ 10 કરોડ રૂપિયાથી ઘણું વધારે થઈ ગયું છે, કારણ કે દર્શકો સુધી પહોંચવું મુશ્કેલ બનતું જાય છે.’
સવાલ-3: તો શું ફિલ્મ 5000 કરોડ કમાઈ શકશે?
જવાબ: ફિલ્મની કમાણી તેના પ્રદર્શન પર નિર્ભર કરે છે. તેના 3 પરિમાણો હોઈ શકે છે…
1. ફિલ્મનું એડવાન્સ બુકિંગ
- ટિકિટના એડવાન્સ બુકિંગથી ફિલ્મની શરૂઆતની માગનો અંદાજ આવે છે. રમેશ બાલાએ કહ્યું હતું કે રામાયણને સારી ઓપનિંગ માટે રિલીઝ પહેલાં લગભગ 75થી 100 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કરવું પડશે. જો 150થી 200 કરોડ રૂપિયાનું બુકિંગ થઈ જાય, તો જરૂરી મોમેન્ટમ મળી જશે.
- સૈકનિલ્કના જણાવ્યા અનુસાર, 5 નવેમ્બરે રિલીઝ પહેલાં દુનિયાભરમાં 152 કરોડ રૂપિયાનું પ્રી-સેલ્સ થયું હતું. તેમાં ટિકિટના વેચાણ ઉપરાંત સિનેમા હોલ્સે બ્લોક કરેલી સીટો પણ સામેલ હતી.
- જોકે આ મામલે 'ધુરંધર: ધ રિવેન્જ' (પાર્ટ-2)નો રેકોર્ડ મોટો છે. પુષ્પા-2, લિયો, RRR અને બાહુબલી-2 જેવી મૂળતઃ સાઉથની ફિલ્મો પછી ધુરંધર પહેલી બોલિવૂડ ફિલ્મ હતી, જેને રિલીઝ પહેલાં દુનિયાભરમાં 200 કરોડ રૂપિયાથી વધુનું પ્રી-બુકિંગ મળ્યું હતું.
- જ્યારે રામાયણની સરખામણીએ ધુરંધર-2ની કિંમત માત્ર 225 કરોડની આસપાસ હતી અને તેણે વિશ્વભરમાં ગ્રોસ 1,813 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ હિસાબે રામાયણ, ધુરંધર-2થી ઘણી પાછળ છે.
2. ફિલ્મની પહેલા દિવસની કમાણી
- એડવાન્સ બુકિંગ બાદ ફિલ્મની ખરી કસોટી તેના રિલીઝના પહેલા દિવસે થાય છે. બાલાના જણાવ્યા મુજબ, ‘રામાયણ’ માટે દુનિયાભરમાં 175થી 200 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન સારી શરૂઆત ગણાત, પરંતુ વાસ્તવમાં આ કલેક્શન 128.75 કરોડ રૂપિયા રહ્યું. બીજા દિવસે પણ તેમાં ઘટાડો થયો.
- જ્યારે ‘ધુરંધર પાર્ટ-2’એ પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં 226.60 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.
- વળી, જો તેની સરખામણી 700 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી પ્રભાસ સ્ટારર ‘આદિપુરુષ’ સાથે કરવામાં આવે, તો ફિલ્મે પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં ‘રામાયણ’ જેટલું જ, લગભગ 128.08 કરોડ રૂપિયા કમાયા હતા.
- જોકે બીજા દિવસે ‘રામાયણે’ વિશ્વભરમાં 101.30 કરોડ રૂપિયા કમાયા હતા, જ્યારે ‘આદિપુરુષે’ લગભગ 87.70 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. ‘આદિપુરુષ’ અંત સુધીમાં માત્ર ₹393 કરોડ રૂપિયા જ એકત્ર કરી શકી હતી.
3. પહેલા ત્રણ અઠવાડિયામાં દર્શકોનો રિવ્યૂ અને કમાણીની ઝડપ
- ફિલ્મ લાંબા સમય સુધી સિનેમાઘરોમાં ટકી રહે, તે માટે દર્શકોનો પ્રતિભાવ મહત્વનો હોય છે. લોકો એકબીજાને ફિલ્મ જોવાની કે ન જોવાની સલાહ આપે છે. તરણ આદર્શ કહે છે કે ફિલ્મ લાંબા સમય સુધી ચાલે તે માટે માત્ર ઓપનિંગ જ નહીં, પરંતુ સકારાત્મક ‘વર્ડ ઑફ માઉથ’ પણ સૌથી મોટા કારણોમાંનું એક છે.
- આનું સૌથી સચોટ ઉદાહરણ છે આ જ વર્ષે 7 ઑગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન અંશ’. પહેલા અઠવાડિયામાં ફિલ્મ માત્ર 1.08 કરોડ રૂપિયાની કમાણી કરી શકી. બીજા અઠવાડિયામાં કમાણી ઘટીને 40 લાખ રૂપિયા રહી ગઈ, પરંતુ ત્રીજા અઠવાડિયામાં કમાણી વધીને લગભગ 10.40 કરોડ રૂપિયા થઈ ગઈ. ત્યારબાદ ચોથા અઠવાડિયામાં તેણે લગભગ 61 કરોડ રૂપિયા કમાયા. સૅકનિલ્ક અનુસાર, 6 નવેમ્બર સુધીમાં 92 દિવસમાં ‘હનુમાન અંશ’ વિશ્વભરમાં 453.22 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે.
- રામાયણે બીજા દિવસે થયેલા ઘટાડા બાદ જોરદાર ઉછાળો લીધો છે. તરણ આદર્શ કહે છે, 'દિવાળીના તહેવાર બાદ સોમવારથી બુધવાર સુધી તેની કમાણીમાં ઝડપથી ફેરફાર થવાની અપેક્ષા છે.' તરણ આદર્શે ફિલ્મને 5માંથી 5 રેટિંગ આપી છે.'
- સિનેમા ચેન સિનિપોલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગ સંપત કહે છે, 'ટ્રેન્ડ પરથી સામાન્ય રીતે બે વીકએન્ડમાં ફિલ્મના પ્રદર્શનનું વિશ્લેષણ કરી લઈએ છીએ, જોકે ઘણી વાર વર્ડ ઑફ માઉથમાં વધુ સમય પણ લાગી શકે છે.'
સવાલ-4: ‘રામાયણ-1’માં એવું શું ખાસ છે કે 2000 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા?
જવાબ: મોટા બજેટની મોટાભાગની ફિલ્મોના નિર્માતાઓ ખર્ચની વિગતો આપતા નથી. જોકે ફિલ્મના પ્રોડક્શન સ્કેલ, કલાકારો અને ટેક્નોલોજી પરથી તેના બજેટનો એક અંદાજ લગાવી શકાય છે.
રામાયણની ખાસિયત તેનો પ્રોડક્શન સ્કેલ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એટલે કે VFX, સેટની ડિઝાઇન, મોંઘી ટેક્નિકલ ટીમ, મોટા સંગીતકારો વગેરે છે…
1. VFX અને કમ્પ્યુટર ઇમેજરી પર મોટો ખર્ચ થયો
- ફિલ્મમાં અયોધ્યા, લંકા, જંગલ, પુષ્પક વિમાન અને યુદ્ધનાં દૃશ્યો મોટા પાયે દર્શાવ્યા છે. આવા દૃશ્યો બનાવવા માટે કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (CGI) અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સની જરૂર પડે છે.
- VFXનું કામ નમિત મલ્હોત્રાની કંપની DNEGએ કર્યું છે. DNEGએ હોલીવૂડની ‘ઇન્સેપ્શન’, ‘ઇન્ટરસ્ટેલર’ અને ‘ડ્યુન’ જેવી મોટી ફિલ્મોમાં કરોડો રૂપિયાના ખર્ચે VFX આપ્યા છે.
- 'બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ' માટે DNEGને અત્યાર સુધીમાં 8 ઓસ્કર મળી ચૂક્યા છે. રામાયણના VFX પર પણ ભારે ખર્ચ થયાના અનુમાનો છે. નિતેશ તિવારીના જણાવ્યા અનુસાર, કેટલાક VFX સિક્વન્સ બનાવવામાં 3 વર્ષ લાગ્યાં.
2. મોંઘા પ્રૉપ્સ, કરોડો રૂપિયાના 150થી વધુ સેટ બનાવ્યા
- ફિલ્મના આર્ટ ડિરેક્ટર રમેશ અંધાલેએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે ફિલ્મ માટે 2024થી સેટ બનાવવાનું કામ શરૂ થયું હતું. આશરે 150 સેટ બનાવ્યા.
- તેમણે જણાવ્યું, 'રાવણનું સિંહાસન બનાવવામાં 4 મહિના અને 1 કરોડ રૂપિયા લાગ્યા. તેમાં 24 કેરેટ ગોલ્ડ લીફનો ઉપયોગ થયો. એ જ રીતે શૂર્પણખાનો રથ 1.5 કરોડ રૂપિયામાં બનાવ્યો. મહિનાઓની મહેનત બાદ 24 ફૂટનું જટાયુ મોડેલ અને 50 ફૂટનું પુષ્પક વિમાન બનાવ્યા.'
3. મોંઘા કલાકારો અને સ્ટાફ પર કરોડો રૂપિયા ખર્ચાયા
- પ્રખ્યાત મ્યુઝિશિયન હૅન્સ ઝિમર અને એ. આર. રહમાને ફિલ્મનું સંગીત આપ્યું છે. અંદાજ મુજબ, માત્ર ઝિમરની ફી 50થી 80 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.
- ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2024થી જુલાઈ 2025 સુધી મુંબઈ ફિલ્મ સિટીથી શરૂ થઈને વિદેશ સુધી ચાલ્યું. લોકેશન, પ્રવાસ, કલાકારોના કોસ્ચ્યુમ, ઘરેણાં, હથિયારો, મેકઅપ અને લાઇટિંગ પર ભારે ખર્ચ થયો.
- દરરોજ આશરે 500 સ્ટાફ અને કલાકારોએ કામ કર્યું.
જોકે 6 નવેમ્બરે પોતાની ફિલ્મ 'માતૃભૂમિ'ના ટ્રેલર લોન્ચ દરમિયાન અભિનેતા સલમાન ખાને ફિલ્મના 4000 કરોડ રૂપિયાના બજેટ વિશે કહ્યું, 'ચર્ચા રામાયણ પર થવી જોઈએ, તેના VFX અથવા તેના પ્રોડક્શન કોસ્ટ પર નહીં. આ વાત કે 4000 રૂપિયા… VFX, VFX, મને નથી લાગતું કે આ યોગ્ય છે. રામાયણના તેના પાત્રો, રામ, રાવણ, સીતા અને ધર્મગ્રંથો વિશે વાત થવી જોઈએ.'
સવાલ-5: ‘રામાયણ-1’ના કયા એલિમેન્ટ્સની સૌથી વધુ પ્રશંસા થઈ રહી છે?
જવાબ: 3 વસ્તુઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે- ફિલ્મના VFX અને એક્શન સીક્વન્સ, રાવણના પાત્રમાં એક્ટર યશ અને માતા સીતાને બચાવતા જટાયુ તથા પુષ્પક વિમાનનો સીક્વન્સ.
‘રોબોટ 2.0’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના ડિરેક્ટર એસ. શંકરે લખ્યું, ‘યશને દરેક ફ્રેમમાં જોવું આનંદની વાત છે. તેઓ ખૂબ જ આકર્ષક વિલન છે અને તેમણે ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપ્યું છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવીને પણ શુભેચ્છાઓ.’
X પર એક યુઝરે લખ્યું, ‘રાવણની ભૂમિકા ભજવવી યશ માટે બહાદુરીભર્યું અને અલગ પ્રકારનું સિલેક્શન છે. નકારાત્મક પાત્ર ભજવવું અને ફિલ્મના દરેક સીનને પોતાનું બનાવી લેવું. તેમની હાજરીથી ખતરો અનુભવાય છે. તેઓ રાવણના પાત્રમાં ખૂંખાર લાગ્યા, જેના કારણે આ ભૂમિકામાં ઔરા, ખતરો અને સ્વેગ આવી ગયો.’
એસ. શંકરે લખ્યું, 'ભારતીય સિનેમામાં આવા વિઝ્યુઅલ્સ ક્યારેય જોયા નથી. તેને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા માટે નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીની ખૂબ પ્રશંસા કરું છું. શાનદાર VFX, સમૃદ્ધ પ્રોડક્શન વેલ્યુ, અદ્ભુત લુક અને ફીલ, એ. આર. રહેમાન અને હાન્સ ઝિમરના શાનદાર સંગીત સાથે જબરદસ્ત સાઉન્ડ!'
જોકે કેટલાક ક્રિટિક્સે ઘણી ખામીઓ પણ દર્શાવી છે, જેમ કે 3 કલાક 15 મિનિટનો પહેલો ભાગ થોડો ધીમો છે. તેમાં માતા સીતાના અપહરણ સુધીનો પ્રસંગ છે. મોટા ભાગનું એક્શન આગામી ભાગ માટે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત રણબીર કપૂરની એક્ટિંગને લઈને ખાસ પ્રશંસા કરવામાં આવી રહી નથી. તેમની અને માતા સીતાની ભૂમિકા ભજવનારી સાઈ પલ્લવી વચ્ચે ભાવનાત્મક જોડાણ ઓછું અનુભવાય છે. કેટલાક રિવ્યૂઝમાં સંગીતને પણ અપેક્ષા કરતાં નબળું ગણાવવામાં આવ્યું છે.
*******
નોંધ: આ આંકડા 7 સપ્ટેમ્બર 2026ની રાત સુધીના ઇન્ડસ્ટ્રી ટ્રેકર અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ફિલ્મનો કોઈપણ પ્રકારનો સ્વતંત્ર પ્રચાર/દુષ્પ્રચાર કરવામાં આવ્યો નથી.
