ન્યૂ ગેમ / 27 વર્ષના પત્રકાર અબીર કપૂરે ચૂંટણીના માહોલમાં ધ પોલઃ ધ ગ્રેટ ઈન્ડિયન બોર્ડ ગેમ બનાવી

27-year-old journalist Abir Kapoor made the poll: The Great Indian Board Game in the election environment

divyabhaskar.com

May 21, 2019, 04:07 PM IST

દિલ્હીઃ અત્યારે ચારેબાજુ ચૂંટણીનો માહોલ જામેલો છે. આખરે કોણ બનશે ભારત દેશના વડાપ્રધાન તેનું પરિણામ આવવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે ભારતની દરેક રાજકીય પાર્ટીએ ચૂંટણી જીતવા અને લોકોને પોતાના પક્ષમાં કરવા માટે કોઈ કસર બાકી નથી રાખી. ભારત સાથે અન્ય દેશોની જનતા પણ ભારતની ચૂંટણી પર નજર રાખીને બેઠી છે. તો હવે ઈલેક્શનના આ માહોલને વધુ મજેદાર બનાવવા અને લોકોને આપણી ઈલેક્શન પ્રક્રિયામાં વધુ સારી રીતે ઈન્વોલ્વ કરવા માટે એક યુવા પત્રકારે ઈલેક્શન બોર્ડ ગેમ બનાવી છે. જે એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે ઓનલાઇન તેનું વેચાણ થવા લાગ્યું છે. આ ગેમનો હેતુ એ છે કે લોકો આપણી ચૂંટણી પ્રક્રિયાને વધુ સારી રીતે, વધુ ઊંડાણથી સમજે અને રાજકીય પક્ષોની મેન્ટાલિટી પણ સમજે. આ પછી જ્યારે તેઓ મતદાન કરશે ત્યારે તેઓ વધુ સારી, મજબૂત અને ખરેખર લોકો માટે કામ કરતી સરકાર ચૂંટી શકશે.


દિલ્હીમાં રહેતા 27 વર્ષના અબીર કપૂરે 'ધ પોલઃ ધ ગ્રેટ ઈન્ડિયન ઈલેક્શન ગેમ' બનાવી છે. આ ગેમ બનાવવામાં તેણે બે સંશોધકો અનન્દ્યા બજાજ અને વિદિતા પ્રિયદર્શિનીની મદદ લીધી હતી. પત્રકાર અબીર કપૂરે અનેક ભારતીય વિધાનસભાની ચૂંટણીઓનું રિપોર્ટિંગ કર્યું છે. પરંતુ છેલ્લે મે મહિનામાં કર્ણાટક ચૂંટણી પર અહેવાલ આપ્યા પછી અબીરને આ ઈલેક્શન ગેમ બનાવવાનો વિચાર આવ્યો. આ વિશે વાત કરતા અબીર કહે છે કે, 'મેં વિચાર્યું કે રાજકીય પક્ષો પાસે કયા મૂળભૂત સંસાધનો છે? તેમની પાસે પૈસા છે, ચૂંટણી જીતવા માટે એક મેનિફેસ્ટો છે અને એજન્ડા/વિચારધારા છે, જેનાથી તેઓ આગળ વધી શકે છે. બસ, મેં પણ આ જ ત્રણ પોઇન્ટ્સ ધ્યાનમાં રાખીને આખી ગેમ તૈયાર કરી છે.'


ધ પોલ: ધ ગ્રેટ ઇન્ડિયન ઇલેક્શન ગેમ ભારતની રાષ્ટ્રીય ચૂંટણી પ્રક્રિયા, યુદ્ધો અને તમામ પાસાંને અનુસરે છે. આ ગેમ ત્રણથી છ વ્યક્તિઓની વચ્ચે રમી શકાય છે. તેમાં દરેક લોકસભાની ચૂંટણી માટે પોતાની અલગ પોલિટિકલ પાર્ટી બનાવી શકે છે. ગેમમાં દરેકને એક પ્લેયર મેટ અને 30 કેમ્પેઇન સ્ટ્રેટેજી બનાવવા માટે 5000 રૂપિયા મળે છે. તેમજ મેટની સાથે 40 ડિફરન્ટ કલર્સની કૂકરીઓ પણ હશે. આ સાથે 2 મીડિયા કાર્ડ્સ મળશે, જેનો તમે તમારી પાર્ટીની જાહેરાત કરાવવા ઉપયોગ કરી શકશો અને આ સાથે 1 ઈલેક્શન કમિશન કાર્ડ હશે. ગેમની શરૂઆતમાં દરેક પ્લેયરે પોતાની પાર્ટી માટે મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો બનાવવાનો રહેશે, જે આગળ જઇને તમને ચૂંટણી જીતવામાં મદદ કરશે. આ મેનિફેસ્ટો માટે તમારે એક પોલિસી કાર્ડ દોરવું પડશે અને એમાં વચનો આપવા પડશે કે તમે આ ચૂંટણી જીત્યા પછી કયા કામ કરશો?


ત્યારબાદ ખેલાડીઓએ ચૂંટણી માટે નીતિઓ પસંદ કરવાની રહેશે. ગેમમાં અનેક માહિતી અને લોકોને નડતી સમસ્યાઓ દર્શાવતા કાર્ડ્સ આવશે. એ પસંદ કરીને તમે બનાવેલા મેનિફેસ્ટોથી ચૂટણી જીતવાની રહેશે. તમારા મેનિફેસ્ટોથી તમારે અન્ય ખેલાડીઓને સંમત કરવા પડશે. આ સાથે તેમને એ પણ વિશ્વાસ અપાવવો પડશે કે તમે જે વચનો આપ્યા છે તેનાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. જો તમે અન્ય લોકોને સંમત કરવામાં સફળ રહ્યા તો તમે આ ગેમ અને ચૂંટણી જીતવામાં સફળ થશો.


નિર્માતાઓએ વાસ્તવિક ભારતીય રાજકીય પક્ષોના મેનિફેસ્ટોનો ઉપયોગ કરીને આ ગેમ બનાવી છે. જો કે, આ ગેમમાં ક્યાંય કોઈ આપણા રાજકીય પક્ષોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગેમની અન્ય સામગ્રી સત્તાવાર પાઠયપુસ્તકો, સરકારી વેબસાઇટ્સ અને ન્યૂઝપેપર્સની હેડલાઇન્સ વગેરે સ્રોતમાંથી લેવામાં આવી છે. ભારતીય રાજકારણ અને તેના દરેક પાસાંને અનુસરતી આ માઇન્ડ ગેમ એકવાર તો ચોક્કસ રમવા જેવી છે. અમેઝોન પર 2500 રૂપિયામાં વેચાતી આ ગેમ અત્યારે 2000 રૂપિયામાં ખરીદી શકાય છે.

X
27-year-old journalist Abir Kapoor made the poll: The Great Indian Board Game in the election environment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી