વેદપ્રકાશ ભંડારી હત્યા કેસ ભાગ-2 / કોર્ટ બહાર શિકારી ટોળું વેદપ્રકાશની રાહ જોતું હતું

Vedprakash bhandari murder case part 2

  • વેદપ્રકાશ ભંડારી હજુ તો ઘોડાગાડી સ્ટેન્ડ નજીક પહોંચ્યા ત્યાં જ હથિયારધારી ટોળું તેમની તરફ ધસ્યું

Divyabhaskar.com

Sep 16, 2019, 10:04 AM IST

અમદાવાદઃ કેસની મુદત પડતાં પક્ષકારો અદાલત પરિસરમાંથી બહાર નીકળીને ઘેર પરત ફરવા ધીમા ડગલે આગળ વધી રહ્યા હતા. વેદપ્રકાશ ભંડારી હજુ તો ઘોડાગાડી સ્ટેન્ડ નજીક પહોંચ્યા હતા ત્યારે જ શિકારની રાહ જોઈ રહેલા ઘાતક હથિયારોથી સજ્જ ટોળું ‘સાલ્લાને મારી નાખો...! કાપી નાખો...!’ની બુમરાણ મચાવતું તૂટી પડ્યું અને વેદપ્રકાશ ભંડારીની જિંદગીનો આખરી ખેલ ત્યાં જ ખતમ કરી નાખ્યો હતો. ત્યાર બાદ હુમલાખોરો ઘડીનો પણ વિલંબ કર્યા વગર ત્યાંથી નાસી છૂટ્યા હતા. કારંજ પોલીસ મથકમાં આઠેક શખસ વિરુદ્ધ ખૂન તથા રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શહેરના વરિષ્ઠ અધિકારીઓએ જુદી જુદી ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા દોડધામ મચાવી મૂકી હતી.

ઘાતક શસ્ત્રોથી સજ્જ ટોળકીએ અધિકારીને જાહેરમાં રહેંસી નાંખ્યા
ગુજરાત રાજ્યનું ત્યારે નકશામાં નામોનિશાન ન હતું. બૃહદ મુંબઈ રાજ્યમાં ત્યારે ગુજરાતનો સમાવેશ થતો હતો. આજથી સાડા છ દાયકા એટલે કે 65 વર્ષો પૂર્વે અમદાવાદ શહેરના ભદ્ર વિસ્તારમાં ઘાતક શસ્ત્રોથી સજ્જ ટોળકીએ કેન્દ્ર સરકારના આ અધિકારીને દિનદહાડે રહેંસી નાખ્યા હતા. સમગ્ર રાજ્યમાં ત્યારે હત્યાની આ ઘટનાએ ‘ભંડારી ખૂન કેસ’ નામથી જબરદસ્ત સનસનાટી મચાવી મૂકી હતી.

થોકબંધ ટોળા સુનાવણી સાંભળવા અદાલત પરિસરમાં ઉમટ્યાં
આ કેસમાં કારંજ પોલીસે પાંચ શખસોની ધરપકડ કરી હતી, જેમાં (1) મધુકાંત હીરાલાલ લાખિયા (2) છનાભાઈ માનાભાઈ સોલંકી (3) અંબાલાલ બાપાલાલ મોદી (4) કમલકાંત દેવશંકર (5) સોમનાથ જેઠાલાલનો સમાવેશ થયો હતો. ભદ્ર વિસ્તારની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અદાલતના ન્યાયાધીશ બંસીલાલ વકીલ સમક્ષ સનસનાટી મચાવી રહેલા આ કેસની આખરી સુનાવણી નીકળી હતી. અમદાવાદ શહેરના જૂના કોટ વિસ્તાર ઉપરાંત નદીપારના સુખી-સંપન્ન વિસ્તારના પરિવારોના થોકબંધ ટોળાં સુનાવણી સાંભળવા અદાલત પરિસરમાં ઊમટી પડતા હતા. પોલીસે આ ગુનો પુરવાર કરવા રમાકાંત કલ્યાણજી નામના આરોપીને તાજના સાક્ષી તરીકે રજૂ કર્યો હતો. આ કેસનો ન્યાયાધીશ બંસીલાલ વકીલે આખરી ચુકાદો આપીને પાંચેય આરોપીને ગુનેગાર ઠરાવીને જન્મટીપની સજા ફટકારી હતી. જ્યારે બીજી બાજુ આ કેસનો ચુકાદો આવી ગયો ત્યાં સુધી નાસતા ફરતા રહેલા આરોપી સુંદરલાલ મોહનલાલને પોલીસે સારંગપુર દરવાજા પાસેથી ઝડપી લીધો હતો.

આરોપીએ પોતાને છોડી મૂકવા વિનંતી કરી
1956માં આરોપી સુંદરલાલ મોહનલાલ વિરુદ્ધના કેસની સુનાવણી ન્યાયાધીશ એમ. કે. ઠાકોર સમક્ષ નીકળી હતી. આરોપી સુંદરલાલે તેના વિરુદ્ધના ગુનાનો સાફસાફ ઇનકાર કર્યો હતો અને પોલીસે પોતાને ખોટો ફસાવી દીધો હોવાની ભારપૂર્વક રજૂઆત કરીને પોતાને છોડી મૂકવા વિનંતી કરી હતી.
(ટ્રાયલ કોર્ટે ફરમાવેલી જન્મટીપની સજા ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા પાંચેય આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વાંચો આવતા અંકે...)

X
Vedprakash bhandari murder case part 2

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી