Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

ભાસ્કર એક્સપ્લેનર
નેતન્યાહૂને કોણ હરાવી રહ્યું છે, ગાદી આઈઝેનકોટ કોણ છે:ઈઝરાયલી સેનાના ચીફ રહી ચૂક્યા; પુત્ર હમાસ સાથેના યુદ્ધમાં માર્યો ગયો, એક વર્ષ પહેલાં પાર્ટી બનાવી

20 દિવસ પેહલા
Loading advertisement...

41 વર્ષ સુધી ઇઝરાયલી આર્મીમાં રહ્યા, ગાઝા યુદ્ધમાં દીકરા અને 2 ભત્રીજાઓ ગુમાવ્યા, આર્મીમાંથી નિવૃત્ત થયા તો રાજકારણમાં પ્રવેશ્યા, 1 વર્ષ પહેલાં પાર્ટી બનાવી અને હવે ઇઝરાયલના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા બેન્જામિન નેતન્યાહૂને સીધી ટક્કર આપી રહ્યા છે. ઇઝરાયલમાં વડાપ્રધાન પદના સૌથી મોટા દાવેદાર ગાદી આઈઝેનકોટની સંપૂર્ણ કહાની…

Loading advertisement...

19 મે 1960ના રોજ ઇઝરાયલના ટિબેરિયસ શહેરમાં ગાદી આઈઝેનકોટનો જન્મ થયો. માતા એસ્થર અને પિતા મેઇર મોરક્કોથી ઇઝરાયલ આવ્યા હતા. તેઓ મિઝરાહી યહૂદી છે, એટલે કે મિડલ ઈસ્ટ અથવા આફ્રિકાથી ઇઝરાયલ આવેલા યહૂદી. ગાદી એક વર્ષના થયા, ત્યારે પરિવાર લાલ સમુદ્રના કિનારે આવેલા ઈલાત શહેરમાં વસી ગયો.

17 વર્ષના ગાદી ઈલાતની ગોલ્ડવોટર હાઈસ્કૂલમાં મેરીટાઈમ સ્ટડીઝનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ અવારનવાર એક ક્લબમાં બોટિંગની પ્રેક્ટિસ માટે જતા હતા.

Loading advertisement...

1 મે 1977ની એક સાંજે ગાદી હોડીનો સઢ સંકેલી રહ્યા હતા. આ 2 લોકોનું કામ હતું. ત્યારે જ ગાદીએ નાની હોડી ચલાવતી સુંદર હાનાને જોઈ. તેમણે પાસે ઉભેલા પોતાના બોટ-પાર્ટનરને કહ્યું- 'યારોન, જરા દૂર હટી જા.'

યારોને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, 'કેમ, શું થયું?' ગાદીએ જવાબ આપ્યો- 'બસ તું થોડો દૂર જતો રહે.'

યારોન દૂર ગયો, એટલે ગાદીએ હાના પાસે મદદ માંગી. સઢ સંકેલતા-સંકેલતા ગાદીએ પૂછ્યું- 'શું તું મારી સાથે પિક્ચર જોવા આવીશ?' હાનાએ હા પાડી દીધી. બંનેની પ્રેમ કહાની શરૂ થઈ ગઈ.

1978માં ગાદીએ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) જોઈન કરી. તેઓ 2-3 અઠવાડિયામાં એકવાર હાનાને મળવા ઈલાત આવતા હતા. જોકે, આકરા રૂટિન વચ્ચે લોંગ-ડિસ્ટન્સ રિલેશનશિપ મુશ્કેલ બની રહી હતી. પરિણામે તેમનું બ્રેકઅપ થઈ ગયું.

સેનાના શરૂઆતના દિવસોમાં ગાદી આઈઝેનકોટ (ડાબી બાજુએ). તસવીર 1980ના દાયકાની છે.

મિલિટરી મિશનમાં મળ્યા અને હંમેશા સાથે રહેવાનું વચન આપ્યું 1982માં પ્રથમ લેબેનોન યુદ્ધ થયું. ત્યાં સુધીમાં 22 વર્ષના ગાદી ગોલાની બ્રિગેડની 51મી બટાલિયનમાં કંપની કમાન્ડર બની ગયા હતા. હાનાએ પણ IDF જોઈન કરી લીધી હતી. ખરેખર તો, 18 વર્ષના થતાં જ મોટાભાગના યહૂદીઓએ સેનામાં ફરજ બજાવવી પડે છે. પુરુષોએ 32 મહિના અને મહિલાઓએ 24 મહિના.

ગાદીને યામિતમાં હત્ઝર આદાર વિસ્તાર ખાલી કરાવવાનું મિલિટરી મિશન મળ્યું. સંજોગવશાત હાનાની સૈન્ય ટુકડી પણ ગાદીની બટાલિયન સાથે તૈનાત હતી. તણાવભર્યા માહોલમાં બંનેનો આમનો-સામનો થયો. અઠવાડિયામાં બંને વચ્ચે લાંબી વાતો થઈ. જૂની ફરિયાદો દૂર થઈ, દિલ ફરીથી જોડાયા અને વચન આપ્યું કે હવે ક્યારેય અલગ નહીં થઈએ.

1984માં ગાદી અને હાનાએ લગ્ન કરી લીધાં. તેમને 5 બાળકો થયા. 2 દીકરા ગાય અને ગાલ. 3 દીકરીઓ- યાએલ અને અન્ય 2. આજે હાના આર્કિટેક્ટ છે અને ખૂબ જ લો-પ્રોફાઈલ લાઈફ જીવે છે.

ગાદી કહે છે કે, "મારા માતા-પિતાના છૂટાછેડા થયા હતા. કદાચ એ જ કારણે મેં મારા લગ્નને સાચવી રાખ્યા. 49 વર્ષ પછી આજે પણ હાના મારી સૌથી પાકી મિત્ર છે."

12 જુલાઈ 2006, લેબેનોનના ઉગ્રવાદી સંગઠન 'હિઝબુલ્લાહ'ના લડવૈયાઓ સરહદ પાર કરીને ઇઝરાયલમાં ઘૂસી ગયા. 3 ઇઝરાયલી સૈનિકોની હત્યા કરી દીધી અને 2ને બંધક બનાવી લીધા.

ઇઝરાયલના પીએમ એહૂદ ઓલ્મર્ટે કહ્યું કે આ 'એક્ટ ઓફ વોર' છે. ઇઝરાયલે લેબેનોન પર બોમ્બમારો શરૂ કર્યો. રાજધાની બેરૂત પાસે આવેલા દાહિયા શહેરને ઇઝરાયલે ખંડેર બનાવી દીધું, જે હિઝબુલ્લાહનો ગઢ હતો.

લેબેનોન યુદ્ધમાં ઇઝરાયલી બોમ્બમારાથી તબાહ થયેલા બેરૂતની આસપાસના વિસ્તારો.

34 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં લેબેનોનમાં 1191 મોત થયા, જ્યારે ઇઝરાયલના 159 લોકો માર્યા ગયા. યુદ્ધ દરમિયાન ગાદી આઈઝેનકોટ સેનાના ઓપરેશન્સ ડિરેક્ટોરેટના પ્રમુખ હતા. યુદ્ધ પૂરું થયા પછી તેમણે નોર્ધન કમાન્ડની કમાન સંભાળી.

2008માં ગાદીએ ઇઝરાયલી અખબાર 'યેદિયોત અહરોનોત'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, '2006માં દાહિયામાં જે થયું, તે જ દરેક એવા ગામ સાથે થશે, જ્યાંથી ઇઝરાયલ તરફ ગોળી ચાલશે. અમે ડિસપ્રોપોર્શનેટ ફોર્સનો ઉપયોગ કરીશું, એટલે કે હુમલાનો જવાબ અનેક ગણી વધારે તાકાતથી આપીશું. આ કોઈ સૂચન નથી, પરંતુ એક પ્લાન છે અને તેને મંજૂરી મળી ચૂકી છે.'

ગાદીના આ નિવેદનને 'દાહિયા ડોક્ટ્રિન' કહેવામાં આવ્યું, જેમાં 3 મોટી વાતો છે…

કોઈપણ હુમલાનો જવાબ ડિસપ્રોપોર્શનેટ ફોર્સ, એટલે કે અનેક ગણી વધારે તાકાતથી આપવો.

દુશ્મનના વિસ્તારની ઈમારતો, રસ્તાઓ, વીજળી જેવા માળખાગત સુવિધાઓને તબાહ કરવી, જેથી ત્યાંની જનતા હુમલાખોરોનો વિરોધ કરે.

દુશ્મનમાં એટલો ખોફ પેદા કરવો કે તે આગામી વખતે હુમલો કરતા પહેલા 100 વખત વિચારે.

ઇઝરાયલની આ સ્ટ્રેટેજીની ભારે ટીકા પણ થઈ. યુનાઈટેડ નેશન્સ અને હ્યુમન રાઈટ્સ વોચ, એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ જેવા માનવાધિકાર સંગઠનોએ તેને સામૂહિક સજા અને જિનેવા કન્વેન્શનનું ઉલ્લંઘન માન્યું.

IDFના નોર્ધન કમાન્ડના વડા તરીકે મુલાકાત લેતા ગાદી આઈઝેનકોટ.

આર્મી ચીફ બનવાની ઓફર ઠુકરાવી, પછી 4 વર્ષ બાદ પદ સંભાળ્યું ફેબ્રુઆરી 2011ની વાત છે. યોઆવ ગાલાન્ટ ઇઝરાયલના આર્મી ચીફ બનવાના હતા, પરંતુ એક જમીન વિવાદમાં તેમનું નામ આવી ગયું. નેતન્યાહૂ સરકારે તેમની નિમણૂક રદ કરી દીધી અને નવા ચીફની શોધ શરૂ થઈ.

ગાદી તે સમયે નોર્ધન કમાન્ડના વડા હતા. 4 ફેબ્રુઆરી, શુક્રવારની સાંજે તેઓ હર્જલિયામાં આવેલા પોતાના ઘરે પરિવાર સાથે યહૂદી પારંપરિક ડિનર 'કિદ્દશ' લઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક તેમના ફોનની ઘંટડી વાગી.

બીજી તરફથી તત્કાલીન સંરક્ષણ મંત્રી એહુદ બરાકે કહ્યું, 'ગાદી, એક ઈમરજન્સી છે. તાત્કાલિક યરૂશલેમમાં વડાપ્રધાન નેતન્યાહૂના ઘરે પહોંચો.'

મોટા દીકરા ગાયે આ વાતચીત સાંભળી લીધી અને કહ્યું, 'પપ્પા! બહાર ભારે વરસાદ પડી રહ્યો છે. હું તમારી ગાડી ચલાવીશ.' આ પછી બંને યરૂશલેમ જવા માટે નીકળી પડ્યા.

ગાદી પીએમ હાઉસના મીટિંગ રૂમમાં પહોંચ્યા, જ્યાં નેતન્યાહૂ અને બરાક બેઠા હતા. નેતન્યાહૂએ સીધું જ કહ્યું, 'હું આ રવિવારની કેબિનેટ મીટિંગમાં તમને ઇઝરાયલના નવા આર્મી ચીફ બનાવવાનો પ્રસ્તાવ મૂકવાનો છું.'

33 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવનાર કોઈપણ અધિકારી માટે આ બહુ મોટી ઓફર હતી, પરંતુ ગાદીએ ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું, 'આ સેના માટે યોગ્ય નહીં ગણાય. મારા કરતા સિનિયર 3 ડેપ્યુટી ચીફ હાજર છે. તેઓ આના હકદાર છે.'

ગાદીને પૂછવામાં આવ્યું કે તો પછી કોને બનાવવામાં આવે? તો તેમણે પૂર્વ સૈન્ય સચિવ કપ્લિન્સ્કીનું નામ લીધું, પરંતુ સહમતિ ન સધાઈ. આ પછી બેની ગેન્ટ્ઝનું નામ સૂચવ્યું. બધા માની ગયા અને બેની નવા આર્મી ચીફ બન્યા.

4 વર્ષ પછી જ્યારે બેનીનો કાર્યકાળ પૂરો થયો, ત્યારે ગાદી 21મા આર્મી ચીફ બન્યા. ફેબ્રુઆરી 2015થી જાન્યુઆરી 2019 સુધી તેઓ આ પદ પર રહ્યા.

પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને ગાદી આઈઝેનકોટ. આ તસવીર ગાદીના આર્મી ચીફના શપથગ્રહણ સમારોહની છે.

2017નો એક કિસ્સો છે. ઇઝરાયલની સુપ્રીમ કોર્ટે વેસ્ટ બેંકમાં ખાનગી પેલેસ્ટાઈની જમીન પર વસેલી એક ગેરકાયદેસર યહૂદી વસ્તીને ખાલી કરાવવાનો આદેશ આપ્યો.

આ માટે સેના અને બોર્ડર પોલીસને ત્યાં મોકલવામાં આવ્યા, પરંતુ નેતન્યાહૂ સરકાર માટે વેસ્ટ બેંકમાં યહૂદી વસ્તીઓને ખાલી કરાવવી રાજકીય રીતે નુકસાનકારક રહ્યું. કારણ કે નેતન્યાહૂ યહૂદીઓની આક્રમક રાજનીતિ કરે છે. તેઓ વેસ્ટ બેંકમાં યહૂદીઓને વસાવવાની હિમાયત કરે છે.

જેવી ટીવી ચેનલોએ મિલિટરી એક્શનના વિઝ્યુઅલ્સ બતાવ્યા, નેતન્યાહૂ રાજકારણ સંભાળવામાં લાગી ગયા. તેમણે ગાદીને ફોન કરીને કહ્યું, 'તાત્કાલિક ઓપરેશન રોકી દો અને જવાનોને પાછા બોલાવી લો.'

ગાદીએ શાંત સ્વભાવે જવાબ આપ્યો, 'મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, જો તમે આ ઓપરેશન રોકવા માંગતા હોવ, તો પ્લીઝ મને આ આદેશ લેખિતમાં આપો. તેના પર એટર્ની જનરલની સહી કરાવીને મોકલો.'

નેતન્યાહૂ જાણતા હતા કે આ કામ કાયદાકીય રીતે અટપટું છે અને જનરલ ગાદી આટલી સહેલાઈથી માનશે નહીં. આખરે નેતન્યાહૂ પાછળ હટી ગયા અને વસ્તી ખાલી કરાવવામાં આવી.

41 વર્ષ સુધી આર્મીમાં રહ્યા બાદ ગાદી થિંકટેન્ક્સ અને કોર્પોરેટ્સ સાથે જોડાયા. આ દરમિયાન યાયર લાપિડ અને બેની ગેન્ટ્ઝ જેવા વિપક્ષી નેતાઓએ તેમને રાજકારણમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ અંગે ચર્ચા કરવા ગાદીએ એક શુક્રવારની સાંજે ફેમિલી ડિનર માટે પરિવારને ભેગો કર્યો.

ડિનર ટેબલ પર ગાદીએ રાજકારણમાં ઉતરવા અંગે સવાલ પૂછ્યો. સૌથી નાના દીકરા ગાલે કહ્યું, 'પપ્પા! તમારે આ કાદવમાં પડવાની શું જરૂર છે? આ બધું છોડો અને તમે મારી સાથે ફ્રાન્સમાં સ્કીઈંગ માટે ચાલો.'

ગાદીએ સૌને આ બાબતે વોટિંગ કરવાનું કહ્યું. હાના અને ત્રણ બાળકોએ ના પાડી. માત્ર સૌથી નાની દીકરીએ કહ્યું- 'પપ્પા! તમારે રાજકારણમાં જવું જોઈએ.' બાદમાં સમગ્ર પરિવારે ગાદીને કહ્યું કે તમારા દરેક નિર્ણયમાં અમે તમારી સાથે છીએ.

ઓગસ્ટ 2022માં ગાદી રાજકારણમાં આવ્યા અને બેની ગેન્ટ્ઝના એલાયન્સ 'નેશનલ યુનિટી' સાથે જોડાયા. નવેમ્બર 2022ની ચૂંટણીમાં સાંસદ બન્યા.

આવતા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ગાઝાથી ઇઝરાયલ પર હુમલો કરી દીધો અને યુદ્ધ શરૂ થઈ ગયું. 12 ઓક્ટોબર 2023ના રોજ ગાદી નેતન્યાહૂની વોર કેબિનેટમાં ઓબ્ઝર્વર તરીકે સામેલ થયા. તેમને ખાતા વિનાના મંત્રીનું પદ આપવામાં આવ્યું.

ગાઝા યુદ્ધમાં નાના દીકરા અને 2 ભત્રીજાઓને ગુમાવ્યા 7 ડિસેમ્બર 2023, ગાદી ગાઝા ડિવિઝન કમાન્ડરના રૂમમાં મીટિંગ કરી રહ્યા હતા. ત્યારે જ મેજર જનરલ નદાવ પદાન રૂમમાં આવ્યા. તેમણે ભરાયેલા અવાજે કહ્યું, 'તમારો નાનો દીકરો ગાલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. તમારે તાત્કાલિક ઘરે જવું જોઈએ.'

ગાદી સમજી ગયા કે કંઈક મોટું અજુગતું બન્યું છે.

દીકરા ગાલ સાથે ગાદી આઈઝેનકોટ. ગાલ 551મી બ્રિગેડની 699મી બટાલિયનમાં તૈનાત હતા. તસવીર 2018ની છે

ખરેખર તો, ગાદીનો નાનો દીકરો ગાલ મીર આઈઝેનકોટ સેનામાં માસ્ટર સાર્જન્ટ હતો. તે ઉત્તરી ગાઝાના જબાલિયામાં એક ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટમાં ઘાયલ થઈ ગયો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

બીજા દિવસે હર્જલિયામાં ગાલના અંતિમ સંસ્કાર થયા. હજારો લોકો પહોંચ્યા. રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગ અને પીએમ નેતન્યાહૂ પણ આવ્યા. ટીવી પર આનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. હંમેશા સંયમ જાળવતા ગાદી અનેકવાર ભાવુક થઈ ગયા.

ગાલના અંતિમ સંસ્કારના ગણતરીના કલાકો બાદ જ ગાદીના ભત્રીજા માયોરનું પણ એક બ્લાસ્ટમાં મોત થઈ ગયું. 19 વર્ષના માયોર ગોલાની બ્રિગેડની 12 બટાલિયનમાં સાર્જન્ટ હતા અને હમાસ વિરુદ્ધ ઓપરેશન કરી રહ્યા હતા. 11 મહિના પછી વધુ એક ભત્રીજો પણ આ જ રીતે માર્યો ગયો.

ગાલના અંતિમ સંસ્કાર દરમિયાન પરિવાર સાથે ગાદી આઈઝેનકોટ. ગાદીની જમણી બાજુ પત્ની હાના અને ડાબી બાજુ મોટો દીકરો ગાય ઉભો છે.

આ દરમિયાન જૂન 2024માં ગાદીએ નેતન્યાહૂની વોર કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું કે નેતન્યાહૂ નેશનલ સિક્યોરિટી અને બંધકોની મુક્તિ કરતાં સરકાર બચાવવામાં વધુ મગ્ન છે. તેમની પાસે ગાઝા યુદ્ધ પછી માટે કોઈ પ્લાન નથી.

થોડા જ સમય બાદ ગાદીને લાગ્યું કે પાર્ટીમાં રહીને તેઓ પોતાની વાત રજૂ નથી કરી શકતા. તેઓ નેતન્યાહૂની આક્રમક રાજનીતિનો સામનો કરવામાં ખચકાઈ રહ્યા છે. આવા સંજોગોમાં ગાદીએ પાર્ટીથી અલગ થવાની અને ઇઝરાયલી સંસદ 'નેસેટ'માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી.

સપ્ટેમ્બર 2025માં ગાદીએ પોતાની પાર્ટી 'યાશર' બનાવી. હિબ્રૂમાં તેનો અર્થ થાય છે- સીધું કે ઈમાનદાર. ગાદીએ આ નામ દ્વારા નેતન્યાહૂ પર લાગેલા ભ્રષ્ટાચાર અને વચનભંગના આરોપોને જનતા વચ્ચે વટાવ્યા છે.

ગાદી કહે છે કે, "દીકરાને ગુમાવ્યા પછી મેં દેશને વધુ સારો બનાવવા માટે આ પગલું ભર્યું છે. મેં ગાલની કબર પર કસમ ખાધી હતી કે તેનું અને તેના સાથીઓનું બલિદાન એળે નહીં જાય." ગાદી આને પોતાના પોલિટિકલ મિશનનું કેન્દ્ર ગણાવે છે. ગાદીએ 4 વચન આપ્યા છે…

7 ઓક્ટોબરની નિષ્ફળતાઓની તપાસ માટે નિષ્પક્ષ 'રાજ્ય તપાસ પંચ' બનાવવું.

અલ્ટ્રા-ઓર્થોડોક્સ, એટલે કે કટ્ટરપંથી યહૂદીઓને સેનામાં સામેલ થવામાંથી મળતી છૂટને નાબૂદ કરવી.

વડાપ્રધાનના કાર્યકાળની મર્યાદા નક્કી કરવી અને લેખિત બંધારણ તૈયાર કરવું.

રાજકારણના આંકડાકીય ગણિતને બદલે પ્રોફેશનલ સમજ અને નીતિઓના આધારે સરકાર ચલાવવી.

ગાદી મિઝરાહી યહૂદી છે. નેતન્યાહૂની તુલનામાં તેઓ નરમ દક્ષિણપંથી વલણ ધરાવે છે અને સેનામાં 41 વર્ષ રહ્યા છે. તેમણે દીકરા ગાલ અને 2 ભત્રીજાઓને યુદ્ધમાં ગુમાવ્યા છે. આ બાબતોએ નેતન્યાહૂની લિકુડ પાર્ટી, દક્ષિણપંથી અને મધ્યમાર્ગી વોટર્સને યાશર તરફ આકર્ષ્યા છે.

ઈલેક્શન કેમ્પેન દરમિયાન લોકોને મળતા ગાદી આઈઝેનકોટ. જનતામાં તેમની છબી ઓછી કટ્ટર અને વધુ મળતાવડા નેતાની બની છે.

તાજેતરના ઓપિનિયન પોલ્સમાંથી મોટાભાગનાનું અનુમાન છે કે ગાદીની યાશર પાર્ટીને નેસેટની 120 બેઠકોમાંથી 22 થી 23 બેઠકો મળી શકે છે, જે નેતન્યાહૂની લિકુડ પાર્ટી કરતાં વધારે છે. વડાપ્રધાન પદ માટેના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર તરીકે ગાદી નેતન્યાહૂ કરતા આગળ ચાલી રહ્યા છે, પરંતુ આ બધું જીતની ગેરંટી નથી.

ખરેખર તો, ઇઝરાયલમાં સરકાર બનાવવાનો આંકડો એકઠો કરવા માટે પાર્ટીઓ કોઈપણ પ્રકારનું ગઠબંધન કરી લે છે. રસપ્રદ વાત એ છે કે છેલ્લા 78 વર્ષમાં થયેલી 25 ચૂંટણીઓમાં કોઈપણ એક પાર્ટીને બહુમતી, એટલે કે 61 બેઠકો મળી નથી.

ભલે આઈઝેનકોટની પાર્ટી પહેલા નંબર પર આવી જાય, પરંતુ રાષ્ટ્રપતિ તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપવા માટે બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ માત્ર એ જ સાંસદને સરકાર બનાવવાની જવાબદારી સોંપે છે, જેની ગઠબંધન બનાવવાની અને બહુમતી એકઠી કરવાની સંભાવના સૌથી વધુ હોય. અહીંથી જ શરૂ થાય છે રાજકીય ઉથલપાથલ.

હાલમાં ગાદી, નેતન્યાહૂ કરતા આગળ ચાલી રહ્યા છે. ગાદીએ કહ્યું છે કે તેઓ બહુમતી ન હોવા છતાં સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. આવા સંજોગોમાં ગાદીને ડાબેરી, દક્ષિણપંથી અને મધ્યમાર્ગી પાર્ટીઓ સાથે સમાધાન કરવું પડી શકે છે. આમાં આરબ પાર્ટીઓ પણ સામેલ થઈ શકે છે.

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો