પોલીસ સાથે ઘર્ષણ:સુરતના માંડવીમાં લગ્ન પ્રસંગે DJ બંધ કરાવવા જતાં પોલીસ પર હુમલો, પથ્થરમારો થતાં નાસભાગ

સુરત10 મહિનો પહેલા
  • પથ્થરમારા છતાં પોલીસે માત્ર એપેડેમિક એક્ટ અને જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી

સુરતના માંડવી તાલુકાના વિરપોર ગામે લગ્ન પ્રસંગે ડી.જે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર પથ્થરમારો કરાતા ભાગદોડ મચી ગઇ હતી.પોલીસ સાથે ઘર્ષણ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. માંડ માંડ થાળે પડેલા ઘર્ષણ બાદ પોલીસે શુક્રવારે જાહેરનામા ભંગ અને એપેડેમિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

માંડવીના વિરપોર ગામે લગ્ન પ્રસંગ હતો
માંડવી તાલુકાના વિરપોર ગામે પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો.શુક્રવારની રાત્રિના રોજ માંડવી પોલીસ વિરપોર ગામે લગ્ન પ્રસંગે ચાલતા ડી.જેને બંધ કરાવવા માટે પહોંચી હતી, દરમિયાન હાજર લોકોએ ડી.જે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ કરી પથ્થરમારો કર્યો હતો. હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોવિડ-19 અંતર્ગત કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે વધારાની ફોર્સ બોલાવવી પડી
વિરપોર ગામે સરકારની કોવિડ-19 ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરી લગ્ન પ્રસંગે યોજાયેલ ડી.જે પાર્ટીમાં 700 જેટલા લોકો એકત્રિત થયાં હતાં. જેને લઈ માંડવી પોલીસ વિરપોર ગામે ડી.જે બંધ કરાવવા ગઈ હતી. જ્યાં ડી.જે પાર્ટીમાં આવેલા કેટલાક લોકોના ટોળાએ ડી.જે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતાં પોલીસે સ્થળ છોડી દેવાની નોબત આવી હતી. ઘટના ઉગ્ર બનતા વિરપોર ગામે વધારાની ફોર્સ બોલાવવામાં આવી હતી અને ડી.જે પાર્ટીને બંધ કરાવી હતી. ઘટનામાં માંડવી પોલીસે કોવિડ-19 ગાઇડ લાઈનનું ભંગ કરવા બદલ અને પોલીસ સાથે ઘર્ષણ કરવા બદલ 3 લોકો સામે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ટોળાએ ભગાડી
માંડવી તાલુકાના વિરપોર ગામે તાલુકા પંચાયતના શાસક પક્ષ નેતાને ત્યાં રાત્રિના લગ્નમાં સ્થાનિક પોલીસ DJ બંધ કરાવવા જતાં પોલીસ પર સગાવ્હાલાંઓએ પથ્થરમારો કરી પોલીસને દૂર સુધી ભગાડી હતી. તેમ છતાં પોલીસે આખી રાત ગઈ કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. જો કે પોલીસ પર જાન લેવા હુમલો થતો હોય અને તોય પોલીસે ગંભીર કાર્યવાહી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...