એસિડ અટેક સર્વાઈવર-4 / ‘લોકોની મેન્ટાલિટી નહીં બદલાય ત્યાં સુધી એસિડ અટેક બંધ નહીં થાય’: 25 વર્ષીય રીતુ સૈની

'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her
'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her
'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her
'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her

  • અપકમિંગ ફિલ્મ ‘છપાક’માં રીતુએ દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું છે
  • હરિયાણાની રીતુ પર એના જ ફોઈના દીકરાએ ભાડુતી ગુંડાઓ પાસે એસિડ ફેંકાવેલો
  • એસિડ અટેક વખતે રીતુ માંડ 17 વર્ષની હતી, અને ફોઈનો દીકરો 39નો હતો
  • રીતુ પર અત્યાર સુધીમાં 15 ઓપરેશન થઈ ચૂક્યાં છે
  • સ્ટેટ લેવલ વોલિબોલ પ્લેયર રીતુ હાલ ‘છાંવ ફાઉન્ડેશન’માં કામ કરીને અન્ય એસિડ સર્વાઇવર્સની મદદ કરે છે

Divyabhaskar.com

Jan 09, 2020, 05:21 PM IST

ફોરમ પટેલ, અમદાવાદ: દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘છપાક’નાં ટ્રેલરે દર્શકોને હચમચાવી દીધા છે. આ જ ટ્રેલરમાં એક રિયલ લાઈફ એસિડ અટેક વિક્ટિમ એવી રીતુ સૈનીની ઝલક પણ જોવા મળે છે. એસિડ અટેક સર્વાઇવર્સ સીરિઝના આજના એપિસોડમાં આપણે 25 વર્ષીય રીતુની 8 વર્ષના કારમા સંઘર્ષની વાત કરીશું . મૂળ હરિયાણાની રહેવાસી રીતુ પર જ્યારે એસિડ ફેંકાયો ત્યારે તેની ઉંમર માંડ 17 વર્ષની હતી. અનેક પડકારોનો સામનો કરીને હાલ નોઈડામાં રહેતી 25 વર્ષીય રીતુએ પોતાની સ્ટ્રગલ વિશે ‘DivyaBhaskar.Com’ સાથે મોકળાશથી વાત કરી હતી.

ફોઈના 39 વર્ષના દીકરાને 17 વર્ષની રીતુ સાથે લગ્ન કરવાં હતાં
નાનપણથી જ હસતી-હસાવતી રીતુ મોટી થઈને વૉલિબોલ પ્લેયર બનવા માગતી હતી. ઈન ફેક્ટ, તે સ્ટેટ લેવલની વૉલિબોલ પ્લેયર પણ હતી. પરંતુ કિશોરાવસ્થામાં ઊછળતી-કૂદતી રીતુને પોતાની સાથે થનારી કાળમુખી ઘટનાનો સ્વાભાવિક રીતે જ અણસાર સુદ્ધાં નહોતો. દસમું ધોરણ પાસ કર્યા પછી રીતુએ આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કર્યું. સ્કૂલના ક્લાસ ભર્યા પછી દરરોજ વૉલિબોલ પ્રેક્ટિસ કરવાનું પણ તે એકેય દિવસ ચૂકતી નહોતી. યુવાનીના ઉંબરે પગ મૂકે તે પહેલાં બીજા કોઈની વાસનાભરી નજરનો એરુ રીતુને આભડી ગયો. દરઅસલ, રીતુનાં ફોઈનો 39 વર્ષનો દીકરો, એટલે કે રીતુ કરતાં ખાસ્સાં 22 વર્ષ મોટો તેનો પિતરાઈ ભાઈ જ તેના પર નજર બગાડીને બેઠો હતો. એણે તો નફ્ફટાઈથી રીતુ સમક્ષ લગ્ન કરવાની માગણી પણ મૂકી દીધેલી. પરંતુ ઉંમર કરતાં ખાસ્સી ઠાવકી રીતુએ તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો કે તમે મારા મોટા ભાઈ કહેવાઓ, આવા ગંદા વિચારો ન કરો. પરંતુ જેની આંખોમાં વાસનાનાં સાપોલિયાં રમતાં હોય તેના પર આવી સમજાવટની અસર કઈ રીતે થાય?

પછી આવ્યો 26 મે, 2012નો એ કાળમુખો દિવસ. રીતુ હરિયાણાના રોહતક શહેરના પ્રેમનગર ચોકમાંથી પસાર થઈ રહી હતી. ત્યાં જ સામેની બાજુએથી એક બાઈકસવાર આવ્યો અને તેની પાછળ બેઠેલા માણસે રીતુના ચહેરા પર એસિડ ફેંકીને ચાલતી પકડી. આ અણધાર્યા હુમલાથી રીતુનું 45 ટકા શરીર અને 90 ટકા ચહેરો દાઝી ગયો. રસ્તા પર તરફડી રહેલી રીતુની આસપાસ લોકોનું ટોળું એકઠું થયું પણ દર વખતે થાય છે તેમ રીતુની મદદે કોઈ આવ્યું નહીં. અડધો કલાક આ રીતે કારમી વેદના સહન કર્યા પછી ત્યાંથી રીતુનો ભાઈ નીકળ્યો અને તાત્કાલિક તેને હોસ્પિટલે પહોંચાડી.

હોસ્પિટલમાં આઈસ્ક્રીમની જેમ રીતુનો ચહેરો પીગળતો હતો
2015માં રોહતકમાં યોજાયેલી એક TEDx સ્પીચમાં રીતુએ કહ્યું હતું કે, મારા ફોઈના છોકરાએ સાવ લાખ રૂપિયા આપીને ભાડુતી માણસો પાસે મારા પર એસિડ અટેક કરાવ્યો હતો. જ્યારે મારા ચહેરા પર એસિડ પડ્યો ત્યારે મને બધું કાળું દેખાતું હતું. અટેક પછી હું 2 મહિના સુધી હોસ્પિટલમાં હતી. રોજ સવારે ઊઠતી ત્યારે આઈસ્ક્રીમ ગરમીમાં પીગળતો હોય તે રીતે મારો ચહેરો પીગળતો હોય તેવો અહેસાસ થતો હતો.

સજાનો શું ફાયદો? આરોપી તો અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યા છે: રીતુ સૈની
રીતુએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે કોઈ વ્યક્તિની નફરત તેનો ચહેરો અને આખી જિંદગી બગાડી નાખશે. પાછલાં સાત વર્ષમાં 15 ઓપરેશન કરાવી ચૂકેલી રીતુ રોષપૂર્વક કહે છે કે, ‘મારા એસિડ અટેકના કેસમાં કુલ 18 લોકો સામેલ હતા. 2012ના એસિડ અટેકનો ચુકાદો 2014માં આવ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે 3 આરોપીને આજીવન કેદની સજા અને 2 આરોપીને 10 વર્ષની સજા ફટકારી હતી. જોવાની વાત તો એ છે કે, જેમના ગુસ્સા અને ઈગોને કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ અને હાઈકોર્ટે તેમનો જેલમાં વર્તાવ સારો હોવાને કારણે 5 જ વર્ષ પછી જેલમાંથી મુક્ત કરી દીધા. હવે અત્યારે તેઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે. આ છે આપણા દેશનો ન્યાય! જે આરોપીને સજા પણ આપે છે અને તેને છોડી પણ દે છે.’

રીતુએ એસિડ એટેકને કારણે ઘરમાં પુરાઈ રહેવાને બદલે લડવાનું નક્કી કર્યું
વર્ષ 2017માં રીતુએ ગુરુગ્રામમાં પણ આત્મવિશ્વાસથી છલોછલ સ્પીચ આપી હતી. તેણે કહ્યું કે, ‘જો મારા પર એસિડ અટેક ન થયો હોત, તો હું તમારા લોકો વચ્ચે આજે ઊભી પણ ન હોત. જેણે મારા પર અટેક કરાવ્યો તેને લાગતું હતું કે, હું ઘરે બેસી રહીશ, જિંદગીમાં કંઈ કરીશ નહીં, પણ મેં તે બધાને ખોટા પાડી દીધા છે.’ રીતુએ માર્ચ, 2018માં TEDx રાંચીમાં પણ પોતાની સ્પીચ આપી હતી.

હાલ રીતુ નોઈડામાં એસિડ અટેક સર્વાઇવર્સને મદદ કરતા ‘છાંવ ફાઉન્ડેશન’ સાથે જોડાયેલી છે
રીતુના ખરાબ સમયમાં તેનો પરિવાર ખડે પગે ઊભો રહ્યો હતો. રીતુના પરિવારમાં ત્રણ ભાઈઓ છે, જેમાંથી 2નાં લગ્ન થઈ ગયાં છે. રિતુનાં પિતા મિકેનિક હતા, જેમણે 4 મહિના પહેલાં દુનિયાને અલવિદા કહી દીધું. હાલ તેની માતા ભાઈઓ સાથે હરિયાણાના રોહતકમાં રહે છે, જ્યારે રીતુ નોઈડામાં ‘છાંવ ફાઉન્ડેશન’ સાથે જોડાયેલી છે. તે હાલ આ ફાઉન્ડેશનમાં તેનાં જેવા અન્ય એસિડ અટેક પીડિતાઓની મદદ કરી રહી છે. આજે પણ રીતુના ચહેરાની ટ્રિટમેન્ટ સંપૂર્ણ પૂરી તો નથી જ થઈ. તેને હજુ પણ હોસ્પિટલનાં પગથિયાં ચડવાં પડે છે.

‘એસિડ અટેક અટકાવવા માટે લોકોની મેન્ટાલિટી બદલવાની જરૂર છે’
રીતુ પર થયેલા એસિડ અટેકને 7 વર્ષ થઈ ગયાં. તેણે ઘરમાં પોતાનો ચહેરો સંતાડીને બેસી રહેવાને બદલે અન્ય એસિડ અટેક વિક્ટિમની મદદ કરવાનું મનમાં નક્કી કરી લીધું છે. રીતુએ કહ્યું કે, દેશનો કોઈ કાયદો એસિડ અટેક કરનારાઓને રોકી નહીં શકે. તેના માટે જરૂર છે લોકોની મેન્ટાલિટી બદલવાની. એસિડ અટેક થવાથી ચહેરો બગડ્યો હોય તો શું થઈ ગયું? સર્વાઇવર્સને ઘરે બેસી રહેવાની કોઈ જરૂર નથી. સમાજે તેમની મદદ માટે આગળ આવવાની જરુર છે.

રીતુ સૈની જેવા અન્ય એક એસિડ અટેક સર્વાઈવરની સ્ટ્રગલ સ્ટોરી વાંચો આવતા એપિસોડમાં.

X
'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her
'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her
'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her
'Acid attack won't stop until people's mentality changes': 25-year-old Ritu Saini-read struggle story of her

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી