Mon, Nov 16, 2026Updated 02:31 PM IST
Google Preferred Source CTA

આજનું એક્સપ્લેનર:નેતન્યાહૂ ફરી વડાપ્રધાન બનશે? ચૂંટણી સર્વેમાં પાછળ ચાલી રહ્યા છે, 78 વર્ષમાં નથી મળી કોઈ પક્ષને બહુમતી; ભારતથી કેટલી અલગ છે ચૂંટણી

20 દિવસ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ઇઝરાયલના ચૂંટણી સર્વેમાં વર્તમાન PM બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી વિપક્ષી આઇઝનકોટથી પાછળ ચાલી રહી છે. તેમ છતાં નેતન્યાહૂના 7મી વખત વડાપ્રધાન બનવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ નહીં થાય. તેનું કારણ છે ઇઝરાયલની અનોખી ચૂંટણી વ્યવસ્થા. આ જ બાબતને આજના એક્સપ્લેનર

.

વર્ષ- 1907, બ્રિટનના એક યહૂદી રસાયણશાસ્ત્રી ચાઇમ વાઇઝમેન પ્રથમ વખત પેલેસ્ટાઇન પહોંચ્યા અને જાફા વિસ્તારમાં એક કંપની શરૂ કરી. ધીમે-ધીમે દુનિયાભરમાં સતાવાયેલા યહૂદીઓ પેલેસ્ટાઇન પહોંચવા લાગ્યા. તેઓ અહીં જમીનો ખરીદતા, ખેતી અને વેપાર કરતા. વસ્તી વધતી ગઈ.

1948માં ઇઝરાયલ નવો દેશ બન્યો. ત્યાં સુધીમાં અહીં 70થી વધુ દેશોમાંથી યહૂદીઓ આવીને વસી ચૂક્યા હતા. દરેક જૂથની ભાષા, સંસ્કૃતિ અને રાજકારણ અલગ હતાં. સૌને પ્રતિનિધિત્વ આપવું જરૂરી હતું.

આવી સ્થિતિમાં સમગ્ર દેશને એક જ મતવિસ્તાર માનીને પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ અપનાવવામાં આવી, એટલે કે જેની જેટલી વસ્તી, તેનો એટલો હિસ્સો.

ઇઝરાયલની આ અનોખી ચૂંટણી પ્રણાલીને સરળતાથી સમજવા માટે 7 મુદ્દાઓ પર નજર નાખો…

1. આખો દેશ એક જ ચૂંટણી ક્ષેત્ર

  • ભારતમાં લોકસભાની 543 અલગ-અલગ બેઠકો છે. તેમાં વારાણસીનો મતદાર માત્ર વારાણસીના સાંસદને પસંદ કરે છે. ઇઝરાયલમાં આવો કોઈ વિસ્તાર નથી. આખો દેશ એક જ ચૂંટણી ક્ષેત્ર છે અને 120 બેઠકો ધરાવતી નેસેટ (સંસદ) માટે બધા એકસાથે મતદાન કરે છે.

2. મત પાર્ટીને મળે છે, કોઈ એક ઉમેદવારને નહીં

  • બધી પાર્ટીઓ ચૂંટણી પહેલાં 120 ઉમેદવારોની યાદી જાહેર કરે છે. મતદારો કોઈ એક ઉમેદવારને નહીં, પરંતુ પાર્ટીની સમગ્ર યાદીને મત આપે છે. ભારતની જેમ 18 વર્ષથી વધુ ઉંમરના ઇઝરાયલી નાગરિકો મતદાન કરી શકે છે. ત્યાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાય છે, EVM જેવા મશીનથી નહીં.
મતદાન મથકમાં દરેક પાર્ટીની ચિઠ્ઠીઓ રાખવામાં આવે છે. મતદારો પસંદગીની પાર્ટીની એક ચિઠ્ઠી લઈને તેને પરબીડિયામાં બંધ કરીને બેલેટ બોક્સમાં નાખે છે.

3. વોટ શેર પ્રમાણે બેઠકોની ફાળવણી

  • ભારતમાં સૌથી વધુ મત ધરાવતો ઉમેદવાર જીતે છે, ભલે તેનો મત હિસ્સો માત્ર 30% જ કેમ ન હોય. તેને ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ કહેવામાં આવે છે.
  • ઇઝરાયલમાં વોટ શેરના પ્રમાણમાં બેઠકો મળે છે. દાખલા તરીકે- જો કોઈ પાર્ટીને કુલ 10% મત મળે, તો તેને 120 બેઠકો ધરાવતી નેસેટમાં આશરે 12 બેઠકો મળશે.

4. બેઠક મેળવવા માટે ઓછામાં ઓછા 3.25% મત જરૂરી

  • નાની-નાની અનેક પાર્ટીઓ ચૂંટણીને ખૂબ જટિલ ન બનાવી દે, તેથી ઇઝરાયલમાં 3.25%નો ઇલેક્ટોરલ થ્રેશોલ્ડ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે પાર્ટીઓને નેસેટમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 3.25% મત મેળવવા જરૂરી છે. જે પાર્ટી આ ટકાવારીથી નીચે રહી જાય છે, તેને કોઈ બેઠક મળતી નથી અને તેના મતો ગણતરીમાંથી બહાર થઈ જાય છે.
  • માની લો કે કુલ 40 લાખ મત પડ્યા. તેના 3.25% એટલે 1.3 લાખ મત. હવે જો કોઈ પાર્ટીને 1.3 લાખ મત મળ્યા હોય, તો તેને નેસેટમાં બેઠક મળશે. જ્યારે કોઈ પાર્ટીને 1.29 લાખ મત મળે, તો તે બહાર થઈ જશે અને તેના બધા મત વ્યર્થ જશે.

5. નેસેટની બેઠકોનું વિતરણ

6. વડાપ્રધાન કોણ બનશે?

  • ભારતમાં જેમ રાષ્ટ્રપતિ બહુમતી ધરાવતા નેતાને સરકાર બનાવવા માટે આમંત્રિત કરે છે, તેમ ઇઝરાયલમાં પણ થાય છે, પરંતુ એક ફરક છે.
  • ઇઝરાયલના રાષ્ટ્રપતિ સરકાર બનાવવાની તક એવા સાંસદને આપે છે, જેના માટે બહુમતી મેળવવાની અને સરકાર બનાવવાની સંભાવના સૌથી વધુ હોય. તેના માટે જરૂરી નથી કે તે સાંસદ સૌથી મોટી પાર્ટીનો નેતા હોય.
  • ઇઝરાયલના 78 વર્ષના ચૂંટણી ઇતિહાસમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી, એટલે કે નેસેટની 120માંથી 61 બેઠકો જીતી નથી. આવી સ્થિતિમાં દર વખતે ગઠબંધનની સરકાર બને છે અને રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાયેલા નેતાએ બહુમતી મેળવવી પડે છે.
  • નેતાને સરકાર બનાવવા માટે 28 દિવસ મળે છે. રાષ્ટ્રપતિ ઇચ્છે તો 14 દિવસનો વધુ સમય આપી શકે છે. તેણે નેસેટમાં પોતાની સરકાર, મંત્રીઓ અને નીતિઓ રજૂ કરવી પડે છે. ત્યારબાદ મતદાનમાં હાજર સાંસદોનું બહુમત મળી જાય, તો તેની સરકાર બની જાય છે.
  • 2021માં નફ્તાલી બેનેટની પાર્ટી ‘યામિના’ પાસે માત્ર 7 સાંસદો હતા. તેમ છતાં તેઓ વડાપ્રધાન બન્યા, કારણ કે વિપક્ષી દળોએ તેમને સમર્થન આપ્યું હતું.
જૂન 2021માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ નફ્તાલી બેનેટ (ડાબે), રાષ્ટ્રપતિ રુવેન રિવલિન (વચ્ચે) અને વિદેશ મંત્રી યાયર લાપિડ (જમણે).

7. જો કોઈ ગઠબંધન ન બને તો?

  • જો પ્રથમ નેતા સરકાર બનાવી શકતા નથી, તો રાષ્ટ્રપતિ બીજા સાંસદને તક આપી શકે છે. જો તેઓ પણ સરકાર બનાવી શકતા નથી, તો નેસેટને તક આપવામાં આવે છે.
  • જો આ 3 પ્રયાસો પછી પણ સરકાર ન બને, તો નેસેટ ભંગ માનવામાં આવે છે અને 90 દિવસની અંદર ફરીથી ચૂંટણી યોજાય છે. ત્યાં સુધી જૂની સરકાર કામ કરતી રહે છે.
  • નેસેટનો કાર્યકાળ 4 વર્ષનો છે, પરંતુ 78 વર્ષમાં 25 વખત ચૂંટણી થઈ ચૂકી છે. એપ્રિલ 2019થી નવેમ્બર 2022 વચ્ચેના 3.5 વર્ષમાં તો 5 વખત ચૂંટણી યોજાઈ હતી.

1949થી આજ સુધી ઇઝરાયલમાં કોઈપણ પક્ષને એકલા બહુમતી મળી નથી. તેના 3 કારણો છે…

1. મતના હિસ્સા અનુસાર બેઠકોનું વિતરણ: નેસેટમાં બેઠકો પક્ષને મળેલા મતના હિસ્સાના પ્રમાણમાં વહેંચાય છે. આવી સ્થિતિમાં બહુમતી માટે જરૂરી 61 બેઠકો મેળવવા કોઈપણ પક્ષને ઓછામાં ઓછા 51% મતની જરૂર પડે છે, જે ખૂબ મુશ્કેલ છે. જ્યારે ભારતમાં સામાન્ય રીતે 35-40% મત સાથે લોકસભામાં અડધી બેઠકો મળી શકે છે. 1969માં ગોલ્ડા મેયરનું અલાઇનમેન્ટ (લેબર એલાયન્સ) બહુમતીની સૌથી નજીક પહોંચ્યું હતું. તેને 46.2% મત અને 56 બેઠકો મળી હતી.

1969ની ચૂંટણીમાં મતદાન કરતી ગોલ્ડા મેયર. તેઓ ઇઝરાયલનાં પ્રથમ મહિલા વડાપ્રધાન હતાં.

2. અનેક જૂથોમાં વહેંચાયેલો સમાજ: ઇઝરાયલી થિંકટેન્ક 'ઇઝરાયલ ડેમોક્રસી ઇન્સ્ટિટ્યૂટ'ના સિનિયર ફેલો પ્રો. ગિદોન રાહતના જણાવ્યા મુજબ, ઇઝરાયલનો સમાજ અનેક ભાગોમાં વહેંચાયેલો છે. જેમ કે- સેક્યુલર યહૂદીઓ વિરુદ્ધ અલ્ટ્રા-ઑર્થોડોક્સ, અશ્કેનાજી વિરુદ્ધ મિઝરાહી, યહૂદીઓ વિરુદ્ધ આરબો. દરેક જૂથની પોતાની અલગ પાર્ટી છે, તેથી મત વહેંચાઈ જાય છે. જેમ કે- સેક્યુલર યહૂદીઓ સામાન્ય રીતે યેશ અતીદ, અલ્ટ્રા ઑર્થોડોક્સ શાસ, રાષ્ટ્રીય-દક્ષિણપંથી લિકુડ અને આરબ-ઇઝરાયલી રા'મને મત આપે છે.

3. ઓછો ઇલેક્ટોરલ થ્રેશોલ્ડ: શરૂઆતમાં 1% મત મેળવનારી પાર્ટીઓને પણ નેસેટમાં સ્થાન મળી જતું હતું. ત્યારબાદ તેને વધારીને 1.5%, 2% અને હવે 3.25% કરવામાં આવ્યો, જેથી નાની પાર્ટીઓની સંખ્યા ઘટે. તેમ છતાં સરેરાશ 11-12 પાર્ટીઓ ઇલેક્ટોરલ થ્રેશોલ્ડ પાર કરી લે છે. સરેરાશ માત્ર 3 પાર્ટીઓ જ 10થી વધુ બેઠકો મેળવી શકે છે. જ્યારે સરેરાશ 5-6 નાની પાર્ટીઓને 4-6 બેઠકો મળી જાય છે.

શું ચૂંટણી બાદ નેતન્યાહૂ ફરીથી સરકાર બનાવી શકશે?

આવું 38 વર્ષ બાદ થઈ રહ્યું છે કે નેસેટના સંપૂર્ણ 4 વર્ષના કાર્યકાળ બાદ ચૂંટણી યોજાઈ રહી છે. નિષ્ણાતો માને છે કે આ વખતની ચૂંટણીમાં આ નાના જૂથો ‘કિંગમેકર’ બની શકે છે, ખાસ કરીને આરબ પાર્ટીઓ.

વાસ્તવમાં, ઇઝરાયલના 3 મોટા મીડિયા પ્લેટફોર્મ્સ- ચેનલ 12, ચેનલ 13 અને કાન 11ના અંતિમ સર્વેમાં કોઈપણ ગઠબંધનને બહુમતી મળી નથી.

મોટાભાગના પોલમાં પૂર્વ આર્મી ચીફ ગાદી આઇઝનકોટની પાર્ટી ‘યાશર’ આગળ છે. યાશરને 22થી 23 બેઠકો મળી શકે છે, જ્યારે 19 વર્ષ સુધી વડાપ્રધાન રહેલા નેતન્યાહૂની લિકુડને 19થી 21 બેઠકો મળવાની શક્યતા છે.

માનવામાં આવી રહ્યું છે કે જો આરબ પાર્ટીઓ 10 બેઠકો પણ મેળવી લે, તો તેઓ જ નક્કી કરશે કે સત્તા કોણ સંભાળશે.

ઇઝરાયલી મીડિયા આ ચૂંટણીને ઓક્ટોબર 2023માં શરૂ થયેલા યુદ્ધ બાદની પ્રથમ ચૂંટણી અને નેતન્યાહૂના નેતૃત્વ પરના જનમતસંગ્રહ તરીકે જણાવી રહ્યું છે. નેતન્યાહૂ પર યુદ્ધની આડમાં પોતાની સરકાર બચાવવાના આરોપો લાગ્યા છે. તેમના પર ભ્રષ્ટાચારનો કેસ પણ ચાલી રહ્યો છે.

‘ફ્લાય એન્ડ વોટ’ નામની એક ઝુંબેશ પણ ચાલી રહી છે, જેના હેઠળ વિદેશમાં રહેતા ઇઝરાયલી મતદારો દેશમાં આવીને મતદાન કરી રહ્યા છે. યહૂદી મીડિયા વેબસાઇટ ‘ફોર્વર્ડ’ અનુસાર, આશરે 5 લાખ ઇઝરાયલી મતદારો વિદેશમાં રહે છે, જેમાંથી લગભગ 53 હજાર મતદારો મતદાન કરવા માટે ઇઝરાયલ જઈ રહ્યા છે અને આ સંખ્યા 67 હજાર સુધી પહોંચી શકે છે.

ગાઝા યુદ્ધની તપાસને લઈને ઇઝરાયલમાં પ્રદર્શનો થઈ રહ્યા છે અને બદલાવની માગ કરવામાં આવી રહી છે. આ જ કારણોસર વિદેશોમાં રહેતા ઇઝરાયલી મતદારો પણ દેશમાં પરત ફરી રહ્યા છે.

અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા એડમ પાઇન્સ મતદાન કરવા માટે ઇઝરાયલના તેલ અવીવ પહોંચી ગયા છે. તેમનું માનવું છે કે ઇઝરાયલે પોતાની નૈતિક દિશા ગુમાવી દીધી છે. નેતન્યાહૂ ઇઝરાયલની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમની કાર્યવાહીઓની અસર દુનિયાભરના યહૂદીઓ અને ઇઝરાયલીઓ પર પડી છે.

વિદેશોમાંથી પરત ફરી રહેલા મોટાભાગના મતદારો નેતન્યાહૂની વિરુદ્ધમાં છે. આ જ કારણોસર લિકુડ પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિને ‘ફ્લાય એન્ડ વોટ’ અભિયાન રોકવાની માગ કરી છે.

LockIcon

સમાચાર વાંચવા માટે પ્લીઝ લૉગિન કરો

લૉગિન કર્યા પછી તમે વિના રુકાવટ સમાચાર વાંચી શકશો
લૉગિન કરો