સ્ટાર્ટઅપ / કોર્પોરેટ જોબ છોડીને લોકોને દૂધ પીવડાવી કમાણી કરી રહ્યો છે પ્રદીપ શ્યોરાણ, સમાજમાં અનોખો બદલાવ લાવવા ઈચ્છે છે

divyabhaskar.com | Updated - Apr 13, 2019, 06:24 PM
pradeep sheoran started unique startup of milk business

હરિયાણાઃ આજકાલ ઘણાં નવાં સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ રહ્યાં છે. આ સ્ટાર્ટઅપ્સ લોકોની મદદ કરવાની સાથે કમાણી પણ કરી લે છે. અત્યાર સુધી ચાની કીટલી અને કેફે ખોલીને લોકો બિઝનેસ કરી રહ્યા હતા. પરંતુ હરિયાણાનો એક યુવાન લોકોને ગરમાગરમ દૂધ પીવડાવીને પૈસા કમાઈ રહ્યો છે. આ વ્યવસાય માટે તેણે મલ્ટિ નેશનલ કંપનીની જોબ પણ છોડી દીધી છે. આ યુવાનનું નામ છે પ્રદીપ શ્યોરાણ.


પ્રદીપે અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. પ્રદીપ હરિયાણામાં ચરખી દાદરીના માંડી ગામમાં રહે છે. હિસારની ગુરુ જમ્ભેશ્વર યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યા પછી તેણે 'હેવલ્સ' અને 'બર્જર પેઇન્ટ' જેવી મલ્ટિ નેશનલ કંપનીમાં કામ કર્યું અને એક દિવસ કંપની છોડીને તે પોતાના ગામ પરત ફર્યો. ગામડે આવીને તેણે દેશી ગાયનું દૂધ વેચવાનું શરૂ કર્યું. ત્રણ-ચાર મહિના પહેલાં જ શરૂ થયેલાં પ્રદીપના સ્ટાર્ટઅપને ઘણી પ્રશંસા મળી રહી છે અને સાથે તેનાથી તગડી કમાણી પણ થઈ રહી છે.


પ્રદીપ પોતાના ઘરમાં પાળેલી ભારતીય જાતિની ગાયોનું દૂધ ગરમ કરીને તેમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વસ્તુઓ મિક્સ કરીને બજાર અને મેળામાં આ દૂધ વેચે છે. પ્રદીપની ઈચ્છા છે કે આગામી દિવસોમાં તે આ જ પ્રકારે અન્ય ખાદ્ય વસ્તુઓને પણ લોકો સુધી પહોંચાડે. કિંમતમાં વધારો કરીને આ દૂધ 100 રૂપિયા પ્રતિ લિટરે વેચવામાં આવી રહ્યું છે. દૂધનો બિઝનેસ તો એક શરૂઆત છે. પ્રદીપ આવનારા દિવસોમાં ખેડૂતો સાથે મળીને ખાણી-પીણીની વસ્તુઓ સીધી ગ્રાહકને પહોંચાડી શકે તે યોજના પર કામ કરી રહ્યો છે.


દૂધ વેચવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે વાત કરતાં પ્રદીપ કહે છે, 'કોર્પોરેટ કલ્ચરમાં કામ કરતાં લાગ્યું કે પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઇએ. ખેતી અને પશુપાલન એવા વ્યવસાય છે જેમાં વ્યવસાયની અઢળક તકો રહેલી છે. બાળપણથી ગામમાં રહ્યો છું એટલે તેની સાથે જોડાયેલો પણ છું. અત્યાર સુધી ખેડૂતોને પોતાનો પાક કે દૂધ બજારમાં વેપારીઓને સસ્તા ભાવે વેચવા પડતા હતા. પરંતુ પછી એ જ ઘઉં કે દૂધ જ્યારે દહીં, પનીર કે ઘી બનીને આવે ત્યારે તેની કિંમતમાં ઘણો વધારો જોવા મળે છે. મેં તેનું ઊંધું કર્યું. હું મારું ઉત્પાદન રિટેલ બજારમાં વેચું છું અને બજારમાંથી જે ખરીદવું હોય તે જથ્થામાં ખરીદું છું. જેથી તે વસ્તુ સસ્તી મળે.'


પ્રદીપ રોહતકમાં વાગડી મિલ્ક પાર્લર ચલાવીને દરરોજ પાંચ જગ્યાએ દૂધ વેચે છે. તેણે દૂધ સાથે દેશી ગાયનું ઘી અને અન્ય ઉત્પાદનોનું વેચાણ પણ શરૂ કર્યું છે. પ્રદીપ આવા નાનાં સ્ટાર્ટઅપના લાભ સમજાવતાં કહે છે કે, 'હું ફક્ત પાંચ સ્થળોએ લોકોને દૂધ પીવડાવી રહ્યો છું. દૂધ માટીની કુલડીમાં આપું છું. આ સ્વાસ્થ્ય માટે સારું છે. માટીની કુલડીથી કોઈ કચરો નથી થતો. કુંભારને પણ રોજગાર મળે છે. જો બીજા ખેડૂતો પણ આવું કરશે તો ખેડૂત, તેની સાથે કામ કરનારા લોકો, શહેર સુધી સામાન પહોંચાડનારા શિક્ષિત લોકો એ બધાને રોજગાર મળશે.'


પ્રદીપ શ્યોરાણના પિતા સરકારી શિક્ષક છે. પહેલાં તો તેમણે પુત્રના દૂધ વેચવાના નિર્ણય પર શંકા જતાવતાં કહેલું કે, આ કામ 10 પાસ લોકો પણ કરે છે. પરંતુ જ્યારે પ્રદીપે તેમને આખો કન્સેપ્ટ સમજાવ્યો ત્યારે તેઓ માની ગયા અને તેમણે પ્રદીપને આ વ્યવસાય કરવા માટે સપોર્ટ કર્યો. આજના યુવાનોને સંદેશો આપતાં પ્રદીપ ફક્ત એટલું જ કહે છે કે, 'છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાનો ઠંડાં પીણાં તરફ વળ્યા છે. પરંતુ મારો પ્રયત્ન એ છે કે ફરી યુવાનોને દૂધ-દહીંની હેલ્ધી વસ્તુઓ તરફ ખેંચી લાવું. આ માત્ર મારો વ્યવસાય નહીં પણ બદલાવનો પ્રયત્ન પણ છે.'

X
pradeep sheoran started unique startup of milk business
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App