તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોરતાં સાથે જ ઝગમગી ઊઠતી ટેમ્પરરી ટેટૂની રંગીન દુનિયાની એ ટુ ઝેડ ઇન્ફર્મેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રીષ્મા કાગડા: નવરાત્રી આવે એટલે ચણીયા ચોલી, દાંડિયા, કેડિયું વગેરેનાં માર્કેટ જાત-ભાતની ડિઝાઇનોથી છલકાઈ ઊઠે છે. છોકરીઓના તો ખાસ નવરાત્રી માટેના મેકઅપ લુક્સ પણ આવે છે. આ નવલાં નોરતાંમાં મેકઅપ, ડ્રેસ, ઓર્નામેન્ટ્સની સાથે હજુ પણ એક વસ્તુ છે જે ખૈલૈયાના લુકને ચાર ચાંદ લગાવી દે છે અને એ છે ટેટૂ. એવું કહી શકાય કે આ ગરબાની સીઝન ટેમ્પરરી ટેટૂની સીઝન પણ છે. ટેટૂ બે પ્રકારનાં હોય, એક ટેમ્પરરી અને બીજું પર્મેનન્ટ. ટેમ્પરરી ટેટૂ એટલે એવું ટેટૂ જે તમારા શરીરની ચામડીનાં સ્તરમાં જતું નથી, અને થોડા સમય બાદ ઝાંખું થઈને ગાયબ થઈ જાય છે. જ્યારે પર્મેનન્ટ ટેટૂ સ્કિનના લેયરમાં ઊતરે છે અને જિંદગીભર એ જ જગ્યાએ ટકી રહે છે. નવરાત્રી ફેસ્ટિવલમાં લોકો ટેમ્પરરી ટેટૂ કરાવવાનું વધુ પસંદ કરે છે કારણકે તેમાં ફેશન પણ સચવાઈ રહે છે અને શરીરને કોઈ નુકસાન પણ થતું નથી, સાથે-સાથે સોને પે સુહાગાની જેમ વ્યક્તિ ઈચ્છે તો દરરોજ નવાં-નવાં ટેટૂ પણ ચીતરાવી શકે છે. તો આવો જાણીએ, કેવી છે આ ટેમ્પરરી ટેટૂની રંગીન દુનિયા...

શું છે ટેમ્પરરી ટેટૂ?
ટેમ્પરરી ટેટૂ એટલે તેનાં નામ પ્રમાણે એવું ટેટૂ જે કાયમ નહીં ટકે. મોટેભાગે ટેમ્પરરી ટેટૂનું આયુષ્ય 1 દિવસથી લઈને 7થી 10 દિવસનું હોય છે. આ કામચલાઉ ટેટૂમાં કલરફુલ ટેટૂ થઇ શકે, બ્લેક એન્ડ ગ્રે ટેટૂ પણ થઇ શકે. આ ટેટૂ તમારી સ્કિનના ઉપરના લેયરમાં જ રહે છે. પરમેનન્ટ ટેટૂની સરખામણીએ આ ટેટૂ કરાવતી વખતે કોઈ દુખાવો થતો નથી, કારણકે તેની પ્રોસેસમાં ક્યાંય પણ નીડલ એટલે કે સોયનો ઉપયોગ થતો જ નથી. ઉપરાંત આ પ્રકારના ટેટૂમાં રંગોની ખૂબ મોટી રેન્જ મળે છે જેનો ટેટૂમાં ઉપયોગ સરળતાથી થઇ શકે છે.

ચિરાગ સોની
ચિરાગ સોની

ટેમ્પરરી ટેટૂમાં શું વપરાય છે?
ટેમ્પરરી ટેટૂની ઇન્ક અલગ હોય છે. અમદાવાદના ‘રોબિન્સ ટેટૂ સ્ટુડિયો’ના ચિરાગ સોનીએ આ બાબતે વિસ્તૃત માહિતી આપી સમજાવ્યું કે, ‘ટેમ્પરરી ટેટૂ બે પ્રકારે થઇ શકે. એક સ્પ્રેવર્કથી અને એક એક્રેલિક પેઇન્ટની મદદથી. સ્પ્રેવર્કમાં હાલ એરબ્રશથી કામ કરવાનો ટ્રેન્ડ છે. આ પ્રકારના ટેટૂ માટે હર્બલ ડાય વાપરવામાં આવે છે. આ હર્બલ ડાય હાથ પર કરવામાં આવતી મહેંદી જેવી જ હોય છે. જ્યારે એક્રેલિક પેઇન્ટમાં સારી બ્રાન્ડના કલર્સ યુઝ કરવામાં આવે છે. અમે લોકો મહેંદીનો કોન જેમ બનાવામાં આવે છે એ રીતે કોન બનાવી ટેટૂ બનાવીએ છીએ.’

ટેટૂ કરાવતાં પહેલાં કોઈ તકેદારી રાખવાની જરૂર?
આ ટેમ્પરરી ટેટૂ છે એટલે કોઈ મશીન કે કોઈ ઇન્ક તમારા શરીરની અંદર તો જવાની નથી તેમ છતાં અમુક બાબતોની કાળજી રાખવી હિતાવહ છે. એક્રેલિક કલર સામાન્ય રીતે શરીર માટે નુકસાનકારક નથી, પરંતુ હર્બલ ડાય બાબતે થોડા મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. અન્ય એક ટેટૂ આર્ટિસ્ટ કુનાલ ગોસ્વામીએ બધી વાત ક્લીઅરકટ સમજાવતાં કહ્યું કે, ‘જુઓ, હર્બલ ડાય મહેંદી જેવી જ હોય છે. પણ આ ડાય દરેક વ્યક્તિની સ્કિનને માફક આવે એવું જરૂરી નથી. આ ડાયમાં હાઇડ્રોજન પેરોક્સાઈડ હોય છે. અમુક વ્યક્તિની ત્વચાને જો આ સૂટ ન કરે તો તેને આનું ઇન્ફેક્શન લાગી શકે છે. રિએક્શનના ભાગરૂપે નાની નાની ફોલ્લીઓ થઇ શકે છે. સફેદ ડાઘ પણ થઇ શકે છે. માટે સૌ પ્રથમ એ જાણી લેવું જોઈએ કે તમારી સ્કિન આ ટેટૂ માટે સાનુકૂળ છે કે નહીં. એક્રેલિક પેઇન્ટ જરાપણ હાર્મફુલ નથી. લોકોની સ્કિનને તે માફક આવી જાય છે.’

શું હોય છે ટેટૂની પ્રોસેસ?
સૌપ્રથમ તો ડિઝાઇન નક્કી થાય છે કે કેવું ટેટૂ કરાવવાનું છે. ત્યારબાદ શરીર પર કઈ જગ્યાએ એટલે કે બોડી પ્લેસમેન્ટ નક્કી થાય છે. અમુક ટેટૂ શરીર પર દોરવામાં આવે છે તો અમુક માટે સ્ટેનસિલનો ઉપયોગ થાય છે. સ્ટેનસિલ એક પેપર હોય છે જેમાં ડિઝાઇન કોતરેલી હોય છે અને તેને શરીર પર રાખી તેના પર એરબ્રશ ફેરવી દેવામાં આવે છે. ડિઝાઇનવાળો પાર્ટ આરપાર દેખાય છે, જેને કારણે સ્પ્રે સીધો સ્કિન પર જ ચોંટી જાય છે. જે ડિઝાઇન કરવાની હોય તેનું સ્ટેનસિલ બનાવી લેવામાં આવે ત્યારબાદ તે ટેટૂ બનાવવામાં વધુ સમય લાગતો નથી. જ્યારે ટેટૂને દોરીને બનાવવામાં આવે છે ત્યારે તેમાં વધુ સમય લાગે છે. જ્યાં ટેટૂ ચિતરાવવાનું હોય એ સ્કિન સાફ કરી તેના પર કામ કરવામાં આવે છે.

ટેટૂ કરાવ્યા બાદ શું તકેદારી રાખવાની?
આર્ટિસ્ટ કેવિન ટેલરે જણાવ્યું કે, હર્બલ ડાયવાળું ટેટૂ 7થી 10 દિવસ સુધી ટકી રહે છે. જ્યારે એક્રેલિક પેઇન્ટવાળું ટેટૂ 1 દિવસ પૂરતું જ ટકી રહે છે. આ દરેક ટેટૂ પર સૂર્યપ્રકાશ અને પરસેવાની અસર તો થાય જ છે. આ ટેટૂ પર કોઈ કપડાંને ભારપૂર્વક ન ફેરવવું. પેઇન્ટ પર પરસેવો ન થાય તેનું ધ્યાન રાખવું અને પાણી ન અડે તેની કાળજી રાખવી જોઈએ. બાકી કોઈ બીજી ખાસ પરેજી પાળવાની હોતી નથી જેવી પર્મેનન્ટ ટેટૂમાં રાખવાની હોય છે. પર્મેનન્ટ ટેટૂમાં ટેટૂ પર એક અઠવાડિયા સુધી પ્લાસ્ટિક રૅપ કરવામાં આવે છે અને ખાવામાં પણ પરેજી રાખવાની હોય છે. તેની સરખામણીમાં ટેમ્પરરી ટેટૂમાં આવું કઈ જ હોતું નથી.

કેવિન
કેવિન

ટ્રેન્ડ શું છે?
ટેટૂ આર્ટિસ્ટ હિરેન ગજ્જરે જણાવ્યું કે, ‘મોટેભાગે લોકો દાંડિયા રમતા ખેલૈયાનાં જ ટેટૂ કરાવે છે. છોકરીઓ પીઠ પર આવા ટેટૂ વધુ બનાવડાવે છે.’ હિરેને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘રામલીલા’નું એક ટેટૂ બનાવ્યું હતું, જેને બનાવતાં તેને 7 કલાકનો સમય લાગ્યો હતો. આ સિવાય લોકો થીમ બેઝ્ડ પણ ટેટૂ બનાવડાવે છે જેમકે હાલ મોટર વ્હિકલ એક્ટ, આર્ટિકલ 370 ચર્ચામાં છે તેના પર આધારિત કોઈ ટેટૂ બનાવવામાં આવે છે. ફક્ત આટલું જ નહીં, માર્કેટમાં ગ્લિટર સ્ટિકર્સ પણ મળે છે જેને લોકો શરીર પર લગાવતાં હોય છે. આ સ્ટિકર્સનું આયુષ્ય 3-4 કલાકનું હોય છે. નવરાત્રીમાં લોકો ફ્લોરોસન્ટ કલરનાં ટેટૂ કરાવવાનો આગ્રહ રાખે છે કારણકે તે રાત્રે અંધારામાં સારાં દેખાય છે.

ટેમ્પરરી ટેટૂ પાછળનો ખર્ચ
ટેમ્પરરી ટેટૂના ભાવ આર્ટિસ્ટ વાઇસ અને ડિઝાઇન અલગ-અલગ હોય છે. ટેટૂની ડિઝાઇન, કયા પ્રકારનું ટેટૂ છે, કઈ જગ્યા પર કરાવવાનું છે તેના પર મુખ્યત્વે પ્રાઇસ આધાર રાખે છે. જો ટેટૂ દોરીને કરવાનું હોય તો તેનો ચાર્જ અલગ હોય છે, એક્રેલિક પેઇન્ટના અલગ ભાવ, એર બ્રશથી થનારા ટેટૂના પણ અલગ ભાવ હોય છે. રોબિન ટેટૂ સ્ટુડિયોના આર્ટિસ્ટ ચિરાગે જણાવ્યું કે, ‘અમારે ત્યાં જનરલી 500થી 2000 રૂપિયામાં એક્રેલિક પેઇન્ટનાં ટેટૂ કરવામાં આવે છે. જ્યારે એર બ્રશના ટેટૂ 300થી 500 રૂપિયામાં થાય છે.
પર્મેનન્ટ ટેટૂની જેમ આમાં ઇન્કના આધારે ભાવમાં ફેરફાર થતો નથી. ટેમ્પરરી ટેટૂમાં ડિઝાઇનના આધારે જ ભાવ નક્કી થાય છે.’


અમુક ફેશન શોખીનો તો નવરાત્રીના નવેનવ દિવસ પોતાના બોડીને કેન્વાસ જ માને છે અને રોજ અલગ-અલગ ટેટૂ બનાવતા હોય છે. જે ગરબા લવર્સ સીઝન પાસ લઈને રોજ રમવા જતા હોય છે તેઓ ફાઇનલ રાઉન્ડ હોય તે દિવસે આવાં ટેટૂ કરાવવાનું વધુ પ્રિફર કરતા હોય છે જેથી તેમને બેસ્ટ ડ્રેસ્ડની કેટેગરીમાં પ્રાઈઝ મળવાના ચાન્સ વધી જાય.


નવરાત્રી આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે ત્યારે ગરબા લવર્સ ટેટૂ સ્ટુડિયોમાં બે ત્રણ સિવસ અગાઉથી જ વિઝીટ કરવા લાગે છે. ટેટૂ ટ્રેન્ડને છોકરીઓ વધુ ફોલો કરતી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...