આજનું એક્સપ્લેનર:શું ખરાબ રીતે હારીને પણ ટ્રમ્પનું કંઈ નહીં બગડે; આખરે ટ્રમ્પને એવો કયો 'અલ્ટિમેટ પાવર' મળ્યો છે, તેનાથી શું-શું કરી શકે છે?
ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી મિડટર્મ ચૂંટણી હારી ગઈ છે, તેમ છતાં ટ્રમ્પની સૌથી મોટી તાકાત જળવાઈ રહી છે.
3 નવેમ્બરે મતદાનના દિવસે ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'મારી પાસે સૌથી મોટી સત્તા છે- વીટો, જો જરૂરી લાગ્યું તો સંસદમાં બહુમતી મેળવનારી ડેમોક્રેટિક પાર્ટીના કાયદા પર વીટો લગાવીને તેને નામંજૂર કરી શકું છું.
આખરે ચૂંટણી હારીને પણ ટ્રમ્પ સૌથી શક્તિશાળી કેવી રીતે બની રહેશે, વીટો પાવરથી તેઓ શું-શું કરી શકે છે, શું વિપક્ષી પક્ષ બહુમતી મળ્યા બાદ પણ ટ્રમ્પને રોકી નહીં શકે, જાણીશું આજના એક્સપ્લેનરમાં...
સવાલ-1: ચૂંટણી હાર્યા બાદ પણ ટ્રમ્પ સૌથી શક્તિશાળી કેમ છે? જવાબ: અમેરિકામાં રાષ્ટ્રપતિ અને સંસદની ચૂંટણીઓ અલગ-અલગ હોય છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે, જ્યારે સંસદના મોટા ગૃહ- 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ'ના તમામ 435 સભ્યોની ચૂંટણી અને બીજા ગૃહ ‘સેનેટ’ના આશરે એક-તૃતીયાંશ સભ્યોની ચૂંટણી દર 2 વર્ષે થાય છે. આ જ સંસદીય ચૂંટણીઓને મિડટર્મ કહેવામાં આવે છે.
જો મિડટર્મમાં રાષ્ટ્રપતિની પાર્ટી હારી જાય, તો પણ રાષ્ટ્રપતિ કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી પદ પર બની રહે છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર છતાં ટ્રમ્પનું પદ અને તેમની સત્તાઓ જાન્યુઆરી 2029 સુધી જળવાઈ રહેશે. આ સત્તાઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે વીટો પાવર…
- અમેરિકન બંધારણના આર્ટિકલ 1ના સેક્શન 7 હેઠળ મળતી વીટો પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ અમેરિકન સંસદ, એટલે કે કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા બિલને કાયદો બનતા પહેલાં રદ કરી શકે છે.
- બિલ કોંગ્રેસમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિની મંજૂરી માટે વ્હાઇટ હાઉસ પહોંચે છે. રાષ્ટ્રપતિ કાં તો તેના પર હસ્તાક્ષર કરીને તેને કાયદો બનાવી શકે છે અથવા તેને ફરીથી કોંગ્રેસ પાસે મોકલી શકે છે.
- જો રાષ્ટ્રપતિ 10 કાર્યકારી દિવસો સુધી બિલ પરત ન મોકલે અને આ દરમિયાન કોંગ્રેસનું સત્ર સમાપ્ત થઈ જાય, તો બિલ આપમેળે રદ થઈ જાય છે. તેને ‘પોકેટ વીટો’ કહેવામાં આવે છે.
- જોકે, જો રાષ્ટ્રપતિ 10 કાર્યકારી દિવસો સુધી બિલ પર હસ્તાક્ષર ન કરે અને ન તો તેને પરત મોકલે, અને આ દરમિયાન કોંગ્રેસનું સત્ર ચાલુ હોય, તો બિલ આપમેળે કાયદો બની જાય છે.
- પ્રેસિડેન્ટ બિલને મંજૂર અથવા નામંજૂર કરી શકે છે, તેમાં કોઈ ફેરફાર કરી શકતા નથી.
3 નવેમ્બરના ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો ઉલ્લેખ કર્યો- સ્લૉટર કેસ. તેમણે કહ્યું, 'અમે આ કેસ જીતી ગયા છીએ, જેના કારણે પ્રેસિડેન્ટને એવી અલ્ટિમેટ સત્તા મળી છે, જે પહેલાં ક્યારેય નહોતી.’
હકીકતમાં, અમેરિકામાં ફેડરલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકારની આશરે 24 નિયમનકારી એજન્સીઓ અને કમિશનો છે, જે સ્વતંત્ર સંસ્થાઓની જેમ કામ કરે છે. જેમ કે- ફેડરલ ટ્રેડ કમિશન, FTC અને નેશનલ લેબર રિલેશન્સ બોર્ડ, NLRB વગેરે.
1935થી પ્રમુખ આ સંસ્થાઓના અધ્યક્ષો અથવા સભ્યોને કાનૂની આધાર વિના મનમાની રીતે હટાવી શકતા નથી. જોકે માર્ચ 2025માં ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય અને FTCના કમિશનર રેબેકા સ્લોટરને પદ પરથી હટાવી દીધા હતા. આ મામલે જૂન 2026માં સુપ્રીમ કોર્ટે પણ 6-3ની બહુમતીથી ટ્રમ્પની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે બંધારણથી રાષ્ટ્રપતિને આ શક્તિ મળે છે.
ચુકાદા સાથે અસહમત ન્યાયાધીશોએ કહ્યું હતું કે આ ચુકાદાથી સ્વતંત્ર સંસ્થાઓ માત્ર કામ કરતી એજન્સીઓ બનીને રહી જશે. રાષ્ટ્રપતિના હાથમાં ખૂબ મોટી શક્તિ આવી જશે.
3 નવેમ્બરે ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સંસદમાં વિપક્ષ મજબૂત હોવા છતાં તેઓ પોતાના એજન્ડા હેઠળ જ કામ કરશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને વીટો પાવરના કારણે તેમને આ અધિકાર છે, ભલે કોંગ્રેસ તેમને રોકવાનો પ્રયાસ કરે.
સવાલ-2: તો આ તમામ શક્તિઓથી ટ્રમ્પ શું-શું કરી શકે છે? જવાબ: ટ્રમ્પ 3 પ્રકારનાં કામ કરી શકે છે…
1. એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરી શકે છે
- ટ્રમ્પ આર્ટિકલ-2 હેઠળ કોંગ્રેસની મંજૂરી વિના જ કોઈ એક્ઝિક્યુટિવ ઓર્ડર આપી શકે છે. કોંગ્રેસ તેમના વિરોધમાં કોઈ બિલ લાવે, તો ટ્રમ્પ તેને વીટો દ્વારા રદ કરી શકે છે.
- એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ટ્રમ્પ અગાઉની જેમ જ સરકારને ઘણી નીતિઓ લાગુ કરવાનો આદેશ આપી શકે છે, જેમ કે- પ્રવાસીઓના મુદ્દા, સરકારી વિભાગોની કામગીરી અને રાષ્ટ્રીય સુરક્ષાના મામલા. માત્ર કોર્ટ જ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર રોક લગાવી શકે છે.
- ટ્રમ્પના બે નજીકના લોકોએ CBS ન્યૂઝને જણાવ્યું કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના એક્ઝિક્યુટિવ એક્શન અંગે ચર્ચા થઈ છે. ટ્રમ્પ ટૂંક સમયમાં ઇમિગ્રેશન અને વેપાર સાથે જોડાયેલા કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરી શકે છે.
2. વિદેશ નીતિમાં ભૂમિકા, યુદ્ધ સાથે જોડાયેલા નિર્ણયો લઈ શકે છે
- અમેરિકાના બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ દેશના કમાન્ડર-ઇન-ચીફ હોય છે. ટ્રમ્પ દેશો સાથે રાજદ્વારી કરારો કરી શકે છે અને યુદ્ધના નિર્ણયો લઈ શકે છે.
- ટ્રમ્પની ઈરાન, ચીન, ઇઝરાયલ અથવા અન્ય દેશો અંગેની જે નીતિ છે, તેને જાળવી રાખી શકે છે. ડેમોક્રેટ્સને બહુમતી મળવાથી તેમની આ સત્તાઓ પર કોઈ અસર નહીં પડે.
- જોકે કોઈ આંતરરાષ્ટ્રીય કરાર માટે જો કોઈ કાયદો બનાવવો પડે અથવા બજેટની જરૂર હોય, તો સંસદની મંજૂરી પણ જરૂરી હોય છે.
3. સરકારી વિભાગો, એજન્સીઓ અને અધિકારીઓ પર નિયંત્રણ રાખી શકે છે
- ટ્રમ્પ સંઘીય સરકારના વિભાગો અને એજન્સીઓને નિર્દેશ આપી શકે છે. સ્લૉટર કેસથી એજન્સીઓ પર તેમનું નિયંત્રણ વધ્યું છે.
- જોકે સંસદમાં વધુ ડેમોક્રેટિક સભ્યો હોવાથી એજન્સીઓના નવા અધ્યક્ષોની નિમણૂકને લઈને ખેંચતાણ શરૂ થઈ શકે છે.
- સામાન્ય રીતે સરકારી ખર્ચ માટે સંસદની મંજૂરી જરૂરી હોય છે. ડેમોક્રેટિક પાર્ટી ટ્રમ્પની મરજીથી થઈ રહેલા ખર્ચ અથવા નવી યોજનાઓ લાગુ કરવાનો વિરોધ કરી શકે છે.
સવાલ-3: તો શું ટેરિફ વૉર અને ઈરાન યુદ્ધથી પણ ટ્રમ્પને રોકી શકાય તેમ નથી? જવાબ: અત્યાર સુધી બંને મામલામાં સંસદના વિરોધ છતાં ટ્રમ્પ પોતાની મનમાની ચલાવવામાં સફળ રહ્યા છે, આ સ્થિતિ આગળ પણ ચાલુ રહી શકે છે…
ટેરિફ કાયદેસર રીતે યોગ્ય છે કે નહીં, કોર્ટમાં સુનાવણી ચાલુ
- અમેરિકી બંધારણ હેઠળ વિદેશી વેપારને નિયંત્રિત કરવાનો અને ટેરિફ લાદવાનો અધિકાર સંસદનો છે. જોકે સંસદે બનાવેલા કેટલાક કાયદાઓ હેઠળ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને ટેરિફ લાદી શકે છે.
- ટ્રમ્પે કાયદાઓ હેઠળ ત્રણ વખત ટેરિફ લાદ્યા છે. તેમાંથી એકને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો, જ્યારે બીજો 150 દિવસ બાદ સમાપ્ત થઈ ગયો.
- ટ્રેડ એક્ટ, 1974ની કલમ 301 હેઠળ ટ્રમ્પનો ટેરિફ લગભગ 60 દેશો પર લાગુ છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
- ડેમોક્રેટ્સે અગાઉ પણ ટ્રમ્પના ટેરિફનો વિરોધ કર્યો છે. હવે બહુમતીના કારણે તેઓ કાયદો બદલવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમાં ટ્રમ્પનો વીટો અડચણરૂપ બનશે.
ટ્રમ્પને યુદ્ધ શરૂ કરવાનો અધિકાર, સંસદના વિરોધ છતાં અડગ રહ્યા
- યુદ્ધ જાહેર કરવાનો અધિકાર સંસદનો હોય છે, પરંતુ ટ્રમ્પે સંસદની મંજૂરી વિના જ 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર હુમલો કર્યો હતો.
- જો રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના સૈન્યને લશ્કરી કાર્યવાહી માટે મોકલે છે, તો આ કાર્યવાહી માત્ર 60 દિવસ સુધી જ ચાલુ રહી શકે છે.
- જોકે 1 મે 2026ના રોજ 60 દિવસની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ 7 એપ્રિલે અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું હતું અને 1 મેના રોજ ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી કે ઈરાન સાથેની દુશ્મની સમાપ્ત થઈ ગઈ છે. તેમ છતાં ત્યારબાદ પણ ઈરાન પર હુમલા થયા છે.
- બંને સદનોમાં વૉર પાવર્સ રિઝોલ્યુશન હેઠળ યુદ્ધ રોકવાના પ્રસ્તાવો પસાર થયા હતા, પરંતુ ટ્રમ્પે તેમને અવગણી દીધા, કારણ કે આ પ્રસ્તાવો રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી.
સવાલ-4: તો પછી ટ્રમ્પને રોકવા માટે ડેમોક્રેટ્સ પાસે કયા રસ્તા બાકી છે? જવાબ: વિપક્ષ પાસે 2 પ્રકારના વિકલ્પો છે…
1. ટ્રમ્પની દેખરેખ, તપાસ અને તેમના કામકાજ પર નિયંત્રણનો પ્રયાસ
- હાઉસની ઓવરસાઇટ, જ્યુડિશિયરી, ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ જેવી સમિતિઓના અધ્યક્ષ ડેમોક્રેટ્સ બનશે. તેઓ ટ્રમ્પના નજીકના લોકો અને સરકારી અધિકારીઓ સાથે જોડાયેલી તપાસ શરૂ કરી શકે છે.
- તેઓ કોઈપણ વ્યક્તિને સબપોના, એટલે કે કાનૂની સમન્સ મોકલીને હાજર થવા અને પુરાવા રજૂ કરવા માટે ફરજ પાડી શકે છે.
- સેનેટ જ નવા ન્યાયાધીશો, કેબિનેટ મંત્રીઓ અને અન્ય અધિકારીઓની નિમણૂકોને મંજૂરી આપે છે. બહુમતીના કારણે ડેમોક્રેટ્સ ટ્રમ્પની પસંદગીની નિમણૂકો પર બ્રેક લગાવી શકે છે.
- સરકારી ખજાના અને ખર્ચ પર નિયંત્રણ: અમેરિકામાં બજેટ અથવા કર સંબંધિત પ્રસ્તાવો પસાર કરવાનો અધિકાર હાઉસ પાસે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સરકારી ખર્ચને લઈને ખેંચતાણ વધી શકે છે. સરકારી કામકાજ ઠપ થઈ શકે છે.
2. ટ્રમ્પની બંધારણીય શક્તિ નબળી પાડવાની અથવા તેમને હટાવવાની કોશિશ
- કોંગ્રેસ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવા, સૈન્ય કાર્યવાહીનો આદેશ આપવા અથવા સરકારી ખર્ચ વગેરે સંબંધિત શરતો વધારવા માટે નવા કાયદા બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
- જો કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા બિલને ટ્રમ્પ વીટો પાવરથી નામંજૂર કરી દે, તો પણ કોંગ્રેસ પાસે તેને પડકારવાનો વિકલ્પ છે.
- જોકે વીટોને પલટાવવા માટે ગૃહમાં મતદાન થાય છે. તેમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હોય છે, જે વિપક્ષ માટે મેળવવી મુશ્કેલ છે.
- આ જ રીતે ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદેથી હટાવવા માટે તેમના વિરુદ્ધ હાઉસમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. હાઉસમાં તો તે સામાન્ય બહુમતીથી પસાર થઈ શકે છે, પરંતુ સેનેટમાં બે તૃતીયાંશ મત જરૂરી હોય છે, જે ડેમોક્રેટ્સ માટે મુશ્કેલ બનશે. 2019 અને 2021માં પણ ટ્રમ્પ આ જ રીતે સેનેટમાં મહાભિયોગથી બચી ચૂક્યા છે.
સૌથી સંભવિત સ્થિતિ એ છે કે ટ્રમ્પ પદ પર રહે ત્યાં સુધી આગામી બે વર્ષ સંસદ અને ટ્રમ્પે કેટલાક મુદ્દાઓ પર પરસ્પર સમજૂતીથી સરકાર ચલાવવી પડશે. કારણ કે જો બજેટ જેવા મુદ્દાઓ પર ટ્રમ્પ વીટો કરી દે, તો વિભાગોને મળતું ભંડોળ અટકી જશે અને શટડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
ટ્રમ્પે કહ્યું છે, ‘આ પ્રક્રિયા આ રીતે જ કામ કરશે. પહેલાં, તમે થોડા મહિના સુધી વીટો કરો છો અને પછી તેઓ આવીને કહે છે- અમારે એક સમજૂતી કરવી છે.’
