દિલધડક LIVE રેસ્કયૂ:લોધિકાની રાવકી નદીમાં ઘોડાપૂર, કાર તણાતાં ગામના 3 યુવાન મોતને મૂઠીમાં લઈ નદીમાં કૂદ્યા, 2 મહિલાને બચાવાઈ, સીટબેલ્ટ ન ખૂલતાં ચાલકનું મોત

રાજકોટએક વર્ષ પહેલા
કારમાં જ ચાલકનું મોત થયું હતું.
  • કારચાલક સીટબેલ્ટ ખોલી ન શકતાં અંદર જ મોત નીપજ્યું, કારનો પાછળનો કાચ તોડી બે મહિલાને બહાર કઢાઈ

રાજકોટ જિલ્લામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને પગલે નદીનાળાં ઊભરાયાં હતાં. ત્યારે લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં એક એસયુવી કાર નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યાં હતાં અને ત્રણ યુવાનો નદીમાં કારમાં સવાર લોકોને બચાવવા મોતને મૂઠીમાં લઇને કૂદ્યા હતા. ગ્રામજનોએ દોરડા વડે રેસ્ક્યૂ-ઓપરેશન કર્યું હતું, પરંતુ સીટબેલ્ટ ન ખૂલતાં કારચાલકનું કારની અંદર જ મોત થયું હતું, જ્યારે કારમાં સવાર બે મહિલાને બચાવી લેવામાં આવી હતી. પોલીસે કારચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. રેસ્ક્યૂ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

પૂર આવ્યું હોવાથી ગ્રામજનો પુલ પર જ ઊભાં હતાં
લોધિકા તાલુકાના રાવકી ગામની નદીમાં એક કાર તણાઈ જતાં એમાં રહેલી બે મહિલાનું રેસ્ક્યૂ કરાયું હતું, જ્યારે પ્રૌઢ ચાલકનું મોત નીપજ્યાનો બનાવ બન્યો હતો. આ પુલનું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે અને ડાઇવર્ઝનમાં કોઇ ચેતવણીનાં બોર્ડ માર્યાં ન હતાં, જેથી કાર ત્યાંથી પસાર થઈ હતી. સરપંચ ઈન્દુભા જાડેજા સહિતનાં ગ્રામજનો સ્થળ પર હતાં અને તરત જ ત્રણ યુવાન પાણીમાં કૂદ્યા અને તેમણે ખપારીથી કારનો પાછળનો કાચ તોડી મહિલાઓને બહાર કાઢી હતી. ચાલક સીટબેલ્ટ ન ખોલી શકતાં નીકળી શક્યા ન હતા, જેથી દાતરડાથી સીટબેલ્ટ કાપી બેશુદ્ધ હાલતમાં બહાર કાઢ્યા હતા. રાહદારી કિશન પટેલના જણાવ્યા મુજબ, પ્રૌઢને ટ્રેક્ટરમાં હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ તેનું મોત થયું હતું. આ ઘટના 7 વાગ્યાની આસપાસ બની હતી.

ભારે વરસાદથી રાવકી નદીમાં પૂર આવ્યું હતું.
ભારે વરસાદથી રાવકી નદીમાં પૂર આવ્યું હતું.

તેજ વહેણ હોવાથી માંડ સીટબેલ્ટ સુધી પહોંચ્યાઃ રેસ્ક્યૂ કરનાર યુવાન
રેસ્ક્યૂ કરનાર ભાવેશ પરમારે જણાવ્યું હતું કે નદીમાં પાણી આવ્યું હતું એટલે અમે ગ્રામજનો નદીએ જ ઊભા હતા. ત્યાં કાર આવી એટલે અમે હાથ ઊંચા કરી રોક્યા પણ ડ્રાઈવરે ગાડી હંકારી લીધી. નદીમાં જતાં જ કાર પલટી ગઈ. સરપંચ દોડ્યા અને હું મારો મિત્ર ભાવેશ વેગડા અને અભીભાઈ દરબાર પાણીમાં ઊતર્યા. ડ્રાઇવર સીટવાળો ભાગ નીચે હતો એટલે પાછળનો કાચ તોડીને બંને મહિલાને ખેંચીને બહાર કાઢી લીધી. ડ્રાઇવર સીટબેલ્ટ ખોલી ન શક્યા એટલે તેઓ ઉપર ન આવી શક્યા. પાણીનું વહેણ વધારે હતું અને ડહોળું હતું, અંદર કશું જ દેખાતું ન હતું. મહામહેનતે ભાવેશ અને અભીભાઈએ અંદર જઈને દાતરડાથી સીટબેલ્ટ કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યા અને ગ્રામજનોએ ખેંચીને બહાર લાવી હોસ્પિટલ ખસેડ્યા.

પુલનું કામ ચાલે છે, પણ તંત્રએ ડાઇવર્ઝનનું બોર્ડ પણ મૂક્યું નથી.
પુલનું કામ ચાલે છે, પણ તંત્રએ ડાઇવર્ઝનનું બોર્ડ પણ મૂક્યું નથી.

તંત્ર અહીં મદદે આવ્યું ન હતું: રેસ્ક્યૂ કરનારો યુવાન
રાવકી ગામના વતની અને રેસ્ક્યૂ કરનાર અન્ય એક યુવાન અભિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે વધુ વરસાદને કારણે નદીમાં પાણી વહેતું હતું. પુલ પરથી પણ પાણી વહેતું હતું. આમ છતાં પણ એક મોટરકાર રસ્તો ઓળંગવા પ્રયાસ કર્યો હતો અને એ પુલ ઉપરથી નીચે ખાબકી હતી, જેમાં એક પુરુષ અને બે સ્ત્રી બેઠાં હતાં. તંત્ર અહીં મદદે આવ્યું ન હતું, પરંતુ ગામના લોકોએ સાથે મળી માંડ માંડ કરી મહામહેનતે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

નદીમાં કાર તણાઈ એની લાઇવ તસવીર.
નદીમાં કાર તણાઈ એની લાઇવ તસવીર.

પુલ પરથી ચાલકને દોરડા વડે બહાર કાઢવામાં આવ્યો
રેસ્ક્યૂ કરનાર અન્ય એક યુવાન ભરતભાઇ પરમારે જણાવ્યું હતું કે કારચાલકનો સીટ બેલ્ટ ન ખૂલતાં તેમનું મોત નીપજ્યું હતું, આથી તેમનો સીટ બેલ્ટ છરીથી કાપી બાદમાં દોરડા વડે નીચેથી ઉપર ખેંચી બહાર કાઢવામાં આવ્યા હતા અને બંને મહિલાને પુલની સાઇડમાં ચાલીને બહાર કાઢવામાં આવી હતી.

રેસ્ક્યૂ કરનાર યુવાન અભિરાજસિંહ.
રેસ્ક્યૂ કરનાર યુવાન અભિરાજસિંહ.

રાજકોટમાં કીચડમાં ડૂબેલા ઘોડાનું દિલધડક રેસ્ક્યૂ
થોડા દિવસ પહેલાં રાજકોટમાં એક અજીબો ગરીબ ઘટના બની હતી. શહેરની આજી નદીના પટમાં કીચડમાં એક ઘોડો ડૂબ્યો હતો. આ અંગે ફાયરબ્રિગેડના જવાને જીવના જોખમે ઘોડાને બહાર કાઢ્યો હતો. આ વખતે નદીમાં ભળેલા કેમિકલની અસર ફાયરના જવાનને થતાં શરીરે ખંજવાળ ઊપડી હતી, આથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રેસ્ક્યૂ કરનાર ભરત પરમાર.
રેસ્ક્યૂ કરનાર ભરત પરમાર.

30 મિનિટ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજીડેમ પાસે આવેલા રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગિરિ ગોસાઈ એક ઘોડાને નદીના પટમાં ડૂબેલો જોયો, આથી તેણે તરત કોંગી આગેવાન રણજિત મુંધવાને આ અંગે જાણ કરી હતી. રણજિત મુંધવાએ ફાયરબ્રિગેડની ટીમને સાથે લઈને ઘટનાસ્થળે આવ્યા હતા. અને 30 મિનિટના દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશનને પરિણામે ઘોડાને બહાર કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...