તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Ian Woolford Is A Torchlight In Hindi Language Lit On Australian Soil.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈઆન વૂલફર્ડ એટલે ઓસ્ટ્રેલિયન ધરતી પર પ્રજ્વલિત હિન્દી ભાષાની ઉજ્જ્વળ મશાલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે યાને કે શનિવાર 14 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 14 સપ્ટેમ્બરના દિવસે ઈ.સ. 1949માં ભારતની બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખાતી હિન્દી ભાષાને પ્રજાસત્તાક ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. જોગાનુજોગ એ દિવસે હિન્દી ભાષાને દેશની રાષ્ટ્રભાષા બનાવવા માટે સંઘર્ષ કરનારા મહાનુભાવો પૈકીના એક એવા વ્યૌહાર રાજેન્દ્ર સિંહનો પચાસમો જન્મદિવસ પણ હતો. આજે દેશના 44 ટકા એટલે કે 52 કરોડ ભારતીયો હિન્દી બોલી શકે છે. જ્યારે હિન્દી સમજી શકતા લોકોની સંખ્યા તો તેના કરતાં પણ ઘણી વધારે હશે. છેલ્લા એક દાયકામાં હિન્દી ભાષા બોલનારા લોકોની સંખ્યામાં 10 કરોડ લોકોનો ઉમેરો થાય છે. 
હિન્દી ભાષા બોલતા લોકોમાં દરિયાપાર જઈને વસેલા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. પરંતુ જ્યારે આપણે ગોરી ચામડીવાળા વિદેશીઓ હિન્દી બોલતા હોય એવી કલ્પના કરીએ તો હિન્દી ફિલ્મોના ‘ટીન ગુના લગાન’ જેવું ભારોભાર અંગ્રેજી છાંટવાળું હિન્દી બોલતા વિદેશી કલાકારો જ યાદ આવે. લેકિન ઈઆન વૂલફર્ડ તેમાં અપવાદ છે. દેખાવે ટિપિકલ વિદેશી લાગતા ઈઆન એક વખત હિન્દી બોલવાનું શરૂ કરે એટલે આપણી આંખો પહોળી થઈને આઈમેક્સ થિયેટરના પડદા જેવડી થઈ જાય! હિન્દી ભાષા પર એમની પકડ એવી જડબેસલાક છે કે ભલભલા ભારતીયોને પણ જેમાં ટપ્પી નથી પડતી તેવા ‘જ’, ‘ઝ’ અને નુક્તા બિન્દીવાળો જ (ज़), ‘ત’ અને ‘ટ’ વગેરે અક્ષરોનું પણ એ પર્ફેક્ટ ઉચ્ચારણ કરી શકે છે. ઈઆન ટ્વિટર પર પણ જબરદસ્ત લોકપ્રિય છે. ટ્વિટર પર વૂલફર્ડના ફોલોઅર્સનો લેટેસ્ટ આંકડો છે 52.3 હજાર. એમની ટ્વિટર ટાઈમલાઈન સ્ક્રોલ કરીએ એટલે તરત હિન્દી ભાષા, સાહિત્ય અને સર્જકો પ્રત્યેનો એમનો ભારોભાર અહોભાવ અને પ્રેમ ઊડીને આંખે વળગે. હિન્દીના જૂના-નવા, જાણીતા-ભુલાયેલા કોઈપણ સર્જકનો જન્મદિવસ હોય, સવારના પહોરમાં ઈઆન વૂલફર્ડની ટ્વિટ આવી જ ગઈ હોય. માત્ર બર્થડેની ટ્વીટ મૂકીને સંતોષ માનવાને બદલે જે તે સર્જકની કોઈ કૃતિનું પઠન કરતો વીડિયો પણ મૂકશે. એમની ટ્વિટર ટાઈમલાઈન ફણિશ્વરનાથ રેણુ, રઘુવીર સહાય, મહાદેવી વર્મા, પ્રેમચંદ, કેદારનાથ સિંહ, સુમિત્રાનંદન પંત, હરિવંશરાય બચ્ચન, ગજાનન મુક્તિબોધ, હરિશંકર પરસાઈ, કમલેશ્વર, દુષ્યંત કુમાર જેવા હિન્દીના ધુરંધરોની રચનાઓથી ભરચક દેખાય. વચ્ચે વચ્ચે અમિતાભ બચ્ચન અને જાવેદ અખ્તર જેવી ભાષાપ્રિય સેલિબ્રિટીઝ સાથે એમની તસવીરો પણ દેખાઈ જાય.

દરઅસલ, ઈઆન વૂલફર્ડ અમેરિકામાં જન્મેલા બ્રિટિશર છે અને અત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવેલી લા ટ્રોબ યુનિવર્સિટીમાં હિન્દી ભાષા અને સાહિત્યના પ્રોફેસર છે. સવાલ એ થાય કે એશિયા સિવાયના વિશ્વના ત્રણ અલગ અલગ ખંડો સાથે સંબંધ ધરાવતા વૂલફર્ડને અચાનક હિન્દીમાં રસ કેવી રીતે જાગ્યો? તેનો જવાબ વૂલફર્ડે ભૂતકાળમાં કરેલાં મીડિયા ઈન્ટરએક્શન્સમાંથી મળે છે. હિન્દી ભાષા સાથેના સંબંધનાં મૂળિયાં ઈઆનનાં બાળપણમાં રોપાયેલાં છે. દરઅસલ, ઈઆનનાં મમ્મી હેલન માયર્સ પણ પ્રોફેસર છે, પરંતુ સંગીતનાં. જેમના માટે ‘મ્યુઝિકોલોજિસ્ટ’ એવો ટેક્નિકલ શબ્દ વાપરી શકાય. જાતભાતનાં સંગીત વિશે રિસર્ચ કરવા માટે તેઓ અવારનવાર ભારત આવતાં અને અહીંના અંતરિયાળ વિસ્તારોમાં રોકાતાં. તેમની સાથે ઈઆન પણ આવતા અને ત્યારથી જ એમના મનમાં હિન્દી ભાષા શીખવાનાં બીજ રોપાઈ ગયાં. એ ઉપરાંત ઈઆન જ્યારે 12 વર્ષના હતા ત્યારે એમનાં મમ્મીને કેરેબિયન ટાપુઓના ટ્રિનિદાદમાં રહેવાનું થયેલું. ભારતીયોની વિપુલ પ્રમાણમાં વસ્તી ધરાવતા ટ્રિનિદાદમાં ભણવાને કારણે પણ વૂલફર્ડનો હિન્દી સાથેનો સંબંધ ઘેરો રંગ પકડવા લાગ્યો. ત્યાં સ્કૂલમાં વૂલફર્ડ પોતાના ભારતીય મૂળના મિત્રો સાથે ભજનો અને લોકગીતો ગાતા.  પછી તો બે દાયકાની મહેનત બાદ વૂલફર્ડે હિન્દી પર બરાબર પકડ જમાવી. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી બીએ, માસ્ટર્સ કર્યું. ઈવન પોતાના ફેવરિટ સર્જક એવા ફણીશ્વરનાથ રેણુના બિહારમાં આવેલા ગામમાં જઈને તે ગામ અને રેણુની રચનાઓ ખાસ કરીને ‘મૈલા આંચલ’ અને તેમાંનાં સો જેટલાં લોકગીતો પર પીએચ.ડી.ની થિસિસ લખી. બાકાયદા ડોક્ટરેટની પદવી મેળવીને ડો. ઈઆન વૂલફર્ડ પણ બન્યા. મેલબર્નની યુનિવર્સિટીમાં પંદર વિદ્યાર્થીઓથી શરૂ થયેલો એમનો ક્લાસ આજે ભરચક હોય છે. માતાની જેમ ઈઆન પણ હિન્દી અને ઉત્તર પ્રદેશ અને બિહારના ગ્રામ્ય ભારતમાં ગવાતાં લોકગીતો તથા લોકબોલી સાંભળવા અને તેના વિશે રિસર્ચ કરવાના શોખીન છે. આવાં અઢળક ગીતોનાં રેકોર્ડિંગ પણ વૂલફર્ડ પાસે છે. આ મુદ્દે અવારનવાર તેઓ ભારત આવતા રહે છે. જ્યારે તેઓ ભારત આવે ત્યારે પૂરેપૂરા ભારતીય રંગે રંગાઈ જાય છે. ચેક્સવાળી લુંગી પહેરીને રોડસાઈડ હેરકટિંગ સલૂનમાં બેસીને બાલ-દાઢી કપાવતાં પણ તેઓ અચકાતા નથી.  ખીર અને બિહારી વાનગી લિટ્ટી ચોખાના શોખીન ઈઆન વૂલફર્ડ હિન્દી વેબસાઈટ ‘ધ લલ્લનટોપ’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહે છે, એક વિદેશીને અસ્ખલિત હિન્દી બોલતો જોઈને દિલ્હી જેવા મોટા શહેરના લોકો વધુ સરપ્રાઈઝ થાય છે. જ્યારે ગામડાં-ગામના લોકો સહજતાથી આ વાત સ્વીકારી લે છે. હિન્દી ભાષાને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કરવા માટેનું શ્રેય તેઓ નરેન્દ્ર મોદીને પણ આપે છે. વૂલફર્ડનાં પત્ની શેનન પણ એમની જ યુનિવર્સિટીમાં સાયન્ટિસ્ટ-રિસર્ચર તરીકે જોબ કરે છે. પરંતુ તેને હિન્દી સાથે પતિ સિવાય કોઈ લેવાદેવા નથી. હા, પતિની સાથે ભારતની યાત્રાઓની મજા જરૂર માણે છે. બે દીકરીઓ એડી અને બિક્સી અનુક્રમે 14 અને 12 વર્ષની છે. તેમાંથી એક દીકરીને હિન્દીમાં રસ છે તેવું વૂલફર્ડ એક ઈન્ટરવ્યૂમાં કહે છે. આજે હિન્દી દિવસે પણ હિન્દી રાષ્ટ્રભાષા હોવી જોઈએ કે નહીં તે મુદ્દે રાજકીય વિવાદ છેડાય છે. આપણે ત્યાં ગુજરાતીમાં માતૃભાષા શીખવામાં કે શીખવવામાં રસ ઓછો થતો જાય છે અને અંગ્રેજી ભાષા અને માધ્યમ પ્રત્યેનો મોહ વધી રહ્યો છે, ત્યારે ઈઆન વૂલફર્ડ જેવા પરદેશીઓનો આપણી ભાષા, આપણા સાહિત્ય, આપણી સંસ્કૃતિ અને આપણા સમાજ પ્રત્યેનો લગાવ જોઈને હૈયે ટાઢક થાય છે. જો આપણે રાષ્ટ્રભાષા અને માતૃભાષા પ્રત્યે ઈઆન વૂલફર્ડ કરતાં અડધા પણ જાગ્રત થઈએ તો ભાષાના ભવિષ્ય અને ગુણવત્તા વિશે ચિંતા કરવાની જરૂર ન રહે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser