આજનું એક્સપ્લેનર:મક્કાની મસ્જિદમાં 'અશ્લીલ હરકત', સાઉદી અરેબિયાએ બાંગ્લાદેશી કપલને ફાંસીની સજા આપી; સવાલો કેમ ઉઠી રહ્યા છે?
સાઉદી અરબના મક્કા શહેરની એક મસ્જિદમાં કથિત અશ્લીલ હરકત કરનાર બાંગ્લાદેશી દંપતીને મોતની સજા આપવામાં આવી છે. તેમને ફાંસી આપવામાં આવી, શિરચ્છેદ કરવામાં આવ્યો કે ગોળી મારી દેવામાં આવી, તેની હાલ કોઈ માહિતી નથી. સજા આપતા પહેલાં બાંગ્લાદેશના દૂતાવાસને પણ જા
આખરે શું છે આખો મામલો અને સાઉદી અરબ પર કેમ ઉઠી રહ્યા છે સવાલો; જાણીશું આજના એક્સપ્લેનરમાં…
સવાલ-1: સાઉદીમાં બાંગ્લાદેશી દંપતીને મોતની સજાનો આખો મામલો શું છે?
જવાબ: સાઉદી અરબના ગૃહ મંત્રાલય મુજબ....
- બાંગ્લાદેશના 2 નાગરિકો- નજરુલ ઇસ્લામ અબ્દુલ બશીર અને સિટી અખ્તરને મક્કાની એક મસ્જિદમાં કથિત રીતે અનૈતિક કૃત્ય કરતા પકડવામાં આવ્યા હતા. તપાસ બાદ આરોપો નક્કી કરવામાં આવ્યા.
- બાંગ્લાદેશી અખબાર પ્રથમ આલોએ સાઉદી સૂત્રોને ટાંકીને લખ્યું કે જેદ્દાની એક અદાલતમાં ઘણા મહિનાઓ સુધી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન અન્ય 2 બાંગ્લાદેશીઓએ અનુવાદક તરીકે મદદ કરી.
- અદાલતે બંનેને મૃત્યુદંડની સજા સંભળાવી. ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું કે તેમણે માત્ર સામાજિક નિયમોનું ઉલ્લંઘન જ કર્યું નથી, પરંતુ મસ્જિદ જેવી પવિત્ર જગ્યા અને સમયની મર્યાદાનું પણ ઘોર અપમાન કર્યું છે.
- ઉચ્ચ અદાલતે પણ આ ચુકાદો જાળવી રાખ્યો. સાઉદીના શાહ સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ તરફથી શાહી આદેશ જાહેર થયા બાદ 14 ઓક્ટોબરે મક્કામાં બંનેને મૃત્યુદંડ આપવામાં આવ્યો.
જોકે એ જણાવવામાં આવ્યું નથી કે તેઓ પતિ-પત્ની હતા કે નહીં, તેમણે કઈ અશ્લીલ હરકત કરી હતી, ધરપકડ ક્યારે થઈ હતી અને સુનાવણી ક્યારે થઈ હતી. આવી તમામ વિગતો સાઉદીએ જાહેર કરી નથી.
સવાલ-2: ‘તાઝીર’ શું છે, જેના હેઠળ આ સજા આપવામાં આવી?
જવાબ: સાઉદીની અદાલતો ઇસ્લામિક કાયદા એટલે કે શરિયા અનુસાર કામ કરે છે. ન્યાયાધીશો શરિયાના પોતાના અર્થઘટનના આધારે નક્કી કરે છે કે કયું કૃત્ય ગુનો છે અને તેની સજા શું હશે.
શરિયામાં ગુનાઓ અને સજાઓને સામાન્ય રીતે 3 ભાગોમાં વહેંચવામાં આવ્યા છે…
- હદ્દ, એટલે કે નિર્ધારિત સજા: આવા ગુનાઓ, જેની સજા કુરાન અથવા હદીસમાં નક્કી કરવામાં આવી છે. જેમ કે, હથિયારબંધ લૂંટ અને વિવાહિત વ્યક્તિ દ્વારા વ્યભિચાર કરવા બદલ મૃત્યુદંડ. તેમાં ગુનો સાબિત કરવા માટે સાક્ષી અથવા કબૂલાત જેવા પુરાવા જરૂરી હોય છે.
- કિસાસ, એટલે કે બદલો: તેમાં ‘જીવના બદલામાં જીવ’નો નિયમ લાગુ પડે છે, પરંતુ પીડિતનો પરિવાર ઇચ્છે તો માફ કરી શકે છે અથવા બ્લડ મની, એટલે કે વળતર લઈને મૃત્યુદંડ રદ કરાવી શકે છે. તેમાં હત્યા અને જીવલેણ હુમલા જેવા મામલાઓનો સમાવેશ થાય છે.
- તાઝીર, એટલે કે વિવેક મુજબની સજા: આવા ગુનાઓ, જેની સજા કુરાન-હદીસમાં નક્કી કરવામાં આવી નથી અથવા જે હદ્દના પુરાવાની શરતો પૂર્ણ કરતા નથી. તેમાં ન્યાયાધીશ પોતાના વિવેક મુજબ ગુનો અને સજા નક્કી કરે છે. ન્યાયાધીશ ગુનાની ગંભીરતા અને સજા સાથે એ પણ નક્કી કરે છે કે ગુનાથી સમાજમાં કેટલો ખોટો સંદેશ ગયો છે.
માનવાધિકારોની વકાલત કરતી સંસ્થા ‘હ્યુમન રાઇટ્સ વોચ’ના જણાવ્યા મુજબ, સાઉદીમાં મોટા ભાગના ફોજદારી કેસ તાઝીર હેઠળ જ આવે છે.
સવાલ-3: સાઉદી અરેબિયા પર શા માટે સવાલો ઉઠી રહ્યા છે?
જવાબ: તેના 3 મોટા કારણો છે…
1. બાંગ્લાદેશી દૂતાવાસને જાણ ન કરવી
- ડિપ્લોમસીમાં એક નિયમ છે- વિયેના કન્વેન્શન ઑન કોન્સ્યુલર રિલેશન્સ, 1963. તેના આર્ટિકલ 36 મુજબ, જો કોઈ દેશ કોઈ વિદેશી નાગરિકની ધરપકડ કરે, તેના પર કેસ ચલાવે અથવા તેને સજા કરે, તો તેણે તે વ્યક્તિના દેશના દૂતાવાસને તરત જ જાણ કરવી પડે છે, જેથી તેને કાનૂની મદદ મળી શકે.
- જેદ્દામાં આવેલા બાંગ્લાદેશી દૂતાવાસે જણાવ્યું કે તેમને ન તો કેસની જાણ કરવામાં આવી અને ન તો ફાંસીની સજાની. બાંગ્લાદેશે આ અંગે સાઉદી વિદેશ મંત્રાલયને ‘નોટ વર્બાલ’ મોકલીને વિરોધ નોંધાવ્યો છે.
- પ્રોથોમ આલોએ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓને ટાંકીને લખ્યું કે સાઉદી અરેબિયા સામાન્ય રીતે બાંગ્લાદેશીઓને ધરપકડ કરીને આટલી ઝડપથી સજા આપતું નથી. પરંતુ આ વખતે તેનું વલણ આશ્ચર્યજનક છે.
2. આરોપ સ્પષ્ટ નથી, ગુના કરતાં ઘણી મોટી સજા
- સાઉદી અરેબિયાએ સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આરોપીઓએ શું કૃત્ય કર્યું હતું, પુરાવા શું હતા અને આરોપીઓને વકીલ મળ્યા હતા કે નહીં. ઇન્ટરનેશનલ કોવેનેન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, યુએન હ્યુમન રાઇટ્સ કમિટી જેવા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મૃત્યુદંડ માત્ર ‘સૌથી ગંભીર ગુનાઓ’ માટે જ આપી શકાય છે.
- આ મામલો જાહેર સ્થળ અથવા ધાર્મિક સ્થળે અશ્લીલતા કરવા સંબંધિત છે. આવી સ્થિતિમાં ભારતમાં મહત્તમ 3 વર્ષની જેલ અને દંડ, બાંગ્લાદેશમાં 2 વર્ષની જેલ અને દંડ, જ્યારે પાકિસ્તાનમાં 10 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
3. લેખિત કાયદાનો અભાવ
- જે રીતે ભારતમાં ગુનાઓ અને તેમની સજા માટે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જેવા લેખિત દસ્તાવેજો છે, તેવી રીતે સાઉદી અરેબિયામાં નથી. ત્યાં શરિયા મુજબ ગુના અને સજા નક્કી કરવામાં આવે છે.
- હ્યુમન રાઇટ્સ વોચે 2022માં કહ્યું હતું કે સાઉદીમાં લેખિત દંડ સંહિતા ન હોવાને કારણે મનસ્વી આરોપોનું ચલણ રહ્યું છે. જ્યારે કાયદો લખાયેલો જ ન હોય, ત્યારે લોકોને અગાઉથી ખબર હોતી નથી કે કઈ હરકત માટે કેટલી સજા થઈ શકે છે.
- એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ મુજબ, સાઉદીમાં વિદેશી નાગરિકોને નિષ્પક્ષ સુનાવણીમાં મુશ્કેલીઓ આવે છે, કારણ કે ત્યાંની ન્યાય વ્યવસ્થા પારદર્શક નથી.
સવાલ-4: સાઉદી અરેબિયામાં કયા ગુનાઓમાં અને કેવી રીતે મોતની સજા આપવામાં આવે છે?
જવાબ: મૃત્યુદંડ આપવામાં સાઉદી અરેબિયા વિશ્વમાં ત્રીજા ક્રમે છે. હત્યા, બળાત્કાર, લૂંટ, આતંકવાદ, વેશ્યાવૃત્તિ, ઇસ્લામનો ત્યાગ, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સની તસ્કરી જેવા ગુનાઓમાં મૃત્યુદંડ આપવામાં આવે છે. જ્યારે તાઝીર હેઠળ ન્યાયાધીશો પોતાના વિવેકથી મૃત્યુદંડ આપી શકે છે. તેમાં પવિત્ર સ્થળોનું અપમાન કરવું, જાસૂસી અથવા દેશદ્રોહ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
સાઉદીમાં મૃત્યુદંડ મુખ્યત્વે 3 રીતે આપવામાં આવે છે…
- માથું ધડથી અલગ કરવું: તલવારથી માથું કાપીને સજા આપવી સાઉદીની પરંપરાગત અને સામાન્ય રીત છે.
- ગોળી મારવી: 2013માં સાઉદીએ પ્રાદેશિક ગવર્નરોને મંજૂરી આપી હતી કે તેઓ મૃત્યુદંડ પામેલા દોષિતનું માથું ધડથી અલગ કરવાને બદલે ગોળી મારીને સજા આપવાની રીત પસંદ કરી શકે.
- ફાંસી આપવી: ફાંસીના માંચડે ચડાવીને મૃત્યુદંડ આપવાની સજા સાઉદીમાં બહુ ઓછી આપવામાં આવે છે.
આ ઉપરાંત કાયદામાં પથ્થર મારીને મૃત્યુદંડ આપવાનો પણ ઉલ્લેખ છે, પરંતુ માનવાધિકાર સંગઠન ‘રિપ્રિવ’ના જણાવ્યા અનુસાર તાજેતરમાં આવો કોઈ કેસ થયો નથી.
સવાલ-5: બાંગ્લાદેશી દંપતીની સજાની શું અસર પડશે?
જવાબ: સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે કડક ચેતવણી જાહેર કરી, 'સાઉદી અરેબિયા અલ્લાહના પવિત્ર ઘરો (મસ્જિદો)ની સુરક્ષા અને મર્યાદા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. જે કોઈ વ્યક્તિ ધાર્મિક સ્થળોનું અપમાન કરશે અથવા કાયદો તોડશે, તેને કોઈ પણ પ્રકારની છૂટછાટ વિના કાયદા મુજબ સજા મળશે.’
સાઉદીમાં રહેતા લોકો અને ત્યાં આવનારા લોકો માટે સ્પષ્ટ છે કે મસ્જિદોનું અપમાન કરવા અથવા કાયદો તોડવા બદલ કડક સજા મળશે. રિપ્રિવના જણાવ્યા મુજબ, 2025માં સાઉદીમાં મૃત્યુદંડ મેળવનારાઓમાંથી 56.7% વિદેશી હતા, જ્યારે ત્યાંની વસ્તીમાં વિદેશીઓનો હિસ્સો આશરે 41.6% છે.
બાંગ્લાદેશ-સાઉદી સંબંધો પર તેની અસર પડવાની વાત કરીએ તો તેની આશંકા ઓછી છે. કારણ કે સાઉદીમાં 35 લાખથી વધુ બાંગ્લાદેશીઓ કામ કરે છે, જે કોઈ પણ દેશમાં બાંગ્લાદેશીઓની સૌથી મોટી સંખ્યા છે. ગયા વર્ષે સાઉદીમાં રહેતા બાંગ્લાદેશીઓએ પોતાના દેશમાં 5.58 બિલિયન ડોલરનું રેમિટન્સ મોકલ્યું, જે બાંગ્લાદેશના કુલ રેમિટન્સના 16.33% છે. જોકે બાંગ્લાદેશી અધિકારીઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.
સવાલ-6: આખરે સાઉદી આટલી બધી ફાંસીની સજા શા માટે આપે છે?
જવાબ: છેલ્લા 11 વર્ષમાં સાઉદીમાં કુલ 1956 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. દર વર્ષે સરેરાશ 178 લોકોને. ઓક્ટોબર 2026 સુધીમાં, એટલે કે આ વર્ષની શરૂઆતના 9 મહિનામાં 175થી વધુ લોકોને મૃત્યુદંડ આપવામાં આવી ચૂક્યો છે.
સાઉદીમાં આટલા બધા મૃત્યુદંડ આપવામાં આવવાના 2 મોટા કારણો છે…
- ડ્રગ્સના કેસોમાં સીધી જ મોતની સજા: એમ્નેસ્ટીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2014થી જૂન 2025 વચ્ચે ડ્રગ્સના કેસોમાં 597 મોતની સજાઓ આપવામાં આવી હતી. તેમાંના આશરે ત્રણ-ચતુર્થાંશ લોકો વિદેશી હતા. 2025માં આપવામાં આવેલી 356 સજાઓમાંથી 240 ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે હતી, જેમાંથી 188 વિદેશી નાગરિકો હતા.
- કાયદામાં ખુલ્લી છૂટ: લેખિત દંડ સંહિતા ન હોવાને કારણે અને તાઝીર હેઠળ સજાની મર્યાદા નક્કી કરવાનું કામ ન્યાયાધીશોના હાથમાં છે. બીજી તરફ, સાઉદી અરેબિયામાં એવું માનવામાં આવે છે કે કડક સજા આપવાથી સમાજમાં ગુનો કરનારના મનમાં ભય વધે છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે છે.
રિપ્રિવની CEO માયા ફોઆના જણાવ્યા અનુસાર, ‘સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ મોતની સજા ઘટાડશે, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન આવી સજાઓ 5 ગણી વધી ગઈ છે. 2015 પહેલાંના 5 વર્ષમાં વાર્ષિક સરેરાશ આશરે 71 હતી.’
