પ્રેરણા / મહિલાઓ માટે જંગ લડી રહેલી મોજદા ટીવી શોથી મશહૂર થઈ, હવે તેની જિંદગી પર ફિલ્મ બની

Mozhdah who is fighting for women is famous on TV

Divyabhaskar.com

Nov 04, 2019, 12:28 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં ટીવી પર શુક્રવારે પ્રસારિત થતા ચેટ શોમાં એક મહિલા શોની કર્તાહર્તા મોજદા જમાલદાને ભેટી પડે છે. તે મહિલાએ જણાવ્યું કે, શોથી પ્રેરાઇને જ તેણે પતિ દ્વારા થતી તેની મારઝૂડનો વિરોધ કર્યો. તે પછી પતિએ તેના પર કે સંતાનો પર હાથ નથી ઉપાડ્યો. ધ મોજદા શો આવા તો અનેક કિસ્સાથી ભરપૂર હતો પણ બે વર્ષમાં જ શો બંધ કરી દેવાયો.

મોજદા જરાય પરેશાન ન થઇ. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓ માટેનો જંગ જારી રાખ્યો. હવે તે સોશિયલ મીડિયા પર જ પોતાનું અભિયાન ચલાવી રહી છે. આ વાત તેણે તેના જીવન પર બનેલી ફિલ્મ 'વોઇસ ઓફ રિબેલિયન'માં જણાવી છે, જે આ અઠવાડિયે રિલીઝ થઇ રહી છે. ગૃહયુદ્ધથી ત્રાસીને મોજદાનો પરિવાર કેનેડા જતો રહ્યો હતો. ત્યારે તે 5 વર્ષની હતી. કેનેડાથી જ તેણે તાલિબાની તબાહીના દ્રશ્યો જોયા. વેનકૂંવરમાં મોજદીની માતાએ સલૂનમાં અને પિતાએ બેકરીનું કામ શરૂ કરી દીધું પણ મોજદાને તો અફઘાનિસ્તાનમાં રહેતા ફ્રેન્ડ્સ, સંબંધીઓની યાદ સતાવતી હતી.

વર્ષ 2009માં એક ટેલેન્ટ શોમાં ભાગ લેવા તે કાબુલ પરત ફરી. મોજદાએ ગાયેલું ગીત 'અફઘાન ગર્લ' આખા અફઘાનિસ્તાનમાં પસંદ કરાયું. તેણે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઓબામા સમક્ષ પણ તેની પ્રસ્તુતિ કરી. આ ગીત સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ પર એસિડ એટેક વિરુદ્ધ લખાયું હતું. તેનાથી જ તેને શોમાં તક મળી. શો દરમિયાન ઘણી વાર ટીવી સ્ટેશન પર હુમલા પણ થયા. શોની શરૂઆત નાના મુદ્દાથી થઇ પણ ટૂંક સમયમાં જ ઘરેલુ હિંસા, તલાક અને શાદીઓમાં બેફામ ખર્ચ જેવા વિષયો જોડાતા ગયા. મોજદાએ ચર્ચા માટે મનોવિજ્ઞાનીઓ જેવા એક્સપર્ટ્સને બોલાવવાનું પણ શરૂ કર્યું. તે પછી ધમકીઓ મળવાનું શરૂ થયું. મોજદાના કહેવા મુજબ, શરૂમાં તો ડર લાગ્યો, પછી તે વિશે વિચારવાનું જ છોડી દીધું. આ મનોબળથી જ આજે તે શક્તિશાળી બની છે.

મોજદા હવે સોશિયલ મીડિયા પર અફઘાન મહિલાઓ માટે જંગ લડી રહી છે, તેમને જાગૃત પણ કરે છે
30 વર્ષની મોજદાના કહેવા મુજબ, તે વિચારતી હતી કે તેની ગમે ત્યારે હત્યા થઇ શકે છે. તેથી નાની તો નાની પણ પ્રભાવશાળી જિંદગી જીવવી જોઇએ. તેની પાસે કેનેડાનું નાગરિકત્વ હતું. ગમે ત્યારે કેનેડાના દૂતાવાસમાં જઇને સુરક્ષા માગી શકતી હતી પણ તેવું ન કર્યું. આજે મોજદા અફઘાન છોકરીઓ માટે ફારસી-અંગ્રેજીમાં ગીતો ગાય છે, તેમને તેમના હકો વિશે જણાવે છે. મોજદા કહે છે, મને ખબર છે કે આ દિશામાં ઘણું બધું કરવાનું છે. આ જ મારા જીવનનું લક્ષ્ય છે.

X
Mozhdah who is fighting for women is famous on TV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી