અફવાને પગલે આપઘાતનો પ્રયાસ:અમદાવાદમાં પ્રિન્સિપાલ સાથે સંબંધની વાતો ઉડાડાતાં શિક્ષિકાએ ઊંઘની 20 ગોળી ખાઈ લીધી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઘાટલોડિયાની શિક્ષિકાએ અન્ય શિક્ષકોનાં નામ સાથે સુસાઇડ નોટ પણ લખી
  • તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર સહિત 4 શિક્ષકો સામે ગુનો નોંધાયો

પ્રિન્સિપાલ સાથે સંબંધની હોવાની અફવા ફેલાવાતાં કંટાળી ગયેલી શિક્ષિકાએ ઊંઘની 20 ગોળી ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘાટલોડિયામાં આવેલા આરતી ટેનામેન્ટમાં રહેતાં અને આત્મહત્યાનો પ્રયાસ કરનારાં જયશ્રી પટેલે ઘાટલોડિયા પોલીસમાં પુષ્પા ભીલ, સુનિતા પટેલ, યોગેશ પટેલ, પરેશા મોદી નામની વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય શિક્ષિકાઓએ વાત ઉડાવી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જયશ્રીબેન 2011થી મહેસાણાના કડીના મેડા આદરજ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધો.8માં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકા છે. તેમની સ્કૂલમાં ચંદનગિરિ ગોસ્વામી પ્રિન્સિપાલ તરીકે છે. ચંદનગિરિ જયશ્રીબેનના કામથી ખુશ હતા, જેથી તેમની સાથે નોકરી કરતી શિક્ષિકાઓ ઈર્ષા કરતી હતી, જેથી તે શિક્ષિકાઓ વિદ્યાર્થીના વાલીઓને અને ગામ લોકોને કહેતી કે, જયશ્રીબેન તેમની ફરજ યોગ્ય રીતે બજાવતાં નથી તેમ જ તેમના અને ચંદનગિરિ ગોસ્વામીના સંબંધ વિશે ખોટી વાતો કરતી હતી.

શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજી કરી હતી
જયશ્રીબેન સાથે નોકરી કરતી સુનિતા પટેલ (કલોલ), યોગેશ પટેલ (કડી), પરેશા મોદી (કલોલ)એ ગામમાં રહેતા ભરત પટેલ અને રામભાઈ પટેલને જયશ્રીબહેન અને ચંદનગિરિ વિશે ખોટી વાતો કરી તેમના મારફતે ગત ડિસેમ્બરમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણામાં અરજી કરી હતી. ત્યારબાદ જયશ્રીબહેન વિરુદ્ધની અરજી પાછી ખેંચવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજી કરાઈ હતી, જેના આધારે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર (ટીપીઈઓ) પુષ્પા ભીલ અવારનવાર જયશ્રીબહેનને બોલાવતાં હતાં.

TPEOઓએ ખરાબ વર્તન કર્યું હોવાનો આક્ષેપ
જયશ્રીબહેને લેખિતમાં જવાબ રજૂ કર્યો હોવા છતાં જવાબ સ્વીકારતા ન હતા અને તેમની સાથે ખરાબ વર્તન કરીને બદલી કરી દેવાની અને બરતરફ કરી દેવાની ધમકી આપતા હતા. ઉપરાંત નોકરી કરતા શિક્ષકોએ પણ બોલવાનું બંધ કરી દેતાં જયશ્રીબેને ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

તમામે બોલવાનું બંધ કરતા ડિપ્રેશનમાં આવી ગઈ
ફરિયાદ મુજબ, તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર બદલી અને બરતરફ કરવાની ધમકી આપતા હતા, જેથી નોકરી કરતા શિક્ષકોએ આ શિક્ષિકા સાથે બોલવાનું બંધ કરતાં તે ડિપ્રેશનમાં આવી ગયાં હતાં અને તમામ શિક્ષકોના નામ સાથેની સુસાઇડ નોટ લખીને ઘેનની ગોળીઓ ખાઈ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...