અયોધ્યા ગાઇડરામમંદિર કેવી રીતે પહોંચવું, ક્યાં રોકાવું?:ધર્મશાળામાં 100 અને હોટલોમાં 35 હજાર રૂમનું ભાડું, 1000 ટ્રેન દોડશે; 5 શહેરથી ડાયરેક્ટ ફ્લાઇટ
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી રોજ લગભગ 2 લાખ લોકો આવવાનું અનુમાન છે. અયોધ્યા આવવા માટે 5 શહેરોથી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. રેલવેએ નવી ટ્રેન શરૂ કરી છે અને રોડવેઝ દ્વારા પણ બસો તૈયાર રાખવામાં આવી છે. અયોધ્યામાં 675 હોમ સ્ટે અને હોટલ તૈયાર છે. ઓછું બજેટ હોય તે લોકો માટે ધર્મશાળાઓ પણ છે, જેમાં 100 રૂપિયામાં પણ રૂમ મળી જશે.
રામમંદિરના ઉદ્ઘાટન પહેલાં ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે અયોધ્યામાં કેવી રીતે પહોંચી શકાય છે અને ક્યાં રોકાઈ શકો છો.
સૌથી પહેલા એર રૂટ અયોધ્યા માટે દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી ફ્લાઇટ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 30 ડિસેમ્બર 2023થી અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓપરેશનલ થઈ ચૂક્યું છે. અહીંયાંથી દિલ્હી, અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ માટે ફ્લાઇટ મળશે.
રામજન્મભૂમિથી એરપોર્ટ માત્ર 10 કિમી દૂર છે, એટલે કે રામલલ્લાનાં દર્શન કર્યા પછી અડધા કલાકમાં એરપોર્ટ પહોંચી શકાશે. એરલાઇન કંપની ઈન્ડિગોએ આગામી 2 વર્ષમાં અયોધ્યા એરપોર્ટને દેશનાં 80 મોટાં શહેરો સાથે જોડવાનો નિર્ણય ટાર્ગેટ રાખ્યો છે.
19 જાન્યુઆરીથી કોલકાતા માટે રેગ્યુલર ફ્લાઇટ કોલકાતાથી અયોધ્યા સુધી રેગ્યુલર ફ્લાઇટ 19 જાન્યુઆરીથી શરૂ થશે. કોલકાતાથી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 11.05 વાગ્યે ઉડાન ભરશે અને અયોધ્યામાં 12.50 વાગ્યે લેન્ડ થશે. ફ્લાઇટની ટિકિટ 4557 રૂપિયા છે. ડિમાન્ડ અનુસાર તે 12 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.
રેલ રૂટ: 100 દિવસમાં 1000 ટ્રેન દોડશે, 240 કરોડમાં બન્યું નવું ટર્મિનલ રેલવેએ અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનો પણ શરૂ કરી છે. ભવિષ્યમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે અહીંના અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. રેલવે 19 જાન્યુઆરીથી આગામી 100 દિવસમાં 1000 ટ્રેનો દોડાવશે.
રેલવે બોર્ડના ચેરપર્સન જયા વર્માએ ભાસ્કરને જણાવ્યું કે 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ અહીંથી બે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરથી પણ ટ્રેનો દોડશે.
રોડવેઝઃ અયોધ્યાથી 116 બસો દોડશે, દિલ્હી-લખનઉ સહિત 11 શહેરો માટે સીધી બસ સેવા અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે રોડવેઝે પણ તૈયારીઓ કરી લીધી છે. અહીં બે બસ સ્ટેન્ડ છે. હાલ નવા બસ સ્ટેન્ડ પરથી બસો દોડતી નથી. ફૈઝાબાદ કેન્ટના જૂના બસ સ્ટોપ પરથી બસો ઉપલબ્ધ છે.
રામમંદિર ઉદ્ઘાટન સમારોહ પહેલાં અયોધ્યા આવનારી બસો અંગે સ્ટેશન ઈન્ચાર્જ વિજય મિશ્રા કહે છે, 'હાલમાં ડેપો પાસે કુલ 116 બસો છે. જેમાં 112 સામાન્ય અને 4 એસી બસો છે. યુપી ઉપરાંત દિલ્હી સુધી પણ જશે.
50 વર્ષથી વધુ જૂનું અયોધ્યા બસ સ્ટોપ દિલ્હી, કૌશામ્બી, લખનઉ, કાનપુર, કુશીનગર, આઝમગઢ, રાયબરેલી, પ્રયાગરાજ, ગોંડા, બસ્તી અને ગોરખપુર માટે સીધી બસો ચલાવે છે. કૌશામ્બી ડેપોની બસો દિલ્હી રૂટ પર દોડે છે. શહેરની અંદર જવા માટે સિટી બસો દોડી રહી છે.
5 લાખ લોકોનો આવવાનો અંદાજ, હોટલોનું ભાડું 35 હજાર સુધી રામમંદિરના ઉદ્ઘાટનના કારણે અયોધ્યાની મોટાભાગની હોટલ બુક છે. શાન-એ-અવધ, પાર્ક ઇન, રામાયણ, રેડિસન, પંચશીલ, કોહિનૂર, રોયલ હેરિટેજ, ત્રિમૂર્તિ અને અવધ સનશાઇન જેવી મોટી હોટલોમાં એક દિવસનું ભાડું 4 હજારથી 35 હજાર સુધીનું છે.
રિઝનલ ટૂરિઝમ ઓફિસર આરપી યાદવ કહે છે, અયોધ્યા આવનારા લોકો માટે 175 હોટલ અને ધર્મશાળાની વ્યવસ્થા છે. ધર્મશાળામાં 100 રૂપિયામાં પણ રૂમ મળી જશે. યાત્રીઓ પોતાની સગવડ અને બજેટના આધારે અહીં રોકાઈ શકશે.
અયોધ્યાના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, રામનગરીમાં એક વર્ષમાં 500થી વધુ ઘરોને હોમ સ્ટેની તર્જ પર વિકસાવવામાં આવ્યાં છે. આમાં એક શરત મૂકવામાં આવી હતી કે કોઈપણ મકાનમાલિક ઘરના વધુમાં વધુ 5 રૂમને હોમ સ્ટેમાં બદલી શકે છે. હોમ સ્ટેના નિર્માણથી અયોધ્યાની હોટલ અને ધર્મશાળાઓ પરનો ભાર ઓછો થશે.
રામપથ, ભક્તિપથ અને જન્મભૂમિ પથની ધર્મશાળાઓમાં મફત ભોજન અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે શહેરમાં અનેક જગ્યાએ ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારગામથી આવતા ભક્તોને રામપથ, ભક્તિપથ અને જન્મભૂમિપથ પરની ધર્મશાળાઓમાં મફત ભોજન મળશે. આ માટે ભક્તોએ તેમનું આધાર કાર્ડ બતાવવાનું રહેશે.
શહેરમાં રામલલ્લા મંદિરની આસપાસ પિઝા હટ, ડોમિનોઝ, ઓરા ફૂડ, એવરગ્રીન રેસ્ટોરન્ટ, રામપ્રસ્થ જેવી રેસ્ટોરન્ટ ચેન પણ ખૂલી છે. મોટાભાગના ભક્તો 84 કોસી પરિક્રમા રૂટ દ્વારા રામલલ્લાનાં દર્શન કરવા આવશે. તેથી અહીં દારૂની દુકાનો બંધ રાખવામાં આવશે.
ફેબ્રુઆરીથી વારાણસીથી અયોધ્યા સુધી હેલિકોપ્ટર સેવા અયોધ્યામાં ક્રૂઝ બોટ અને હેલિકોપ્ટર ચલાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જો કે, આપણે હવે આ માટે રાહ જોવી પડશે. પ્રાદેશિક પ્રવાસન અધિકારી રાજેન્દ્ર પ્રતાપ યાદવ કહે છે, 'વારાણસીથી અયોધ્યા સુધી હેલિકોપ્ટર કનેક્ટિવિટી માટે ઘણી કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે.'
રાજેન્દ્ર પ્રતાપ યાદવના જણાવ્યા અનુસાર, સરયૂ નદીમાં ક્રૂઝ બોટ ચલાવવાનો પ્રોજેક્ટ હાલમાં રોકી દેવામાં આવ્યો છે. ગુપ્તાર ઘાટ પર જટાયૂ ક્રૂઝનું સમારકામ અને સુશોભનનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ અલકનંદા ક્રૂઝની સાથે સરયૂમાં જટાયૂ ક્રૂઝ પણ શરૂ કરવામાં આવશે.
હવે જાણો ભવિષ્યની અયોધ્યા કેવી હશે 31 હજાર કરોડમાં તૈયાર થઈ રહી છે નવ્ય અયોધ્યા, 2047 સુધી આધ્યાત્મિક રાજધાની બનાવવાનો ટાર્ગેટ સરકારે 2047 સુધી અયોધ્યાને નવ્ય અયોધ્યા બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ માટે યુપી એન્ડ ડેવલપમેન્ટ બોર્ડે 1400 એકરમાં ગ્રીન ફિલ્ડ ટાઉનશિપ ડેવલપ કરવાનો પ્લાન બનાવ્યો છે. તેને રામાયણ થીમ પર બનાવવામાં આવશે. લખનઉ-ફૈઝાબાદ હાઇવેની બંને બાજુ બની રહેલી આ નવ્ય અયોધ્યામાં સ્ટેટ ગેસ્ટ હાઉસ, નવી હોટલ, મઠ, રેસિડેન્શિયલ અપોર્ટમેન્ટ, ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાયની સાથે પાવર સ્ટેશન પણ હશે.
અમે મ્યુનિસિપલ કમિશનર વિશાલ સિંહ સાથે નવ્ય અયોધ્યાના વિઝન-2047 પર વાત કરી. તેઓ કહે છે, 'આગામી 23 વર્ષમાં અમે અયોધ્યાને દેશને આધ્યાત્મિક રાજધાની બનાવવા પર કામ કરી રહ્યા છીએ. મંદિરના નિર્માણ બાદ શહેરમાં લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. ભીડને નિયંત્રિત કરવા માટે અમે રસ્તા પહોળા કરી રહ્યા છીએ. બહારથી આવતા રસ્તાઓને 4 લેન બનાવવામાં આવી રહ્યા છે.
‘આવાસ વિકાસ પરિષદ’ પણ નવા શહેરની સ્થાપના માટે કામ કરી રહી છે. આ યોજના માટે કુલ 540 એકર જમીનની જરૂર પડશે. જેમાં સરયૂના કિનારે આવેલાં ગામોમાંથી 90% જમીન લેવામાં આવી છે.
70 કિલોમીટર લાંબો રિંગ રોડ રામમંદિરના ઉદ્ઘાટન બાદ જિલ્લા વહીવટીતંત્ર પણ પ્રવાસીઓનું આકર્ષણ વધારવા માટે કામ કરી રહ્યું છે. આ માટે 70 કિલોમીટર લાંબો આઉટર રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે. 3,935 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ રોડ યુપીના 3 જિલ્લા અયોધ્યા, બસ્તી અને ગોંડામાંથી પસાર થશે. રિંગરોડના નિર્માણ બાદ અયોધ્યા આવતા ટ્રાફિક પહેલાં કરતાં સરળ થઈ જશે.
વિશેષ આગ્રહ: દિવ્ય ભાસ્કરના આ સમાચારને તમારા પરિવાર, પ્રિયજનો અને સોશિયલ ગ્રૂપમાં શેર કરો. રામમંદિરના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો- રામમંદિર વિશેષ
