Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

આજનું એક્સપ્લેનર:એ ‘ચીની જાસૂસ’ કોણ છે, જેની સાથે અફેર કરીને ફસાયા Nvidiaના CEO; ચીનને દુનિયાની સૌથી અમીર કંપની પાસેથી શું જોઈએ છે

6 દિવસ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

2024ની આ તસવીર જુઓ…

.

દુનિયાની સૌથી મોટી ચિપ કંપની એનવિડિયાના CEO જેન્સન હુઆંગ સાથે ગુલાબી ડ્રેસમાં દેખાતી આ સુંદર મહિલાનું નામ છે— એલિસ હુઆંગ.

અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે એલિસ એક જાસૂસ છે, જેણે જેન્સન સાથે નિકટતા વધારીને ચીન સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડી. જેન્સને પણ સ્વીકારી લીધું કે, ‘મેં પત્ની સાથે બેવફાઈ કરી છે.’

કથિત ચીની જાસૂસ, અફેર, અબજો ડૉલરનો સોદો અને અમેરિકામાં મચેલા હંગામાની સંપૂર્ણ કહાની; આજના એક્સપ્લેનરમાં…

સવાલ-1: કથિત ચીની જાસૂસ એલિસ હુઆંગ કોણ છે, જેન્સન સાથે નિકટતા કેવી રીતે વધી?

જવાબઃ માર્ચ 2023ની વાત છે. ચીનની ગેમિંગ કંપની 7Road Internationalની સિંગાપોર યુનિટને ‘Megaspeed’ નામની ડેટા સેન્ટર કંપની બનાવી દેવામાં આવી. એલિસ હુઆંગ તેની મેનેજિંગ ડિરેક્ટર અને CEO બન્યાં. આ પહેલાં એલિસના જીવન વિશે બહુ નક્કર માહિતી ઉપલબ્ધ નથી.

ઑનલાઇન બાયોગ્રાફી અનુસાર, એલિસ ચીની નાગરિક છે. તેમણે લગભગ 4 વર્ષ સુધી Hunan TV અને ચીની સરકારી ચેનલ CCTVમાં રિપોર્ટર તરીકે કામ કર્યું. ત્યાર બાદ તેઓ HSBC પ્રાઇવેટ બેન્કિંગમાં પ્રેસિડેન્ટના આસિસ્ટન્ટ બન્યાં. તેઓ શાંઘાઈ હેક્સી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ રહ્યાં. આ ફંડ ચીનના અમીર રોકાણકારો અને ડેટા સેન્ટર પ્રોજેક્ટ ધરાવતી ટેક કંપનીઓ સાથે જોડાયેલું હતું. એલિસે Megaspeedમાં 8 મહિના સુધી MD અને CEOનું પદ સંભાળ્યું. ત્યાર બાદ પણ તેઓ સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કંપની સાથે જોડાયેલા રહ્યાં.

આ જ દરમિયાન Megaspeedએ Nvidia સાથે વ્યવસાય શરૂ કર્યો. જૂન 2024થી ફેબ્રુઆરી 2026 સુધીમાં 4.8 અબજ ડૉલરથી વધુની ચિપ્સ ખરીદીને Megaspeed દક્ષિણ-પૂર્વ એશિયામાં Nvidiaની સૌથી મોટી ગ્રાહક બની ગઈ.

આ દરમિયાન એલિસ અને જેન્સન વચ્ચે નિકટતા વધતી જોવા મળી. જૂન 2024માં તાઇવાનની રાજધાની તાઇપેઇના એક બારમાં બંને વ્હિસ્કી પીતા જોવા મળ્યા. તે સમયે ત્યાં અન્ય ઘણા AI એક્ઝિક્યુટિવ્સ પણ હાજર હતા.

જૂન 2025ની આસપાસ તાઇપેઇની જ એક રેસ્ટોરન્ટમાં બંને ડિનર દરમિયાન જોવા મળ્યા. તાઇવાનના મીડિયાએ એલિસને જેન્સનના ગાલ પર કિસ કરતાં અને તેમની પાછળ ઊભેલી તસવીરમાં કેદ કરી.

અમેરિકન અખબાર New York Times મુજબ, અમેરિકન એજન્સીઓ એલિસને ચીનની ગુપ્તચર એજન્સી ‘મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ’ (MSS)નો એજન્ટ માને છે, જેનો હેતુ જેન્સનની માહિતી એકત્રિત કરવાનો હતો.

અમેરિકન એજન્સીઓ પહેલેથી જ એલિસ પર ચિપની તસ્કરીની શંકાને લઈને નજર રાખી રહી હતી. આ દરમિયાન એલિસ અને એક અમેરિકન નાગરિક વચ્ચેની વાતચીત પકડાઈ ગઈ. જાણવા મળ્યું કે તે અમેરિકન કંપની Nvidiaના CEO જેન્સન હતા. ભલે બંનેની અટક 'હુઆંગ' એકસરખી છે, પરંતુ તેમની વચ્ચે કોઈ સગાઈ નથી. આવી સ્થિતિમાં બંને વચ્ચે રોમેન્ટિક સંબંધોની ચર્ચા શરૂ થઈ.

3 બાબતો એલિસના ચીની જાસૂસ હોવાની શંકા પેદા કરે છે…

  1. MSSમાં એલિસની ભરતી અંગેનો ગુપ્ત મેમો: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની દેખરેખ હેઠળ તૈયાર કરાયેલા ઇન્ટેલિજન્સ મેમો મુજબ, ચીની ઇન્ટેલિજન્સ એજન્સી MSSએ જેન્સનને નિશાન બનાવવા માટે એલિસની એક એસેટ તરીકે ભરતી કરી હતી.
  2. ચિપ્સની ચીનમાં દાણચોરી: અમેરિકન એજન્સીઓને જાણવા મળ્યું કે Megaspeedએ જેટલી ચિપ્સ મંગાવી હતી, તે તેના ડેટા સેન્ટરની ક્ષમતા સાથે મેળ ખાતી નહોતી. દરમિયાન, મલેશિયામાં આવેલી કંપનીની એક સાઇટ પર Nvidiaની ચિપ્સ ઉપયોગ કર્યા વિના બોક્સમાં બંધ હાલતમાં મળી આવી હતી. શંકા છે કે આ ચિપ્સની દાણચોરી કરીને ચીન મોકલવામાં આવી રહી હતી.
  • એલિસનું બેકગ્રાઉન્ડ અને અભિગમ: એલિસ વિશે ઇન્ટરનેટ પર બહુ વધુ માહિતી ઉપલબ્ધ નથી. તેઓ કોઈ મોટા ટેક બેકગ્રાઉન્ડ વિના એક રિપોર્ટરમાંથી રાતોરાત 4.8 અબજ ડોલરની AI ખરીદદાર બની ગયાં. તેઓ સીધા ટેક ઇન્ડસ્ટ્રીના ટોચના નેતૃત્વની નજીક પહોંચી ગયાં. આ બાબતો ચીનની જાસૂસીની પરંપરાગત પદ્ધતિઓ સાથે મેળ ખાય છે.

હનીટ્રેપિંગના આરોપો લાગ્યા બાદ 8 નવેમ્બરે જેન્સને Nvidiaના કર્મચારીઓને ઇમેઇલ મોકલીને તપાસ શરૂ થયાની જાણકારી આપી. જેન્સને લખ્યું, ‘મેં પત્ની સાથે બેવફાઈ કરી. મારી હરકતોથી પત્ની અને બાળકોને દુઃખ પહોંચ્યું છે. આ માટે કોઈ બહાનું નથી. હું માફી માગું છું. હું મારા દેશ (અમેરિકા) અને મારી કંપની (Nvidia)ને પ્રેમ કરું છું. NVIDIAની સુરક્ષા અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રતિબદ્ધ છું.’

ટેક સમિટ બાદ ડિનર દરમિયાન જેન્સન અને એલિસ.

સવાલ-2: આખરે Nvidiaમાં ચીનને આટલો રસ કેમ હોઈ શકે?

જવાબઃ જેન્સન હુઆંગે 1993માં Nvidia શરૂ કરી હતી. તે વિશ્વની બેસ્ટ ચિપ્સ બનાવે છે. તેના GPU એટલે કે Graphics Processing Unit એવા પ્રોસેસર છે, જે એકસાથે મોટી સંખ્યામાં ગણતરીઓ કરી શકે છે. શરૂઆતમાં તેનો ઉપયોગ વીડિયો ગેમ્સના ગ્રાફિક્સ બનાવવા માટે થતો હતો, પરંતુ AIના યુગમાં તેનું મહત્વ ઘણું વધી ગયું છે.

હકીકતમાં, AI મોડેલને ટ્રેન કરવા માટે અબજો ગણતરીઓ કરવી પડે છે. GPU આ ગણતરીઓ ઝડપથી કરવામાં મદદ કરે છે. એટલે કે, દુનિયામાં ચાલી રહેલી AIની દોડ આ જ ચિપ્સ પર ટકેલી છે અને સૌથી શ્રેષ્ઠ ચિપ્સ Nvidia બનાવે છે. કંપનીનું માર્કેટ મૂલ્ય આશરે 4.5 ટ્રિલિયન ડૉલર છે, જે તેને દુનિયાની સૌથી મોટી કંપની બનાવે છે. આવી સ્થિતિમાં, ચીનને Nvidia અને તેની સાથે જોડાયેલા અધિકારીઓમાં રસ હોવો સ્વાભાવિક છે. તેના 3 મોટા કારણો છે...

  1. AIમાં પ્રભુત્વ મેળવવાની હોડ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)એ 2030 સુધીમાં દુનિયામાં AIના નંબર-1 લીડર બનવાનું લક્ષ્ય રાખ્યું છે. AI મોડલ્સની તાલીમ માટે અદ્યતન AI ચિપ્સની જરૂર પડે છે. તેના માટે Nvidiaના H100, Blackwell જેવા પ્રોસેસર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  2. ચિપ્સ પર અમેરિકન પ્રતિબંધ: ઓક્ટોબર 2022માં અમેરિકાએ A100 અને H100 જેવી ચિપ્સ ચીનને વેચવા પર પ્રતિબંધ મૂક્યો. Nvidiaએ ચીન માટે નબળું વર્ઝન—A800 અને H800 બનાવ્યું, પરંતુ 2023માં તેના પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. એટલે કે ચીનને શક્તિશાળી ચિપ્સ મળી રહી નથી. તેથી ગુપ્ત રીતે રસ્તાઓ શોધવામાં આવે છે.
  • અમેરિકન નીતિના વલણને સમજવું: જેનસન એવા ગણતરીના લોકોમાં સામેલ છે, જેમની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી સીધી પહોંચ છે. જેનસન પર નજર રાખીને ચીન અંદાજ લગાવી શકે છે કે અમેરિકા ક્યારે કઈ ચિપને મંજૂરી આપશે અથવા રોકશે, ટેક્નોલોજી સંબંધિત વેપાર નીતિમાં શું ફેરફારો થશે, Nvidiaની આગામી ચિપ્સ કેવી રીતે અને ક્યારે બનાવવામાં આવશે, કઈ કંપની કેટલી ચિપ્સ ખરીદી રહી છે વગેરે.

જોકે ચીને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા જાસૂસીના દાવાઓનો ઉપયોગ ચીનની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. અમેરિકા રાજકીય કારણોસર ચીની વેપારીઓ અને કંપનીઓને નિશાન બનાવી રહ્યું છે. અમેરિકામાં ચીની દૂતાવાસના પ્રવક્તા લ્યુ ચાંગે આ આરોપોને પાયાવિહોણી અટકળો ગણાવી છે.

એલિસે પોતાના વીચેટ અકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી. કદાચ તેઓ જેન્સન સાથેનો પોતાનો નજીકનો સંબંધ દર્શાવવા માંગતી હતી.

સવાલ-3: હવે આગળ શું થઈ શકે છે, તેની શું અસર પડશે?

જવાબઃ અમેરિકન એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ તપાસ સમિતિ બનાવી છે. આ તપાસ દરમિયાન જેન્સન કંપનીના CEO તરીકે યથાવત રહેશે.

આ ઉપરાંત અમેરિકન કોંગ્રેસની 3 સમિતિઓ- વિદેશી બાબતો, ચીન સિલેક્ટ કમિટી અને ઇન્ટેલિજન્સે જેન્સનને 18 નવેમ્બરે બંધ બારણે બ્રીફિંગ આપવા માટે બોલાવ્યા છે. જેન્સનને કડક સવાલો પૂછવામાં આવી શકે છે.

ડેમોક્રેટિક સેનેટર એલિઝાબેથ વૉરેનએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત મલેશિયા, સિંગાપુર જેવા દેશોને થતા એડવાન્સ્ડ AI ચિપ્સના નિકાસ પર રોક લગાવવાની માંગ પણ થઈ રહી છે.

જેનસન Nvidiaનો સૌથી મોટો ચહેરો છે. કંપનીના 60થી વધુ લોકો તેમને સીધો રિપોર્ટ કરે છે. તેમનો પુત્ર, પુત્રી અને જમાઈ કંપનીના ટોચના નેતૃત્વમાં છે. આવી સ્થિતિમાં જેનસન વિરુદ્ધ તપાસ વધવાથી કંપનીના શેર પર અસર પડી શકે છે. 9 નવેમ્બરે અમેરિકન બજાર ખુલતાં પહેલાં કંપનીના શેરમાં લગભગ 5%નો ઘટાડો થયો.

જેનસન પત્ની લોરી (સૌથી ડાબી બાજુ), પુત્રી મેડિસન અને પુત્ર સ્પેન્સર સાથે.

સવાલ-4: અમેરિકા આવી જાસૂસીનો સામનો કરવા માટે શું કરી રહ્યું છે?

જવાબઃ અમેરિકાએ આવી વેપારી જાસૂસીનો સામનો કરવા માટે 3 મહત્વપૂર્ણ પગલાં લીધાં છે...

  1. પેન્ટાગોનનો 'NOC' કાર્યક્રમ: વૉશિંગ્ટન પોસ્ટ અનુસાર, અમેરિકાનું રક્ષા વિભાગ 'પેન્ટાગોન' એક નવી ગુપ્તચર ટીમ તૈયાર કરી રહ્યું છે. તેનું નામ 'Nonofficial Cover Officer' (NOC) છે. આ એજન્ટો અમેરિકી સરકાર અથવા દૂતાવાસ સાથે જોડાયેલા દેખાશે નહીં, પરંતુ ખાનગી કંપનીઓના અધિકારીઓ તરીકે વિદેશોમાં કામ કરશે. તેનો હેતુ ચીન અને અન્ય વિરોધી દેશોના કોર્પોરેટ, AI અને ટેક ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરીને અમેરિકાને ગુપ્તચર મદદ પહોંચાડવાનો છે.
  2. ટેક્નોલોજી સપોર્ટ ઑફિસ: પોલિટિકોની રિપોર્ટ અનુસાર, પેન્ટાગોને ટેક્નોલોજી સપોર્ટ ઑફિસ (TSO) નામની એક નવી વિશેષ એજન્સી બનાવી છે, જે અમેરિકાની સૈન્ય પ્રગતિ માટે ખતરો બનતા વિદેશી ટેક્નોલોજી કાર્યક્રમોને ગુપ્ત રીતે નષ્ટ અથવા નિષ્ફળ બનાવશે.
  • આર્થિક સંરક્ષણ એકમ: સપ્ટેમ્બરમાં CIAના ડેપ્યુટી ડિરેક્ટર માઈકલ એલિસે જણાવ્યું હતું કે ચીનની AI, બાયોટેકનોલોજી અને ચિપ કંપનીઓ વિરુદ્ધ અમેરિકા જાસૂસીનો વ્યાપ વધારી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ વર્ષે પેન્ટાગોને ઇકોનોમિક ડિફેન્સ યુનિટ (EDU) નામની એક નવી યુનિટ બનાવી છે, જે આર્થિક રીતે અમેરિકાના દુશ્મનોના કાર્યક્રમોને નિષ્ફળ બનાવશે.

જોકે પેન્ટાગોને આવા અહેવાલોને ફગાવી દીધા છે, પરંતુ આ દરમિયાન CIA, FBI જેવી અમેરિકન એજન્સીઓએ પોતાનો વ્યાપ વધાર્યો છે. પેન્ટાગોને પણ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાર્યક્રમોમાં ઝડપ લાવી છે.

સવાલ-5: શું ચીન પર અગાઉ પણ આવી હનીટ્રેપિંગના આરોપો લાગ્યા છે?

જવાબઃ હા, ચીન પર અગાઉ પણ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે લોકોને હની ટ્રેપ કરવાનો આરોપ લાગ્યો છે. આવા જ 3 મોટા કિસ્સા...

  • કેટરીના લ્યૂંગ ડબલ એજન્ટ કેસ (1982-2003): કેટરીના FBIની બાતમીદાર હતી, પરંતુ તે ચીન માટે કામ કરતી ડબલ એજન્ટ હોવાનું બહાર આવ્યું. અમેરિકન અહેવાલ મુજબ કેટરીનાના FBIના સ્પેશિયલ એજન્ટ જેમ્સ સ્મિથ સાથે લગભગ 18 વર્ષ સુધી અંગત સંબંધો હતા. અન્ય એક ભૂતપૂર્વ FBI એજન્ટ વિલિયમ ક્લીવલેન્ડ સાથે પણ તેના સંબંધો હતા. કેટરીનાએ ઘણી વખત અમેરિકાની ગુપ્ત માહિતી ચીનને આપી હતી.
  • ક્રિસ્ટીન ફેંગ અને એરિક સ્વાલવેલ કેસ (2011-2015): ચીની વિદ્યાર્થીની ક્રિસ્ટીન અમેરિકા આવી અને તેણે કેલિફોર્નિયાના અનેક મોટા નેતાઓ સાથે અંગત અને રોમેન્ટિક સંબંધો બનાવ્યા. તેનું સૌથી મોટું નિશાન અમેરિકી કોંગ્રેસની ઇન્ટેલિજન્સ કમિટીના સભ્ય એરિક સ્વાલવેલ હતા. જ્યારે FBIએ 2015માં આ હનીટ્રેપિંગનો પર્દાફાશ કર્યો, ત્યારે ક્રિસ્ટીન ચીન ભાગી ગઈ.
ડેમોક્રેટ સાંસદ એરિક સ્વૉલવેલ અને ક્રિસ્ટીન ફેંગ. તપાસ શરૂ થતાં જ ફેંગ ચીન ભાગી ગઈ.
  • બેન્જામિન પિયર્સ બિશપ કેસ (2011–2014): નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ બેન્જામિન પિયર્સ બિશપ પાસે પરમાણુ અને સૈન્ય સંબંધિત ગુપ્ત માહિતી હતી. 2011માં તેઓ 27 વર્ષની એક ચીની વિદ્યાર્થીનીને મળ્યા, જે J-1 વિઝા પર અમેરિકા આવી હતી. બિશપ હનીટ્રેપનો શિકાર બન્યા અને તેમણે તે યુવતીને ગુપ્ત માહિતી જણાવી દીધી. 2014માં FBIએ બિશપની ધરપકડ કરી અને તેમને જેલની સજા થઈ.

LockIcon

સમાચાર વાંચવા માટે પ્લીઝ લૉગિન કરો

લૉગિન કર્યા પછી તમે વિના રુકાવટ સમાચાર વાંચી શકશો
લૉગિન કરો