કચ્છ ડબલ મર્ડર ભાગ-3 / બીજી પત્નીને ખુશ કરવા પતિએ પહેલી પત્નીના 2 સંતાનની હત્યા કરી

crime story: kutchh double murder case part-3

  • પહેલાં દીકરીને પાલનપુર અને પછી દીકરાની કચ્છના જંગલમાં હત્યા કરી
  • ટૂંપો આપી પુત્રી કાયમ માટે શાંત થઇ જતાં મૃતદેહને રઝળતો મુકી દીધો

DivyaBhaskar.com

May 15, 2019, 12:06 AM IST

રાજકોટ: અત્યાર સુધી શાંતીથી પૂછપરછ કરી રહેલા પીએસઆઇ જાડેજાએ બે માસૂમ સંતાનની હત્યા કરનાર દંપતીને ખાખીના અસલ મીજાજનો પરચો આપવાનું શરૂ કર્યું. મિનિટોમાં જ પોપટ બની ગયેલા શામજીએ પત્ની જ્યોતી સામે નજર કરી અને બોલવાનું શરૂ કર્યું. શામજીની કબૂલાત મૂજબ તેની પ્રથમ પત્ની લક્ષ્મી થકી પુત્રી આરતી અને પુત્ર મુકેશના જન્મ થયા હતા. પ્રથમ પત્ની લક્ષ્મીના મૃત્યુ પછી તેણે જ્યોતી સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ જ્યોતી બન્ને સાવકા સંતાન સાથે ઓરમાયું વર્તન કરતી હતી. જ્યોતીને સાવકા પુત્ર-પુત્રી આંખમાં કણાની જેમ ખૂંચતા હોવાથી સંતાનોને લઇને રોજ પતિ સાથે ઝઘડા કરતી હતી. પત્નીની કામયી ટક ટકથી શામજીની બુધ્ધિ બહેર મારી ગઇ હતી. બાળકોનો શું રસ્તો કરવો એ સમજાતું ન હતું. એક દિવસ જ્યોતી સાથે મળીને ખોફનાક યોજના ઘડી કાઢી હતી.

નિર્જન ઝાડીમાં પુત્રીને મોતને ઘાટ ઉતારી

બન્ને બાળકને કાયમ માટે જીંદગીમાંથી દૂર કરી દેવાની યોજના બનાવ્યા પછી શામજી કોલકત્તા ગયો હતો. કોલકત્તાથી ટ્રેનમાં કચ્છ પરત આવતી વખતે પુત્રી આરતીની હત્યા કરવાના ઇરાદે તે પુત્રી સાથે પાલનપુર રેલવે સ્ટેશન ઉતરી ગયો હતો. શામજી વાઘેલા 12 વર્ષની પુત્રીને રેલવે સ્ટેશન પાછળ નિર્જન ઝાડીમાં લઇ ગયો હતો. માસૂમ પુત્રીને ખબર ન હતી કે તેનું એક એક કદમ મોત તરફ આગળ વધી રહ્યું હતું, એ તો સહજભાવે પિતાનો હાથ પકડીને આગળ વધી રહી હતી. શામજીના મગજ ઉપર શૈતાન સવાર થઇ ગયો હતો, શામજીએ આગળ ચાલી રહેલી પુત્રીને ટૂંપો આપી દીધો, થોડી સેકંડ તરફડીયા માર્યા પછી પુત્રી કાયમ માટે શાંત થઇ જતાં મૃતદેહને ત્યાં રઝળતો મુકીને કંઇ જ બન્યું ન હોય તેમ પરત કચ્છ આવી ગયો હતો.

પત્નીને ખુશ કરવા પતિએ 2 સંતાનની હત્યા કરી

પુત્રીની હત્યાના 10 દિવસ પછી શામજી અને જ્યોતી રાતે 11 વાગે પુત્ર મુકેશને લઇને પગપાળા હબાય ગામ નજીક મણકા રખાલ નામથી ઓળખાતા નિર્જન જંગલમાં પહોંચ્યા હતા. મુકેશને પણ પુત્રી આરતીની જેમ ગળા ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મૃતદેહે વેરાન જંગલમાં મુકીને ઘરે આવીને સૂઇ ગયા હતા. પાડોશીઓ, સગા, સંબંધીઓ જ્યારે પણ બન્ને સંતાન વિશે પૃચ્છા કરતા ત્યારે સંતાનને અભ્યાસ માટે બહારગામ ભણવા મૂક્યા છે તેવું જૂઠ્ઠાણું ચલાવતા હતા. આ ઘટનામાં હત્યારા દંપતી સિવાય કોઇ દાર્શનિક સાહેદ ન હોવાથી પોલીસે મજબૂત પૂરાવા માટે જંગલમાંથી મળેલી મુકેશની ખોપડી અને કંકાલના ડીએનએ સાથે પિતા શામજીના ડીએનએ મેચ કરાવ્યા હતા. રિપોર્ટમાં બન્નેના ડીએનએ મેચ થઇ જતા પોલીસને મહત્વનો સજ્જડ પૂરાવો મળ્યો હતો. બીજી પત્નીને ખુશ રાખવા માટે બે-બે સંતાનની હત્યાના આ બનાવને પગલે સમગ્ર કચ્છ પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. કાળજાના કટકા જેવા માસૂમ સંતાનોને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દેનાર દંપતી ઉપર ફિટકાર વરસી રહ્યો હતો.

પોલીસે ડબલ મર્ડરના ગુનામાં બન્નેની ધરપકડ કરી

આ કેસમાં મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી મદદનીશ સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ તર્કબધ્ધ દલીલો કરી હતી તેમજ પોલીસ તપાસના કાગળ, ડીએનએ રિપોર્ટ સહિતના 30 દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા તેમજ 26 સાક્ષીની જુબાની તપાસ હતી. અદાલતે સરકારી વકીલની દલીલ, રજૂઆત અને સાક્ષીની જૂબાની, પૂરાવાના આધારે બે માસૂમ બાળકની હત્યામાં શામજી અને તેની પત્નીની જ્યોતીને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે બે-બે બાળકોની હત્યાના બનાવને જધન્ય અપરાઘ ગણાવીને મૃતકના પિતા શામજી અને સાવકી માતા જ્યોતિને જનમટીપની સજા તેમજ રૂપિયા 5-5 હજાર દંડનો હુકમ કર્યો હતો.

X
crime story: kutchh double murder case part-3
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી