અફઘાની ક્રિકેટરે મેદાનમાં સિગારેટ પીધી:શહઝાદે BPLમાં મેચ શરૂ થાય એ પહેલાં નિયમોને ધુમાડામાં ઉડાવ્યા, રેફરીએ દંડ ફટકાર્યો

10 મહિનો પહેલા

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની મેચ દરમિયાન અફઘાનિસ્તાનનો વિકેટકીપર-બેટર મોહમ્મદ શહઝાદ જમીન પર સિગારેટ પીતો જોવા મળ્યો હતો. આ ઘટના મિનિસ્ટર ઢાકા અને કોમિલા વિક્ટોરિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઘટી છે. શહઝાદ મિનિસ્ટર ઢાકાની ટીમ તરફથી રમી રહ્યો છે. તેવામાં મેચની શરૂઆત પહેલાં શહઝાદે મેદાન પર જ સિગારેટ પીવાનું શરૂ કરી દીધું હતું. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે શહઝાદના આ વર્તનને કારણે તેના શિસ્ત રેકોર્ડમાંથી એક ડિમેરિટ પોઈન્ટ પણ કપાઈ ગયો છે.

વાસ્તવમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં શુક્રવારે બે મેચ રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે બંને મેચ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન મોહમ્મદ શહઝાદ તેના અન્ય અફઘાન સાથી ખેલાડીઓ સાથે ઊભો રહ્યો, કારણ કે તેઓ વરસાદને કારણે મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ સમયે તેણે સિગારેટ પીવાનું શરૂ કર્યું હતું.

ત્યાર પછી મિનિસ્ટર ઢાકાના કોચ મિનાઝુર રહેમાને શહઝાદને ચેતવણી આપી અને ઓપનર બેટર તમીમ ઈકબાલ તેને પોતાની સાથે ડ્રેસિંગ રૂમમાં લઈ ગયો હતો.

શહઝાદે ભૂલ સ્વીકારી

  • જોકે ત્યાર પછી શહઝાદે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને રેફરીના નિર્ણયને સ્વીકાર્યો હતો.
  • બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે શહઝાદે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, તેથી સત્તાવાર સુનાવણીની જરૂર નથી.

6 મેચમાં એકવાર ફિફ્ટી ફટકારી
BPLની આ સીઝનમાં શહઝાદે 6 મેચમાં બે વાર ડબલ ફિગરનો આંકડો પાર કર્યો છે. શહઝાદે સિલ્હટ સનરાઇઝર્સ સામે 53 રન અને ખૂલના ટાઇગર્સ સામે 42 રન કર્યા હતા. આ સિવાય BPLની બાકીની 4 ઇનિંગ્સમાં તે ડબલ ફિગરને પણ પાર કરી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...