ફરી વિવાદ સર્જાયો:'ધારે એ કરી શકે એ જ ધારાસભ્ય, બાકી બધા તો ......... કહેવાય', વાઘોડિયાના ભાજપના MLA મધુ શ્રીવાસ્તવની દબંગાઈ

વડોદરા10 મહિનો પહેલા
  • જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાને પડ્યા

વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત તાલુકામાં રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની તાલુકા પંચાયત દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાને પડ્યા છે. તેઓએ જરોદમાં વેપારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય ધારે તે કરી શકે છે, બાકી ....... છે. મધુ શ્રીવાસ્તવ જે બોલે છે અને જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અમે દિવ્યભાસ્કર સંમત નથી. જેથી અહીં અમે એ શબ્દ લખ્યો નથી.

દબાણો દૂર કરવામાં નહીં આવે તેવી ખાત્રી આપી
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા વિઘાનસભાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેઓના નિવેદનોને લઇ અવાર-નવાર વિવાદમાં આવતા હોય છે. જરોદમાં વેપારીઓને દબાણો દૂર કરવામાં નહીં આવે તેવી ખાત્રી આપવા સાથે તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય ધારે તે કરી શકે છે, આ નિવેદન તેઓએ આજે સવારે જરોદમાં આપ્યું હતું. આ નિવેદન વાયુવેગે સોશિયલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી.

ધારાસભ્ય છું ત્યાં સુધી વેપારીઓના દબાણો તોડવા નહીં દઉ
એવી પણ માહિતી મળી હતી કે, જરોદ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંઘકામ દૂર કરવા વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. જે અંગે વેપારીઓએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી. વેપારીઓની રજૂઆતના પગલે આજે સવારે ધારાસભ્યએ જરોદ ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જે ધારેલા કામ કરે તેને ધારાસભ્ય કહેવાય. ધારાસભ્ય છું ત્યાં સુધી વેપારીઓના દબાણો તોડવા નહીં દઉ. વેપારીઓને એમ પણ કહ્યું છે કે રસ્તો ખૂલ્લો રાખજો.

મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર દબંગાઈ બતાવી.
મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર દબંગાઈ બતાવી.

મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર દબંગાઈ બતાવી
વગર માસ્કે ભેગા થયેલા વેપારીઓને ખાત્રી આપતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર દબંગાઈ બતાવી જણાવ્યું હતુ કે, સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે કે પોલીસ ખાતા વાળા આવે મેં કહીં દીઘું એટલે વાત પતી ગઈ., પછી કલેક્ટર આવે તો કલેક્ટરની પણ તાકાત નથી કે દબાણો તોડી શકે.

દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાને પડ્યા.
દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાને પડ્યા.

તાલુકા પંચાયત દ્વારા મોટા પાયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે
વાઘોડિયા નગરના રસ્તા પહોળા કરવા માટે તાલુકા પંચાયત દ્વારા મોટા પાયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ડિમોલેશનના કારણે નાના મોટા વેપારીઓની રોજગારી ઉપર અસર પડી છે. જોકે, નગરના મોટા ભાગના વેપારીઓ દ્વારા વાઘોડિયા નગરનો વિકાસ ઇચ્છી રહ્યા છે. તે માટે સ્વૈચ્છીક દબાણો દૂર કરવા માટે વેપારીઓ ખૂદ તૈયાર થયા છે. જોકે, કેટલાંક દ્વારા તંત્રની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે.