શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ: 5 / હત્યા બાદ તન્વીએ તેના પિતાને જ કેમ ફોન કર્યો?

Why did Tanvi call his father only after the murder?

  • કોર્ટમાં રજૂ  મુદ્દાઓમાં પોલીસે કહ્યું હતું કે, હત્યા પછી તન્વીનું વર્ણન અકુદરતી ને અવાસ્તવિક લાગતું હતું

Divyabhaskar.com

Sep 09, 2019, 11:27 AM IST

અમદાવાદઃ સેશન્સ કોર્ટ સમક્ષ શશિવદના કેસના તહોમતનામામાં જે આઠમો મુદ્દો રજૂ કરાયો, તેમાં જણાવાયું હતું કે, તન્વીના માથામાં હથોડી જેવા હથિયારથી સામાન્ય ઈજાઓ થયાનું જોવા મળે છે. આથી આવી ઈજા તન્વીએ જાતે જ કરી હશે કે પછી બીજા કોઈ શખસે મિત્રભાવથી કરી હોવાની હકીકતમાં વધુ વજૂદ રહેલું છે.

નવમો મુદ્દો- શશિવદના પર ઘાતક હુમલો થયા બાદ 10થી 15 મિનિટમાં જ તેમનું મોત નિપજ્યું હશે તેવો અભિપ્રાય તબીબે આપ્યો છે. આ અભિપ્રાયની નોંધ લેવામાં આવે તો વૃદ્ધા મૃત્યુ પામી હોવા છતાં તે હજુ જીવે છે તેવું બતાવવા તેને વા.સા. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં નિયમ મુજબ કેઝ્યુલિટી વોર્ડમાં લઈ જવાના બદલે સીધા જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

હુમલાખોરે તન્વીને પણ ઇજાઓ પહોંચાડી હતી
દસમો મુદ્દો- શશિવદના પર ઘાતક હુમલા બાદ તેમને જીવલેણ ઇજાઓ થઈ તેમ જ તન્વીને પણ હુમલાખોરે ઈજાઓ પહોંચાડી હતી. આ વખતે તન્વીએ પાડોશીઓને મદદ માટે બોલાવવા બુમરાણ મચાવવાનું ટાળીને ચૂપચાપ બેસી રહી હતી. તેનું આવું વર્તન અકુદરતી અને અસ્વાભાવિક લાગે છે. તન્વી કાંઈક છુપાવવાની કોશિશ કર્યાની શંકા ઉપસ્થિત થાય છે. 11મો મુદ્દો- પાડોશીઓને મદદે બોલાવવાના બદલે તન્વીએ તેના પિતા જિતુભાઈને ફોન કરીને આ બનાવની જાણ કરી હતી. જોકે તેણે શશિવદના બહેનના નિકટના સ્વજનો કે પરિચિતોનો કોઈ જ સંપર્ક સાધ્યો ન હતો. આથી તેનું આવું વર્તન પણ અકુદરતી લાગે છે.

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે મહત્ત્વની કડી પૂરી પાડી
ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના તત્કાલીન ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ મથુરાપ્રસાદ કે. મોદી (એમ. કે. મોદી)એ આ ગુનો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષને મહત્ત્વની કડી પૂરી પાડી હતી. એમ. કે.મોદીને નવરંગપુરા પોલીસે મદદરૂપ થવાની જાણ કરી ત્યારે ઘટનાસ્થળના બંગલા પર પહોંચી ગયા હતા. જ્યાં તન્વીના શયનખંડની લોખંડની તિજોરીનું નિરીક્ષણ કરીને લોહીના ડાઘવાળા પંજાની છાપ શોધી કાઢી હતી. ત્યાર બાદ તન્વીની છાપ સાથે મેચ કરી ત્યારે આ છાપ બીજા કોઈની જ નહિ, પણ તન્વીની જ હોવાનો અભિપ્રાય આપ્યો હતો, તેમ જ એમ. કે. મોદીની સેશન્સ કોર્ટ સમક્ષની જુબાની પણ ગુનો પુરવાર કરવા મહત્ત્વની બની રહી હતી.

અદાલત પરિસરમાં ઉત્સુક નગરજનોનાં દરરોજ ટોળાં એકત્રિત થતાં
મેજિસ્ટ્રેટ એમ. જી. ગોરે આ કેસ સેશન્સ કમિટ કરવા હુકમ કર્યો હતો. ત્યાર બાદ સિટી સિવિલ અને સેશન્સ અદાલતોના પ્રિન્સિપાલ જજ વી. જે. જપી સમક્ષ આ કેસની સુનાવણી નીકળી ત્યારે અદાલત પરિસરમાં ઉત્સુક નગરજનોનાં દરરોજ ટોળાં એકત્રિત થતાં હતાં. ફરિયાદ પક્ષ તરફથી સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે આર. કે. શાહ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તન્વી તરફથી સિનિયર એડવોકેટ હરિપ્રસાદ કે. ઠાકોર (ભાણાભાઈ) તથા તેમના સહાયક વકીલ બી. સી. પટેલ અને દક્ષાબેન હાજર રહ્યાં હતાં.
(તન્વીએ હત્યારા તરીકે જે શખ્સનું વર્ણન કર્યું, તે કોઈ સંબંધી હતો? વાંચો આવતા અંકમાં...)

X
Why did Tanvi call his father only after the murder?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી