તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • With 5 Friends In Bangalore, The Increased Food In The School Canteen Goes To The Orphans' Children's Stomachs

બેંગ્લોરમાં 5 મિત્રોને કારણે સ્કૂલની કેન્ટીનમાં વધેલું ભોજન અનાથાશ્રમનાં બાળકોના પેટમાં જાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધાર્થ સંતોષ અનાથાશ્રમના બાળકો સાથે - Divya Bhaskar
સિદ્ધાર્થ સંતોષ અનાથાશ્રમના બાળકો સાથે
  • અનાથાશ્રમનાં 30 બાળકોમાં 27 છોકરાઓ અને 3 છોકરીઓ છે

યૂથ ઝોન ડેસ્ક: આપણને સૌને ખબર છે કે, રોજ દુનિયાભરમાં હજારો ટન જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે. આ ભોજનનો બગાડ થવાથી ઘણા ભૂખ્યા લોકો તેનાથી વંચિત રહે છે. બેંગ્લોરમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 5 મિત્રોએ આ બગાડને અટકાવવા માટે એક સારો જુગાડ શોધી લીધો છે. તેઓ સ્કૂલની મેસમાં વધેલું ભોજન અનાથાશ્રમના 30 બાળકોને વહેંચે છે. 

ભોજનનો બગાડ અટકાવ્યો
સિદ્ધાર્થ સંતોષ, નિખિલ દીપક, વરુણ દુરે, સૌરવ સંજીવ અને કુશાગ્ર સેઠી નાનકડી ઉંમરમાં પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. તેઓ અભ્યાસની સાથોસાથ 800 કિલોગ્રામ ભોજનના બગાડને પણ રોકે છે. 

'ભોજનને વેસ્ટ થતું જોઈને અમારો જીવ બળતો હતો'
સિદ્ધાર્થે પોતાના આ કામ વિશે કહ્યું કે, અમારી સ્કૂલમાં રોજ તાજું ભોજન બને છે. અમે પાંચેય મિત્રોએ આ ભોજન બહુ મોટી માત્રામાં ફેંકી દેતા જોયું છે. જ્યારે અમે દેશમાં રોજ બગાડ થતા ભોજનના આંકડા જોયા ત્યારે અમે બધા ચોંકી ગયા હતા. આખા દેશમાં તો નહીં પણ અમે અમારી મેસમાં બગાડ થતું ભોજન ચોક્કસથી બચાવી શકીએ તેમ છીએ. અમે વધારાનું ભોજન જરૂરિયાતમંદ બાળકોને આપવાનું નક્કી કર્યું. અમારા અભિયાનનું નામ 'વેસ્ટ નોટ' છે

દર રવિવારે અનાથાશ્રમના બાળકો ભોજનની રાહ જોવે છે
આ માટે પહેલાં અમે અમારા મેસના ઇન્ચાર્જ સાથે વાત કરી અને તેઓ માની ગયા. ત્યારબાદ  અમે આ ભોજન માટે સ્કૂલની નજીક હોય તેવા એનજીઓ કે અનાથાશ્રમની શોધ કરી રહ્યા હતા, તેવામાં અમને શ્રી કૃષ્ણાશ્રય એજ્યુકેશનલ ટ્રસ્ટની ખબર પડી. અહીં કુલ 30 બાળકો રહે છે, જેમાં 27 છોકરાઓ અને 3 છોકરીઓ છે. તે બધાની ઉંમર 5 થી 18 વર્ષની અંદર છે. આ આશ્રમ વધારે દૂર પણ નથી એટલે અમે ત્યાં ભોજન આપવાનું નક્કી કર્યું. દર રવિવારે આ પાંચ મિત્રો ભોજન લઈને આશ્રમ પહોંચી જાય છે, જ્યાં 30 બાળકો તેમની આતુરતાપૂર્વક રાહ જોયા હોય છે.  

આ મિત્રો અન્ય લોકોને પણ ભોજન ન બગાડવા માટે જણાવે છે
અનાથાશ્રમના ટ્રસ્ટીનું નામ પુષ્પરાજ છે. તેમણે કહ્યું કે, 1 વર્ષથી પણ વધારે સમયથી આ પાંચ મિત્રો અહીં સ્વાદિષ્ટ જમવાનું લઈને આવે છે. અમે આ ભોજન ચકાસીએ છીએ પછી જ તેને 30 બાળકોને જમાડીએ છીએ. આ પાંચેય મિત્રોનું કામ વખાણ કરવા લાયક છે. બેંગ્લોરનું આ મિત્ર મંડળ માત્ર અનાથાશ્રમ જ નહીં પણ અન્ય જરૂરિયાતમંદ લોકોને પણ જમાડે છે. તેઓ શહેરના બીજા લોકોને પણ જમવાનું વેસ્ટ કરવાને બદલે ભૂખ્યા સુધી પહોંચાડવાનું સમજાવે છે.