તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેહાના બશીર પુંછ જિલ્લામાં UPSC પરીક્ષા પાસ કરનારી પ્રથમ યુવતી બની, ડૉક્ટરને બદલે ઓફિસર બનવાનું પસંદ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂથ ઝોન ડેસ્ક: ગયા અઠવાડિયે દેશમાં UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, દેશની સૌથી અઘરી ગણાતી આ પરીક્ષાના તમામ કોઠા સફળતાપૂર્વક વીંધનારા તમામ 759 ઉમેદવારોની સ્ટોરી ઘણી ઈન્ટરેસ્ટિંગ છે, તેમાની એક સ્ટોરી છે ડૉ. રેહાના બશીરની.

રેહાના જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની વતની છે. કમનસીબે પાકિસ્તાન સાથેની બોર્ડર પર આવેલો આ જિલ્લો આતંકવાદીઓની નાપાક હરકતોને લીધે જ ચ ર્ચામાં રહેતો હોય છે. ત્યારે ડૉ. રેહાના બશીરે UPSCની 2018ની પરીક્ષામાં સમગ્ર દેશમાં 187મો રેન્ક મેળવીને માત્ર પુંછ જિલ્લાની જ નહીં, બલકે પૂરા પીર પંજાલ ક્ષેત્રની સૌપ્રથમ યુવતી બની છે.

પરિવાર માટે એકમાત્ર આશરો રેહાનાના પિતા પુંછના ફોરેસ્ટ કોર્પોરેશનમાં કાર્યરત હતા. વર્ષ 2006માં રેહાનાના પિતાનું નિધન થયું અને ઘરની જવાબદારી તેની માતા પર આવી ગઈ. રેહાનાએ કહ્યું કે, અમને એવું લાગતું હતું કે અબ્બુ સાજા થઈ ગયા છે, પરંતુ તે એક દિવસ અમને મૂકીને જતા રહ્યા. તેમના અવસાન વખતે હું 9માં ધોરણમાં અને મારો ભાઈ આમિર 8માં ધોરણમાં ભણતો હતો. મારી માતાએ હિંમત ન હારી અને મહેનત કરીને અમને ભણાવ્યાં.

જમ્મુથી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્યા બાદ ઈન્ટર્નશિપ દરમ્યાન રેહાનાને લાગ્યું કે માત્ર એક ડૉક્ટર હોવું પૂરતું નથી, લોકો માટે હજુ ઘણું બધું કરવાની જરૂર છે. હું હોસ્પિટલમાં લોકોની જિંદગી તો બચાવી શકું છું, પરંતુ તે લોકોનું શું જે લોકોને હોસ્પિટલ આવવા માટે કોઈ વાહન પણ નથી મળતું! મનથી દેશની સેવા કરવાનું નક્કી કર્યા બાદ રેહાના યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા લાગી.

વર્ષ 2017માં રેહાનાએ પ્રથમ વાર UPSC પરીક્ષા આપી હતી અને સાથે જ નીટ-પીજીની પરીક્ષા પણ આપી હતી. તે સમયે તેણે નીટની પરીક્ષા પાસ કરી લીધી પરંતુ UPSCમાં પાસ ન થઈ શકી. રેહાનાએ આ મુશ્કેલ સમય વિશે કહ્યું કે, બંને ફિલ્ડમાં એકસાથે કામ કરવું શક્ય નહોતું. મારે કોઈ એક ને જ પસંદ કરવું પડે તેમ હતું. મારે દેશની સેવા જ કરવી હતી. હું આ નિર્ણય પર અડગ હતી. આખરે મારી મહેનત રંગ લાવી.

રેહાનાનો સગો ભાઈ આમિર પણ IRS (ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ) ઓફિસર છે. ગયા વર્ષે આમિરે પણ UPSC પરીક્ષા પાસ કરી હતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેણે સિવિલ સર્વિસિસની પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીધી હતી.

જોવાની વાત એ છે કે રેહાનાએ પરીક્ષાની તૈયારી કરવા માટે કોઈ પણ કોચિંગ કે ટ્યુશન ક્લાસ લીધા નહોતા.

જ્યારે રેહાનાનું નામ લિસ્ટમાં આવ્યું ત્યારે માત્ર રેહાના જ નહીં, પરંતુ આખા જિલ્લાને તેના પર ગર્વ થયો હતો. જમ્મુના આઈએએસ અધિકારી શાહિદ ચૌધરીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર રેહાનાને અભિનંદન પાઠવ્યા હતા.

UPSC પરીક્ષા પાસ કરતા ભલભલાને 4-5 વર્ષ લાગી જાય છે, તેવામાં રેહાનાની માત્ર દોઢ વર્ષની મહેનત દરેક વ્યક્તિ માટે પ્રેરણા સમાન છે. રેહાનાની જવાબ લખવાની સ્ટાઈલે તેને સફળતા અપાવી છે. મેડિકલ અભ્યાસ દરમ્યાન તે લખવાની સ્ટાઈલ શીખી હતી. તે વધારે પેજ લખવાને બદલે ઓછા પેજમાં આકર્ષક જવાબ શી રીતે લખી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.

સ્પર્ધમાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને રેહાના કહે છે કે, લક્ષ્ય ધ્યાનમાં રાખીને મહેનત કરશો તો સફળતા અવશ્ય મળશે. રેહાનાને દેશના કોઈ પણ ખૂણામાં પોસ્ટિંગ ભલે મળે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સેવા કરવાનો અને પોતાની જવાબદારી અદા કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...