સોનિયા ગાંધી ભાવિ યોજનાની રૂપરેખા ઘડશે
યુપીએ સરકાર અને કોંગ્રેસ પક્ષ રાજકીય તેમ જ આર્થિક મોરચાઓ પર અસંખ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ચોથી જુને કોંગ્રેસની કારોબારી સમિતિ (સીડબ્લ્યુસી)ની યોજાનારી બેઠકમાં સંગઠનની ચિંતાઓ અને ભાવિ પગલાં યોજના માટે રૂપરેખા ઘડી કાઢે તેવી સંભાવના છે. પક્ષનાં સૂત્રોએ જણાવ્યું કે, કારોબારીની બેઠક માટે કોઇ એજન્ડા નક્કી કરવામાં આવ્યો નહીં હોવાછતાં વર્તમાન રાજકીય અને આર્થિક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
- બેઠકમાં આ મુદ્દાઓ છવાયેલા રહેશે.
બેઠકમાં કારોબારીના કાયમી અને ખાસ આમંત્રિતો, નિયમિત સભ્યોની સાથે રાજ્યોના વિધાનસભા પક્ષના નેતાઓ તેમ જ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખો પણ ભાગ લેશે. ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવાની વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષના ધબડકા પછી કોંગ્રેસ કારોબારીની પ્રથમ બેઠક યોજાઇ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, સંરક્ષણપ્રધાન એ.કે. એન્ટોનીના નેતૃત્વવાળી પક્ષની ઉચ્ચ સ્તરીય સમિતિએ તાજેતરમાં જ સોનિયા ગાંધીને એક વિસ્તૃત રિપોર્ટ સુપરત કર્યો હતો. સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવા માટે હવે શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવે તેવી સંભાવના છે. કારોબારીની બેઠકમાં વિભિન્ન રાજ્યોમાં સંગઠનમાં ઉભા થયેલા પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે અને વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટે પક્ષની વ્યૂહરચના પણ ઘડી કાઢવામાં આવે તેવી સંભાવના છે.
