અમદાવાદ કરોડપતિ કિન્નર હત્યા ભાગ-1 / સોનિયા દેને નહેરૂબ્રિજ પાસે ગોળીઓ ધરબી દેવામાં આવી

Crime Story: Ahmedabad Sonia De murder case part-1

  • બાઇક પર આવેલા શખ્સો સોનિયા દે પર ધાણીફૂટ ગોળીબાર કરીને ભાગી ગયા
  • સોનિયા દેના મોત બાદ પોલીસે પર્સ તપાસતા તેમાંથી 1 લાખ રોકડા મળ્યા હતા

DivyaBhaskar.com

May 16, 2019, 12:06 AM IST

અમદાવાદઃ કરોડોની સંપત્તિના કારણે હરીફો સહિત અનેક લોકો સાથે દુશ્મનાવટ થઈ જતી હોય છે. જ્યારે અંડરવર્લ્ડ, રાજકારણીઓ સાથેનો ઘરોબો પણ હત્યા સુધી પહોંચતો હોય છે. અને કોઈ પણ જગ્યા અથવા સિટી, સમાજમાં વર્ચસ્વ જમાવવા પણ દુશ્મનોનો રાફડો ફાટી નીકળતો હોય છે. આવી જ એક ઘટના નવેમ્બર 2011માં અમદાવાદમાં સામે આવી હતી.

પાણીપુરી ખાવા પહોંચતા ગોળીબાર

24 નવેમ્બર 2011ના રોજ કરોડપતિ કિન્નર સોનિયા દે ગેંગવોરનો ભોગ બની અને અમદાવાદના નહેરૂબ્રિજ પાસે ગોળીઓની ધણધણાટી વચ્ચે તેનું મોત થયું હતું. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતી સોનિયા દે રોજની જેમ સાંજે નહેરૂબ્રિજના છેડે પાણીપુરી ખાવા પહોંચ્યો હતો. થોડી જ વારમાં બાઇક પર આવેલા શખસોએ ધાણીફૂટ ગોળીબાર કરીને ત્યાંથી ભાગી ગયા હતા.આ ગોળીબારમાં સોનિયા દેનું મોત થયું હતું. કોઇ કંઇ સમજે તે પહેલાં જ કિન્નર સમાજના લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા.આ સમગ્ર મામલે તપાસ કરવા અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ જોડાઇ ગઇ અને આ ફાયરીંગ કોંન્ટ્રાક્ટ કીલીંગ હોવાનુ સામે આવા લાગ્યું હતું.પહેલી શંકા સોનિયા દેની સામેની ગેંગ ચલાવતા કિન્નર સંજુ દે પર ગઇ અને આખરે આ કેસમાં સંજુના સાગરીતોએ જ સોનિયા દેની હત્યા કરાવી હોવાનુ સામે આવ્યું હતું.

કિન્નર સમાજમાં આગવી ઓળખ ઊભી કરી

નાનપણથી જ છોકરીઓનાં કપડાં પહેરવાનો શોખીન સોનિયા દે મૂળ જમાલપુરની સોદાગરની પોળમાં રહેતો હતો. પરિવારના વિરોધ વચ્ચે તેણે પોતાને ‘ગમતું’ છોડ્યું ન હતું અને 7 વર્ષની ઉંમરે કિન્નર બની ગયો હતો. સાથીઓના સાથ અને તેના ગુરૂના આશીર્વાદથી સોનિયા દેએ ટૂંક સમયમાં જ કિન્નર સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરી દીધી હતી. તે પોતાના સાથીઓ સાથે મિરઝાપુર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામેના બિલ્ડિંગના ત્રીજા માળે રહેતો હતો. રાતની બેઠક તેની ખાનપુર પાસે હતી.

75 તોલા સોનાના દાગીના પહેરતો હતો

જેમ જેમ કિન્નર સમાજમાં સોનિયા દેનું કદ વધતું ગયું તેમ તેમ તેના દુશ્મનો વધતા ગયા હતા. ઘણીવાર બક્ષીશ ઉઘરાવવા મુદ્દે બીજા કિન્નર સમૂહ સાથે તેની તકરાર પણ થઈ હતી. એટલું જ નહીં સોનિયા દેની હત્યાના દોઢ વર્ષ પહેલાં સોનાના દાગીનાની ચોરીના મુદ્દે સાથી કિન્નરને ફટકારતાં સોનિયા દેના હાથે હત્યા પણ થઈ હોવાના આક્ષેપ થયા હતા, તેમ છતાં સોનિયા દે તેની જિંદગી જીવતો હતો.કિન્નરોના કાર્યક્રમ કે પછી બક્ષીશ ઉઘરાવવા જાય ત્યારે સોનિયા દે સાડી-બ્લાઉઝમાં સજજ થઈ જતો હતો. પરંપરાગત વસ્ત્રો ધારણ કરી તે 75 તોલા સોનાના દાગીના પહેરતો હતો.પાણીપુરીનો શોખીન સોનિયા સાંજે મિત્રો સાથે નીકળે ત્યારે એક મોર્ડન યુવતી જેવો દેખાતો હતો. તે પોતાના લૂક પ્રત્યે ભારે સભાન હતો.

મોંઘાદાટ બ્યૂટીપાર્લરમાં રોજની અવરજવર હતી

મોંઘાદાટ બ્યૂટીપાર્લર અને યુનિસેક્સ સ્પામાં તેની નિયમિત અવરજવર હતી. એવું કહેવાય છે કે સોનિયાના પાકીટમાં રૂ.2 લાખથી અઢી લાખ રોકડા હંમેશાં રહેતા. તેના મિત્ર વર્તુળના કહેવા મુજબ તેનો રોજનો ખર્ચ રૂ.10 હજાર હતો. તેના મોત બાદ પોલીસે તેનું પર્સ તપાસ્યું ત્યારે પણ તેમાંથી રૂ.1 લાખ રોકડા મળ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે સોનિયા દે જાણતો હતો કે જે દુનિયામાં તે રહે છે તે દુનિયામાં સિક્કાનો રણકાર તેને એક દિવસ ભરખી જશે. આ જ કારણ છે કે હત્યા થયાના થોડા સમય પહેલાં એક તવેરા કાર ખરીદી હતી, જેથી તે બહાર જાય ત્યારે સુરક્ષિત રહે, સાથી કિન્નરની હત્યાના આરોપસર જ્યારે સોનિયા દે જેલમાં હતો ત્યારે ત્યાં પણ તેણે અન્ય કેદીઓને જમાડવાથી માંડીને અનેક સામાજિક કામમાં પૈસા ખર્ચયા હતા.

કરોડો રૂપિયાનો માલિક હતો

એવું કહેવાતું હતું કે લિવાઇસની જીન્સ અને બેનેટનની ટી-શર્ટનો શોખીન સોનિયા દે 30 કિલો સોનું અને કરોડો રૂપિયાનો માલિક હતો. એવું કહેવાય છે કે માત્ર 27 વર્ષનો કરોડપતિ કિન્નર સોનિયા દે લખલૂંટ સંપત્તિ અને ધનનો માલિક હતો. પોતાના એરકન્ડિશન્ડ રહેઠાણમાં અધ્યતન જિમ અને જી-હજુરી કરતા સાથી કિન્નરોથી ઘેરાયેલા રહેતા સોનિયા દે પાસે 30 કિલોથી વધુ સોનું અને એલિસબ્રિજ વિસ્તારમાં એક હોટેલ સહિત કરોડો રૂપિયાની મિલકત હતી. લોકોની માનીએ સાનિયા દેના સમૂહની એક દિવસની આવક રૂ. 50 હજારની હતી.

મોર્ડન કિન્નર તરીકેની ઓળખ હતી

કરોડોની સંપત્તિના કારણે હરીફ કિન્નર સમૂહ સહિત અનેક લોકો સાથે તેની દુશ્મનાવટ થઈ હતી. ખુદ સોનિયા દેને પણ અંડરવર્લ્ડથી માંડી કેટલાક પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ સાથે ઘરોબો હોવાનું ચર્ચાતું હતું. આ જ વૈભવી અને બિન્ધાસ્ત લાઇફ સ્ટાઇલ તેની મોતનું કારણ બની હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યું હતું. સોનિયા દેને કેટલાક મોર્ડન કિન્નર તરીકે પણ ઓળખતા હતા.

ફેશન ગુરૂનો ખિતાબ મળ્યો હતો

સ્કિન ટાઇટ લિવાઇસનું જીન્સ, બેનેટનની ટીશર્ટ અને રેબેન પહેરી કિન્નર સોનિયા દે તેના સફેદ રંગના એક્સેસ સ્કૂટર પર નીકળતો ત્યારે ભલભલાની નજર રોકાઈ જતી. પહેલી નજરે તો તેને લોકો કોલેજિયન યુવતી જ સમજી બેસતા. પાછળથી જ્યારે તેમને ખબર પડતી તે કિન્નર છે, ત્યારે લોકો અચંબામાં પડી જતા હતા. જિંદાદિલ કિન્નર ઇમરાન અજમેરી ઉર્ફે સોનિયા દેની વૈભવી લાઇફ સ્ટાઇલ આવી હતી. દરમિયાન કિન્નર સમાજના અખીલ ભારતીય ફેશન શોમાં ફેશન ગુરૂનો ખિતાબ મળ્યો હતો. જે તે ખિતાબ પણ વિવાદોમાં સપડાયું હતું જ્યારે એવા આક્ષેપો થયા હતા કે તે શોમાં સોનિયા જ જજ હતી અને તે જ ભાગ લેનાર.

સોનિયા દેને બીગ બોસમાં જવું હતું

સોનિયાને ગ્લેમર વિશ્વમાં પણ રસ હતો. બીગ બોસ સિઝન ફાઇવમાં તેને ભાગ લેવો હતો. મુંબઈની સેલિબ્રિટી વ્યંડળ લક્ષ્મીનારાયણ બીગ બોસમાં શરૂઆતના તબક્કામાં હતી, જે જોઈને સોનિયાને પણ બીગ બોસમાં ભાગ લેવો હતો. તેણે પોતાના મુંબઈના મિત્રોને સતત ફોન કર્યા હતા અને પોતાને બીગ બોસમાં ભાગ લેવામાં મદદ કરે તેવી વિનંતી કરી હતી.

(આવતી કાલે અમદાવાદ કરોડપતિ કિન્નર હત્યા ભાગ-2માં વાંચો, મધ્યપ્રદેશના શાર્પશૂટરને 1 લાખ આપીને સોનિયા દેની હત્યા કરાઈ)

X
Crime Story: Ahmedabad Sonia De murder case part-1
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી