લતાદીદી માટે દુવાઓ:લતા મંગેશકર વેન્ટિલેટર પર; બહેન આશા ભોંસલે પહોંચ્યા હોસ્પિટલ, કહ્યું- દીદીની તબિયત સુધારા પર છે

10 મહિનો પહેલા
  • મનસેના પ્રમુખ રાજ ઠાકરે તથા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચી ગયા છે
  • ક્રિટિકલ હાલતના સમાચાર મળતાં જ બ્રીચકેન્ડી હોસ્પિટલ અને ઘરની બહાર સિક્યોરિટી વધારવામાં આવી
  • ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરનો કોરોનાનો ચેપ લતા દીદીને લાગ્યો હતો

છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શૉકિંગ અપડેટમાં તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું છે કે ‘લતાજીની તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેમને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યાં છે. હજુ પણ તેઓ ICUમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.’ લતાજીની તબિયત જાણવા માટે બહેન આશા ભોંસલે અને ભાઈ હ્રદયનાથ મંગેશકર પણ હોસ્પિટલ પહોંચ્યા. લગભગ બે કલાક સુધી અંદર રહ્યાં બાદ બંનેએ કહ્યું, દીદીની તબિયત સારી છે તમે લોકો પણ પ્રાર્થના કરો. તો પીયૂષ ગોયલે PM મોદીનો સંદેશ આપતાં કહ્યું કે, લતાજીની તબિયતમાં જલદીથી સુધારો થાય તે માટે પ્રાર્થના

કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. બ્રિચકેન્ડી હોસ્પિટલ અને લતા મંગેશકરના ઘરની બહાર સિક્યોરિટી વધારવામાં આવી છે. 92 વર્ષીય લતા મંગેશકર ક્રિટિકલ હોવાના સમાચાર મળતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે તથા મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અસલમ શેખ લતાદીદીની ખબર પૂછવા માટે બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચી ગયા હતા.

લતા મંગેશકર અગ્રેસિવ થેરપી પર છે
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતીત સમદાણીએ સાંજે 4-45 વાગ્યે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે લતાજી ICUમાં છે અને તેમને અગ્રેસિવ થેરપી અપાઈ રહી છે. ડૉક્ટરની એક ટીમ 24x7 તેમનું ધ્યાન રાખી રહી છે.

ડૉ. પ્રતીત સમદાણી
ડૉ. પ્રતીત સમદાણી

સારવાર દરમિયાન મૃત્યુની અફવા આવી હતી
થોડા દિવસ પહેલાં લતા મંગેશકરના મૃત્યુની અફવા ફેલાઈ હતી. એ પછી તેમના અકાઉન્ટ પરથી પરિવારે કહ્યું હતું, ‘મહેરબાની કરીને અફવા પર ધ્યાન ના આપો. બ્રીચ કેન્ડી હોસ્પિટલના પ્રતીત સમદાનીએ અપડેટ આપ્યું હતું. દીદીની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને સારવાર ICUમાં ચાલુ છે. અમે તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ.’

લતાજીએ આંખ ખોલી છે: રાજેશ ટોપે
પાંચ દિવસ પહેલાં મીડિયા સાથે વાતચીત દરમિયાન મહારષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે ‘મેં લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટર સાથે વાત કરી. તેઓ સ્વસ્થ થઈ રહ્યાં છે. તેમણે કોરોના અને ન્યુમોનિયાને માત આપી છે. પહેલાં તેઓ વેન્ટિલેટર પર હતાં, પણ હવે નથી. હવે તેમને માત્ર ઓક્સિજન જ આપવામાં આવી રહ્યો છે. તેમણે આંખ ખોલી છે અને તેઓ ડૉક્ટર સાથે પણ વાત કરી રહ્યાં છે. કોરોનાને લીધે થોડી નબળાઈ આવી ગઈ છે, પણ તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.’

કેવી રીતે કોરોના થયો?
લતા મંગેશકર સ્ટુડિયોઝ એન્ડ મ્યુઝિકના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) મયૂરેશ પાઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર (8 જાન્યુઆરી) મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. અત્યારે તેઓ ICUમાં છે અને સારવાર ચાલે છે. દીદી, તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યાં હતાં, આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ આવ્યાં હતાં. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશન છે.

2019માં દાખલ થયાં હતાં
ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને હાઉસ હેલ્પરને કારણે ચેપ લાગ્યો હતો. 2019માં લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ 28 દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં. લતા મંગેશકરને 8 જાન્યુઆરી, શનિવારના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

2001માં ભારત રત્નથી સન્માનિત થયાં હતાં
લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયાં છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને ‘દાદા સાહેબ ફાળકે’ અવૉર્ડથી પણ નવાજવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...