વુમન પાવર / મળો પ્રેરણાના મહાસાગર જેવી મુંબઈની ‘દબંગ લેડી’ રિક્ષા ડ્રાઈવર શિરીનને 

Shirin, who runs a conservative family, runs the rickshaw and runs the family

Divyabhaskar.com

Jul 12, 2019, 05:20 PM IST

યુથ ડેસ્ક. પરિવાર અને સમાજ ભલે ગમે તેટલો રૂઢિચુસ્ત હોય, પણ એક મહિલામાં સાહસ હોય તો તે પોતાની અને પોતાના પરિવારની જિંદગી બદલી શકે છે. મુશ્કેલીઓ વિનાનું જીવન શક્ય નથી, પરંતુ આપણે તેનો સામનો કઈ રીતે કરીએ છીએ તે જ આપણને અન્ય લોકોથી જુદા પાડે છે. આવી જ એક અનોખી પ્રેરણાદાયી સ્ટોરી છે મુંબઈની શિરીનની. શિરીન મુંબઈમાં પુરુષોના આધિપત્યવાળું પ્રોફેશન ગણાય તેવી ઓટો રિક્ષા ચલાવે છે અને ખુદ્દારીથી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શિરીનની પારાવાર દુઃખમાંથી પણ હિંમત હાર્યા વિના ટકી રહેવાની દાસ્તાન ઈન્સ્ટાગ્રામના પોપ્યુલર પેજ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ પરથી શૅર કરવામાં આવી છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

માતાએ આત્મહત્યા કરી હતી

શિરીનનો જન્મ એક ગરીબ અને રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં થયો હતો. શિરીન જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેમનાં માતા-પિતાના તલાક થઈ ગયા હતા. ત્યારબાદ માતાએ બીજાં લગ્ન કર્યાં હતાં. થોડાક સમય બાદ બીજા લગ્નને લઈને તેમના ચરિત્ર પર સવાલો કરવામાં આવ્યા. આ વાત તેમની માતા સહન ન કરી શકતાં તેમણે શરીરે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી.

ગર્ભવતી બહેનની હત્યા થઈ ગઈ

માતાને ગુમાવ્યાના કારમા આઘાતમાંથી હજુ બહાર નીકળી નહોતી તેના એક વર્ષની અંદર જ શિરીનના સાવકા પિતાએ શિરીનનાં અને તેની બહેનનાં લગ્ન કરાવી દીધાં. કમનસીબે બહેનનાં સાસરિયાંએ તેના પર દહેજને લઈને ત્રાસ આપવાનો શરૂ કર્યો. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેનાં સાસરિયાંઓએ શિરીનની બહેનને ઝેર આપીને મારી નાખી. આ બીજા અણધાર્યા આઘાતથી શિરીન ભાંગી પડી. બહુ ટૂંકા ગાળામાં એણે પોતાનાં બે પ્રિયજનો ગુમાવી દીધાં.

દીકરાએ આપી નવી જિંદગી

નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલી શિરીનને આશાનું કિરણ જડ્યું પોતાના દીકરાના જન્મ પછી. જીવનમાં ભારોભાર નિરાશા છતાં શિરીને દીકરા માટે જીવવાનું નક્કી કર્યું. કમનસીબે શિરીન અને એના પતિ વચ્ચે પણ ખટરાગ શરૂ થયો. તેમનાં ત્રીજા બાળકના જન્મ પછી એના પતિએ પરિવારની કાળજી લેવાનો ઈનકાર કરી દીધો. એક દિવસે એણે ત્રણ વખત ‘તલ્લાક’ બોલીને શિરીન અને ત્રણેય સંતાનોને ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં. નાનકડાં બાળકો સાથે શિરીન રાતોરાત રસ્તા પર આવી ગઈ.

બિરયાની સ્ટોલથી ઓટો રિક્ષા સુધીની સફર

ઘર ચલાવવા માટે શિરીને નાનકડો બિરયાની સ્ટોલ શરૂ કર્યો. પરંતુ એક દિવસ બીએમસી (બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ આવીને તે તોડી પાડ્યો. શિરીનનો પતિ રિક્ષા ચલાવતો. એટલે શિરીનને પણ સ્વાભાવિક રીતે જ રિક્ષા ચલાવવાનો વિચાર આવ્યો. એણે પોતાની બચત વાપરીને રિક્ષા લીધી અને ચલાવવા માંડી. આ રસ્તો પણ સરળ નહોતો. ઘણા લોકોએ એક મહિલાને રિક્ષા ચલાવતી જોઈને હેરાન કરી. અમુક રિક્ષાવાળાઓ તો જાણી જોઈને તેની રિક્ષા સાથે એક્સિડન્ટ કરતા. કોઈક તો વળી દાદાગીરી કરીને શિરીનને ભાડું પણ લેવા નહોતા દેતા. ધીમે ધીમે શિરીન એ લોકો સાથે કામ પાડતા શીખી ગઈ.

આજે શિરીન સારું એવું કમાય છે. ઘણા પેસેન્જર એને એટલે કે એક મહિલાને રિક્ષા ચલાવતી જોઈને ખુશ થઈને તાળીઓ વગાડે છે, ટિપ આપે છે. શિરીન કહે છે, ‘એક દિવસ એક પેસેન્જરે મને ‘ભૈયા’ કહીને સંબોધી. પછી જ્યારે એને ખબર પડી કે હું તો સ્ત્રી છું, ત્યારે એણે કહ્યું કે તમે તો ‘દબંગ લેડી’ છો. બરાબર છે, હું એ જ છું અને બધી સ્ત્રીઓએ પણ સમજવું જોઈએ કે એ લોકો પણ ધારે તો એ બની જ શકે છે.’

તમામ સ્ત્રીઓને ઉદ્દેશીને શિરીન કહે છે કે, ‘સ્ત્રીઓ ધારે તો કંઈ પણ કરી શકે છે. એ કોઈ બીજાના બનાવેલા નિયમો પાળવા બંધાયેલી નથી. હું નથી ઈચ્છતી કે જે ત્રાસ મારી માતા અને મારી બહેને ભોગવવો પડ્યો તે બીજી કોઈ પણ સ્ત્રીએ ભોગવવો પડે. હું અત્યારે જે કંઈપણ કરી રહી છું તે માત્ર મારા એકલા માટે નહીં, બલકે ચૂપચાપ સહન કર્યે જતી તમામ સ્ત્રીઓ માટે કરું છું.’

પોતાનાં બાળકોનો પડ્યો બોલ ઝીલતી શિરીન ઈચ્છે છે કે હવે તે પોતાનાં બાળકોને એક કાર ખરીદી આપે, અને તે પણ બને તેટલી જલદી!

X
Shirin, who runs a conservative family, runs the rickshaw and runs the family
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી